SRPFની આ લેડી ઑફિસરનાં લગ્ન થશે રાષ્ટ્રપતિભવનમાં

01 February, 2025 03:38 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લાની સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF)ની મહિલા અસિસ્ટન્ટ કમાન્ડન્ટ પૂનમ ગુપ્તા દેશના સર્વોચ્ચ સ્થળ રાષ્ટ્રપતિભવનમાં સાત ફેરા લઈને પ્રભુતામાં પગલાં પાડશે.

મહિલા અસિસ્ટન્ટ કમાન્ડન્ટ પૂનમ ગુપ્તાનાં લગ્ન થશે રાષ્ટ્રપતિભવનમાં

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લાની સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF)ની મહિલા અસિસ્ટન્ટ કમાન્ડન્ટ પૂનમ ગુપ્તા દેશના સર્વોચ્ચ સ્થળ રાષ્ટ્રપતિભવનમાં સાત ફેરા લઈને પ્રભુતામાં પગલાં પાડશે. રાષ્ટ્રપતિભવનમાં ફરજ બજાવતી પૂનમનાં લગ્ન જમ્મુ-કાશ્મીરમાં કાર્યરત SRPF અસિસ્ટન્ટ કમાન્ડન્ટ અવનીશકુમાર સાથે ૧૨ ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિભવનમાં મધર ટેરેસા ક્રાઉન પરિસરમાં થશે. આ વિવાહ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે અને બીજા અનેક મહેમાનો હાજરી આપશે.

પૂનમના કામ, વ્યવહાર અને વર્તનથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઘણાં પ્રભાવિત છે એટલે જ્યારે તેમને જાણવા મળ્યું કે પૂનમનાં લગ્ન નક્કી થયાં છે ત્યારે તેમણે રાષ્ટ્રપતિભવનમાં આ લગ્ન આયોજિત કરવાની વ્યવસ્થા નક્કી કરી આપી.

આ લગ્નમાં અમુક ખાસ મહેમાનોને નિમંત્રણ આપવામાં આવ્યાં છે અને સગાંસંબંધીઓ અને મિત્રોને રાષ્ટ્રપતિભવનમાં પ્રવેશ મળે એ માટેની ઔપચારિકતા પૂરી કરવામાં આવી રહી છે.

કોઈ ઑફિસરનાં લગ્ન દેશના સર્વોચ્ચ પદ પર બિરાજિત રાષ્ટ્રપતિ જ્યાં રહે છે ત્યાં અને રાષ્ટ્રપતિની હાજરીમાં થાય એવો આ પહેલો પ્રસંગ છે.

national news madhya pradesh jammu and kashmir new delhi droupadi murmu news offbeat news