13 November, 2025 09:44 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
પાકિસ્તાની તાલિબાન જૂથે ઇસ્લામાબાદમાં થયેલા કારવિસ્ફોટની જવાબદારી લીધી હતી, જેમાં ઓછામાં ઓછા ૧૨ લોકોએ જીવ ગુમાવ્યો હતો. પાકિસ્તાની તાલિબાનને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) તરીકે ઓળખવામાં આવે છે. એક નિવેદનમાં TTPએ જણાવ્યું હતું કે અમારા લડવૈયાએ ઇસ્લામાબાદમાં ન્યાયિક પંચ પર હુમલો કર્યો હતો. પાકિસ્તાનના બિનઇસ્લામિક કાયદાઓ હેઠળ ચુકાદા આપનારા ન્યાયાધીશો, વકીલો અને અધિકારીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. મુસ્લિમ બહુમતી ધરાવતા દેશમાં ઇસ્લામિક શરિયા કાયદો લાગુ ન થાય ત્યાં સુધી વધુ હુમલાઓ કરવામાં આવશે એવી ધમકી પણ આપવામાં આવી છે.
પાકિસ્તાનના ગૃહપ્રધાન મોહસિન નકવીએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ કોર્ટના પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એમ કરવામાં નિષ્ફળ જતાં પોલીસના વાહનને નિશાન બનાવ્યું હતું. બીજી તરફ સંરક્ષણપ્રધાને કહ્યું હતું કે આતંકવાદી હુમલાઓથી દેશ યુદ્ધની સ્થિતિમાં મુકાઈ ગયો છે.
આ વર્ષે જ TTP આતંકવાદીઓએ પાકિસ્તાનમાં ૬૦૦થી વધુ હુમલા કર્યા છે, જેમાં મોટા ભાગના હુમલા અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુનખ્વા પ્રદેશમાં થયા છે. આ હુમલાઓમાં સેંકડો લોકો માર્યા ગયા છે. જોકે મંગળવારનો આત્મઘાતી હુમલો ઇસ્લામાબાદને નિશાન બનાવતો સૌથી મહત્ત્વપૂર્ણ હુમલો હતો.