10 October, 2025 12:18 PM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
છત્તીસગઢના કવર્ધામાં ગયા રવિવારે એક ભીષણ રોડ-ઍક્સિડન્ટ થયો હતો. કલકત્તા રહેતા એક પરિવારની કાર અને ટ્રકની જોરદાર ટક્કર થઈ ગઈ. પરિવાર કાન્હા નૅશનલ પાર્ક ફરીને બિલાસપુરથી કલકત્તા ટ્રેનથી પાછો જવાનો હતો. જોકે બિલાસપુર પહોંચતાં પહેલાં જ એક અકસ્માતે ઘણુંબધું બદલી નાખ્યું. ટક્કર એટલી ભયાનક હતી કે ઘટનાસ્થળે જ પાંચ લોકોનાં મૃત્યુ થઈ ગયાં. એમાં નાનકડી આદિત્રી અને તેની મમ્મી પણ હતાં. બુધવારે સાંજે કવર્ધામાં આદિત્રીના પિતાએ દીકરી અને પત્નીના અગ્નિસંસ્કાર કર્યા હતા. જોકે પત્ની અને દીકરીને એકસાથે ગુમાવનારા પિતા બુધવારે એટલે કે આઠમી ઑક્ટોબરે દીકરીના જન્મદિવસે જ છેલ્લી વિદાય આપવાની વાતે ખૂબ ઢીલા પડી ગયેલા. આસપાસના સ્વજનો અને લોકોને એની ખબર પડતાં તેમણે પિતા દીકરીનો જન્મદિવસ મનાવી શકે એવી વ્યવસ્થા કરી. અંતિમક્રિયા કરતાં પહેલાં ચિતાની આસપાસ ફુગ્ગાની સજાવટ કરી અને એની પાસે નાની કેક પણ મૂકી. પિતાએ દીકરીનો જન્મદિવસ છેલ્લી વાર મનાવ્યો ત્યારે સાવ જ ભાંગી પડ્યા. એ પછી તેમણે દીકરી અને પત્નીને અંતિમ વિદાય આપી હતી.