જિમમાં પોતાનાં બાવડાં બતાવ્યાં એની ગણતરીની સેકન્ડમાં યુવક ઢળી પડ્યો

24 May, 2026 12:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઘટનાએ ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ પર વર્કઆઉટ સંબંધિત સ્વાસ્થ્યનાં જોખમો વિશે મોટી ચર્ચા જગાવી છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

સોશ્યલ મીડિયા પર એક અત્યંત ચોંકાવનારો અને હૃદયદ્રાવક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં એક યુવક જિમમાં કસરત કરવા દરમ્યાન પોતાના બાયસેપ્સ એટલે કે બાવડાંને ફુલાવીને તેની ફિટનેસ બતાવી રહ્યો હતો, પરંતુ એ પછીની ગણતરીની સેકન્ડમાં જ તે અચાનક જમીન પર ઢળી પડે છે અને તેનું મોત થાય છે. આ ઘટનાએ ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ પર વર્કઆઉટ સંબંધિત સ્વાસ્થ્યનાં જોખમો વિશે મોટી ચર્ચા જગાવી છે.

વર્કઆઉટ સેશન દરમ્યાન યુવક કસરત કર્યા બાદ પોતાનું કસાયેલું શરીર બતાવી રહ્યો હતો એવામાં તે અચાનક બેભાન થઈને જમીન પર પડતાં જિમમાં હાજર અન્ય સભ્યોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો તાત્કાલિક તેની મદદે દોડી ગયા હતા. જોકે યુવકને હોંશમાં લાવી શકાયો નહોતો. જોકે હજી સુધી મોતના ચોક્કસ તબીબી કારણની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ તેને અચાનક કાર્ડિઍક અરેસ્ટ આવ્યો હશે. 

આ વાઇરલ વિડિયોએ આજના યુવાનોમાં ઝડપી બૉડી ટ્રાન્સફૉર્મેશન (શરીર બનાવવું) અને ફિટનેસ ઇન્ફ્લુએન્સર્સને જોઈને આંધળી દોટ મૂકવાના ટ્રેન્ડ પર પણ સવાલ ઊભા કર્યા છે. સોશ્યલ મીડિયાના ચૅલેન્જિસના ચક્કરમાં યુવાનો યોગ્ય માર્ગદર્શન કે આરામ વગર આક્રમક ટ્રેઇનિંગ કરવા માંડે છે. સાચી ફિટનેસ ધીમી પ્રગતિ, સંતુલિત આહાર, પૂરતું પાણી, યોગ્ય આરામ અને પ્રોફેશનલ ટ્રેઇનરની દેખરેખ હેઠળ જ મેળવવી જોઈએ, નહીં કે શરીર પર અતિશય દબાણ લાવીને.

offbeat news offbeat videos social media healthy living health tips