30 September, 2025 07:35 AM IST | Mumbai | Rohit Parikh
વ્હીલચૅર પર ગરબા રમવા પહોંચેલા મુંબઈ અને નવી મુંબઈના દિવ્યાંગો તેમના મિત્રો અને પરિવારજનો સાથે.
ગયા ગુરુવારે ત્રીસથી ૫૦ વર્ષની ઉંમરના ૧૪ ગુજરાતી અને બિનગુજરાતી દિવ્યાંગોએ ફાલ્ગુની પાઠકના સથવારે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત રેડિયન્સ દાંડિયામાં ધમાલમસ્તી કરી હતી. તેઓ મિત્રો, પરિવારજનો અને ફેમસ ડાન્સર-જજ નમિતા ઠક્કર તથા પ્રશાંત ઠક્કરની સાથે વ્હીલચૅર પરના આ ખેલૈયા ગરબા રમવા પહોંચી ગયા હતા. તેમને જોઈને ત્યાં રમી રહેલા અન્ય ખૈલેયાઓ દંગ રહી ગયા હતા અને અતિઉત્સાહ સાથે તેમની સાથે ગરબા અને દાંડિયા રમવા જોડાયા હતા. આ દિવ્યાંગોએ કહ્યું હતું કે ‘વ્હીલચૅર પર આવેલા ગ્રુપને રંગબેરંગી પ્રસંગને અનુરૂપ વસ્ત્રપરિધાનમાં રમતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતો અને પ્રેક્ષકોનો ઉત્સાહ વધ્યો હતો. અમારામાં પણ જોશ હતો અને અમને જોઈ રહેલા પ્રેક્ષકોમાં પણ જોશ જોવા મળતો હતો. બધા ખાસ અમારી સાથે નાચવા માટે આવી રહ્યા હતા.’
ઘાટકોપરની બિઝનેસવુમન શ્વેતા મહેતાએ આ બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા બધાની ઓળખાણ એક બિનસરકારી સંસ્થા નીના ફાઉન્ડેશનમાં થઈ હતી. ત્યારથી અમે બહુ જ નિકટ આવી ગયા છીએ. બે વર્ષ પહેલાં અમે પાંચ જણ ગરબા રમવા ગયા હતા. જોકે આ નવરાત્રોત્સવમાં અમે બધાએ એકસાથે ગરબા રમવા જવાનો નિર્ણય કરીને વ્હીલચૅર પર બેસીને ગરબા રમવા ગયા હતા. મારી સાથે માટુંગાથી હીરલ શાહ અને કેતના મહેતા, વિલે પાર્લેથી સુનીતા સંચેતી, માહિમથી નીનુ કેલવાની, મુલુંડથી બીજોલી શાહ, દાદરથી હર્ષદ શિંદે, કાંદિવલીથી નિકુંજ ભુતા અને હાર્દિક ધોળકિયા, ખારથી મધુ, ગ્રાન્ટ રોડથી રિતુ તિવારી, નવી મુંબઈના નેરુલથી નેહલ ઠક્કર અને અનુપ ચંદ્રન તથા ખારઘરથી અલ્પા આ ઇવેન્ટને માણવા આવ્યાં હતાં. અમે નવરાત્રોત્સવને અનુરૂપ વસ્ત્રપરિધાન કરીને ગયાં હતાં. અમે ખૂબ જ સુંદર લાગતાં હતાં. વ્હીલચૅર એ એક ઍક્સેસરી હતી. આ બધાં દિવ્યાંગો અલગ-અલગ ફીલ્ડ સાથે સંકળાયેલાં છે. તેઓ દિવ્યાંગ હોવા છતાં ખૂબ જ ઉત્સાહી છે. અમે સાથે ક્રૂઝ પર ફરવા ગયા છીએ અને નવી-નવી જગ્યાઓ શોધતા રહીએ છીએ. બધા શિક્ષિત છે. ઘણાનો પોતાનો વ્યવસાય છે અને થોડા લોકો નોકરી કરે છે. બધા આર્થિક રીતે ખૂબ જ સ્વતંત્ર છે. તેમની પાસે પોતાની કાર છે. એમાંના ઘણા પોતાની કાર ચલાવે છે તેથી મુસાફરી કરવી ખૂબ જ સરળ બને છે.’