ત્રાહિમામ્ : મુંબઈ ૩૭.૩ ડિગ્રી

05 December, 2024 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૬ વર્ષે ડિસેમ્બરનો સૌથી હૉટેસ્ટ ડે : મિનિમમ અને મૅ​ક્સિમમ ટેમ્પરેચર વચ્ચે ૧૨ ડિગ્રીનો ઊંચો તફાવત

પ્રતીકાત્મક તસવીર

હજી ગયા અઠવાડિયે મુંબઈગરાઓ ફુલ ગુલાબી ઠંડી માણી રહ્યા હતા અને ૨૯ નવેમ્બરે ગયા શુક્રવારે સીઝનનું સૌથી ઓછું તપામન ૧૬.૫ ડિગ્રી નોંધાયું હતું ત્યારે ગઈ કાલે મુંબઈના સાંતાક્રુઝમાં પારો ૩૭.૩ ડિગ્રી પહોંચી જતાં મુંબઈગરા હેરાનપરેશાન થઈ ગયા હતા. છેલ્લાં ૧૬ વર્ષમાં ડિસેમ્બર મહિનામાં નોંધાયેલું આ સૌથી વધુ તાપમાન હતું. આ પહેલાં ૨૦૦૮માં પાંચ ડિસેમ્બરે સાંતાક્રુઝ ઑબ્ઝર્વેટરીમાં ૩૭.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું એમ હવામાન ખાતાનાં ડૉ. સુષ્મા નાયરે જણાવ્યું હતું.

સાંતાક્રુઝ ઑબ્ઝર્વેટરીમાં સવારે ૬ વાગ્યે જ્યારે ​મિનિમમ તાપમાન લેવાય છે એ ૨૫.૫ ડિગ્રી હતું અને બપોરે એ ૩૭.૩ ડિગ્રી પર પહોંચી ગયું હતું. આમ મૅક્સિમમ અને મિનિમમ ટેમ્પરેચરમાં ૧૨ ડિગ્રીનો તફાવત જોવા મળ્યો હતો. હવામાન ખાતાના કોલાબા સેન્ટરમાં મૅક્સિમમ અને મિનિમમ તાપમાન અનુક્રમે ૩૫ ડિગ્રી અને ૨૫.૮ ડિગ્રી રહ્યું હતું.  મુંબઈના કેટલાક વિસ્તારોમાં અને મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ ગઈ કાલે છૂટોછવાયો વરસાદ પણ પડ્યો હતો. ફેંગલ વાવાઝોડાની અસરને કારણે આ વરસાદ આવ્યો હોવાનું હવામાન ખાતાએ 
જણાવ્યું હતું.

mumbai news mumbai Weather Update mumbai weather indian meteorological department santacruz