19 February, 2025 07:05 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
જીતની ઉજવણી લૉરેન્સના પોસ્ટર સાથે (વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ તસવીર: સોશિયલ મીડિયા)
ગુજરાતમાં મહાનગર પાલિકાની ચૂંટણીના (Gujarat Local Body Elections 2025) પરિણામો જાહેર થયા છે. જોકે આ ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી તેની ઉજવણી દરમિયાન ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના પોસ્ટર પણ કેટલાક લોકોએ બતાવ્યા હતા. ઉજવણી દરમિયાન બનેલી આ ઘટનાથી હવે રાજકીય વિવાદ સર્જાયો છે. લૉરેન્સ બિશ્નોઈના પોસ્ટર ઉજવણીમાં બતાવ્યા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ગુજરાત મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામો સોમવારે જાહેર કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ ફરી એકવાર (Gujarat Local Body Elections 2025) પ્રચંડ જીત મેળવી છે, તો કૉંગ્રેસ સહિત બાકીના તમામ વિપક્ષોના હાથે કશું ન લાગ્યું હોવાનું ચિત્ર દેખાઈ રહ્યું છે. પરંતુ ચૂંટણીમાં જીત અને હારના સમાચાર વચ્ચે, ગૅન્ગસ્ટર `લૉરેન્સ બિશ્નોઈ` પણ અચાનક ચર્ચામાં આવી ગયો છે. કેટલાક લોકો લૉરેન્સ બિશ્નોઈના પોસ્ટર લઈને મત ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા હતા અને ત્યાં જીતની ઉજવણી કરતાં જોવા મળ્યા હતા.
ખેડા જિલ્લાની મહેમદાવાદ નગરપાલિકા (Gujarat Local Body Elections 2025) માટે થયેલા મતદાનના પરિણામો પણ સોમવારે જાહેર કરવામાં આવ્યા હતા. અહીં મતગણતરી સાથે જીત અને હારની જાહેરાત પણ ચાલી રહી હતી. આ દરમિયાન એક ઉમેદવારના કાર્યકરો ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના પોસ્ટર લઈને મત ગણતરી કેન્દ્રએ પહોંચ્યા હતા. સાબરમતી જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના પોસ્ટરો લઈને, આ લોકોએ સૂત્રોચ્ચાર કરવાનું પણ શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે જ્યારે આ ઘટના બની તે દરમિયાન મતગણતરી કેન્દ્ર પર ભારે પોલીસ બંદોબસ્ત પણ તહેનાત હતો.
આ ઘટના મહેમદાવાદમાં સોનાવાલા હાઈ સ્કૂલ કૅમ્પસની બહાર બની હતી. ઉમેદવારની જીત બાદ અહીં લૉરેન્સ બિશ્નોઈના પોસ્ટર પકડીને ઉજવણી કરવામાં આવી હતી. જોકે, ત્યાં હાજર રહેલા પોલીસે પોસ્ટરો જપ્ત કર્યા હતા અને આ મામલે હવે તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામોની વાત કરીયે તો બીજેપીએ બીજા પક્ષોનો સુપડો સાફ કરી દીધો છે. રાજ્યમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, 66 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતો માટે 16 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાઈ હતી. વધુમાં, અમદાવાદ, ભાવનગર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં 3 ખાલી બેઠકો માટે પેટાચૂંટણીઓ પણ યોજાશે. મતગણતરી સવારે 9 વાગ્યે શરૂ થઈ હતી. મતદાન 16 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયું હતું, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતો માટે સરેરાશ 57 ટકા મતદાન નોંધાયું હતું. નોંધનીય છે કે, ચોરવાડ નગરપાલિકામાં રેકોર્ડબ્રેક 76 ટકા મતદાન સાથે સૌથી વધુ મતદાન થયું હતું. મંગળવારના અંત સુધીમાં 5,000 થી વધુ ઉમેદવારોના ભાવિનો નિર્ણય લેવામાં આવશે.