લાકડાં ભીનાં હોવાથી ટાયર અને ગાદલાની મદદથી આપવો પડ્યો મૃતદેહને અગ્નિદાહ

01 November, 2025 02:30 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદના સ્મશાનગૃહમાં મૃત્યુનો મલાજો ન જળવાયો: લાકડાં પૂરાં પાડતી સંસ્થાને નોટિસ આપી મગાયો ખુલાસો

ચિતા પર ટાયર મૂકીને અંતિમ વિધિ કરવામાં આવી હતી.

અમદાવાદમાં ગુરુવારે ઓઢવ સ્મશાનગૃહમાં મૃત્યુનો મલાજો ન જળવાયો હોવાની ગંભીર ઘટના બની હતી. વરસાદને કારણે લાકડાં ભીનાં હોવાથી સ્વજનોને મજબૂરીથી ભીનાં લાકડાંની સાથે ટાયર અને ગાદલાની મદદથી મૃતદેહની અંતિમક્રિયા કરવી પડી હતી. આ ઘટનાએ સૌને હચમચાવી મૂક્યા છે. આ બનાવને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને લાકડાં પૂરાં પાડતી સંસ્થાને નોટિસ ફટકારીને જવાબ માગ્યો છે.  

ઓઢવ સ્મશાનગૃહમાં ગુરુવારે એક મૃતદેહને અંતિમ વિધિ માટે સ્વજનો-સ્નેહીજનો લઈને આવ્યા હતા. અમદાવાદમાં પડેલા કમોસમી વરસાદને કારણે લાકડાં ભીનાં હોવાથી અંતિમક્રિયા માટે સૂકાં લાકડાં મેળવવા માટે સ્વજનોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. ભીનાં લાકડાંને કારણે નાછૂટકે સ્વજનોએ ટાયર તેમ જ ગાદલું લાવવાં પડ્યાં હતાં. ભીનાં લાકડાંની સાથે ટાયર અને ગાદલું ડેડ-બૉડી પર મૂકીને અંતિમ વિધિ કરવાની ફરજ પડી હતી. હવાઈ ગયેલાં લાકડાંને કારણે ચિતા પર મૃતદેહ ઝડપથી આગ પકડે એ માટે ૧૦ કિલો ઘી, ૧૦ કિલો ખાંડ અને ૭ કિલો તલ લાવવા પડ્યાં હતાં. મૃત્યુ પામનારના સ્વજનોએ આ વિશે કૉર્પોરેશનમાં ફરિયાદ કરી હતી. એના કારણે આ સ્મશાનગૃહમાં લાકડાં સપ્લાય કરતી વિવેકાનંદ ગ્રામઉદ્યોગ સેવા સંઘને મ્યુનિસિપલ કૉર્પોરેશને નોટિસ પાઠવીને ખુલાસો માગ્યો છે.

ahmedabad gujarat news gujarat national news news