પ્રી-ક્વૉર્ટરની વધુ બે લાઇન-અપ નક્કી : બાકીની ત્રણ આજે થશે

મેઘવાળનો મુકાબલો થશે નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ સામે અને કચ્છી વીસા ઓસવાળ જૈન ટકરાશે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) સામે, કચ્છી વીસા ઓસવાળ જૈન સામે હારીને વૈંશ સુતારે પ્રી-ક્વૉર્ટરમાં એન્ટ્રીની મહત્વની તક ગુમાવી : ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) અને સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન વચ્ચે રમાયેલી રસાકસીભરી મૅચમાં ટર્ન થઈને વન-સાઇડેડ બન્યા બાદ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણે વિજય સાથે પ્રી-ક્વૉર્ટરમાં પ્રવેશ કર્યો: કરો યા મરોની મૅચમાં મેઘવાળે શાનદાર પર્ફોર્મન્સ વડે હાલાઈ ભાટિયાને હાર આપીને ટુર્નામેન્ટથી બહાર કરી : નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણે લુહાર સુતાર સામે શાનદાર વિજય મેળવીને મારી દીધી પ્રી-ક્વૉર્ટરમાં એન્ટ્રીમિડ-ડે કપની સાતમી સીઝનનો ગઈ કાલનો બારમો દિવસ પ્રી-ક્વૉર્ટરમાં ટીમોની ઇન-આઉટની રસાકસી દરમ્યાન રોમાંચભર્યો રહ્યો હતો. પહેલી મૅચમાં કચ્છી વીસા ઓસવાળ જૈન સામે વૈંશ સુતારની હાર થતાં તેમની પ્રી-ક્વૉર્ટરમાં એન્ટ્રી મેળવવાની આશા ઠગારી નીવડી હતી. ત્રિવેદી મેવાડા બ્રાહ્મણે શાનદાર બોલિંગપાવર વડે સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનને મોટા માર્જિનથી હરાવીને પ્રી-ક્વૉર્ટરમાં પોતાની જગ્યા બનાવીને ગ્રુપની અન્ય ટીમો માટે જબરી રસાકસી ઊભી કરી હતી. ત્રિવેદી મેવાડા બ્રાહ્મણની જીતથી ત્રીજી મૅચમાં મિડ-ડે કપમાં પ્રથમ વખત રમનારી હાલાઈ ભાટિયા માટે ડુ ઑર ડાઇની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે અન્ડરપ્રેશરમાં રમેલી હાલાઈ ભાટિયાનો મેઘવાળ સામે પરાજય થતાં તેમની ટુર્નામેન્ટની સફરનો અંત આવ્યો હતો. પ્રી-ક્વૉર્ટરમાં ક્વૉલિફાય થવા માટે નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણના ૧૦૪ના ટાર્ગેટને ૭.૪ ઓવરમાં પૂરો કરવાનો હતો ત્યારે એમાં નિષ્ફળ રહેલી લુહાર સુતાર પણ ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગઈ હતી.

મૅચ-૧

પોતાના ગ્રુપમાં નંબર વન ટીમ રહેલી કચ્છી વીસા ઓસવાળ જૈને નંબર વનનું સ્થાન ટકાવી રાખવા ગઈ કાલે વૈંશ સુતાર સામે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગનો નિર્ણય કર્યો હતો, પરંતુ બૅટ્સમેનો માટેની અઘરી પિચ પર કચ્છી વીસા ઓસવાળ જૈનના ઓપનરોએ સારી શરૂઆત કરી હતી. ત્રીજી ઓવરમાં ૧૮ના સ્કોર પર સંકેત શાહ રનઆઉટ થતાં બૅટિંગમાં કૅપ્ટન નીરવ ભેદા આવ્યો હતો. નીરવ (૨૫) અને ઓપનર વિરલ ગંગરે (૧૬) સ્કોરને ફરતો રાખ્યો હતો, પરંતુ પાંચમી ઓવરમાં વિરલ કુણાલ ગોઢાણિયાની ઓવરમાં કૅચઆઉટ થતાં સ્કોર ૪૬માંથી ૧૦ માઇનસ થઈને ૩૬ પર આવી ગયો હતો, પરંતુ નીરવ અને જયેશ પોલાડિયા (૧૯)ની શાનદાર પાર્ટનરશિપ દ્વારા સ્કોર વધતો રહ્યો હતો. કચ્છી વીસા ઓસવાળ જૈનના ૧૦ ઓવરના અંતે ૬ વિકેટે ૮૫ રન થયા હતા.

જવાબમાં જીત મેળવીને પ્રી-ક્વૉર્ટરમાં એન્ટ્રી મેળવવાની તક માટે બૅટિંગમાં આવેલી વૈંશ સુતારની ખરાબ અને ધીમી બૅટિંગની શરૂઆત થતાં બીજી ઓવરના છેલ્લા બૉલે ૪ રનના સ્કોર પર પ્રથમ વિકેટ પડતાં ટીમ માટે ટેન્શન ઊભું થયું હતું. કચ્છી વીસા ઓસવાળ જૈનની ચુસ્ત બોલિંગ સામે પાંચમી ઓવર શરૂ થઈ ત્યારે સ્કોર ૨૧ હતો અને ત્યારે વિશેષ સંગોઈએ પહેલા જ બૉલમાં વૈંશ સુતારના મિડ-ડે કપના પ્રથમ સદીવીર દિવ્યેશ કાટેલિયાને ક્લીનબોલ્ડ કરી પોતાનો બીજો શિકાર કર્યો હતો. ત્યાર બાદ વૈંશ સુતારના બૅટ્સમેનોની વિકેટ પડતી રહી હતી અને ૮ ઓવરના અંતે સ્કોર માત્ર ૩૯ રન રહ્યો હતો, પરંતુ છઠ્ઠા ક્રમે આવેલા વિનય વાઢિયા (૩૯)એ શાનદાર ઇનિંગ્સ દરમ્યાન ફોર અને સિક્સરની ધડબડાટી બોલાવી હતી. જોકે સામા છેડે અન્ય કોઈ બૅટ્સમૅનનો સાથ ન મળતાં વૈંશ સુતારનો ૧૦ ઓવરના અંતે ૬ વિકેટે ૬૫ રન રહેતાં ૨૦ રનથી પરાજય થયો હતો. આ હાર સાથે વૈંશ સુતારની પ્રી-ક્વૉર્ટરમાં એન્ટ્રીની આશા પર પાણી ફરી વળ્યું હતું.

ટૂંકો સ્કોર : કચ્છી વીસા ઓસવાળ જૈન : ૧૦ ઓવરમાં ૮૫/૬ (નીરવ ભેદા ૧૬ બૉલમાં ૪ ફોર સાથે ૧ સિક્સર સાથે ૨૫ રન, અલ્કેશ કાટેલિયા ૨-૦-૧૬-૨)

વૈંશ સુતાર : ૧૦ ઓવરમાં ૬૫/૬ (વિનય વાઢિયા ૧૭ બૉલમાં પાંચ ફોર અને ૨ સિક્સર સાથે ૩૯ રન, વિશેષ સંગોઈ ૨-૦-૩-૨)

મૅન ઑફ ધ મૅચ : વિશેષ સંગોઈ (કચ્છી વીસા ઓસવાળ જૈન)

મૅચ-૨

પ્રી-ક્વૉર્ટરમાં એન્ટ્રી મેળવવા ત્રિવેદી મેવાડા બ્રાહ્મણે કરો યા મરો જેવી રહેલી આ મૅચમાં ટૉસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બીજી ઓવર પૂરી થતાં વિશાલ ત્રિવેદી (૧૩) અને મયંક પંડ્યાની ઓપનિંગ જોડી આઉટ થઈ જતાં એની ખરાબ શરૂઆત થઈ હતી, પરંતુ ત્યાર બાદ આવેલા કૃષ્ણ જોશી (૧૩) ઉપરાઉપરી ત્રણ ફોર ફટકારીને સ્કોરમાં થોડો ઉમેરો કરીને આઉટ થઈ ગયો હતો. સ્કોર ધીમે-ધીમે વધી રહ્યો હતો ત્યારે પાંચમી ઓવરમાં ૪૨નો સ્કોર હતો ત્યારે ઉપરાઉપરી બે બૅટ્સમેનો રનઆઉટ થતાં સ્કોર ૨૦ માઇનસ થઈને ૨૨ પર આવી જતાં ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ માટે દુકાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિ સર્જાતાં પાંચ ઓવરના અંતે સ્કોર ૩૨ રન પર પહોંચ્યો હતો. પછીની પાંચ ઓવરમાં ત્રિવેદી મેવાડા બ્રાહ્મણના બૅટ્સમેનોની વિકેટ ફટાફટ પડતી રહી હતી ત્યારે પૂંછડિયા ખેલાડીઓએ પિચ પર થોડો સમય ટકતાં ૧૦ ઓવરના અંતે ૮ વિકેટે ૬૯ રનનો સ્કોર બોર્ડ પર રહ્યો હતો.

આસાન લાગતા લક્ષ્યાંક સામે પહેલેથી જ પ્રી-ક્વૉર્ટરની રેસમાંથી આઉટ થઈ ગયેલી સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈને બૅટિંગમાં ઊતરીને ખરાબ શરૂઆત કરી હતી. ૧૦ રનના સ્કોર પર જ પ્રથમ બે ઓવરના અંતે ૩ વિકેટો પડી ગઈ હતી, જેમાંથી બે ખેલાડી ઝીરોમાં આઉટ થયા હતા. એમાં વળી મનીષ ભટ્ટની બીજી ઓવર મેઇડન જતાં સ્કોર માઇનસ ૬ થઈને ૪ પર આવી ગયો હતો. પાંચમી ઓવર શરૂ થઈ ત્યારે ફરી એક વખત માંડ સ્કોર ૧૦ પર પહોંચ્યો હતો ત્યાં બોલર યાજ્ઞિક પંડ્યાએ ઉપરાઉપરી બે વિકેટો ખેરવી નાખતાં ૨૦ રન માઇનસ થતાં એ ઓવરના અંતે સ્કોર માઇનસ ૧૦ પર જતો રહ્યો હતો. સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનની બૅટિંગ દરમ્યાન રન બનાવવામાં સાપસીડીનો ખેલ ચાલતો રહ્યો હતો અને આખી ટીમ માઇનસમાંથી સ્કોરને ૭.૨ ઓવરમાં માત્ર બે રન પર પહોંચાડીને ઑલઆઉટ થઈ ગઈ હતી. એમના ૭ બૅટ્સમેનો ખાતું પણ નહોતા ખોલાવી શક્યા. આમ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણે સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનને ૬૭ રનથી શરમજનક હાર આપી શાનદાર રીતે પ્રી-ક્વૉર્ટરમાં પ્રવેશ મેળવી લીધો હતો.

ટૂંકો સ્કોર : ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) : ૧૦ ઓવરમાં ૬૯/૮ (શમ્મી ઉપાધ્યાય ૧૩ બૉલમાં ૪ ફોર સાથે ૧૯ રન, કલ્પેશ કોઠારી ૨-૦-૧૦-૩)

સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન : ૭.૨ ઓવરમાં બે રને ઑલઆઉટ (સમીર દોશી બે બૉલમાં ૧ ફોર સાથે ૬ રન, યાજ્ઞિક પંડ્યા ૨-૧-૧-૩)

મૅન ઑફ ધ મૅચ : શમ્મી ઉપાધ્યાય (ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ - બારીશી)

મૅચ-૩

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણના મોટા માર્જિનથી થયેલા વિજયને કારણે મેઘવાળ અને હાલાઈ ભાટિયા બન્ને ટીમો માટે પ્રી-ક્વૉર્ટરમાં ક્વૉલિફાય થવા ડુ ઑર ડાઇ જેવી પરિસ્થિતિ સર્જા‍ઈ હતી. ટૉસ જીતીને પ્રથમ બૅટિંગમાં આવેલી મેઘવાળની પ્રથમ ઓવરમાં જ ટીમના હાર્ડ-હિટર યોગેશ પડાયાની માત્ર ૬ રનના સ્કોરે વિકેટ પડી ગઈ હતી. જોકે મેઘવાળનો અન્ય સ્ટાર બૅટ્સમૅન નરેશ મારુ (૩૪) પિચ પર મોજૂદ હતો ત્યારે તેણે ત્રીજા ક્રમે આવેલા મુકેશ ચૌહાણ સાથે થોડી પાર્ટરનશિપ કરીને સ્કોરને આગળ ધપાવ્યો હતો. મેઘવાળના બૅટ્સમેનોએ હાલાઈ ભાટિયાની બોલિંગ સામે ૪ ઓવરમાં ૪૬નો સ્કોર કર્યો હતો, પરંતુ પાંચમી ઓવર લઈને આવેલા હાલાઈ ભાટિયાના સાગર ઉદેશીએ પહેલા બે બૉલમાં બે વિકેટો ખેરવી નાખતાં સ્કોર ૨૦ માઇનસ કરાવીને ૨૬ પર લાવી દીધો હતો. ત્યાર બાદ બૅટિંગમાં આવેલા અંકિત મારુ (૩૮) અને ઓપનર નરેશ મારુએ પોતાનો અસલી રંગ દેખાડી ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવીને ૬૯ રનની પાર્ટનરશિપ કરી હતી. નરેશ મારુની વિકેટ પડ્યા બાદ આવેલા ચેતન પરમારે (૨૯) પણ અંકિત મારુનો સાથ આપીને જોરદાર શૉટ્સ ફટકાર્યા હતા. પ્રથમ પાંચ ઓવરના અંતે સ્કોર ૩૮ હતો ત્યારે પછીની પાંચ ઓવરમાં મેઘવાળે બૅટિંગ-ધમાકો કરીને ૯૫ રન ફટકારી ૧૦ ઓવરના અંતે પાંચ વિકેટે હાલાઈ ભાટિયા માટે ૧૩૪નો ટફ ટાર્ગેટ મૂકી આપ્યો હતો.

અઘરા લક્ષ્યાંકને પાર કરવા ઉપરાંત પ્રી-ક્વૉર્ટરમાં પહોંચવા આ મૅચમાં હાલાઈ ભાટિયાએ જીત મેળવવી જરૂરી હતી ત્યારે જવાબી બૅટિંગમાં શરૂઆત ધીમી થઈ હતી. ત્રીજી ઓવરમાં ૨૩ રનના સ્કોર પર જેના પર મોટો મદાર હતો તેવા સાગર ઉદેશીની વિકેટ પડી જતાં ટીમ માટે ટેન્શન થઈ ગયું હતું. હાલાઈ ભાટિયાનો સ્કોર ધીમે-ધીમે આગળ વધી રહ્યો હતો ત્યારે પાંચમી ઓવરમાં હિતેશ વાઘે એક વિકેટ ખેરવીને ૪૪ના સ્કોરમાંથી ૧૦ રન માઇનસ કરાવી ૩૪ રન પર ઉતારી બૅટિંગ-ટીમ માટે જીત વધુ અઘરી બનાવી દીધી હતી. જોકે આગળની સફરમાં હાલાઈ ભાટિયાનો એકેય બૅટ્સમૅન મેઘવાળના ધુરંધર બોલરો સામે ફાવી ન શકતાં ૧૦ ઓવરના અંતે ૮ વિકેટે ૬૪ રન જ થતાં તેમનો ૬૯ રને પરાજય થયો હતો.

Eમાં આખરે ત્રણેય ટીમો હાલાઈ ભાટિયા, મેઘવાળ અને ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી)ના એકસરખા ૪ પૉઇન્ટ થયા હતા, પણ મેઘવાળ ૪.૨૭ના બેસ્ટ રનરેટ સાથે પ્રથમ નંબરે અને ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) ૨.૩૦ના રેનરેટ સાથે બીજા નંબરે રહી હતી અને પ્રી-ક્વૉર્ટરમાં પહોંચી ગઈ હતી. જ્યારે હાલાઈ ભાટિયા -૦.૮૯ના રનરેટ સાથે ત્રીજા નંબરે આવી જતાં ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.

ટૂંકો સ્કોર : મેઘવાળ : ૧૦ ઓવરમાં ૧૩૩/૫ (અંકિત મારુ ૨૦ બૉલમાં પાંચ સિક્સર સાથે ૩૮ રન, સાગર ઉદેશી ૨-૦-૩૫-૨)

હાલાઈ ભાટિયા : ૧૦ ઓવરમાં ૬૪/૮ (ભાવેન ઉદેશી ૧૮ બૉલમાં બે ફોર સાથે ૧૨ રન, નરેશ મારુ ૧-૦-૫-૩)

મૅન ઑફ ધ મૅચ : નરેશ મારુ (મેઘવાળ)

મૅચ-૪

દિવસની છેલ્લી મૅચમાં નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ લઈને સારી શરૂઆત કરી હતી. કૅપ્ટન હેમલ ઓઝા (૨૫) અને ઉર્વેશ ઓઝા (૧૫)ની ઓપનિંગ જોડીએ ૩૯ રનની શાનદાર પાર્ટનરશિપ વડે ફટકાબાજીથી સ્કોર વધાર્યો હતો, પરંતુ ચોથી ઓવરમાં ૩૯ના સ્કોર પર હેમલ ઓઝા રનઆઉટ થતાં સ્કોરની ઝડપ ધીમી થઈ હતી. ત્યાર બાદ સાતમી ઓવરમાં ૬૨ના સ્કોર પર વધુ બે વિકેટોનું પતન થતાં સ્કોર ૧૦૦ની પાર નહીં થાય એવું લાગી રહ્યું હતું. એવામાં પાંચમા ક્રમે આવેલા હરદેવ પાઠકે (૨૨) ચાન્સ મળે ત્યારે ફટકાબાજી કરીને સ્કોરને આગળ ધપાવ્યો હતો. નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણે ૧૦ ઓવરના અંતે ૬ વિકેટે ૧૦૩ રન કરી લુહાર સુતાર સામે અઘરો ટાર્ગેટ સેટ કર્યો હતો.

જોકે લુહાર સુતારે પ્રી-ક્વૉર્ટરમાં ક્વૉલિફાય થવા આ ટાર્ગેટ ૭.૪ ઓવરમાં જ મેળવી લેવો જરૂરી હતો. ત્યારે જવાબી બૅટિંગમાં પહેલેથી જ લુહાર સુતાર પ્રેશરમાં આવી ગઈ હતી. ત્રીજી ઓવરમાં ૨૬ના સ્કોર પર પ્રથમ વિકેટ પડી જતાં ટીમ માટે ક્વૉલિફાય થવાનો રસ્તો અઘરો બન્યો હતો, પરંતુ ઓપનર રૂપેશ પીઠવા (૨૦) અને વન-ડાઉન આવેલા અંકિત કનાડિયા (૧૫) વચ્ચે ટીમની સૌથી વધુ ૨૯ રનની પાર્ટનરશિપ થતાં સ્કોર ૫૫ થયો હતો ત્યારે પાંચમી ઓવરમાં અંકિત કનાડિયા આઉટ થતાં સ્કોર માઇનસ થઈને ૪૫ પર આવી ગયો હતો. લુહાર સુતારને જેના પર સૌથી વધુ આશા હતી તે રૂપેશ પીઠવા પણ ૧૭ બૉલમાં ૨૦ રન બનાવીને આઉટ થઈ જતાં તેમના કૅમ્પમાં ઉદાસી છવાઈ ગઈ હતી. તેઓ ટાર્ગેટ ૭.૪ ઓવરમાં મેળવવામાં નિષ્ફળ જતાં પ્રી-ક્વૉર્ટરની રેસમાંથી તો બહાર થઈ ગયા હતા, પણ મૅચ જીતવામાં પણ નિષ્ફળ રહ્યા હતા. તેઓએ ૧૦ ઓવરના અંતે ૭ વિકેટે ૮૮ રન કરીને ૧૫ રનથી હારતાં ટુર્નામેન્ટમાં એક પણ મૅચ જીત્યા વિના ઘરભેગા થવુંં પડ્યું હતું. 

ટૂંકો સ્કોર : નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ : ૧૦ ઓવરમાં ૧૦૩/૬ (હેમલ ઓઝા ૧૫ બૉલમાં ૪ ફોર અને ૧ સિક્સર સાથે ૨૫ રન, ભરત રાઠોડ ૧-૦-૮-૨)

લુહાર સુતાર : ૧૦ ઓવરમાં ૮૮/૭ (રૂપેશ પીઠવા ૧૭ બૉલમાં બે ફોર અને ૧ સિક્સર સાથે ૨૦ રન, વિવેક જોશી ૨-૦-૧૭-૩)

મૅન ઑફ ધ મૅચ : વિવેક જોશી (નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ)

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK