મિડ ડે કપમાં હવે 'કરો યા મરો'ની સ્થિતિ

આજે ચરોતર રૂખી અને ઘોઘારી વીસા શ્રીમાળી જૈન, વાગડ વીસા ઓસવાળ જૈન અને નવગામ વીસા નાગર વણિક, કપોળ અને બ્રહ્મક્ષત્રિય તથા કચ્છી કડવા પાટીદાર અને ખડાયતા માટે...


મિડ-ડે કપની સાતમી સીઝનમાં આજથી હવે પ્રી-ક્વૉર્ટર ફાઇનલનો એટલે કે નૉકઆઉટ તબક્કાનો પ્રારંભ થઈ રહ્યો છે. બે દિવસના આ તબક્કામાં કુલ ૮ મૅચો રમાશે અને જે ટીમ હારશે એ હવે ટુર્નામેન્ટની બહાર થઈ જશે.

આજે પ્રી-ક્વૉર્ટર્સના તબક્કાની શરૂઆત સતત ત્રણ વાર મિડ-ડે કપ જીતેલી ચરોતર રૂખી કરશે, એનો મુકાબલો છે ઘોઘારી વીસા શ્રીમાળી જૈન સામે. આજની બીજી મૅચ મિડ-ડે કપમાં બે વાર ચૅમ્પિયન બની ચૂકેલી વાગડ વીસા ઓસવાળ જૈન અને નવગામ વીસા નાગર વણિક વચ્ચે રમાશે. એક વાર મિડ-ડે કપ જીતેલી કપોળ આજના ત્રીજા મુકાબલામાં બ્રહ્મક્ષત્રિય સામે બાથ ભીડશે અને ચોથી ગેમ કચ્છી કડવા પાટીદાર અને ખડાયતા વચ્ચે રમાશે.

આવતી કાલે પ્રી-ક્વૉર્ટર્સના બીજા દિવસે પહેલી મૅચ મેઘવાળ અને નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ વચ્ચે, બીજી મૅચ કચ્છી વીસા ઓસવાળ જૈન અને ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) વચ્ચે, ત્રીજી મૅચ હાલાઈ લોહાણા અને ગુર્જર સુતાર વચ્ચે તથા ચોથી મૅચ કચ્છી લોહાણા અને સૌરાષ્ટ્ર લેઉવા પટેલ વચ્ચે રમાશે.

પ્રી-ક્વૉર્ટર ફાઇનલની આઠેઆઠ મૅચની લાઇન-અપ નક્કી થઈ ગઈ એ પહેલાં ગઈ કાલે શું થયું એના પર નજર કરીએ.

ગઈ કાલની પ્રથમ મૅચમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલનો હાલાઈ લોહાણા સામે ૧૭ રનના ઓછા માર્જિનથી પરાજય થતાં બન્ને ટીમો પ્રી-ક્વૉર્ટર ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ ગઈ હતી અને પરિણામે ઇસ્માઇલી ખોજા માટે લીગ રાઉન્ડથી આગળ જવાની કોઈ શક્યતા નહોતી રહી. એને લીધે ઇસ્માઇલી ખોજા અને વીસા સોરઠિયા વણિક વચ્ચેની દિવસની બીજી મૅચ પણ ઔપચારિકતા બનીને રહી ગઈ હતી. જીત અને સારા રન-રેટ (૪.૪૬) સાથે હાલાઈ લોહાણા ઞ્ ગ્રુપમાં નંબર વન ટીમ બની હતી અને સૌરાષ્ટ્ર લેઉવા પટેલ ૩.૬૭ના રન-રેટ સાથે બીજા નંબરે આવી હતી. બન્ને ટીમ લીગ રાઉન્ડની બબ્બે મૅચ જીતી હતી. પહેલી જ વાર મિડ-ડે કપમાં આવેલી ઇસ્માઇલી ખોજાએ ગઈ કાલે વીસા સોરઠિયા વણિકને હરાવીને ત્રણ મૅચમાં પહેલો વિજય મેળવ્યો હતો અને આમ પૉઝિટિવ્લી સ્પર્ધામાંથી આઉટ થઈ હતી. વીસા સોરઠિયા વણિક એકેય મૅચ જીત્યા વગર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ હતી.

ગ્રુપ ઞ્ની પોઝિશન સ્પષ્ટ થયા પછી વારો હતો ગ્રુપ ણ્નો, જેમાં નંબર વન અને નંબર ટૂ માટેની ટક્કર ખરેખર જોરદાર રહી. કચ્છી લોહાણા અને ગુર્જર સુતાર વચ્ચેની આ મૅચમાં કચ્છી લોહાણાનો છેક છેલ્લી ઓવરમાં વિજય થયો હતો. આ ગ્રુપની અન્ય બે ટીમો ગુગળી બ્રાહ્મણ અને ગુર્જર ક્ષત્રિયા કડિયા અગાઉ જ ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગઈ હતી. કચ્છી લોહાણાએ પોતાની ત્રણેય લીગ મૅચો જીતીને અનબીટન રેકૉર્ડ રાખ્યો છે, જ્યારે ગુર્જર સુતાર બે અને ગુર્જર ક્ષત્રિય કડિયા એક મૅચ જીતી હતી. ગુગળી બ્રાહ્મણ એકેય મૅચ નહોતી જીતી શકી.

મિડ-ડે કપ ૨૦૧૪ની છેલ્લી લીગ મૅચ એક રીતે ખ્ ગ્રુપની બે ટીમો માટે નૉકઆઉટ બની ગઈ હતી. પરિસ્થિતિ એવી હતી કે નવગામ વીસા નાગર વણિક અને પરજિયા સોની વચ્ચેની આ મૅચ જે જીતે એ પ્રી-ક્વૉર્ટર્સમાં જાય. આ મૅચમાં નવગામ વીસા નાગર વણિકે પરજિયા સોનીને ૬૦ રને પરાજય આપીને ટુર્નામેન્ટની બીજી મૅચ જીતી લીધી હતી અને પ્રી-ક્વૉર્ટર્સમાં પ્રવેશ કર્યો હતો. પરજિયા સોની ત્રણમાંથી એક જ મૅચ જીતી શકી હતી. કચ્છ-વાગડ લેઉવા પટેલ પોતાની ત્રણેય મૅચ હારી ગઈ હતી.

મૅચ-૧

ગઈ કાલે હાલાઈ લોહાણા સામે સૌરાષ્ટ્ર લેઉવા પટેલે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ લીધી હતી. હાલાઈ લોહાણાએ ૧૦ ઓવરમાં ૪ વિકેટે ૧૪૧ રન બનાવ્યા હતા. ૨૭ બૉલમાં ૭૩ રન કરીને નૉટઆઉટ રહેલો મેહુલ ગોકાણી ટૉપ-સ્કોરર હતો. તેણે ૧૪ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. મેહુલ સાથે ઓપનિંગમાં આવેલા પવન લાખાણીએ ૧૩ બૉલમાં ૨૮ રન (પાંચ ચોગ્ગા, એક છગ્ગો) બનાવ્યા હતા. તેજસ કાનાણીએ છેલ્લે ૯ બૉલમાં બે ફોર અને એક સિક્સરની મદદથી અણનમ ૨૦ રન કર્યા હતા. બોલરોમાં જનક સુતરિયા સૌથી વધુ પ્રભાવશાળી રહ્યો હતો. તેણે બે ઓવરમાં માત્ર ૧૩ રન આપીને બે વિકેટ લીધી હતી.

૧૪૨ રનનો ટાર્ગેટ મેળવવા મેદાનમાં ઊતરેલી સૌરાષ્ટ્ર લેઉવા પટેલની ટીમે ૧૦ ઓવરમાં ૭ વિકેટે ૧૨૪ રન કરીને સારી ફાઇટ આપી હતી અને ૧૭ રનથી એનો પરાજય થયો હતો. ૭ બાઉન્ડરીની મદદથી ૧૪ બૉલમાં ૩૦ રન કરનારો હિતેશ ભાયાણી ટૉપ-સ્કોરર રહ્યો હતો. ૧૩ બૉલમાં બે ફોર અને ૩ સિક્સર સાથે ૨૭ રન કરીને શૈલેશ મણિયા નૉટ આઉટ રહ્યો હતો. ઓપનર જનક સુતરિયાએ સરસ શરૂઆત અપાવીને ૧૩ બૉલમાં પાંચ ફોર અને એક સિક્સરની મદદથી ૨૬ રન કર્યા હતા. બોલિંગમાં કેતન ઠક્કર અને સ્નેહલ વિઠલાણીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી અને તેમણે બે ઓવરમાં અનુક્રમે ૨૪ અને ૨૧ રન આપ્યા હતા.

મેહુલ ગોકાણી મૅન ઑફ ધ મૅચ રહ્યો હતો.

મૅચ-૨

પહેલી મૅચના રિઝલ્ટ પછી સાવ અર્થહીન બની ગયેલી ઇસ્માઇલી ખોજા અને વીસા સોરઠિયા વણિક વચ્ચેની મૅચમાં વીસા સોરઠિયા વણિકે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરી હતી અને ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૯૨ રન કર્યા હતા. એમાં ઓપનર વિક્રમ શાહનો ફાળો ૩૬ રનનો હતો, જે તેણે ૨૧ બૉલમાં ૮ ફોરની મદદથી બનાવ્યા હતા. બે ઓવરમાં ૧૦ રન આપીને બે વિકેટ લેનારો આસિક માખોજિયા સૌથી સફળ બોલર રહ્યો હતો.

૯૩નો ટાર્ગેટ મેળવવા મેદાનમાં ઊતરેલી ઇસ્માઇલી ખોજાની ટીમે ૭.૩ ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી. સમીર ધનાણીએ ૧૮ બૉલમાં ૪ ફોર અને બે સિક્સરની મદદથી અણનમ ૩૫ રન કરીને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મેળવ્યો હતો. તેને ૧૭ બૉલમાં પાંચ ફોર સાથે અણનમ ૨૮ રન કરીને અઝીઝ પીરાણીએ સારો સાથ આપ્યો હતો.

મૅચ ૩

કચ્છી લોહાણા સામેની મૅચમાં ગુર્જર સુતારની ટીમે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરી હતી અને ૧૦ ઓવરમાં ૭ વિકેટે ૮૦ રન કર્યા હતા. ગુર્જર સુતારનો ઇન-ફૉર્મ બૅટ્સમૅન ધર્મેશ અનુવાડિયા ગઈ કાલે ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો અને આગલી બન્ને મૅચોમાં હન્ડ્રેડ-પ્લસનો સ્કોર (૨૫૯ અને ૧૨૫) નોંધાવનારી આ ટીમ ૮૦ રન જ કરી શકી હતી. ટૉપ-સ્કોરર નિમેષ વિસાવડિયા રહ્યો હતો, જેણે ૧૩ બૉલમાં અણનમ ૨૮ રન કર્યા હતા. બોલિંગમાં રાહુલ ઠક્કર અને ધ્રુવ ઠક્કરે અનુક્રમે ૨૨ અને ૨૩ રન આપીને બે-બે વિકેટ લીધી હતી.

ગુર્જર સુતારે જોકે આ ઓછો ટાર્ગેટ કચ્છી લોહાણાને આસાનીથી નહોતો મેળવવા દીધો. ચુસ્ત બોલિંગ અને ફીલ્ડિંગ સામે છેલ્લી ઓવરના ત્રીજા બૉલ સુધી એણે લડત આપી હતી. કચ્છી લોહાણાએ ત્રણ બૉલ બાકી હતા ત્યારે પાંચ વિકેટ ખોઈને જીત મેળવી હતી. સમીર ઠક્કરનો બધામાં વધુ સ્કોર રહ્યો હતો. તેણે ૧૯ બૉલમાં બે ફોર અને બે સિક્સર સાથે ૨૬ રન કર્યા હતા. બોલિંગમાં જતીન પેસાવરિયાએ બે ઓવરમાં ૧૪ રન આપીને બે વિકેટ લીધી હતી.

મૅન ઑફ ધ મૅચ સમીર ઠક્કર રહ્યો હતો.

મૅચ-૪

લીગ હોવા છતાં નૉકઆઉટ બની ગયેલી આ મૅચમાં પરજિયા સોનીએ ટૉસ જીતીને નવગામ વીસા નાગર વણિકને પહેલાં બૅટિંગ કરવા મોકલી હતી. નવગામ વીસા નાગર વણિકે ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૨૭ રન કર્યા હતા જેમાં મુખ્ય યોગદાન નીરવ શાહ (૪૮ નૉટઆઉટ, ૨૭ બૉલ, ૪ ફોર, ૩ સિક્સ) અને કરણ શાહ (૩૧, ૧૨ બૉલ, ૨ ફોર, ૩ સિક્સ)નું  હતું. જવાબમાં પરજિયા સોનીની ટીમ ૧૦ ઓવરમાં માત્ર ૬૭ રન કરીને ઑલઆઉટ થઈ ગઈ હતી. ઓપનર પ્રેમલ મહાજને શરૂઆતના બે બૉલમાં બે સિક્સર ફટકારીને ધમાકેદાર શરૂઆત કરી હતી, પણ ૨૧ રને પહેલી વિકેટ પડ્યા પછી લાઇન લાગી ગઈ હતી. એકલા જિગર સોનીનો બાવીસ રનનો સ્કોર નોંધપાત્ર હતો, જે તેણે ૧૪ બૉલમાં ૩ ફોર અને એક સિક્સની મદદથી કર્યો હતો. બોલિંગમાં મનન શાહે બે ઓવરમાં માત્ર ત્રણ રન આપીને ત્રણ અને પલક શાહે એક ઓવરમાં બે રન આપીને બે વિકેટ લીધી હતી. પાવર ઓવરમાં પરજિયા સોનીની એક વિકેટ પડી હતી ત્યારે ૧૦ રન માઇનસ થયા હતા અને પછી મનન શાહે એક ઓવર મેઇડન નાખતાં એમાં પણ ૬ રન માઇનસ થયા હતા.

નીરવ શાહને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK