પ્રી-ક્વૉર્ટર્સની ત્રણ લાઇન-અપ નક્કી થઈ ગઈ

ચરોતર રૂખી વર્સસ ઘોઘારી વીસા શ્રીમાળી જૈન, કપોળ વર્સસ બ્રહ્મક્ષત્રિય અને કચ્છી કડવા પાટીદાર વિરુદ્ધ ખડાયતા ટકરાશે, ખંભાતી વીસા શ્રીમાળી જૈન સામે જોરદાર પર્ફોર્મન્સથી મેળવેલી જીત વડે બ્રહ્મક્ષત્રિયનો પ્રથમ વાર પ્રી-ક્વૉર્ટરમાં શાનદાર પ્રવેશ : ગુર્જર ક્ષત્રિય કડિયાએ ગુગળી બ્રાહ્મણ સામે જીતીને મિડ-ડે કપમાં પ્રથમ જીત મેળવી : ઘોઘારી વીસા શ્રીમાળી જૈનને હાર આપીને વાગડ વીસા ઓસવાળ જૈન ગ્રુપની નંબર વન ટીમ : પ્રજાપતિ કુંભારે કચ્છી કડવા પાટીદાર સામે શરમજનક રીતે હારીને પ્રી-ક્વૉર્ટરમાં એન્ટ્રી મેળવવાની તક ગુમાવી


મિડ-ડે કપની સાતમી સીઝનના ગઈ કાલના અગિયારમા દિવસની ચારેય મૅચોનાં પરિણામોથી પ્રી-ક્વૉર્ટરના પ્રથમ દિવસની ચારમાંથી ત્રણ મૅચોમાં કઈ-કઈ ટીમો વચ્ચે જંગ ખેલાશે એ નક્કી થઈ ગયું છે. પ્રથમ મૅચમાં બ્રહ્મક્ષત્રિય અને ખંભાતી વીસા શ્રીમાળી જૈન વચ્ચે થયેલા રસાકસીભર્યા જંગમાં બ્રહ્મક્ષત્રિયે શાનદાર જીત મેળવીને પ્રી-ક્વૉર્ટરમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી અને હવે સોમવારે બપોરે ૧ વાગ્યે કપોળ સામે એની ટક્કર થશે. અગાઉથી જ પ્રી-ક્વૉર્ટરની રેસમાંથી આઉટ થઈ ગયેલી બન્ને ટીમો ગુગળી બ્રાહ્મણ અને ગુર્જર ક્ષત્રિય કડિયા વચ્ચે વન-સાઇડેડ બની ગયેલી મૅચમાં ગુર્જર ક્ષત્રિય કડિયાએ મિડ-ડે કપમાં સૌપ્રથમ વખત વિજય મેળવ્યો હતો. પ્રી-ક્વૉર્ટરમાં પોતાના ગ્રુપની નંબર વન ટીમ બનવા માટે થયેલા જંગમાં વાગડ વીસા ઓસવાળ જૈન સામે ઘોઘારી વીસા શ્રીમાળી જૈનની હાર થઈ હતી. હવે સોમવારે પ્રી-ક્વૉર્ટરમાં વાગડ વીસા ઓસવાળ જૈન આવતી કાલની નવગામ વીસા નાગર વણિક અને પરજિયા સોની વચ્ચેની મૅચના વિજેતા સાથે ટકરાશે, જ્યારે ઘોઘારી વીસા શ્રીમાળી જૈનનો ચૅમ્પિયન ચરોતર રૂખી સામે સામનો થશે. ચોથી મૅચમાં કચ્છી કડવા પાટીદારે પ્રજાપતિ કુંભારને નામોશીભરી હાર આપીને ટુર્નામેન્ટની બહાર કરી દીધી હતી. પ્રી-ક્વૉર્ટરમાં કચ્છી કડવા પાટીદારનો મુકાબલો ખડાયતા ટીમ સામે થશે.

મૅચ-૧

ટૉસ જીતીને પ્રથમ બૅટિંગમાં ઊતરેલી ખંભાતી વીસા શ્રીમાળી જૈન શરૂઆતમાં તો મજબૂત જણાઈ હતી, પરંતુ ચોથી ઓવરમાં જ ખંભાતી વીસા શ્રીમાળી જૈનના મજબૂત બૅટ્સમૅન ઋષભ દંતારાને હિરેન નિર્મલે ક્લીન બોલ્ડ કરી દીધો હતો. ત્યાર બાદ બ્રહ્મક્ષત્રિયના કૅપ્ટન ઉર્વેશ બોસમિયાએ પાંચમી પાવરઓવરમાં પહેલા બૉલે વધુ એક વિકેટ પાડીને સ્કોરને માઇનસ ૧૦ કરીને બૅટિંગ-ટીમ માટે માથાનો દુખાવો કરી દીધો હતો. છઠ્ઠી ઓવરમાં ૩૫ના સ્કોર પર ત્રીજી વિકેટ પડ્યા બાદ ખંભાતી વીસા શ્રીમાળી જૈનના ધર્મેશ ચોકસી સિવાય એકેય બૅટ્સમૅન પિચ પર ટકી શક્યો નહોતો. છેલ્લી પાંચ ઓવરમાં આખી ટીમે ૩૪ રન ઉમેરીને પાંચ વિકેટ ગુમાવતાં સ્કોર ૧૦ ઓવરના અંતે ૮ વિકેટે માત્ર ૬૯ રન રહ્યો હતો.

જવાબમાં બૅટિંગમાં ઊતરેલી બ્રહ્મક્ષત્રિય ટીમના બૅટ્સમેનો પર ખંભાતી વીસા શ્રીમાળી જૈનના બોલરો શરૂઆતથી જ હાવી થઈ ગયા હતા. પહેલી ઓવરમાં જ બે રનના સ્કોર પર ઓપનર હિરેન નિર્મલ આઉટ થઈ જતાં ટીમને ઝટકો લાગ્યો હતો. ખંભાતી વીસા શ્રીમાળી જૈનના ઋષભ દંતારા અને રોનક શાહે બીજી અને ત્રીજી ઓવરમાં વધુ એક-એક વિકેટ પાડીને બ્રહ્મક્ષત્રિયની બૅટિંગની કમર તોડી નાખી હતી. પાંચમી ઓવરની શરૂઆતમાં સ્કોર હતો ૨૮ રન ત્યારે બોલર રોનક શાહે બે વિકેટો ખેરવીને બ્રહ્મક્ષત્રિયના મહામહેનતે બનેલા સ્કોરમાંથી ૨૦ રન માઇનસ કરાવ્યા હતા, પરંતુ એ જ ઓવરમાં રોનક શાહે વિકેટ મેળવી હોવા છતાં વાઇડ બૉલની ભરમાર દ્વારા માઇનસ થયેલો સ્કોર સરભર થઈને ફરી એક વખત ઓવરના અંતે ૨૭ થઈ ગયો હતો. પાંચમા અને આઠમા ક્રમે બૅટિંગમાં ઊતરેલા જનક મેર (૨૦) અને નીલેશ છાટબાર (૧૯)ની પાર્ટનરશિપ તેમ જ બોલિંગ-ટીમના કુલ ૩૪ એક્સ્ટ્રા રનની મદદથી બ્રહ્મક્ષત્રિયે ૯.૧ ઓવરમાં ૬ વિકેટે ૭૦ રન કરીને જીત મેળવી લીધી હતી. આ જીત સાથે બ્રહ્મક્ષત્રિયે સૌપ્રથમ વાર મિડે-ડે કપમાં પ્રી-ક્વૉર્ટરમાં પ્રવેશ મેળવ્યો હતા અને હવે એનો સામનો ૨૦૧૦ની ચૅમ્પિયન ટીમ કપોળ સામે થશે.

ટૂંકો સ્કોર : ખંભાતી વીસા શ્રીમાળી જૈન: ૧૦ ઓવરમાં ૬૯/૮ (ધર્મેશ ચોકસી ૧૫ બૉલમાં ૨ ફોર સાથે ૧૯ રન, જયેશ પડિયા ૨-૦-૧૨-૩)

બ્રહ્મક્ષત્રિય : ૯.૧ ઓવરમાં ૭૦/૬ (જનક મેર ૨૦ બૉલમાં ૨ ફોર અને ૧ સિક્સર સાથે ૨૦ રન, રોનક શાહ ૨-૦-૨૩-૨)

મૅન ઑફ ધ મૅચ : જનક મેર (બ્રહ્મક્ષત્રિય)

મૅચ-૨

ગુગળી બ્રાહ્મણે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગનો નિર્ણય કર્યો હતો ત્યારે પહેલી ઓવરમાં જ ૧૦ રને વિકેટ પડી જતાં ખરાબ શરૂઆત થઈ હતી. ત્રીજી ઓવરમાં વધુ એક વિકેટ પડી જતાં ગુગળી બ્રાહ્મણની મજબૂત ઓપનિંગ જોડી પૅવિલિયનભેગી થઈ ગઈ હતી, પરંતુ ત્યાર બાદ આવેલા દેવાંગ ઠાકર (૧૩) અને પ્રિયાંક ઠાકરે (૧૩) પિચ ઉપર એકબીજા સાથે તાલમેલ મેળવીને ૩૧ રનની શાનદાર પાર્ટનરશિપ કરીને ટીમને લોએસ્ટ સ્કોરના ખતરાથી ઉગારી લીધી હતી, પરંતુ આઠમી ઓવર લઈને આવેલા અજય સાપરિયાએ જામી ગયેલી જોડી સહિત કુલ ત્રણને આઉટ કરીને ગુગળી બ્રાહ્મણની છેલ્લી ઓવરમાં વધુ સ્કોર કરવાની આશા પર પાણી ફેરવી દીધું હતું. ગુર્જર ક્ષત્રિય કડિયાની બોલિંગ સામે ગુગળી બ્રાહ્મણ ૧૦ ઓવરના અંતે ૭ વિકેટ ગુમાવીને ૭૨ રન કરી શકી હતી.

૭૩ના ટાર્ગેટ માટે બૅટિંગમાં ઊતરેલી ગુર્જર ક્ષત્રિય કડિયાની બીજી ઓવરની શરૂઆત થતાં ૪ રનના સ્કોર પર કૅપ્ટન તેજસ મનાણી અને સવજી ગાંગાણીની ઓપનિંગ જોડી સસ્તામાં આઉટ થઈ જતાં જીત અઘરી જણાઈ રહી હતી, પરંતુ ત્યાર બાદ આવેલા રમેશ ચૌહાણ (૪૦) અને પરેશ ગાંગાણી (૧૬)એ ગજબના તાલમેલ સાથે ચોગ્ગાની રમઝટ બોલાવી હતી. ગુગળી બ્રાહ્મણે છેક સુધી બોલિંગમાં કોઈ ચમત્કાર ન દેખાડતાં રમેશ ચૌહાણ અને પરેશ ગાંગાણીએ ૬૯ રનની શાનદાર પાર્ટનરશિપ કરીને અંત સુધી નૉટ-આઉટ રહી ટીમને ૬.૫ ઓવરમાં બે વિકેટે ૭૩ રન કરીને ૮ વિકેટે મિડ-ડે કપમાં પ્રથમ વિજય અપાવ્યો હતો.

ટૂંકો સ્કોર : ગુગળી બ્રાહ્મણ : ૧૦ ઓવરમાં ૭૨/૭ (દેવાંગ ઠાકર ૧૨ બૉલમાં ૧ ફોર સાથે ૧૩ રન, અજય સાપરિયા ૨-૦-૧૨-૨)

ગુર્જર ક્ષત્રિય કડિયા : ૬.૫ ઓવરમાં ૭૩/૨ (રમેશ ચૌહાણ ૨૫ બૉલમાં ૮ ફોર સાથે ૪૦ રન, દેવાંગ ઠાકર ૨-૦-૧૭-૧)

મૅન ઑફ ધ મૅચ : રમેશ ચૌહાણ (ગુર્જર ક્ષત્રિય કડિયા)

મૅચ-૩

પોતાના ગ્રુપમાં નંબર વન ટીમ બનવા માટેની ટક્કરમાં ઘોઘારી વીસા શ્રીમાળી જૈન સામે ૨૦૦૮ અને ૨૦૦૯ની ચૅમ્પિયન ટીમ વાગડ વીસા ઓસવાળ જૈને ટૉસ જીતીને બૅટિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ ઓવરમાં જ કૅપ્ટન ચિરાગ નિસર માત્ર ૪ રન બનાવીને દર્શન વસાના બૉલમાં કૅચઆઉટ થતાં ટીમમાં સોપો પડી ગયો હતો, પરંતુ ઓપનર રોનક ગાલા અને ત્રીજા ક્રમના અનુભવી ભાવેશ ગાલાની સમજદારીપૂર્વકની બૅટિંગથી ટીમનો સ્કોર વધતો રહ્યો હતો ત્યારે ૨.૫ ઓવરમાં ૩૦ના સ્કોર પર ભાવેશ ગાલા આઉટ થતાં રનગતિ ધીમી પડી ગઈ હતી. એવામાં ચોથી ઓવરમાં ૪૬ના સ્કોર પર રોનક ગાલા પણ ૨૩ રન બનાવીને આઉટ થઈ જતાં વધુ સ્કોર થવાની આશા રહી નહોતી. પાંચમા ક્રમે બૅટિંગમાં ઊતરેલા અંકિત ગાલા (૩૨)એ લાંબો સમય પિચ પર ટકીને ચાન્સ મળે ત્યારે બૉલને બાઉન્ડરીની બહાર મોકલીને ટીમના સ્કોરને વધાર્યો હતો. જંગી જુમલો ખડકવા માટે જાણીતી આ ભૂતપૂર્વ ચૅમ્પિયન ટીમ ઘોઘારી વીસા શ્રીમાળી જૈનની બોલિંગમાં ૧૦ ઓવરના અંતે પાંચ વિકેટે ૯૮ રન જ કરી શકી હતી.

જવાબમાં બૅટિંગમાં આવેલી ઘોઘારી વીસા શ્રીમાળી જૈને ધીમી શરૂઆત કરી હતી ત્યાં બીજી ઓવરમાં ૧૦ રનના સ્કોર પર ઓપનર હાર્દિક શાહ ખાતું ખોલાવ્યા વિના જ ભાવિક ગિન્દ્રાના બૉલમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. ત્યાર બાદ ઓવરનો આંકડો વધી રહ્યો હતો, પરંતુ ઘોઘારી વીસા શ્રીમાળી જૈનના સ્કોરમાં જરાય વધારો થતો નહોતો. ચોથી ઓવરના પહેલા બૉલે ૧૬ના સ્કોર પર વધુ એક વિકેટ પડતાં બૅટિંગ-ટીમ માટે જીત વધુ કઠિન બનતી જણાતી હતી. ત્રીજા અને ચોથા ક્રમે આવેલા અનુક્રમે અંકિત દોશી અને વિપુલ સંઘવી વચ્ચેની થોડી સારી પાર્ટરનશિપને કારણે સ્કોરમાં ઉમેરો થતો રહ્યો હતો, પરંતુ વાગડ વીસા ઓસવાળ જૈનના બોલરો સામે આ જોડી વધુ ટકી શકી નહોતી. ત્યાર બાદ બૅટિંગમાં આવેલા તીરથ શાહ (૧૨) અને કૅપ્ટન ધ્રુપેશ સાવડિયા (૨૦)ની જોડીએ અંત સુધી પિચ પર ટકીને થોડા શૉટ્સ લગાવીને ટીમ માટે જીતની આશા બંધાવી હતી, પરંતુ એ નિષ્ફળ રહી હતી. ચુસ્ત બોલિંગ સામે ઘોઘારી વીસા શ્રીમાળી જૈન ૧૦ ઓવરના અંતે ૪ વિકેટે ૮૩ રન જ બનાવતાં વાગડ વીસા ઓસવાળ જૈનનો ૧૫ રને વિજય

થયો હતો.

ટૂંકો સ્કોર : વાગડ વીસા ઓસવાળ જૈન: ૧૦ ઓવરમાં ૯૮/૫ (અંકિત ગાલા ૨૫ બૉલમાં ૫ ફોર સાથે ૩૨ રન, તીરથ શાહ ૨-૧-૧૦-૨)

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન : ૧૦ ઓવરમાં ૮૩/૪ (ધ્રુપેશ સાવડિયા ૯ બૉલમાં ૩ ફોર અને ૧ સિક્સર સાથે ૨૦ રન, ભાવિક ગિન્દ્રા ૨-૦-૧૦-૧)

મૅન ઑફ ધ મૅચ : અંકિત ગાલા (વાગડ વીસા ઓસવાળ જૈન)

મૅચ-૪

કચ્છી કડવા પાટીદારે ટૉસ હાર્યા છતાં પ્રથમ બૅટિંગ માટેની મળેલી તકનો લાભ લઈ શાનદાર શરૂઆત કરી હતી. બોલરો માટે ડેન્જરમૅન ગણાતા કચ્છી કડવા પાટીદારના કૅપ્ટન ભાવિક ભગતે (૩૨) છેલ્લી મૅચમાં મૅન ઑફ ધ મૅચ રહેલા દેવાંગ પોકાર સાથે ઓપનિંગમાં ફટકારવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ ત્રીજી ઓવરમાં ૨૮ના સ્કોર પર દેવાંગ પોકારની પ્રથમ વિકેટ પડી જતાં હાર્દિક પારસિયા ભાવિક ભગતને સાથ આપવા આવ્યો હતો. એ જોડી વચ્ચે ૫૬ રનની શાનદાર પાર્ટનરશિપ બાદ ભાવિક ભગત પોતાની મોટા ભાગની જવાબદારી પૂરી કરીને ટીમના ૮૪ના સ્કોર પર છઠ્ઠી ઓવરમાં આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ કચ્છી કડવા પાટીદારના બૅટ્સમેનોએ પોતાના ભાગની બૅટિંગ જવાબદારીપૂર્વક કરીને ૧૦ ઓવરના અંતે ૩ વિકેટ ગુમાવીને ૧૫૫ રનનો જંગી જુમલો હરીફ ટીમ માટે ખડકી દીધો હતો.

પ્રજાપતિ કુંભાર માટે આ મૅચ જીતીને પ્રી-ક્વૉર્ટરમાં એન્ટ્રી મેળવવાની તક હતી ત્યારે ૧૫૬ રનનો ટાર્ગેટ કચ્છી કડવા પાટીદારની બોલિંગ સામે કરવો અઘરો હતો. બૅટિંગમાં ઊતરેલી પ્રજાપતિ કુંભાર કચ્છી કડવા પાટીદારની ખતરનાક બોલિંગ સામે સાવ પાંગળી જણાઈ હતી. પ્રથમ ઓવરથી જ વિકેટ પડવાનો દોર શરૂ થઈ જતાં ૪ ઓવરના અંતે માત્ર ૨૪ના સ્કોર પર પાંચમી વિકેટ પડતાં પ્રજાપતિ કુંભારની અડધી ટીમ પૅવિલિયનભેગી થઈ ગઈ હતી. એવામાં પાંચમી પાવરઓવર લઈને આવેલા ખતરનાક બોલર રમેશ જબુઆણીએ બે વિકેટો ખેરવીને પ્રજાપતિ કુંભારનો સ્કોર માઇનસ ૨૦ કરીને ફક્ત ૪ રન કરી દીધો હતો. ત્યાર બાદ માંડ-માંડ ઓવરો કાઢવામાં વ્યસ્ત રહેલી પ્રજાપતિ કુંભારની ટીમના રન ઓછા થતા હતા અને વિકેટો વધુ પડતી રહી હતી. ૧૦ ઓવરના અંતે ૯ વિકેટે ૨૧ રન બનતાં મિડ-ડે કપના આ વર્ષમાં ટીમનો સૌથી લોએસ્ટ સ્કોર પ્રજાપતિ કુંભારના નામે થતાં એની નામોશીભરી હાર થઈ હતી.

ટૂંકો સ્કોર : કચ્છી કડવા પાટીદાર : ૧૦ ઓવરમાં ૧૫૫/૩ (ભાવિક ભગત ૧૩ બૉલમાં ૪ ફોર અને ૨ સિક્સર સાથે ૩૨ રન, વિકી ચૌહાણ ૨-૦-૧૨-૨)

પ્રજાપતિ કુંભાર : ૧૦ ઓવરમાં ૨૧/૯ (મિતુલ ચૌહાણ ૩ બૉલમાં ૧ ફોર અને ૧ સિક્સર સાથે ૧૦ રન, તેજસ રંગાણી ૨-૦-૧૫-૩)

મૅન ઑફ ધ મૅચ : રમેશ જબુઆણી (કચ્છી કડવા પાટીદાર)

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK