12 November, 2025 08:24 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
બહુમતી એશિયન બજારની કમજોરી વચ્ચે મંગળવારે ઘરઆંગણે સુધારો આગળ વધ્યો છે. સેન્સેક્સ ૩૩૬ પૉઇન્ટ વધીને ૮૩,૮૭૧ તથા નિફ્ટી ૧૨૧ પૉઇન્ટ વધીને ૨૫,૬૯૫ બંધ થયો છે. ઓપનિંગ પૉઝિટિવ હતું. સેન્સેક્સ આગલા બંધથી ૧૩૬ પૉઇન્ટ પ્લસ, ૮૩,૬૭૧ ખૂલ્યો હતો અને તરત માઇનસ ઝોનમાં સરકી પડ્યો હતો એમાં બજાર નીચામાં ૮૩,૧૨૪ દેખાયું હતું. પ્રથમ સત્રની નબળાઈ પાછળથી ક્રમશઃ મજબૂતીમાં ફેરવાઈ જતાં શૅરઆંક નીચલા મથાળેથી ૮૧૨ પૉઇન્ટ ઊંચકાઈ ઉપરમાં ૮૩,૯૩૬ થયો હતો. કામકાજનો છેલ્લો કલાક એકંદર મજબૂત વલણનો હતો. જૂજ અપવાદ સિવાય તમામ ઇન્ડાઇસિસ પ્લસ હતાં. ટેલિકૉમ ઇન્ડેક્સ દોઢ ટકા, ટેક્નૉલૉજીઝ ૧.૧ ટકા, IT ૧.૧ ટકા, ઑટો એક ટકો, કૅપિટલ ગુડ્સ સવા ટકો, ઑઇલ-ગૅસ તથા એનર્જી પોણા ટકા આસપાસ વધ્યા છે. નિફ્ટી ડિફેન્સ અઢી ટકાની આગેકૂચમાં મોખરે રહ્યા છે. ફાઇનૅન્સ તથા પીએસયુ બૅન્ક નિફ્ટી સાધારણ ઘટ્યો છે. રસાકસીની માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૫૬૧ શૅરની સામે ૧૫૬૨ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૭૪,૦૦૦ કરોડ વધી ૪૬૮.૯૪ લાખ કરોડ રૂપિયા થયું છે.
પૉલી મેડિક્યૉર ૧૬ ગણા જંગી કામકાજ સાથે ઉપરમાં ૨૦૯૩ વટાવી ૧૧ ટકા કે ૨૦૫ રૂપિયાની તેજીમાં ૨૦૬૭ બંધ આપી એ-ગ્રુપમાં ઝળક્યો છે. ઈસબ ઇન્ડિયા ૮.૪ ટકા હિન્દુસ્તાન કૉપર સાડાછ ટકા, ઍમટાર ટેક્નૉ પોણાસાત ટકા મજબૂત થયો છે. નફામાં સાત કરોડ રૂપિયાના ઘટાડામાં આગલા દિવસે ૨૦ ટકા તૂટેલી ટ્રાન્સફૉર્મર્સ ઍન્ડ રેક્ટિફાયર્સ ગઈ કાલે નવી સુધારેલી લિમિટમાં ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૨૮૩ નીચે દોઢ વર્ષના નવા તળિયે ગઈ છે. વૉલ્યુમ ૧૧ ગણું હતું. HBL એન્જિનિયરિંગમાં પરિણામની તેજી બાદ પ્રૉફિટ-બુકિંગ કામે લાગતાં ભાવ સાડાનવ ટકા ગગડી ૯૯૫ રહ્યો છે. પૈસા લો ડિજિટલ તેમ જ ગણેશા ઇકોસ્પિઅર નબળા રિઝલ્ટમાં અનુક્રમે સવાદસ ટકા અને સાત ટકા સાફ થઈ છે.
નબળા લિસ્ટિંગના વળતા દિવસે લેન્સકાર્ટ ૪૧૮ નજીક નવી ટૉપ બનાવી ત્રણ ટકા સુધરી ૪૧૫ રહી છે. સ્ટડ્સ એસેસરીઝ ૫૪૫ની વર્સ્ટ બૉટમ દેખાડીને નહીંવત્ સુધારામાં ૫૫૦ તો ઑર્કલા ઇન્ડિયા ૬૭૦ની સૌથી નીચી સપાટી નોંધાવી દોઢ ટકો સુધરી ૬૮૬ હતી. BSE લિમિટેડ પરિણામ પહેલાં ૨૬૦૨થી વધીને ૨૬૬૫ થઈ પોણો ટકો સુધરી ૨૬૪૪ રહી છે. ભારત ફૉર્જનો નેટ નફો ૨૩ ટકા વધીને ૨૯૯ કરોડ આવતાં શૅર ઉપરમાં ૧૪૧૦ બતાવી ૫.૭ ટકાની મજબૂતીમાં ૧૪૦૩ થયો છે. યુનિકેમ લૅબોરેટરીઝની આવક ૧૪ ટકા વધી છે, પણ કંપની ૨૪ કરોડના નેટ નફામાંથી ૧૨ કરોડ જેવી ચોખ્ખી ખોટમાં સરી પડી છે. આમ છતાં શૅર જે રિઝલ્ટ પહેલાં ૪૩૮ના ઐતિહાસિક તળિયે ગયો હતો એ પરિણામ પછી ઉપરમાં ૪૯૨ વટાવી પાંચ ટકા ઊંચકાઈ ૪૮૫ થયો છે. વૉલ્યુમ ૩૨ ગણું હતું. બોરોસિલ રિન્યુએબલ પોણાદસ કરોડની નેટ લૉસમાંથી ૨૬ કરોડ પ્લસના નફામાં આવતાં ભાવ ૭૦૫ના શિખરે જઈને ચાર ટકા વધીને ૭૦૨ રહ્યો છે.
ટેનેકો ક્લીન ઍર ૩૬૦૦ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ આજે કરશે
આજે તામિલનાડુની ટેનેકો ક્લીન ઍર ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૩૯૭ની અપરબૅન્ડમાં ૩૬૦૦ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ કરવાની છે. કંપની હળવા તેમ જ વેપારી વાહનો, ટૂ-વ્હીલર્સ ઇત્યાદિમાં એમિશન કન્ટ્રોલ તેમ જ એક્ઝૉસ્ટ સિસ્ટમ્સ માટેની પ્રોડક્ટ્સ તથા ઍપ્લિકેશન બનાવતી વર્લ્ડ લીડરની ભારતીય સબસિડિયરી છે. ૨૦૧૮માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૧૧ ટકા ઘટાડામાં ૪૯૩૧ કરોડની આવક ઉપર ૩૩ ટકા વૃદ્ધિદરથી ૫૫૩ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. ચાલુ વર્ષે પ્રથમ ૩ મહિનામાં આવક ૧૩૧૬ કરોડ અને ચોખ્ખો નફો ૧૬૮ કરોડ થયો છે. કંપની ડેટ ફ્રી છે. રિઝર્વ ૧૨૦૪ કરોડની છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૧૦૧થી શરૂ થયા બાદ હાલમાં ૬૦ બોલાય છે.
દરમ્યાન જે ચાર ભરણાં ગઈ કાલે ખૂલ્યાં છે એમાં મેઇનબોર્ડની સતત ખોટ કરતી ફિઝિક્સવાલાનો એકના શૅરદીઠ ૧૦૯ના ભાવનો ૩૪૮૦ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૩૫ ટકા પ્રતિસાદ સાથે કુલ ૯ ટકા તથા એમ્વી ફોટો વૉલ્ટિકનો બેના શૅરદીઠ ૨૧૭ની અપર બૅન્ડ સાથે ૨૯૦૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૩૫ ટકા પ્રતિસાદ સાથે કુલ ૧૦ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં ફિઝિક્સવાલામાં પ્રીમિયમ ઘટી ૩ રૂપિયા તથા એમ્વીમાં પ્રીમિયમ ગગડી પાંચ બોલાય છે. SME કંપની મહામાયા લાઇફ સાયન્સનો શૅરદીઠ ૧૧૪ના ભાવનો ૭૦૪૪ લાખનો ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૧૨ ટકા તથા વર્કમેટસ કોર ટુ ક્લાઉડ સોલ્યુશનનો શૅરદીઠ ૨૦૪ના ભાવનો ૬૯૮૪ લાખનો ઇશ્યુ ૧.૬ ગણો ભરાયો છે. મહામાયામાં ઝીરો તથા વર્કમેટ્સમાં ૩૬ રૂપિયા પ્રીમિયમ ચાલે છે.
ગાઇડન્સિસની ફિકરમાં બજાજ ફાઇનૅન્સ ગગડીને ટૉપ લૂઝર બની
બજાજ ફાઇનૅન્સે બાવીસ ટકા વધારામાં ૧૦,૭૮૫ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ તથા ૨૧.૯ ટકા વૃદ્ધિદરથી ૪૮૭૫ કરોડ ચોખ્ખો નફો બતાવ્યો છે. પરિણામ સારાં છે, પરંતુ મૅનેજમેન્ટ તરફથી ગ્રોથ ગાઇડન્સિસ ૨૩-૨૪ ટકાથી ઘટાડી ૨૨-૨૩ ટકા કરાયું છે. આના પગલે શૅર ગઈ કાલે ચાર ગણા કામકાજમાં નીચામાં ૯૯૭ બતાવી ૭.૪ ટકા ગગડી ૧૦૦૫ બંધમાં બજારને ૧૭૬ પૉઇન્ટ નડ્યો છે. બજાજ ફાઇનૅન્સમાં ધબડકા પાછળ બજાજ ફિનસર્વ માથે પરિણામ હોવા છતાં આઠ ગણા કામકાજે નીચામાં ૧૯૫૩ થઈ સવાછ ટકા ખરડાઈને ૧૯૮૮ રહી છે. તાતા મોટરમાંથી ડીમર્જ થયેલી તાતા મોટર કમર્શિયલ વ્હીકલ્સનું લિસ્ટિંગ ૧૨મીએ નક્કી થયું છે. તાતા મોટરનો શૅર પોણો ટકો ઘટીને ૪૦૭ બંધ હતો. તાતા સ્ટીલ નજીવી નરમ હતી. રિઝલ્ટના વસવસામાં આગલા દિવસે ભારે કડાકામાં ૧૭ મહિનાના તળિયે ગયેલી ટ્રેન્ટ લિમિટેડ ગઈ કાલે ટેક્નિકલ બાઉન્સ બૅકમાં ઉપરમાં ૪૩૬૭ બતાવી પોણો ટકા સુધરી ૪૩૧૬ રહી છે. શ્રીરામ ફાઇનૅન્સ ૧.૪ ટકો વધીને ૮૩૨ની નવી ટોચે ગઈ છે.
ONGCએ ૨૮.૨ ટકા વધારામાં ૧૨,૬૧૫ કરોડનો નેટ નફો કરી શૅરદીઠ ૬નું ઇન્ટરિમ જાહેર કર્યું છે. ભાવ ઉપરમાં ૨૫૪ વટાવી અંતે પોણો ટકો ઘટી ૨૪૯ થયો છે. નિફ્ટીમાં ઇન્ડિગોફેમ ઇન્ટરગ્લોબ એવિયેશન સાડાત્રણ ટકા ઊછળીને ૫૭૮૨ના બંધમાં તો સેન્સેક્સમાં ભારત ઇલેક્ટ્રૉનિક્સ અઢી ટકા વધીને ૪૨૭ના બંધમાં મોખરે હતી. મહિન્દ્ર ૩૭૫૯ના બેસ્ટ લેવલે જઈને ૨.૪ ટકાની આગેકૂચમાં ૩૭૫૧ થઈ છે, અદાણી પોર્ટ બે ટકા, HCL ટેક્નૉ ૧.૯ ટકા, એટર્નલ દોઢ ટકો, ઇન્ફી એક ટકો, HDFC લાઇફ પોણાબે ટકા, બજાજ ઑટો ૧.૪ ટકા, તાતા કન્ઝ્યુમર સવા ટકો પ્લસ હતી. HDFC પોણા ટકાના સુધારે ૯૯૨ નજીકના બંધમાં બજારને ૯૪ પૉઇન્ટ ફળી છે. ભારતી ઍરટેલ એક ટકો વધી ૨૦૪૨ વટાવી ગઈ છે.
વોડાફોન પોણાઆઠ ટકા રણક્યો, સિટીવાળાનો બુલિશ વ્યુ
બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના મૅનેજિંગ ડિરેક્ટર તથા CEO વરુણ બેરીએ હોદ્દા ઉપરથી અણધાર્યું રાજીનામું આપી દેતાં શૅર ૧૪ ગણા વૉલ્યુમે ૫૭૨૨ની અંદર જઈને ૨.૭ ટકા કે ૧૬૪ રૂપિયા ગગડી ૫૯૬૮ બંધ થયો છે. નસલી વાડિયા ગ્રુપના અન્ય શૅરમાં ગઈ કાલે બૉમ્બે બર્મા ૧.૭ ટકા, બૉમ્બે ડાઇંગ પોણો ટકો તથા નૅશનલ પેરોક્સાઇડ નજીવી નરમ હતી. વોડાફોનની આવક અઢી ટકા જેવી વધી છે. નેટ લૉસ ૭૧૭૬ કરોડથી ઘટી ૫૫૨૪ કરોડ રહી છે. સિટીવાળાએ ૧૪ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ જાહેર કર્યો છે. શૅર ઉપરમાં ૧૦.૩૪ બતાવી ૭.૭ ટકા ઊંચકાઈ સવાદસ રહ્યો છે. ઇમામી લિમિટેડની આવક ૧૦ ટકા અને નફો ૨૯.૭ ટકા ઘટ્યા છે. જેફરીઝે ૭૭૦ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૬૬૦ કરી નાખી છે. શૅર નરમ ખૂલીને ૫૧૦ થઈ નજીવા ઘટાડે બંધ આવ્યો છે.
રિલાયન્સ પાવરે સવાબાર ટકા વધારામાં ૧૯૭૪ કરોડની આવક મેળવી છે. અગાઉના વર્ષે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૩૨૩૦ કરોડના વન ટાઇમ ગેઇનને કારણે નેટ નફો ૨૮૭૮ કરોડ થયો હતો. આ વેળા ચોખ્ખો નફો ૯૭ ટકા ઘટી ૮૭ કરોડ થયો છે. શૅર ઉપરમાં ૪૧.૭૫ બતાવી નહીંવત્ સુધરી ૪૧.૧૯ થયો છે. રિલાયન્સ ઇન્ફ્રા ૧૬૪ની ૧૭ મહિનાની નવી બૉટમ બનાવી ૨.૯ ટકા વધી ૧૭૫ રહ્યો છે. ઈસબ ઇન્ડિયાએ પોણાતેર ટકા વધારામાં ૩૮૨ કરોડની આવક ઉપર ૮૩ ટકા વૃદ્ધિદરથી ૭૯ કરોડ ચોખ્ખો નફો કરતાં ભાવ ૭૫ ગણા કામકાજે ઉપરમાં ૫૫૬૭ વટાવી ૮.૪ ટકા કે ૪૦૫ રૂપિયાની તેજીમાં ૫૨૫૪ થયો છે.
સનફાર્મા ગ્રુપની સ્પાર્કની આવક ૩૯ ટકા ગગડી છે. નેટ લૉસ જોકે ૧૦૭ કરોડથી ઘટીને ૭૬ કરોડ રહી છે. શૅર એક ટકો ઘટીને ૧૩૦ હતો. ટેસ્ટી બાઇટની આવક ૧૫ ટકા ઘટતાં નેટ નફો ૬૪ ટકા ખરડાઈને ૩૬ કરોડે આવી ગયો છે. શૅર નીચામાં ૮૮૫૦ બતાવી ૪.૭ ટકા કે ૪૨૩ રૂપિયા બગડી ૮૫૭૦ બંધ થયો છે.
શ્રી લોટસ ડેવલપર્સ સારા રિઝલ્ટમાં નવા વર્સ્ટ લેવલે
બાઝાર સ્ટાઇલ રીટેલ દ્વારા ૭૧ ટકાના વધારામાં ૫૩૨ કરોડની આવક તથા અગાઉની નવેક કરોડની નેટ લૉસ સામે આ વેળા ૫૧ કરોડ પ્લસનો નેટ નફો દર્શાવાયો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૩૪૨ થઈ સાડાપાંચ ટકા ખરડાઈને ૩૧૦ રહ્યો છે. બજાજ કન્ઝ્યુમરની આવક સાડાતેર ટકા વધી છે. માર્જિનમાં ૪ ટકા વધારા સાથે નેટ નફો ૩૨.૮ ટકાના વૃદ્ધિદરમાં ૪૨ કરોડને વટાવી ગયો છે. શૅર પ્રારંભિક સુધારામાં ૩૦૮ થઈને પાંચ ટકા તૂટી ૨૮૧ હતો. HLE ગ્લાસકોટની આવક ૪૮.૮ ટકા વધી ૩૫૧ કરોડ થઈ છે, પરંતુ નફો ૧૨ ટકા જેવા ઘટાડે ૧૨ કરોડ નોંધાયો છે. શૅર નીચામાં ૪૭૪ થઈને ૧૩.૯ ટકા તૂટી ૫૦૫ રહ્યો છે. EIH અસોસિએટ્સની આવક ૧૭.૭ ટકા ઘટી છે. માર્જિન પણ સવાદસ ટકાથી ગગડી સાડાચાર ટકા નોંધાયું છે, પરંતુ નેટ નફો ૩૩ ટકા વધીને પોણાત્રણ કરોડ થયો છે. શૅર પોણાત્રણ ટકાના ઘટાડે ૩૬૫ હતો.
કેઈસી ઇન્ટરનૅશનલે આવકમાં ૧૯ ટકા વધારા સામે ૮૮ ટકા વધારામાં ૧૬૧ કરોડ નેટ પ્રૉફિટ કરતાં શૅર પ્રારંભિક મજબૂતીમાં ૭૭૪ થઈ છેવટે સવાછ ટકા વધી ૭૬૮ બંધ થયો છે. શ્રી લોટસ ડેવલપર્સે અગાઉના ૬૧ કરોડ સામે ૧૭૬ કરોડની આવક તથા ૮૦ ટકા વધારામાં ૪૬ કરોડ નેટ નફો કર્યો છે, પણ શૅર ૧૭૧ની ઑલટાઇમ બૉટમ બનાવી બે ટકા ઘટી ૧૭૨ રહ્યો છે. આનંદ પંડિતની આ કંપની જુલાઈની આખરમાં એકના શૅરદીઠ ૧૫૦ના ભાવે ૭૯૨ કરોડનો IPO લાવી હતી જે ૭૪ ગણો છલકાયો હતો. ૬ ઑગસ્ટે શૅર લિસ્ટિંગમાં ૧૯૭ નજીક બંધ થયો હતો. ૧૧ ઑગસ્ટે ૨૧૮ પ્લસની ટૉપ બની હતી. બાલાજી એમાઇન્સની આવક પોણાબે ટકા ઘટી છે, નફો પોણાસોળ ટકા ઘટીને ૩૪૬૦ લાખ થયો છે. શૅર અઢી ગણા કામકાજે નીચામાં ૧૨૮૫ બનાવી પોણાછ ટકાની ખરાબીમાં ૧૨૯૩ બંધ રહ્યો છે. ૩ ડિસેમ્બરે ૨૧૧૮ની ટૉપ અહીં બની હતી.