NSEના MD ને CEO આશિષ ચૌહાણને રેગ્યુલેશન એશિયા તરફથી લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ

13 November, 2025 08:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આશિષ ચૌહાણને તેમણે સિક્યૉરિટીઝ માર્કેટમાં કરેલા પ્રદાન બદલ સિંગાપોરમાં રેગ્યુલેશન એશિયા દ્વારા લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા

NSEના MD ને CEO આશિષ ચૌહાણ

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)ના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષ ચૌહાણને તેમણે સિક્યૉરિટીઝ માર્કેટમાં કરેલા પ્રદાન બદલ સિંગાપોરમાં રેગ્યુલેશન એશિયા દ્વારા લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આશિષ ચૌહાણને સિક્યુૉરિટીઝ માર્કેટનો ત્રણ દાયકાથી અધિક સમયનો અનુભવ છે અને NSEની સ્થાપક ટીમના એક મહત્ત્વપૂર્ણ સદસ્ય છે. NSEમાં જોડાયા પહેલાં તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી, બૉમ્બે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટના સ્નાતક આશિષ ચૌહાણ અગાઉ BSEના મૅનેજિંગ ડિરેક્ટર અને CEO રહી ચૂક્યા છે.

ભારતના શૅરબજારના ઑટોમેશનમાં આશિષ ચૌહાણની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમણે સ્ક્રીન આધારિત ટ્રેડિંગ, સૅટેલાઇટ ટેલિકમ્યુનિકેશન, નિફ્ટી ઇન્ડેક્સ, ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ અને ભારતીય શૅરબજારમાં અનેક આધુનિક સુધારાઓ સ્થાપિત કરી છે. નાણાકીય ડેરિવેટિવ્ઝ ક્ષેત્રમાં તેમની અગ્રિમ કામગીરીને કારણે તેમને ભારતના આધુનિક નાણાકીય ડેરિવેટિવ્ઝના જનક માનવામાં આવે છે.

આશિષ ચૌહાણ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર સાથે પણ સક્રિય રીતે જોડાયેલા છે. તેઓ અલાહાબાદ યુનિવર્સિટીના કુલપતિ છે અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના સભ્ય પણ છે. ઉપરાંત તેઓ કેટલાંક અગ્રણી મૅનેજમેન્ટ સંસ્થાનના બોર્ડ ઑફ ગવર્નર્સમાં પણ કાર્યરત છે.

national stock exchange business news