દસમા દિવસે વન-સાઇડેડ મૅચોએ ક્રિસમસ બનાવી નીરસ

ચૅમ્પિયન ચરોતર રૂખીએ કચ્છ-વાગડ લેઉવા પટેલને જંગી હાર આપીને ટુર્નામેન્ટમાંથી કરી આઉટ : વીસા સોરઠિયા વણિક સામે સૌરાષ્ટ્ર લેઉવા પટેલનો આસાન વિજય: ખડાયતા સામે પછડાટ ખાતાં કચ્છી રાજગોરની વધુ એક હાર : ચોથી મૅચમાં આહીર સંજોગવસાત્ મેદાન પર હાજર ન રહી શકતાં સઈ સુતાર વાંઝા નાઘેરને મળી વૉક-ઓવર


મિડ-ડે કપની સાતમી સીઝનના ગઈ કાલના દસમા દિવસે રમાયેલી ત્રણેય મૅચો વન-સાઇડેડ રહી હતી. ગઈ કાલે ક્રિસમસના રજાના દિવસે બધી મૅચોમાં અપેક્ષા પ્રમાણે પરિણામ આવ્યાં હતાં. લીગ મૅચનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે ટીમની હાર-જીત વચ્ચે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી-આઉટની અફરાતફરી શરૂ થઈ છે. ચૅમ્પિયન ટીમ ચરોતર રૂખીએ ધમાકેદાર બૅટિંગ કરીને કચ્છ-વાગડ લેઉવા પટેલને હરાવીને ટુર્નામેન્ટમાંથી આઉટ કરી ઘરનો રસ્તો દેખાડ્યો હતો. વીસા સોરઠિયા વણિક એની ત્રીજી મૅચમાં પણ કોઈ કમાલ ન દેખાડતાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સામે હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. ખડાયતાએ શાનદાર બૅટિંગ કરીને જંગી રનથી કચ્છી રાજગોર સામે જીતીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. છેલ્લી અને ચોથી મૅચમાં આહીર ટીમ અમુક કારણોસર મેદાન પર હાજર ન રહી શકતાં સઈ સુતાર વાંઝા નાઘેર ટીમને વૉક-ઓવર મળી હતી.

મૅચ-૧

રનનો ઢગલો કરીને પહેલેથી જ જીત પોતાના પક્ષમાં કરવા માટે જાણીતી ચૅમ્પિયન ટીમ ચરોતર રૂખીને હરીફ ટીમ તરફથી પહેલાં બૅટિંગ મળતાં જોઈતાને ફાવતું મળી ગયું હતું. બૅટિંગ-ટીમની શરૂઆત ઍવરેજ રહી હતી ત્યારે બીજી ઓવરમાં ૧૦ રનના સ્કોર પર ગયા વર્ષનો મૅન ઑફ ધ સિરીઝ અને બેસ્ટ બૅટ્સમૅન જિતેશ પુરબિયાની વિકેટ સસ્તામાં પડી જતાં કચ્છ-વાગડ લેઉવા પટેલ ટીમ હરખાઈ ગઈ હતી. ત્યાર બાદ ત્રીજી ઓવરમાં પણ વધુ એક વિકેટ પડતાં તેઓ આજે કોઈક ચમત્કારે કરશે એવું લાગવા માંડ્યું હતું, પરંતુ ચોથા ક્રમે આવેલા કૅપ્ટન ખીમજી મકવાણા (૪૪)એ જવાબદારીપૂર્વક રમીને ઓપનર ચેતન સોલંકી સાથે પિચ પર ટકીને થોડા રન બનાવ્યા હતા. જોકે ચેતન સોલંકી પાંચમી ઓવરમાં આઉટ થઈ જતાં સ્કોર ૫૫ને બદલે ૪૫ થઈ ગયો હતો ત્યારે ચરોતર રૂખી વધુ સ્કોર નહીં કરી શકે એમ લાગતું હતું, પરંતુ ત્યાર બાદ ખીમજી મકવાણા તેના અસલ રંગમાં આવી જતાં અનુભવી પરેશ વાલંત્રા (૩૮)ના ઉપયોગી સાથ વડે ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવી ૧૦ ઓવરના અંતે ૩ વિકેટે ૧૩૭ રન બનાવીને મૅચની રૂખ બદલી નાખી હતી.

જવાબમાં બૅટિંગમાં ઊતરેલી

કચ્છ-વાગડ લેઉવા પટેલની શરૂઆતની બે ઓવર સારી રહી હતી, પરંતુ બીજી ઓવરના છેલ્લા બે બૉલમાં ઉપરાઉપરી બે સિક્સરો ફટકારનાર અલ્પેશ બંગારી (૧૨)ને પરેશ વાલંત્રાએ ક્લીન બોલ્ડ કર્યો હતો. ત્યાર બાદ ચરોતર રૂખીના અનુભવી બોલરો સામે કચ્છ-વાગડ લેઉવા પટેલના એકેય બૅટ્સમેનોએ પિચ પર ટકી રહેવાની તૈયારી નહોતી બતાવી. લગભગ દરેક ઓવરમાં વિકેટ પડતી રહી હતી ત્યારે મેદાનમાં ‘ચલ ભાઈ ચલ, ચાલતી પકડ’નું મ્યુઝિક સતત સંભળાતું રહ્યું હતું. બૅટિંગમાં કમાલ દેખાડ્યા બાદ બોલિંગમાં મૅજિક કરવા માટે છઠ્ઠી ઓવર લઈને આવેલા ચરોતર રૂખીના કૅપ્ટન ખીમજી મકવાણાએ એક રનઆઉટ સાથે કુલ ત્રણ વિકેટો ખેરવીને બૅટિંગ-ટીમ માટે શરમજનક હાર તૈયાર કરી લીધી હતી. ૯.૫ ઓવરમાં ૬૦ના સ્કોરે આખી ટીમ પૅવિલિયનભેગી થઈ જતાં કચ્છ-વાગડ લેઉવા પટેલની ૭૭ રને હાર થઈ હતી અને એ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.

ટૂંકો સ્કોર : ચરોતર રૂખી : ૧૦ ઓવરમાં ૧૩૭/૩ (ખીમજી મકવાણા ૨૬ બૉલમાં ૫ ફોર અને ૪ સિક્સર સાથે ૪૪ રન, ભાવેશ રાવરિયા ૨-૦-૧૯-૧)

કચ્છ-વાગડ લેઉવા પટેલ : ૯.૫ ઓવરમાં ૬૦ રને ઑલઆઉટ (અલ્પેશ બંગારી ૬ બૉલમાં બે સિક્સર સાથે ૧૨ રન, ખીમજી મકવાણા ૧-૦-૫-૨)

મૅન ઑફ ધ મૅચ : ખીમજી મકવાણા (ચરોતર રૂખી)

મૅચ-૨

ટૉસ જીતીને બૅટિંગમાં આવેલી વીસા સોરઠિયા વણિકની ટીમે ખરાબ શરૂઆત કરી હતી. સૌરાષ્ટ્ર લેઉવા પટેલના બોલર હિતેશ ભાયાણીની બીજી ઓવરના પહેલા ત્રણ બૉલમાં જ એક રનઆઉટ સહિત ત્રણ વિકેટો પડી જતાં વીસા સોરઠિયા વણિક માટે વધુ સ્કોર કરવો કપરો સાબિત થયો હતો. ચોથા ક્રમે આવેલા એકમાત્ર વિક્રમ શાહે (૨૩) બૅટિંગ-ટીમ વતી ટફ બોલિંગ સામે ઊભા રહેવાની હિંમત બતાવી હતી, પરંતુ સામેના છેડે કોઈ બૅટ્સમૅને વધુ સાથ ન આપતાં વિકેટો પડતી રહી હતી. ૧૦ ઓવરના અંતે માંડ-માંડ ૯ વિકેટે ૬૯ રન કરીને વીસા સોરઠિયા વણિકે હરીફ ટીમને આસાન લક્ષ્યાંક આપ્યો હતો.

મજબૂત બૅટિંગલાઇન-અપ ધરાવતી સૌરાષ્ટ્ર લેઉવા પટેલે જવાબી બૅટિંગમાં પહેલી ઓવરમાં ૯ રનના સ્કોરે પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્રીજી ઓવરમાં ૨૨ના સ્કોર પર વધુ એક વિકેટ પડતાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલની ઓપનિંગ જોડી પૅવિલિયનભેગી થઈ ગઈ હતી, પરંતુ ત્રીજા અને ચોથા ક્રમે આવેલા અનુક્રમે રવિ ધામેલિયા (૨૪) અને શૈલેશ માણિયા (૧૨)એ પિચ પર ટકી રહીને સારા શૉટ્સ લગાવીને ૭૦ રનના આસાન લક્ષ્યાંકને માત્ર ૬.૩ ઓવરમાં જ પૂરો કરી લઈ સતત બીજી જીત સાથે પ્રી-ક્વૉર્ટર ફાઇનલની એન્ટ્રીમાં પોતાની દાવેદારી વધુ મજબૂત કરી લીધી હતી.

ટૂંકો સ્કોર : વીસા સોરઠિયા વણિક:

૧૦ ઓવરમાં ૬૯/૯ (વિક્રમ શાહ ૨૧ બૉલમાં ૫ ફોર સાથે ૨૭ રન, હિતેશ ભાયાણી ૨-૦-૮-૨)

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ : ૬.૩ ઓવરમાં ૭૪/૨ (રવિ ધામેલિયા ૨૦ બૉલમાં ૨ ફોર અને ૧ સિક્સર સાથે ૨૪ રન, દર્પણ શાહ ૧-૦-૧૦-૧)

મૅન ઑફ ધ મૅચ : હિતેશ ભાયાણી (સૌરાષ્ટ્ર લેઉવા પટેલ)

મૅચ-૩

ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરનાર ખડાયતાની શરૂઆત નબળી રહી હતી. એનો સ્ટાર ઓપનર અને કપોળ સામેની બીજી લીગ મૅચમાં કમાલનું પર્ફોમ કરનાર વિરલ શાહ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. જોકે તેનો સાથીઓપનર  નિશાદ ગાભાવાલા (૭૯)એ એકલાહાથે પહેલી બે ઓવરમાં શાનદાર ફટકા મારીને સ્કોર ૩૫ રનનો કરી દીધો હતો. ત્રીજા ક્રમે બૅટિંગમાં આવેલા વિશાલ મેરવાણાએ સુંદર તાલમેલ દ્વારા નિશાદને સ્ટ્રાઇક આપવાનું કામ કર્યું હતું અને નિશાદ કચ્છી રાજગોરના બોલરોની ધુલાઈ કરીને આઠમી ઓવરમાં આઉટ થતાં પહેલાં ૨૭ બૉલમાં ૪ સિક્સર અને ૧૨ ચોક્કા સાથે ૭૯ રનની આકર્ષક ઇનિંગ્સ રમ્યો હતો. ૧૦ ઓવરના અંતે ખડાયતા ટીમનો સ્કોર ૬ વિકેટે ૧૬૬ રન રહ્યો હતો.

૧૬૭ રનનો ટાર્ગેટ કચ્છી રાજગોર માટે અઘરો હતો ત્યારે પહેલી ઓવરમાં જ વિકેટ પડી જતાં તેમની ચિંતામાં વધારો થયો હતો. બીજી ઓવરમાં ૧૦ રનના સ્કોર પર વધુ એક વિકેટ પડતાં સસ્તામાં ટીમ ઘરભેગી થઈ જશે એમ લાગતું હતું. જ્યારે રન બનવાની શરૂઆત થઈ ત્યારે વીરેન શાહે પાંચમી પાવરઓવરમાં ઓપનિંગમાં આવેલા વિનોદ રાજગોરને બોલ્ડ કરીને કચ્છી રાજગોરના ૩૩ના સ્કોરને માઇનસ ૧૦ કરીને ૨૩ પર ઉતારી દીધો હતો. વધુ વિકેટો પડવાની શક્યતા જણાતી હતી ત્યાં ચોથા અને પાંચમા ક્રમે આવેલા અનુક્રમે કશ્યપ રાજગોર (૨૭) અને ભાવેશ રાજગોર (૧૮) પિચ પર થોડા શૉટ્સ મારવામાં સફળ રહ્યા હતા, પરંતુ તેમની ચુસ્ત બોલિંગ સામે તેઓ કોઈ કમાલ નહોતા દેખાડી શક્યા. કચ્છી રાજગોરના ૧૦ ઓવરના અંતે ૪ વિકેટે ૮૨ રન થતાં ખડાયતાનો ૮૪ રને ભવ્ય વિજય થતાં એનો પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ થઈ ચૂક્યો છે.

ટૂંકો સ્કોર : ખડાયતા : ૧૦ ઓવરમાં ૧૬૦/૬ (નિશાદ ગાભાવાલા ૨૭ બૉલમાં ૧૨ ફોર અને ૪ સિક્સર સાથે ૭૯ રન, અમિત રાજગોર ૨-૦-૧૨-૩)

કચ્છી રાજગોર : ૧૦ ઓવરમાં ૮૨/૪ (કશ્યપ રાજગોર ૨૯ બૉલમાં ૪ ફોર સાથે ૨૭ રન, અંકુર શાહ ૨-૦-૧૨-૧)

મૅન ઑફ ધ મૅચ :નિશાદ ગાભાવાલા (ખડાયતા)

મૅચ-૪

આહીર ટીમ સંજોગવસાત્ મેદાન પર હાજર ન રહી શકતાં સઈ સુતાર વાંઝા નાઘેરને વૉક-ઓવર આપવામાં આવી હતી.

આઠેઆઠ ગ્રુપની હવે શું પોઝિશન છે?

ગ્રુપ ખ્ : ચરોતર રૂખીએ પોતાની ત્રણેય મૅચોમાં શાનદાર વિજય સાથે કુલ ૬ પૉઇન્ટ મેળવીને +૫.૨૦ના રનરેટ સાથે ગ્રુપની નંબર વન ટીમ તરીકે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. જ્યારે નંબર ટૂ ટીમ માટે નવગામ વીસા નાગર વણિક અને પરજિયા સોની વચ્ચેનો રવિવારનો મુકાબલો નિર્ણાયક બની રહેશે. કચ્છ-વાગડ લેઉવા પટેલ ત્રણેય મૅચમાં હાર થતાં ટુર્નામેન્ટની બહાર ફેંકાઈ ગઈ છે

ગ્રુપ ગ્ : પ્રથમ બન્ને લીગ મૅચો જીતીને વાગડ વીસા ઓસવાળ જૈન અને ઘોઘારી વીસા શ્રીમાળી જૈને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે, પણ ગ્રુપનો નંબર વન માટેનો આવતી કાલનો આ બન્ને ટીમ વચ્ચેનો મુકાબલો નિર્ણાયક બની રહેશે. આહીર અને સઈ સુતાર વાંઝા નાઘેર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

ગ્રુપ ઘ્ : કપોળ અને ખડાયતાએ અનુક્રમે ૬ અને ૪ પૉઇન્ટ સાથે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે, જ્યારે ગોસ્વામી અને કચ્છી રાજગોર ટુર્નામેન્ટથી બહાર થઈ ગઈ છે.

ગ્રુપ D : આ ગ્રુપની ચારેય ટીમોની એક-એક મૅચ બાકી છે. છેલ્લી લીગમાં હારે તો પણ કચ્છી કડવા પાટીદારનો પ્રી-ક્વૉર્ટરમાં ગ્રુપની નંબર વન ટીમ તરીકે પ્રવેશ નિãત જણાઈ રહ્યો છે. નંબર ટૂ ટીમ માટે પ્રજાપતિ કુંભાર, ખંભાતી વીસા શ્રીમાળી જૈન અને બ્રહ્મક્ષત્રિય દાવેદાર છે. પ્રજાપતિ કુંભાર કચ્છી કડવા પાટીદાર સામે હારી જાય અને ખંભાતી વીસા શ્રીમાળી જૈન બહ્મક્ષત્રિયને હરાવે તો ત્રણેય ટીમોના એકસરખા બે પૉઇન્ટ થાય અને એમાં રનરેટ નિર્ણાયક બનશે.

ગ્રુપ ચ્ : સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન બે લીગ મૅચ હારીને આઉટ થઈ ગઈ છે. મેઘવાળ, હાલાઈ ભાટિયા અને ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી)ની પ્રી-ક્વૉર્ટર માટેની દાવેદારી હજી અકબંધ છે. હવે જો શનિવારે હાલાઈ ભાટિયા મેઘવાળને હરાવે તો ૬ પૉઇન્ટ સાથે ગ્રુપની નંબર વન ટીમ તરીકે એ પ્રી-ક્વૉર્ટરમાં પ્રવેશ કરી લેશે, પણ જો તેઓ હારી જાય અને ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનને હરાવે તો ત્રણેય ટીમોના સરખા ચાર પૉઇન્ટ થશે અને એમાં રનરેટ નિર્ણાયક બનશે.

ગ્રુપ જ્ : ગ્રુપની નંબર વન ટીમ તરીકે કચ્છી વીસા ઓસવાળ જૈન મજબૂત દાવેદાર છે. જ્યારે નંબર ટૂ ટીમ માટે બાકીની ત્રણેય ટીમો વૈંશ સુતાર, નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ અને લુહાર સુતારને ચાન્સ છે. વૈંશ સુતાર કચ્છી વીસા ઓસવાળ સામે હારી જાય અને લુહાર સુતાર નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણને હરાવે તો ત્રણેય ટીમના એકસરખા બે પૉઇન્ટ થશે અને રનરેટના આધારે નંબર ટૂ ટીમ નક્કી થશે.

ગ્રુપ  ઞ્ : વીસા સોરઠિયા વણિક બે લીગ મૅચ હારીને બહાર થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ, હાલાઈ લોહાણા અને ઇસ્માઇલી ખોજા વચ્ચે નંબર વન અને ટૂ ટીમ માટે જોરદાર રસાકસી જામવાની છે. રવિવારે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ હાલાઈ લોહાણાને હરાવે તો નંબર વન તરીકે પ્રી-ક્વૉર્ટરમાં પ્રવેશ કરી લેશે, પણ જો તેઓ હારી જશે તો ત્યાર બાદ ઇસ્માઇલી ખોજા અને વીસા સોરઠિયા વણિક વચ્ચેની મૅચનું પરિણામ ચિત્ર સ્પષ્ટ કરશે.

ગ્રુપ ણ્ : કચ્છી લોહાણા અને ગુર્જર સુતારે તેમની અત્યાર સુધીની બન્ને મૅચોમાં વિજય મેળવીને ગ્રુપમાં ટૉપ પર રહીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી મેળવી લીધી છે, પણ ગ્રુપની નંબર વન ટીમ માટે રવિવારનો બન્ને ટીમો વચ્ચેનો મુકાબલો નિર્ણાયક બની રહેશે. ગુગળી બ્રાહ્મણ અને ગુર્જર ક્ષત્રિય કડિયા બન્ને લીગ મૅચોમાં હારીને પ્રી-ક્વૉર્ટરની રેસમાંથી આઉટ થઈ ચૂકી છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK