૧૦ વર્ષમાં ૨૫ લગ્ન

29 July, 2024 08:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર-ગુજરાત સહિત પાંચ રાજ્યની એકલી રહેતી કે છૂટાછેડા લેનારી મહિલાઓને મૅટ્રિમોનિયલ વેબસાઇટના માધ્યમથી ફસાવી લગ્ન કરીને લાખો રૂ​પિયાના માલ સાથે પલાયન થનારા પુરુષની ધરપકડ

આરોપી નિયાઝ શેખ.

નાલાસોપારા પોલીસે કલ્યાણમાંથી ૪૩ વર્ષના ફિરોઝ નિયાઝ શેખ નામના આરોપીની ત્રણ દિવસ પહેલાં ધરપકડ કરી છે, જે એક-બે નહીં પણ પચીસ મહિલા સાથે લગ્ન કરીને તેમની કીમતી વસ્તુ અને કૅશ સાથે ફરાર થઈ જતો હોવાનું જાણવા મળ્યું હતું. નાલાસોપારામાં રહેતી એક મહિલાએ માર્ચ મહિનામાં આરોપી ફિરોઝ શેખે પોતાની સાથે લગ્ન કરીને બાદમાં ૬.૫ લાખ રૂપિયાની કિંમતના લૅપટૉપ, મોબાઇલ અને કૅશની તફડંચી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. નાલાસોપારા પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી હતી. આરોપીના મોબાઇલને ટ્રેસ કરવાથી તે કલ્યાણમાં છુપાયો હોવાની જાણ થતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

નાલાસોપારા પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર હર્ષલ રાઉતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી ફિરોઝ શેખે ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં નાલાસોપારામાં રહેતી ફરિયાદી મહિલાનો સંપર્ક જાણીતી મૅ​ટ્રિમોનિયલ વેબસાઇટથી કર્યો હતો. મહિલા આરોપીની વાતમાં આવી ગઈ હતી એટલે તેની સાથે લગ્ન કર્યાં હતાં. મહિલા એકલી રહે છે એટલે આરોપી તેના ઘરે રહેવા લાગ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી આરોપી મહિલાના ઘરમાં રહ્યો હતો. માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં તે જ્વેલરી, લૅપટૉપ, મોબાઇલ, બૅન્કની ચેકબુક અને કૅશ સહિત કુલ ૬.૫૦ લાખ રૂપિયાની માલમતા સાથે પલાયન થઈ ગયો હતો.’

આરોપીએ ૨૦૧૩માં પુણેની એક મહિલાને પણ નાલાસોપારાની મહિલાની જેમ જ ફસાવી હતી અને પલાયન થઈ ગયો હતો. બાદમાં તેની ધરપકડ થઈ હતી અને કોર્ટે તેને ૧૦ વર્ષની સજા કરી હતી. ગયા વર્ષે તે જામીન પર છૂટ્યો હતો અને ફરી મહિલાઓને ફસાવવાનું શરૂ કર્યું હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે. સબ-ઇન્સ્પેક્ટર હર્ષલ રાઉતે આ વિશે કહ્યું હતું કે ‘અમારી અત્યાર સુધીની પૂછપરછમાં જણાયું છે કે આરોપી મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો વતની છે અને તેના પરિવારમાં કોઈ નથી. તે એકલો છે એટલે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, દિલ્હી વગેરે સ્થળોએ રહેતી મહિલાઓને લગ્નની જાળમાં ફસાવીને તેમની સાથે રહેતો હતો. તેણે આવી રીતે પચીસ જેટલી મહિલાઓને ફસાવી હોવાની શક્યતા છે. મહિલાઓ સાથે તે મીઠી વાતો કરવાની સાથે જીવનભર સાથ ​નિભાવવાનું કહેતો એટલે મહિલાઓ તેની જાળમાં ફસાઈ જતી હતી. અમે તેની પાસેથી ૩.૧૫ લાખ રૂપિયાની માલમતા જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.’
આરોપી નિયાઝ શેખ પુણેની જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ પલાયન થઈ ગયો હતો એટલે તેની સામે ​બિનજામીનપાત્ર વૉરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આથી નાલાસોપારા પોલીસની કસ્ટડી પૂરી થયા બાદ પુણે પોલીસ તેનો તાબો લઈ શકે છે.

mumbai news mumbai nalasopara mumbai police Crime News mumbai crime news