વીમાનો બનાવટી દાવો માંડવાના કેસમાં ઘાટકોપરના વેપારીને ૧૫ વર્ષ પછી કોર્ટે દોષી જાહેર કર્યો

11 October, 2025 12:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેતરપિંડી કરીને વીમા-કંપની પાસેથી ૨૧.૯૨ લાખ રૂપિયા પડાવી લીધા હતા, કોર્ટે ૪ વર્ષની જેલની સજા કરી અને ૨૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

પ્રતીકાત્મક તસવીર

૨૦૧૦માં આગનો બનાવટી દાવો માંડીને નૅશનલ ઇન્શ્યૉરન્સ કંપની સાથે છેતરપિંડી કરવાના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની સ્પેશ્યલ કોર્ટે ગુરુવારે ચુકાદો આપ્યો હતો. કોર્ટે ઘાટકોપરના વેપારી પ્રવીણ ડાઘાને અધિકારીઓ સાથે મળીને છેતરપિંડી કરવા બદલ દોષી ઠેરવ્યો હતો. જોકે પુરાવાના અભાવે અધિકારીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલે ન્યાયાધીશ અમિત ખારકરે પ્રવીણ ડાઘાને ૪ વર્ષની જેલની સજા ફટકારી હતી અને ૨૫ લાખ રૂપિયાનો દંડ કર્યો હતો.

આ મામલે CBIની કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીએ ઇન્શ્યૉરન્સ એજન્સીનો દુરુપયોગ કરીને એને ગેરમાર્ગે દોરી હોવાનો ચુકાદો આપ્યો હતો તેમ જ નૅશનલ ઇન્શ્યૉરન્સ કંપની દ્વારા આપવામાં આવેલી રકમનો ખોટી રીતે ઉપયોગ કર્યો હોવાનું પણ કહ્યું હતું.

શું હતો ઘટનાક્રમ?

CBIના ફરિયાદી સંદીપ સિંહની કોર્ટમાં રજૂ કરેલી વિગતો પ્રમાણે પ્રવીણ ડાઘાએ માર્ચ ૨૦૧૦થી માર્ચ ૨૦૧૧ દરમ્યાન કુર્લાના બેલબજારમાં આવેલા વીએચ કૅમ્પ ખાતેની તેમની ૩ દુકાનો માટે પ્રવીણ ઍન્ડ કંપનીના નામે એક કરોડ રૂપિયાની વીમા રકમની ફાયર ઍન્ડ સ્પેશ્યલ પેરિલ્સ પૉલિસી લીધી હતી. દરમ્યાન ૨૦૧૦ની બાવીસ નવેમ્બરે કુર્લાની દુકાનમાં આગ લાગી હોવાની માહિતી આપીને વીમાની રકમ મેળવવા માટે દાવો કરવામાં આવ્યો હતો. જોકે આ મામલાની વિગતવાર તપાસ કરવામાં આવતાં એ સમયે કુર્લામાં કોઈ જગ્યાએ આગ લાગી ન હોવાનું પ્રકાશમાં આવ્યું હતું તેમ જ વીમાની રકમ મેળવવા માટે નવી મુંબઈમાં લાગેલી આગના દસ્તાવેજો પર માત્ર ઍડ્રેસ બદલીને વીમાની રકમ મેળવી લેવામાં આવી હોવાની ખબર પડી હતી. આ મામલે ઇન્શ્યૉરન્સ કંપનીના તત્કાલીન વહીવટી અધિકારી પ્રશાંત માને, અસિસ્ટન્ટ મૅનેજર ઉષા કોસંબી અને ડિવિઝનલ મૅનેજર હેમલતા શેટ્ટી સામે પણ ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

ghatkopar anti corruption bureau central bureau of investigation Crime News mumbai crime news mumbai mumbai news