07 December, 2025 06:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણેના લાલ બહાદુર શાસ્ત્રી (LBS) માર્ગ પર તીન હાથ નાકા નજીક રહેતા ૫૦ વર્ષના ગુજરાતી વેપારીએ મહાનગર ગૅસ લિમિટેડ (MGL)નું ભરેલું બિલ ઑનલાઇન અપડેટ કરવા જતાં સાઇબર ફ્રૉડમાં ૭,૯૧,૫૪,૨૪૮ રૂપિયા ગુમાવ્યા હતા. આ મામલે થાણેના નૌપાડા પોલીસે શુક્રવારે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ૧ ડિસેમ્બરની રાતે સાડાનવ વાગ્યે ગૅસનું બિલ ન ભર્યું હોવાથી ગૅસ-લાઇન કાપી નાખવામાં આવશે એવો દાવો કરતો એક મેસેજ વેપારીને મળ્યો હતો. એમાં વધુ માહિતી માટે જે નંબર આપવામાં આવ્યો હતો એના પર સંપર્ક કરવામાં આવતાં સામેવાળી વ્યક્તિએ વેપારીને વૉટ્સઍપ પર ઍન્ડ્રૉઇડ પૅકેજ કિટ (APK) મોકલી તેનો ફોન હૅક કરીને બૅન્ક-ખાતામાંથી પૈસા ઉપાડી લીધા હતા. આ મામલે થાણે સાઇબર વિભાગ પણ જૉઇન્ટ-તપાસ કરી રહ્યો છે.
શું હતો ઘટનાક્રમ?
થાણેના તીન હાથ નાકા નજીકના એક બિલ્ડિંગમાં રહેતા અને અનાજના વ્યવસાય સાથે જોડાયેલા એક વેપારીને ૧ ડિસેમ્બરે સાંજે MGL તરફથી એક મેસેજ મળ્યો હતો જેમાં બિલ ન ભરવામાં આવતાં રાતે સાડાનવ વાગ્યે ગૅસ-કનેક્શન કાપી નાખવામાં આવશે એવો દાવો કરવામાં આવ્યો હતો અને જો બિલ ભરેલું હોય તો એને અપડેટ કરવાનું કહેવામાં આવ્યું અને સાથે એક નંબર પણ આપવામાં આવ્યો હતો.
એકાએક ગૅસ-કનેક્શન કપાઈ જશે તો પરિવાર મોટી મુશ્કેલીમાં ફસાઈ જશે એવું વિચારીને વેપારીએ તાત્કાલિક તેમણે આપેલા નંબર પર ફોન કર્યો હતો. સામેવાળી વ્યક્તિએ પોતાની ઓળખ MGLના અધિકારી તરીકે આપીને બિલ અપડેટ કરવા માટે Mahanagar Gas Bill Update Online signed.apkની લિન્ક વૉટ્સઍપ પર મોકલીને એમાં માહિતી ભરવાનું કહ્યું હતું.
વેપારીએ તાત્કાલિક વૉટ્સઍપ પર મળેલી લિન્ક પોતાના ફોનમાં ખોલીને એમાં પોતાની તમામ માહિતીઓ ભરી હતી. ત્યાર બાદ સામેવાળી વ્યક્તિએ બિલ અપડેટ કરવા માટે ૧૫ રૂપિયાનું પેમેન્ટ કરવાનું કહ્યું હતું.
સામેવાળી વ્યક્તિ MGLનો અધિકારી છે એવું માનીને વેપારીએ ૧૫ રૂપિયા ઑનલાઇન પેઇડ કરી દીધા હતા. ત્યાર બાદ થોડી વારમાં જ તેમના બૅન્ક-ખાતામાંથી ૭ લાખ રૂપિયા કપાયા હોવાનો મેસેજ મળ્યો હતો.
ત્યાર બાદ બૅન્ક-ખાતામાં વધુ તપાસ કરતાં મોટા પ્રમાણમાં ટ્રાન્ઝૅક્શન થયાં હોવાની જાણકારી મળી હતી. એમાં કુલ ૭,૯૧,૫૪,૨૪૮ રૂપિયા ઊપડી ગયા હોવાની માહિતી મળી હતી. અંતે છેતરપિંડી થયા હોવાની ખાતરી થતાં વેપારીએ પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે સ્થાનિક પોલીસ સહિત થાણેનો સાઇબર વિભાગ પણ જૉઇન્ટ તપાસ કરી રહ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર વેપારીએ પોતાના મોબાઇલમાં જે APK લિન્ક ખોલી હતી એમા તેનો મોબાઇલ હૅક થઈ ગયો હતો જેની મદદથી આરોપીઓએ પૈસા ઉપાડી લીધા હતા.