પ્રથમ વાર રમી રહેલી ટીમોએ કમાલ કરી

નવમા દિવસે એક મૅચમાં બિગ અપસેટ, ત્રણ મૅચોમાં મજબૂત ટીમની વિજયકૂચ જારી : દિવસની પ્રથમ મૅચમાં ઇસ્માઇલી ખોજાએ હાલાઈ લોહાણાને ધૂળ ચટાડીને સરજ્યો બિગ અપસેટ : ગઈ મૅચમાં અપસેટ સર્જનારી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) સામે હાલાઈ ભાટિયાની આસાન જીત : કચ્છી લોહાણા સામે ગુગળી બ્રાહ્મણનો કારમો પરાજય : પ્રથમ લીગ મૅચમાં હાઇએસ્ટ ટીમ ટોટલનો રેકૉર્ડ કરનારી ટીમ ગુર્જર સુતારનો ગુર્જર ક્ષત્રિય કડિયા સામે શાનદાર વિજયમિડ-ડે કપની સાતમી સીઝનના ગઈ કાલના નવમા દિવસે ચારમાંથી ત્રણ મજબૂત ટીમોએ પોતાનો પર્ફોર્મન્સ યથાવત્ રાખતાં પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી મેળવવાની રસાકસીમાં વધારો થયો છે. ગઈ કાલના દિવસે ત્રીજી અને ચોથી મૅચમાં બોલરોએ છઠ્ઠા સ્ટમ્પ પર બૉલ નાખતાં વાઇડની ભરમાર થઈ હતી ત્યારે ચારેય મૅચોમાં વાઇડ બૉલના કુલ ૯૦ એક્સ્ટ્રા રન બૅટિંગ-ટીમને મળ્યા હતા. મિડ-ડે કપમાં પ્રથમ વખત રમનારી ઇસ્માઇલી ખોજાએ પ્રથમ લીગ મૅચના ખરાબ પર્ફોર્મન્સને ભૂલી જઈને ગઈ કાલે  મજબૂત ગણાતી હાલાઈ લોહાણાને હારનો સ્વાદ ચખાડીને મોટો અપસેટ સરજ્યો હતો. ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી)ની બોલરોનો સાથ ન મળતાં આ વખતે હાલાઈ ભાટિયા સામે હાર થઈ હતી. મિડ-ડે કપમાં પહેલી વખત રમનારી ગુગળી બ્રાહ્મણે વાઇડ બૉલની ભરમાર સાથે આત્મઘાતી બોલિંગનું પ્રદર્શન કરીને કચ્છી લોહાણાને જીત આસાન કરી આપી હતી. જ્યારે રેકૉર્ડમેકર ગુર્જર સુતારે શાનદાર બૅટિંગ અને બોલિંગની કમાલ દેખાડીને ગુર્જર ક્ષત્રિય કડિયાને પરાજય આપ્યો હતો.

મૅચ-૧

ટૉસ જીતીને જંગી જુમલો ખડકવામાં માહેર ગણાતી હાલાઈ લોહાણાની ટીમે બૅટિંગ લેવાનો નિર્ણય લઈ શાનદાર શરૂઆત કરી હતી. પ્રથમ બે ઓવરમાં જ ઓપનિંગ જોડી પ્રશાંત કારિયા (૧૯) અને સાગર મસરાણી (૩૨)એ ૩૨ રન કરતાં ફરી એક વખત સ્કોર મોટો થવાની આશા જાગી હતી, પરંતુ બીજી ઓવરના ચોથા બૉલે પ્રશાંત કારિયાને ઇસ્માઇલી ખોજાના શશી રંગારાએ કૅચઆઉટ કરાવ્યો હતો. ત્યાર બાદ સાગર મસરાણીની ફટકાબાજી અન્ય બૅટ્સમેનોના સાથ વડે ચાલુ જ રહી હતી, પરંતુ ૮.૧ ઓવરમાં ૯૬ના સ્કોર પર સાગર મસરાણી રનઆઉટ થયા બાદ છેલ્લા ૧૧ બૉલમાં અન્ય બૅટ્સમેનો વધુ લાભ ન લઈ શકતાં હાલાઈ લોહાણાએ ૧૦ ઓવરના અંતે પાંચ વિકેટે ૧૧૦ રન કર્યા હતા.

જવાબમાં ૧૧૧ના ટાર્ગેટને ચેઝ કરવા મિડ-ડે કપમાં પ્રથમ વખત રમનારી ઇસ્માઇલી ખોજા જીતના ઇરાદાથી બૅટિંગમાં ઊતરી હતી. હાલાઈ લોહાણા જેવી મજબૂત ટીમના ધુરંધર બોલરો સામે ઇસ્માઇલી ખોજા માટે ૧૦૦નો આંકડો પાર કરવો અઘરો હતો ત્યારે ચોથી ઓવરમાં ૧૫ રનના સ્કોર પર પહેલી વિકેટ પડી જતાં ફરી એક વખત ઇસ્માઇલી ખોજા માટે હારનાં એંધાણ સર્જા‍યાં હતાં, પરંતુ ઓપનિંગમાં આવેલા કરીમ ખોરાસી (૫૨)એે ચાન્સ મળે ત્યારે ફટકા મારવાનું ચાલુ રાખ્યું હતું. બીજા છેડે આબિદ મકનોજિયા (૨૬)એ પણ સામા છેડે સાથ આપીને ફટકાબાજીની પરંપરા જાળવી રાખી હતી. કરીમ ખોરાસી અને આબિદ મકનોજિયાએ હાલાઈ લોહાણાના બોલરોનો મક્કમતાથી સામનો કરી શાનદાર ૯૮ રનની મૅચવિનિંગ પાર્ટનરશિપ કરી હતી. પરિણામે નવોદિત ટીમને જીત માટે અઘરો લાગતો સ્કોર માત્ર ૮.૨ ઓવરમાં (૧ વિકેટે ૧૧૩) કરીને ૨૦૧૨ અને ૨૦૧૨ની રનર-અપ ટીમ હાલાઈ લોહાણાને ધૂળ ચટાડી દીધી હતી. પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશવા હવે હાલાઈ લોહાણાએ એની છેલ્લી લીગ મૅચના પરિણામ સુધી રાહ જોવી પડશે. 

ટૂંકો સ્કોર : હાલાઈ લોહાણા : ૧૦ ઓવરમાં ૧૧૦/૫ (સાગર મસરાણી ૨૨ બૉલમાં પાંચ ફોર અને ૧ સિક્સર સાથે ૩૨ રન, શશી રંગારા ૨-૦-૧૧-૨)

ઇસ્માઇલી ખોજા : ૮.૨ ઓવરમાં ૧૧૩/૧ (કરીમ ખોરાસી ૨૮ બૉલમાં ૪ ફોર અને ૪ સિક્સર સાથે ૫૨ રન, જય ચંદરાણા ૨-૦-૧૯-૧)

મૅન ઑફ ધ મૅચ : કરીમ ખોરાસી (ઇસ્માઇલી ખોજા)

મૅચ-૨

ટૉસ જીતીને હરીફ ટીમે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી)ને પહેલાં બૅટિંગનો મોકો આપ્યો હતો. નિમિત મીઠાવાલાએ મૅચના પહેલા બૉલમાં ઓપનિંગ બૅટ્સમૅનને પૅવિલિયનભેગો કરી દેતાં ત્રિવેદી મેવાડા બ્રાહ્મણના કૅમ્પમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. એમાં વળી પ્રથમ ઓવર મેઇડન જતાં સ્કોર માઇનસ પાંચ થતાં બૅટિંગ-ટીમ માટે દુકાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્રીજી ઓવરમાં વધુ એક વિકેટ પડી જતાં પિચ પર કોઈ બૅટ્સમૅન ટકશે નહીં એમ લાગતું હતું, પરંતુ ઓપનિંગમાં આવેલા મુકેશ ઠાકર (૨૫) અને ચોથા અને પાંચમા ક્રમે આવેલા અનુક્રમે ઉર્વીશ ઉપાધ્યાય (૨૭) અને ભાવિન શુક્લ (૨૧) સાથે શાનદાર પાર્ટનરશિપ નિભાવીને ૧૦ ઓવરના અંતે ૩ વિકેટે ૯૧ રન બનાવીને ટીમના સ્કોરને સન્માનજનક સ્થિતિએ પહોંચાડ્યો હતો.

૯૨ રનના સ્કોરને સર કરવા બૅટિંગમાં ઊતરેલી હાલાઈ ભાટિયાની શરૂઆત સારી રહી હતી અને ઓપનર બૅટ્સમૅન મૌલિક મર્ચન્ટે (૩૯) શાનદાર બૅટિંગ કરી હતી. ૨૭ રને પહેલી વિકેટ પડી ગયા બાદ પાંચમી ઓવરમાં જ્યારે સ્કોર ૪૯ હતો ત્યારે મૌલિક મર્ચન્ટ રનઆઉટ થતાં સ્કોર માઇનસ ૧૦ થઈને ૩૯ થતાં હાલાઈ ભાટિયા માટે આઘાત બેવડાયો હતો, પરંતુ કુણાલ શ્રોફ (૨૦) અને કૅપ્ટન હિરેન રાજડા (૧૯)એ મિડલ ઑર્ડર સંભાળી લેતાં ૮.૫ ઓવરમાં ૩ વિકેટે સરળ જીત મેળવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી માટે પોતાની દાવેદારી નોંધાવી દીધી હતી.

ટૂંકો સ્કોર : ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) : ૧૦ ઓવરમાં ૯૧/૩ (ઉર્વીશ ઉપાધ્યાય ૧૭ બૉલમાં ૪ ફોર અને ૧ સિક્સર સાથે ૨૭ રન, નિમિત મીઠાવાલા ૨-૧-૧૦-૧)

હાલાઈ ભાટિયા : ૮.૫ ઓવરમાં ૯૫/૩ (મૌલિક મર્ચન્ટ ૧૬ બૉલમાં પાંચ ફોર અને બે સિક્સર સાથે ૩૯ રન, શમી ઉપાધ્યાય ૨-૦-૧૧-૧)

મૅન ઑફ ધ મૅચ : મૌલિક મર્ચન્ટ (હાલાઈ ભાટિયા)

મૅચ-૩

મિડ-ડે કપમાં પ્રથમ વખત રમી રહેલી ગુગળી બ્રાહ્મણ ટીમે પોતાની બીજી મૅચમાં ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેમની શરૂઆત જોતાં નિર્ણય ખોટો હોવાનું લાગ્યું હતું. પહેલી ઓવરમાં ૧ રનના સ્કોર પર પ્રથમ વિકેટનું પતન થતાં કચ્છી લોહાણાના બોલરોએ સ્ટ્રૉન્ગ ટીમનો પરિચય આપી દીધો હતો. ત્યાર બાદ જોરદાર બોલિંગઆક્રમણ સામે ગુગળી બ્રાહ્મણના બૅટ્સમેનો પાંગળા સાબિત થતાં સ્કોર છઠ્ઠી ઓવરના અંત સુધીમાં ૩ વિકેટે માત્ર ૨૬ રન રહ્યો હતો. બૅટિંગ-ટીમ જ્યારે લોએસ્ટ સ્કોરના ખતરાથી પીડાતી હતી ત્યારે પાંચમા ક્રમે આવેલા એકમાત્ર પ્રિયાંક ઠાકરે (૨૫) બે આંકડામાં વ્યક્તિગત સ્કોર નોંધાવીને ૧૦ ઓવરના અંતે ૬ વિકેટે ૬૫ રન કરી ટીમનું નાક કપાતું બચાવ્યું હતું.

આસાન લક્ષ્યાંક અને મજબૂત બૅટિંગ લાઇન-અપ ધરાવતી કચ્છી લોહાણા જીત ઝડપથી હાંસલ કરી લેશે એમ જણાતું હતું, પરંતુ ગુગળી બ્રાહ્મણના બોલરોએ કચ્છી લોહાણાની જય આથા (૧૪) અને કપિલ સોતા (૧૬)ની ઓપનિંગ જોડીને રન ન કરવા દેવાના સોગંદ ખાધા હતા એવું લાગ્યું હતું. જોકે પહેલી ઓવરમાં કુણાલ વાયડાએ પાંચ વાઇડ બૉલ છઠ્ઠા સ્ટમ્પ પર નાખ્યા હતા, જેમાંથી ચાર કલેક્ટ કરવામાં વિકેટકીપર નિષ્ફળ નીવડતાં બૉલ બાઉન્ડરી પર પહોંચ્યો હતો. માત્ર એક ઓવરમાં જ સ્કોર ૩૩ થઈ જતાં જીતના અડધે રસ્તે કચ્છી લોહાણા પહોંચી ગઈ હતી. બીજી ઓવર લઈને આવેલા કૅપ્ટન ભાવેશ ઠાકરે પણ વાઇડ બૉલ નાખવાની પરંપરા ચાલુ રાખી હતી અને ઓવરના અંતે ૫૯નો સ્કોર પહોંચી ગયો હતો. બૅટ્સમેનોના બૅટથી થયેલા રન કરતાં બોલરના વાઇડ બૉલ વડે મળેલા ૨૯ રન વધુ હતા ત્યારે ગુગળી બ્રાહ્મણની બોલિંગ દ્વારા માત્ર ૨.૩ ઓવરમાં જ વિનાવિકેટે ૬૭ રન કરીને કચ્છી લોહાણાએ સતત બીજી જીત મેળવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

ટૂંકો સ્કોર : ગુગળી બ્રાહ્મણ : ૧૦ ઓવરમાં ૬૫/૬ (પ્રિયાંક ઠાકર ૧૫ બૉલમાં પાંચ ફોર સાથે ૨૫ રન, જયેશ ઠક્કર ૨-૦-૧૬-૨)

કચ્છી લોહાણા : ૨.૩ ઓવરમાં ૬૭/૦ (કપિલ સોતા ૯ બૉલમાં ૩ ફોર સાથે ૧૬ રન, ભાવેશ ઠાકર ૧-૦-૨૬-૦)

મૅન ઑફ ધ મૅચ : જય સચદે (કચ્છી લોહાણા)

મૅચ-૪

ગયા વખતે મિડ-ડે કપના ઇતિહાસનો અત્યાર સુધીનો ટીમનો ૨૫૯ રનનો હાઇએસ્ટ સ્કોર કરીને ગુર્જર સુતારે ધમાલ મચાવી હતી ત્યારે આજે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગમાં ઊતરી ત્યારે ફરી એક વખત ઇતિહાસના પુનરાવર્તનની આશા હતી. ઓપનિંગ જોડી ધર્મેશ અનુવાડિયા (૫૬) અને નૈનેશ પંચાસરા (૧૬)એ જવાબદારીપૂવર્‍ક બૅટિંગ કરીને સારી શરૂઆત કરી હતી. ગયા વખતે ૨૧૧ રનની પાર્ટનરશિપનો ઇતિહાસ કરનારી આ જોડી વચ્ચે આ વખતે ૬.૪ ઓવરમાં નૈનેશ પંચાસરાની વિકેટ પડી ત્યાં સુધી ૯૨ રનની શાનદાર ભાગીદારી નોંધાઈ હતી. ધર્મેશ અનુવાડિયાએ પોતાની ઇનિંગ્સ દરમ્યાન ફરી એક વખત સારા શૉટ્સનાં દર્શન કરાવ્યાં હતાં એમ છતાં ગુર્જર ક્ષત્રિય કડિયાની ચુસ્ત બોલિંગ સામે અપેક્ષા પ્રમાણે ધડબડાટી જોવા નહોતી મળી. બોલરોએ છેલ્લી ચાર ઓવરમાં રન આપવાની કંજૂસાઈને કારણે ગુર્જર સુતારના ૧૦ ઓવરમાં ૩ વિકેટે ૧૨૫ રન થયા હતા.

જવાબમાં બૅટિંગમાં આવેલી ગુર્જર ક્ષત્રિય કડિયા માટે ૧૨૬ રનનો ટાર્ગેટ અઘરો હતો ત્યારે બોલર પરેશ અનુવાડિયાની પહેલી ઓવરના બે બૉલમાં જ ઓપનિંગ જોડી પૅવિલિયનભેગી થઈ જતાં બૅટિંગ-ટીમ શોકમાં સરી પડી હતી. ગુર્જર ક્ષત્રિય કડિયાના બૅટ્સમેનોની ગુર્જર સુતારની બોલિંગ સામે વિકેટ પડવાનો દોર ચાલુ રહ્યો હતો ત્યારે ૪ ઓવરના અંતે ૨૫ રનના સ્કોર પર પાંચ વિકેટનું પતન થઈ ચૂક્યું હતું. છેક છઠ્ઠા ક્રમે આવેલા અમિત રાઠોડે (૨૩) થોડો સમય પિચ પર ટકીને ટીમના સ્કોરને ૧૦ ઓવરના અંતે ૭ વિકેટે ૬૦ રનની સ્થિતિએ પહોંચાડ્યો હતો. ગુર્જર સુતારે ગુર્જર ક્ષત્રિય કડિયા સામે ૬૫ રનના ભવ્ય વિજયથી પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી પાક્કી કરી લીધી હતી.

ટૂંકો સ્કોર : ગુર્જર સુતાર : ૧૦ ઓવરમાં ૧૨૫/૩ (ધર્મેશ અનુવાડિયા ૩૦ બૉલમાં ૭ ફોર અને ૩ સિક્સર સાથે ૫૬ રન, જય પરમાર ૨-૦-૧૫-૧)

ગુર્જર ક્ષત્રિય કડિયા : ૧૦ ઓવરમાં ૬૦/૭ (અમિત રાઠોડ ૨૭ બૉલમાં ૨ ફોર અને ૧ સિક્સર સાથે ૨૩ રન, નિમેશ વિસાવડિયા ૨-૦-૧૨-૩)

મૅન ઑફ ધ મૅચ : ધર્મેશ અનુવાડિયા (ગુર્જર સુતાર)

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK