24 May, 2026 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉમ્બે હાઈ કોર્ટ
બૉમ્બે હાઈ કોર્ટે મુલુંડના કાલિદાસ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ મામલે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે કથિત રીતે ગેરકાયદે બાંધકામોને પણ યોગ્ય કાનૂની પ્રક્રિયા અનુસર્યા વિના તોડી શકાય નહીં. ધનરાજ હૉસ્પિટૅલિટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમ્યાન ગઈ કાલે કોર્ટે BMC દ્વારા ૧૬ મેએ હાથ ધરવામાં આવેલી ડિમોલિશન ઝુંબેશ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. હાઈ કોર્ટે મૌખિક ટિપ્પણી કરતાં જણાવ્યું કે BMCના અધિકારીઓ કાયદો પોતાના હાથમાં લઈ શકે નહીં. આ સાથે જ કોર્ટે અરજદારને કોઈ પણ આગામી કડક કાર્યવાહી સામે વચગાળાનું રક્ષણ પૂરું પાડ્યું હતું.
અરજદાર ધનરાજ હૉસ્પિટૅલિટી વતી વકીલ વેન્કટેશ્વર ધોંડ, નીતેશ ભુતેકર અને ડૉ. ક્ષિતિજા વાડતકર કોર્ટમાં હાજર રહ્યાં હતાં. તેમણે દલીલ કરી હતી કે BMCના અધિકારીઓએ BMC ઍક્ટની કલમ 351 અથવા 354A હેઠળ કોઈ પણ પ્રકારની ફરજિયાત નોટિસ આપ્યા વિના, સુનાવણીની તક આપ્યા વગર કે કોઈ લેખિત આદેશ વિના સીધું જ બુલડોઝર ફેરવી દીધું હતું. અરજીમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભૂતપૂર્વ સંસદસભ્યે આ પરિસરની મુલાકાત લઈ, વિડિયો શૂટ કરીને કરોડો રૂપિયાના કૌભાંડ અને ગેરકાયદે પ્રવૃત્તિઓના જાહેરમાં આક્ષેપો કર્યા બાદ BMC દ્વારા આ ઉતાવળિયું પગલું ભરવામાં આવ્યું હતું.
બીજી તરફ ધનરાજ હૉસ્પિટૅલિટી કંપનીએ કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે આ સંકુલ BMCનું જ છે, પરંતુ એ એક પબ્લિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત થાય છે જેના અધ્યક્ષ મેયર છે. ૨૦૨૧માં ટેન્ડર પ્રક્રિયા દ્વારા સફળ બિડર બન્યા બાદ કંપનીએ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મૅરેજ હૉલ અને કૅફેટેરિયાના આધુનિકીકરણ માટે આશરે ૧૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને ટૅક્સ સહિતની રૉયલ્ટી ચૂકવી હતી. બૅડ્મિન્ટન કોર્ટને લગ્નના હૉલમાં ફેરવવાના આરોપોને નકારી કાઢતાં અરજદારે કહ્યું કે આ બધું ટેન્ડરની શરતો મુજબ જ હતું. હાઈ કોર્ટે હવે અધિકારીઓને આગામી બે દિવસમાં પરિસરનું નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે અને ત્યાં અગાઉથી નિર્ધારિત લગ્નપ્રસંગોમાં ખલેલ ન પહોંચાડવા જણાવ્યું છે. આ કેસની આગામી સુનાવણી ૨૩ જૂને કરવામાં આવશે.