04 October, 2025 08:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પહેલા તબક્કામાં ૮ રૂટ પર વૉટર ટ્રાન્સપોર્ટ ચાલુ કરવામાં આવશે
મુંબઈગરાઓ માટે લાઇફલાઇન કહેવાતી લોકલ ટ્રેન, બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) બસ તેમ જ મેટ્રો તો ચાલુ જ છે પણ એમ છતાં ભીડ ઓછું થવાનું નામ નથી લેતી. એટલે હવે પબ્લિક ટ્રાન્સપોર્ટના વધુ એક વિકલ્પ તરીકે વૉટર મેટ્રો પર વિચારણા ચાલી રહી છે. કેરલાની કોચી મેટ્રો રેલ લિમિટેડે ૨૦૨૩માં પહેલી વૉટર મેટ્રો ચાલુ કરી હતી જેમાં બોટથી મુસાફરોની ફેરી સર્વિસ ચલાવાય છે. હવે રાજ્ય સરકારે મુંબઈમાં પણ એવી વૉટર મેટ્રોની વ્યવસ્થા કરવા કોચી મેટ્રો રેલ લિમિટેડની કન્સલ્ટન્ટ તરીકે નિયુક્તિ કરી છે.
મુંબઈ વૉટર મેટ્રોમાં હાઇબ્રિડ બોટનો સમાવેશ કરવામાં આવશે જેમાં અન્ય ફ્યુઅલ સાથે ઇલેક્ટ્રિક બૅટરી પણ રાખવામાં આવશે. પહેલા તબક્કામાં ૮ રૂટ પર વૉટર ટ્રાન્સપોર્ટ ચાલુ કરવામાં આવશે. બોટમાં પૅસેન્જર્સ માટે મોકળાશભરી સિટિંગ અરેન્જમેન્ટ્સ, AC કોચ, સેફ્ટી ધરાવતાં એન્ટ્રી-એક્ઝિટ રાખવામાં આવશે. દરેક સ્ટૉપેજ પર આધુનિક ટર્મિનલ ઊભું કરવામાં આવશે જે મેટ્રો સ્ટેશનની જેમ જ ફુલ્લી AC હશે અને સ્વચ્છ હશે. ટિકિટ ખરીદવા મોબાઇલ ઍપ, QR કોડ, બુકિંગ સાથે જ કૉમન કાર્ડથી પણ ટિકિટ કઢાવી શકાશે. એક જ કાર્ડ લોકલ, મેટ્રો અને હવે વૉટર મેટ્રોમાં પણ વાપરી શકાશે.
પહેલા ફેઝમાં નરીમાન પૉઇન્ટથી બાંદરા અને પછી બાંદરાથી વર્સોવા, મીરા-ભાઈંદરથી વસઈ, ગેટવે ઑફ ઇન્ડિયાથી માંડવા, કલ્યાણને પણ વૉટર મેટ્રોથી જોડવામાં આવશે. મુંબઈગરાઓ માટે કામધંધે આવવા-જવા જે રીતે આ વૉટર મેટ્રો ઉપયોગી થઈ પડશે એ જ રીતે ટૂરિસ્ટોને પણ અલગ-અલગ જગ્યાએ જવા માટે આ મેટ્રો આરામદાયક અને ઝડપી પ્રવાસ માટે મહત્ત્વની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બની રહેશે.