03 February, 2025 11:29 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં રડવાનું નાટક કરતા સંસદસભ્ય અવધેશ પ્રસાદ.
ઉત્તર પ્રદેશના અયોધ્યા નજીક આવેલા ફૈઝાબાદમાં બાવીસ વર્ષની એક દલિત યુવતી પર બળાત્કાર કરીને તેની હત્યા કરવાના મામલામાં ગઈ કાલે સમાજવાદી પાર્ટીના સ્થાનિક સંસદસભ્ય અવધેશ પ્રસાદે પ્રેસ-કૉન્ફરન્સમાં રડવાનું નાટક કર્યું હતું. યુવતીને ન્યાય આપવામાં નહીં આવે તો પોતે સંસદસભ્યના પદેથી રાજીનામું આપી દેશે એવું તેમણે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું.
સંસદસભ્ય અવધેશ પ્રસાદે કહ્યું હતું કે ‘હું દલિત યુવતીને ન્યાય મળે એ માટે વડા પ્રધાનને મળીશ. આપણે આપણી દીકરીઓને બચાવવામાં નિષ્ફળ રહ્યા છીએ. આપણી પુત્રીઓ સાથે આવું કેમ થઈ શકે?’
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને આરોપીઓને કડક સજા કરવાનું આશ્વાસન આપ્યું છે. જોકે તેમણે ફૈઝાબાદના સંસદસભ્ય અવધેશ સિંહના રડવાને ડ્રામા ગણાવતાં કહ્યું હતું કે બળાત્કાર અને હત્યાના આ મામલાની તપાસમાં ટૂંક સમયમાં સમાવાદી પાર્ટીના કોઈ નેતાનું નામ સામે આવશે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે દલિત યુવતીની મિસિંગની ફરિયાદ નોંધવામાં આવ્યા બાદના બીજા દિવસે યુવતીનો પગ બાંધેલી હાલતમાં નગ્ન મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને તાબામાં લઈને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આ મામલામાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી.