07 December, 2025 08:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાલમાં કાર્તિકે સોશ્યલ મીડિયા પર આ લગ્નની કેટલીક ખાસ તસવીરો શૅર કરીને બહેન કૃતિકા માટે એક ઇમોશનલ નોટ લખી
કાર્તિક આર્યન શુક્રવારે થયેલાં નાની બહેન કૃતિકા તિવારીનાં લગ્ન પછી ખૂબ જ ભાવુક થઈ ગયો છે. હાલમાં કાર્તિકે સોશ્યલ મીડિયા પર આ લગ્નની કેટલીક ખાસ તસવીરો શૅર કરીને બહેન કૃતિકા માટે એક ઇમોશનલ નોટ લખીને લાડકી બહેન ‘કિકી’ને નવા જીવન માટે આશીર્વાદ આપીને પ્રેમ વરસાવ્યો છે.
કાર્તિકે પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘કેટલાક દિવસ એવા હોય છે જે ચૂપચાપ તમારી દુનિયા બદલી નાખે છે. આજે આવો એક દિવસ હતો. આજે કિકીને દુલ્હન તરીકે જોઈને એવું લાગ્યું જાણે વર્ષોને ક્ષણમાં બદલાતાં જોઈ રહ્યો છું. કિકી, હું તને મારી પાછળ દોડતી નાની બાળકીમાંથી મોટી થઈને એવી દુલ્હન તરીકે જોઈ રહ્યો છું જે આજે આનંદ અને શક્તિ સાથે તેના નવા જીવનમાં પગ મૂકી રહી છે. મને તારા પર ગર્વ છે કે તું મહિલા બની ગઈ છે, તારાં મૂલ્યો પર ગર્વ છે અને આપણે શૅર કરેલાં દરેક હાસ્ય, ઝઘડા, રહસ્યો અને યાદો માટે આભારી છું. આજે જ્યારે તું આગળ વધી રહી છે ત્યારે મારું હૃદય તારી સાથે રહ્યું છે.’
કાર્તિક આર્યને બહેનને આશીર્વાદ આપતાં કહ્યું કે ‘તું નવો અધ્યાય શરૂ કરી રહી છે, પરંતુ તું હંમેશાં મારી નાની બહેન રહેશે. અમારા પરિવારની ધડકન. મને એ વાતની ખુશી છે કે તને ખાસ અને જીવનમાં એક વાર મળતો પ્રેમ મળ્યો. દુઆ છે કે આ નવી સફર તને એ બધું આપે જેનું તેં ક્યારેય સપનું જોયું હોય, નાની.’