ટીનેજરની ડિલિવરી કરાવીને નવજાત શિશુને વેચવાની કોશિશ

09 June, 2026 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માલેગાવની ઘટના ૪ ડૉક્ટર સહિત કુલ ૧૧ જણ વિરુદ્ધ FIR નોંધાયો

પ્રતીકાત્મક તસવીર

નાશિકના માલેગાંવમાં મેડિકલ ક્ષેત્રને કાળી ટીલી લગાડતી ઘટના સામે આવી છે જેમાં ૧૬ વર્ષની ટીનેજરની પ્રાઇવેટ હૉસ્પિટલમાં ડિલિવરી કરાવી તેના નવજાત શિશુને વેચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ મામલે ચાર ડૉક્ટર સહિત કુલ ૧૧ જણ વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો હતો.

મળેલી માહિતી મુજબ નાશિકની જનરલ હૉસ્પિટલના મેડિકલ સુપરવાઇઝર ડૉક્ટરે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ ૧૬ વર્ષની ટીનેજર સાથે એક વ્યક્તિએ શારીરિક સંબંધ બાંધીને તેને ગર્ભવતી કરી હતી અને તે પ્રેગ્નન્ટ થતાં તેને ડિલિવરી માટે હૉ​સ્પિટલમાં દાખલ કરાઈ હતી. તે ટીનેજર હોવાની જાણ હોવા છતાં તેની માહિતી પોલીસ અને મેડિકલ ઑથોરિટીને કરાઈ નહોતી જેને પગલે ચાર ડૉક્ટરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સિવાય નવજાત શિશુને વેચવાનો પ્રયત્ન કરાયો હોવાનું પણ પોલીસને તપાસ દરમ્યાન જણાયું હતું. પોલીસે બાળક વેચવામાં સંડોવાયેલા ૭ લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી આરંભી છે.  

malegaon nashik mumbai mumbai news cyber crime maharashtra news maharashtra