મારા પપ્પાએ મને તેમના ખભે બેસાડીને ઉછેરી છે મેં પપ્પાને કાંધ અને અગ્નિદાહ આપીને તેમનું ઋણ અદા કર્યું છે

10 September, 2025 08:31 AM IST  |  Mumbai | Rohit Parikh

આ શબ્દો છે મુલુંડની જૈન યુવતી રિદ્ધિ સંઘવી ડગલીના

મુલુંડની હિન્દુ સ્મશાનભૂમિમાં મહેશ સંઘવીના પાર્થિવ દેહ પર ઘી ચોપડી રહેલાં અને અગ્નિદાહ આપી રહેલાં રિદ્ધિ અને ધર્મિન.

સામાન્ય રીતે ધાર્મિક પરંપરાઓ અનુસાર અંતિમયાત્રામાં કાંધ આપવા અને અગ્નિદાહ આપવાનું કાર્ય દીકરાઓ દ્વારા કરવામાં આવે છે. જોકે મુલુંડ-વેસ્ટના વર્ધમાનનગરમાં રહેતી રિદ્ધિ અને તેના પતિ ધર્મિન ડગલીએ ગઈ કાલે રિદ્ધિના ૬૭ વર્ષના પિતા મહેશ સંઘવીને કાંધ અને અગ્નિદાહ આપીને દીકરાની ફરજ નિભાવીને દીકરો-દીકરી એકસમાન હોવાના ઉચ્ચ વિચારને સમાજ સમક્ષ ચરિતાર્થ કર્યો હતો. સંઘવી અને ડગલી પરિવારે રિદ્ધિની હિંમત અને પિતા પ્રત્યેની અતૂટ લાગણીને ખૂબ જ બિરદાવી હતી. 

કેમિકલનો બિઝનેસ કરતા ઘોઘારી વીસા શ્રીમાળી જૈન મહેશ સંઘવી છેલ્લા થોડા મહિનાઓથી બીમાર હતા. એ સમયે પણ તેમની એકની એક દીકરી રિદ્ધિએ પપ્પાની સેવા કરવામાં જરાય કચાશ નહોતી રાખી. રિદ્ધિ તેના પપ્પાની સેવામાં રાત-દિવસ ખડે પગે ઊભી હતી. ઘર હોય કે હૉસ્પિટલ, રિદ્ધિ તેના પપ્પાના પડખે જ રહેતી હતી. બાપ-દીકરી વચ્ચે નાનપણથી જ અનોખું બંધન હતું. મહેશભાઈએ રિદ્ધિનો ઉછેર પણ દીકરાની જેમ જ કર્યો હતો. ગઈ કાલે રિદ્ધિ અને તેના પતિ ધર્મિને મહેશભાઈને કાંધ અને અગ્નિદાહ આપીને એ વાતનો સચોટ પુરાવો આપ્યો હતો કે દીકરી અને જમાઈ પણ દીકરાઓની જેમ જ દરેક જવાબદારી પૂરી કરી શકે છે.

મારા માટે મારા પપ્પાના પ્રેમને શબ્દોથી વર્ણવી શકાય એમ નથી એમ જણાવતાં રિદ્ધિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પપ્પા નાનપણથી મારો પડ્યો બોલ ઝીલતા હતા. તેમણે ક્યારેય મને કોઈ વાતમાં નારાજ કરી નથી. મારા પપ્પા સદાય પરિવારજનો માટે અને અન્ય લોકો માટે ખડેપગે ઊભા રહેતા હતા. તેઓ એકદમ સાલસ અને હસમુખા સ્વભાવના હતા. મારા પપ્પાએ મને તેમના ખભે બેસાડીને ઉછેરી છે. મેં પપ્પાને કાંધ આપીને તેમનું ઋણ અદા કર્યું છે. મને પપ્પા ગુમાવ્યાનું દુઃખ ખૂબ જ છે, પણ એનાથી વધારે આનંદ મારા કાકા અને અન્ય પરિવારજનોએ મને અને મારા પતિને સામેથી કાંધ અને અગ્નિદાહ આપવાની પરવાનગી આપી એનાથી થયો હતો. અમે બન્નેએ અમારા જૈન ધર્મ પ્રમાણે પપ્પાના અંતિમસંસ્કારની બધી જ વિધિ સાથે રહીને કરી હતી.’

mulund jain community gujaratis of mumbai gujarati community news news mumbai mumbai news culture news