મિડ-ડે કપમાં રચાયો નવો ઇતિહાસ, ઠોકી ૩૦ બૉલમાં સેન્ચુરી

આજના પાંચમા દિવસની ગુગળી બ્રાહ્મણ vs ગુર્જર સુતાર વચ્ચેની છેલ્લી મેચમાં ગુર્જર સુતારે ટૉસ જીતીને બેટિંગમાં ઊતરી હતી.


ધર્મેશ અનુવાડિયા

મિડ-ડે કપમાં નવો ઇતિહાસ, ઠોકી ૩૦ બૉલમાં સેન્ચુરી

ગુર્જર સુતારનો ધર્મેશ અનુવાડિયા ૪૬ બૉલમાં ૧૬૧ રન કરીને મિડ-ડે કપનો હાઇએસ્ટ ઇન્ડિવિજ્યુઅલ સ્કોરર બન્યો, ગુર્જર સુતારે ૧૦ ઓવરમાં ૨૫૯ રન કરીને રચ્યો નવો ઇતિહાસ, હાલાઈ લોહાણાની વીસા સોરઠિયા વણિક સામે આસાન જીત : કપોળે કચ્છી રાજગોરને આપી નામોશીભરી હાર : કચ્છી લોહાણાનો ગુર્જર ક્ષત્રિય કડિયાની સંઘર્ષપૂર્ણ લડત સામે વિજય: ગુર્જર સુતારે વિસ્ફોટક બૅટિંગના પ્રતાપે ગુગળી બ્રાહ્મણ સામે અગાઉથી જ જીત નક્કી કરી લીધી

મિડ-ડે કપની સાતમી સીઝનના લીગ મૅચના પ્રથમ રાઉન્ડના અંતે તેમ જ ગઈ કાલના પાંચમા દિવસે મુંબઈમાં ચાલી રહેલી શિયાળા અને ઉનાળાની મિક્સ સીઝનની વચ્ચે પરેલના સેન્ટ્રલ રેલવે ગ્રાઉન્ડ પર મુશળધાર રનનો વરસાદ થયો હતો. ગઈ કાલના આખા દિવસ દરમ્યાન ચારેય મૅચો વન-સાઇડેડ બની હતી ત્યારે બૅટ્સમેનોએ ભેગા મળીને કુલ ૧૦૪ (૩૩ સિક્સર  અને ૭૧ ફોર) વખત બૉલને બાઉન્ડ્રી બહાર મોકલ્યો હતો. હાલાઈ લોહાણાએ લીગની પોતાની પ્રથમ મૅચમાં જ મજબૂત બૅટિંગ દ્વારા જંગી સ્કોર ખડકીને વીસા સોરઠિયા વણિકને મોટા માર્જિનથી ધૂળ ચટાડી હતી. ચૅમ્પિયન ટીમ કપોળે પણ કચ્છી રાજગોરને પોતાની સામે ફાવવા ન દેતાં સસ્તામાં આઉટ કરીને શાનદાર વિજય મેળવ્યો હતો, જ્યારે ગુર્જર ક્ષત્રિય કડિયાનું પણ કચ્છી લોહાણા સામે વધુ કંઈ ન ઊપજતાં કારમી હાર થઈ હતી. દિવસની ચોથી અને અંતિમ મૅચમાં ગુર્જર સુતારે ૧૦ ઓવરમાં ૨૫૯ રન ખડકીને મિડ-ડે કપમાં એક નવો ઇતિહાસ રચીને ગુગળી બ્રાહ્મણ સામે જીત મેળવીને ગઈ કાલનો દિવસ પોતાના નામે કરી લીધો હતો.

મૅચ ૧

૨૦૧૧ અને ૨૦૧૨ની રનર-અપ ટીમ હાલાઈ લોહાણાએ લીગના મૅચના ફસ્ર્ટ રાઉન્ડમાં પોતાની પ્રથમ જ મૅચમાં ટોસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મિડ-ડે કપમાં સૌપ્રથમ વખત રમી રહેલા પ્રશાંત કારિયા (૨૩) અને જૂના જોગી મેહુલ ગોકાણી (૫૪)ની ઓપનિંગ જોડીએ જ ચોથી ઓવરના અંત સુધીમાં એક વિકેટે ૪૪ રન કરી દીધા હતા. ત્યાર બાદ રનમાં બઢોતરી ચાલુ જ રહી હતી ત્યારે વીસા સોરઠિયા વણિકના બોલર ગૌરવ શાહની દિશાહીન છેલ્લી ઓવરમાં બૅટ્સમેનોએ ધડબડાટી બોલાવીને ૫૦ રન ફટકારીને ઓવરના અંતે ફાઇનલ સ્કોર ૪ વિકેટે ૧૭૨ પર પહોંચાડી દીધો હતો.

બિગ ટાર્ગેટ ૧૭૩ને પાર કરવા માટે વીસા સોરઠિયા વણિકના બૅટ્સેમેનો પીચ પર ઊતર્યા તો હતા, પરંતુ એકેય ખેલાડીએ એકબીજાનો સાથ લાંબો સમય સુધી નિભાવી શક્યા નહોતા. બૅટિંગમાં ઊતરેલા ૯ બૅટ્સમેનોમાંથી એક પણ બૅટ્સમેન બે આંકાડામાં સ્કોર કરી શક્યો નહોતો. ૧૦ ઓવર માંડ પૂરી કરનાર વીસા સોરઠિયા વણિક ટીમ પોતાના ફાઇનલ સ્કોરને ૭ વિકેટે ૩૬ રન સુધી જ પહોંચાડી શકી હતી.

વન-સાઇડેડ બનેલી આ મૅચમાં વીસા સોરઠિયા વણિકનો હાલાઈ લોહાણા સામે ૧૩૬ રનથી નામોશીભરી હાર થઈ હતી.

ટૂંકો સ્કોર : હાલાઈ લોહાણા : ૧૦ ઓવરમાં ૧૭૨/૪ (મેહુલ ગોકાણી ૨૯ બૉલમાં ૯ ફોર અને ૧ સિક્સર સાથે અણનમ ૫૪ રન, ગૌરવ શાહ ૨-૦-૬૨-૧)

વીસા સોરઠિયા વણિક : ૧૦ ઓવરમાં ૩૬/૭ (હાર્દિક શાહ ૧૨ બૉલમાં ૧ ફોર સાથે ૯ રન, જય ચંદારાણા ૨-૦-૮-૨)

મૅન ઑફ ધ મૅચ : મેહુલ ગોકાણી (હાલાઈ લોહાણા)

મૅચ ૨

પ્રથમ બૅટિંગમાં આવેલી કચ્છી રાજગોરની ટીમની પ્રથમ ઓવરમાં જ વિકેટ પડી જતાં ચૅમ્પિયન ટીમ કપોળની સામે હાલ બેહાલ થવાની નિશાની મળી ગઈ હતી. કપોળના અનુભવી અને ધુરંધર બોલરોની સામે કચ્છી રાજગોરના દરેક બૅટ્સમેનોએ સરેન્ડર કરી દેતાં એક તબક્કે તો ૨૫ રનના સ્કોર પર જ સળંગ ત્રણ વિકેટો પડી હતી. કચ્છી રાજગોરની ૯ વિકેટોમાંથી ૪ બૅટ્સમેનોને ખાતું ખોલાવ્યા વિના જ પૅવિલિયનભેગા કરીને કપોળે તેની મજબૂત બોલિંગનાં દર્શન કરાવ્યાં હતાં. કચ્છી રાજગોર માંડ-માંડ ૧૦ ઓવરના અંતે ૯ વિકેટે ૪૨ રન કરી શક્યું હતું.

૨૦૧૦ની ચૅમ્પિયન રહેલી કપોળ ટીમ માટે ૪૩ જેટલા રનનો સ્કોર તેમની ઓપનિંગ જોડી જ પૂર્ણ કરી દેવા સક્ષમ હોય છે ત્યારે આ વખતે પણ એવું જ જોવા મળ્યું. દુષ્યંત દોશી (૧૪) અને મિહિર મહેતા (૧૮)ની ઓપનિંગ જોડીએ જ ટીમને જીતવા માટે જોઈતા રનના ૭૫„ ફટકારી દીધા હતા. આ રમતમાં કપોળે રમતાં-રમતાં ૪૩નો લક્ષ્યાંક માત્ર ૩.૩ ઓવરમાં જ પાર કરીને ૯ વિકેટે આસાન વિજય મેળવ્યો હતો.

ટૂંકો સ્કોર : કચ્છી રાજગોર : ૧૦ ઓવરમાં ૪૨/૯ (પ્રતીક રાજગોર ૭ બોલમાં ૨ ફોર સાથે ૯ રન, દીપક વળિયા ૨-૦-૧૦-૩)

કપોળ : ૩.૩ ઓવરમાં ૪૩/૧ (મિહિર મહેતા ૭ બોલમાં ૨ ફોર, ૧ સિક્સર સાથે ૧૮ રન, કશ્યપ રાજગોર ૧-૦-૧૩-૧)

મૅન ઑફ ધ મૅચ : દીપક વળિયા (કપોળ)

મૅચ ૩

ટોસ જીતીને મજબૂત ઇરાદાની સાથે બૅટિંગમાં ઊતરેલા ગુર્જર ક્ષત્રિય કડિયાના બૅટ્સમેનોની બૅટિંગ નબળી નીવડી હતી. ગુર્જર ક્ષત્રિય કડિયાની શરૂઆતથી જ વિકેટ પડવાનો દોર ચાલુ થઈ ગયા બાદ એક-એક કરતાં ધડાધડ વિકેટોનું પતન થવા લાગ્યું હતું. કચ્છી લોહાણાની ટાઇટ અને અટૅકિંગ બોલિંગ સામે એકેય બૅટ્સમેન ૯ રનથી વધુ વ્યક્તિગત સ્કોર તરીકે નોંધાવી શક્યો નહોતો. ૯.૫ ઓવરમાં માત્ર ૬૦ રનમાં બૅટિંગ ટીમ પૅવિલિયનભેગી થઈ ગઈ હતી ત્યારે કુલ રનના સ્કોરમાં બૅટ્સમેનોના વ્યક્તિગત સ્કોર કરતાં વધારે એક્સ્ટ્રા મળેલા ૧૨ રન બૅટિંગ ટીમ માટે મેદાનમાં બારમા પ્લેયર તરીકે ઊતર્યા હોય એમ લાગ્યું હતું.

જવાબમાં કચ્છી લોહાણાની ટીમ ૬૧ રનના આસાન ટાર્ગેટને પહોંચી વળવા મેદાનમાં ઊતરી હતી ત્યારે પહેલી ઓવરમાં તેમનો સ્ટાર બૅટ્સમેન જયેશ ઠક્કર ખાતું ખોલાવ્યા વગર જ પૅવિલિયનભેગો થઈ જતાં સોપો પડી ગયો હતો અને હરીફ ટીમ ભારે પડશે એમ લાગી રહ્યું હતું, પરંતુ ત્યાર બાદ કપિલ સોતા (૧૨) અને અવધેશ ઠક્કર (૧૨)ની સમજદારીપૂવર્‍કની પાર્ટનરશિપે ટીમને જીતવા માટેના સ્કોરની નજીક પહોંચાડી પોતાની જવાબદારી પૂરી કરી હતી. કચ્છી લોહાણાએ ૭.૫ ઓવરમાં મક્કમપણે બૅટિંગ કરીને ૪ વિકેટ ગુમાવીને ૬૪ રન બનાવીને સંઘર્ષપૂર્ણ જીત મેળવી લીધી હતી.

ટૂંકો સ્કોર : ગુર્જર ક્ષત્રિય કડિયા:

૯.૫ ઓવરમાં ૬૦ રને ઑલઆઉટ (મયૂર ચોથાણી ૭ બૉલમાં ૨ ફોર સાથે ૯ રન, જિજ્ઞેશ કતીરા ૨-૦-૯-૨)

કચ્છી લોહાણા : ૭.૫ ઓવરમાં ૬૪/૪ (કપિલ સોતા ૯ બૉલમાં ૩ ફોર સાથે ૧૨ રન, અજય સાપરિયા ૧-૦-૯-૨)

મૅન ઑફ ધ મૅચ : જિજ્ઞેશ કતીરા (કચ્છી લોહાણા)

મૅચ ૪

ટોસ જીતીને બૅટિંગમાં આવેલી ગુર્જર સુતારની ટીમના કૅપ્ટન ધર્મેશ અનુવાડિયાએ ઝંઝાવાતી શરૂઆત કરીને માત્ર ૩૦ બૉલમાં જ ૧૦૦ રન દ્વારા અત્યાર સુધીની સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી હતી. ગુર્જર સુતારના કૅપ્ટન ધર્મેશ અનુવાડિયાએ ગૂગળી બ્રાહ્મણના બોલરોની લૂઝ અને દિશાહીન બોલિંગનો ભરપૂર ફાયદો ઉઠાવી મેદાનમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરી નાખ્યો હતો. ૪૬ બૉલમાં ધર્મેશ અનુવાડિયાએ ૧૭ સિક્સર અને ૧૪ ફોર ફટકારીને પોતાના ૧૬૧ રન દ્વારા મિડ-ડે કપના અત્યાર સુધીના ઇતિહાસમાં હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર નોંધાવ્યો હતો. વૈંશ સુતારના દિવ્યેશ કાટેલિયાએ ગયા વર્ષે ફટકારેલી સેન્ચુરી બાદ ધર્મેશ અનુવાડિયા મિડ-ડે કપમાં અત્યાર સુધી બીજો સદીવીર પ્લેયર બન્યો હતો. ધર્મેશ અનુવાડિયાએ ટીમના કુલ રનના ૬૦„ રન ફક્ત પોતે જ ફટકાર્યા હતા ત્યારે હરિત દવેની પાંચમી પાવર ઓવરમાં ૫૪ અને ૧૦મી ઓવરમાં ૪૮ રન ફટકારી ૨ ઓવરમાં જ ૧૦૨ રનનો ઉમેરો કરીને બોલરનો રકાસ બોલાવ્યો હતો... ગુર્જર સુતારે ૧૦ ઓવરના અંતે માત્ર ૧ વિકેટ ગુમાવીને ૨૬૦ રનનો ગૂગળી બ્રાહ્મણ સામે મસમોટો ટાર્ગેટ સેટ કર્યો હતો. ગૂર્જર સુતારે ૨૫૯ રનનો ટોટલ સ્કોર કરીને મિડ-ડે કપ ૨૦૧૦માં કચ્છ વાગડ લેઉવા પટેલ ટીમ દ્વારા બનેલા અત્યાર સુધીના ૨૩૩ રનનો હાઇએસ્ટ ટીમ સ્કોરનો રેકૉર્ડ બ્રેક કર્યો હતો. આ ઉપરાંત આ મૅચમાં જ ગુર્જર સુતારના ધર્મેશ અનુવાડિયા અને નૈનેશ પંચાસરાની પ્રથમ વિકેટ વચ્ચે થયેલી ૨૧૧ રનની પાર્ટનરશિપથી ગયા વર્ષે વૈંશ સુતારની ટીમ વચ્ચે દિવ્યેશ કાટેલિયા અને જિતુ પઢિયાર વચ્ચે થયેલી ૧૭૪ પાર્ટનરશિપનો પણ રેકૉર્ડ તૂટ્યો હતો.

જ્યારે ૨૬૦ના અશક્ય એવા જીતના આંકડાને પહોંચી વળવા મેદાનમાં ઊતરેલી અને મિડ-ડે કપમાં પ્રથમ વાર રમનારી ગૂગળી બ્રાહ્મણની ટીમના બૅટ્સમેનોમાં પ્રૅક્ટિસ અને અનુભવની ઊણપ સ્પક્ટપણે જણાતી હતી. જોકે પગ ઢીલા કરી નાખે

એવા ટાર્ગેટને ચેઝ કરવામાં પહેલી ઓવરમાં જ વિકેટ પડતાં દુકાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિ બૅટિંગ ટીમ માટે થઈ હતી. બૅટ્સમેનો સમયાંતરે વિકેટ ટકાવીને ૧૦ ઓવર પૂરી કરવામાં સફળ તો રહ્યા હતા, પરંતુ ટીમ ટાર્ગેટના અંદાજે ૨૫„ (૬૯) રન જ કરી શકી હતી. ગુર્જર સુતારે રેકૉર્ડની ભરમાર વચ્ચે ગૂગળી બ્રાહ્મણ સામે ૧૯૦ રનથી મહાવિજય મેળવી આખો દિવસ પોતાના નામે કરી લીધો હતો.

ટૂંકો સ્કોર : ગુર્જર સુતાર : ૧૦ ઓવરમાં ૨૫૯/૧ (ધર્મેશ અનુવાડિયા ૪૬ બૉલમાં ૧૪ ફોર અને ૧૭ સિક્સર સાથે ૧૬૧ રન, કુણાલ વાયેદા ૧-૦-૧૧-૧)

ગૂગળી બ્રાહ્મણ : ૧૦ ઓવરમાં ૬૯/૫ (હેમ દવે ૭ બૉલમાં ૧ ફોર અને ૨ સિક્સર સાથે ૧૯ રન, પરેશ અનુવાડિયા ૨-૦-૧૪-૨)

મૅન ઑફ ધ મૅચ : ધર્મેશ અનુવાડિયા (ગુર્જર સુતાર)

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK