પ્રી-ક્વૉર્ટર ફાઇનલની ચારમાંથી બે મૅચો દિલધડક

ચરોતર રૂખીએ ઘોઘારી વીસા શ્રીમાળીને જંગી રનથી હાર આપી : નવગામ વીસા નાગર વણિક સામે વાગડ વીસા ઓસવાળ જૈન માટે વિજય બન્યો આસાન : રસપ્રદ મૅચમાં ભૂતપૂર્વ ચૅમ્પિયન કપોળને જીત માટે હંફાવનાર બ્રહ્મક્ષત્રિય લેટ ટાઇમને લીધે પેનલ્ટીનો ભોગ બનતાં મળી નિરાશાજનક હાર : શ્વાસ અધ્ધર કરી દેતી મૅચમાં ખડાયતાએ ફેવરિટ ટીમ કચ્છી કડવા પાટીદાર સામે મેળવ્યો કાબિલે તારીફ વિજયમિડ-ડે કપની સાતમી સીઝનમાં ગઈ કાલની ચાર મૅચોનાં પરિણામ દ્વારા ગુરુવારે રમાનારી ક્વૉર્ટર ફાઇનલની પ્રથમ બે મૅચો લાઇન-અપ થઈ ગઈ હતી, જેમાં ચરોતર રૂખી V/S કપોળ અને વાગડ વીસા ઓસવાળ જૈન V/S ખડાયતાનો સામનો થશે. ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી મેળવવા અન્ય ચાર ટીમો માટે આજની મૅચો નિર્ણાયક બનશે. આજે રમાનારી મેઘવાળ V/S નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણની મૅચની વિજેતા ટીમ હાલાઈ લોહાણા V/S ગુર્જર સુતાર વચ્ચેની મૅચના વિજેતા સાથે ટકરાશે. જ્યારે કચ્છી વીસા ઓસવાળ જૈન V/S ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) વચ્ચેની મૅચની વિજેતા ટીમ કચ્છી લોહાણા V/S સૌરાષ્ટ્ર લેઉવા પટેલ વચ્ચે થનારી મૅચના વિજેતાનો સામનો કરશે. એટલે કે આજની મૅચોનાં રિઝલ્ટથી વધુ ચાર ટીમો ફાઇનલ થતાં સંપૂર્ણ ક્વૉર્ટર ફાઇનલના જંગનું ચિત્ર સ્પક્ટ થઈ જશે. હવે નજર કરીએ ગઈ કાલની મૅચોમાં શું બન્યું એના પર.

ગઈ કાલે પ્રી-ક્વૉર્ટરના પ્રથમ દિવસની પ્રથમ મૅચમાં ચૅમ્પિયન ચરોતર રૂખીએ ઘોઘારી વીસા શ્રીમાળી જૈન સામે ૮૨ રનથી આસાન વિજય મેળવ્યો હતો. ટુર્નામેન્ટમાં સતત ચોથી જીત સાથે ચરોતર રૂખીએ વિજયકૂચ જારી રાખી હતી. સુંદર પર્ફોર્મન્સ વડે પ્રી-ક્વૉર્ટરમાં પ્રવેશેલી નવગામ વીસા નાગર વણિકની મજબૂત ટીમે વાગડ વીસા ઓસવાળ જૈન સામે ૯ વિકેટે કારમો પરાજય થતાં ટુર્નામેન્ટમાંથી વિદાય લેવી પડી હતી. શ્વાસ થંભાવી દેનારી રસપ્રદ મૅચમાં બ્રહ્મક્ષત્રિયની ટીમે એક સમયના મિડ-ડે કપ ૨૦૧૦ના વિજેતા અને જંગી સ્કોર ખડકવા માટે જાણીતી ટીમ કપોળને જીતવા માટેના ૮૭ રન બનાવવા હંફાવી દીધી હતી. છેલ્લા ૬ બૉલમાં ૬ રનની નેઇલ-બાઇટિંગ રસાકસીવાળી આ મૅચમાં બોલિંગ-સાઇડની ટીમ બ્રહ્મક્ષત્રિયને નિયત સમય કરતાં વધુ સમય લેતાં ૧૦ રનની પેનલ્ટી લાગી જતાં કપોળ ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી. છેલ્લી અને વધુ એક રસપ્રદ મૅચમાં ખડાયતાએ જીત માટે ફેવરિટ ટીમ કચ્છી કડવા પાટીદારની મજબૂત બોલિંગ સામે છેલ્લા બૉલમાં બે રનની જરૂર હતી ત્યારે શાનદાર સિક્સરના વિનિંગ-શૉટથી જીત મેળવી હતી. ક્વૉર્ટર ફાઇનલમાં ખડાયતાનો સામનો હવે ૨૦૦૮ અને ૨૦૦૯ની વિજેતા ટીમ વાગડ વીસા ઓસવાળ જૈન સામે થશે.

મૅચ-૧

ઘોઘારી વીસા શ્રીમાળી જૈને ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરીને ચરોતર રૂખીને પ્રથમ બૅટિંગનું આમંત્રણ આપ્યું હતું. રનનો ઢગલો કરવા માટે નામચીન ચરોતર રૂખીના જિતેશ પુરબિયા (૫૮) અને ચેતન સોલંકી (૪૨)ની ઓપનિંગ જોડી જંગી જુમલો ખડકવાના મૂડમાં ઊતરી હતી અને ધમાકેદાર શરૂઆત કરીને ઘોઘારી વીસા શ્રીમાળી જૈનના બોલરોની ધૂળ કાઢી નાખી હતી. ચોગ્ગા અને છગ્ગાની રેલમછેલ વચ્ચે પ્રથમ વિકેટ માટે આ ઓપનિંગ જોડીએ ૧૧૧ રનની પાર્ટનરશિપ કરી હતી. ૮મી ઓવરના છેલ્લા બૉલમાં પોતાની જવાબદારી નિભાવીને જિતેશ પુરબિયા વિપુલ સંઘવીના બૉલમાં એલબીડબલ્યુ થયો હતો. તેની જગ્યાએ આવેલા ટીમના કૅપ્ટન ખીમજી મકવાણા (૨૧)એ અધૂરું કામ પૂરું કરીને ટીમના સ્કોરને ૧૦ ઓવરના અંતે ૧ વિકેટે ૧૪૨ પર મૂકી દીધો હતો.

૧૪૩ રનનો લક્ષ્યાંક મેળવવા બૅટિંગમાં ઊતરેલી ઘોઘારી વીસા શ્રીમાળી જૈનની પ્રથમ બૉલમાં તેમના સ્ટાર ખેલાડી મલ્કેશ ગાંધીની વિકેટ પડતાં ટીમનો આત્મવિશ્વાસ ડગી ગયો હતો. બીજા અને ત્રીજા ક્રમે આવેલા અનુક્રમે હાર્દિક શાહ (૧૪) અને અંકિત દોશી (૧૩)એ પિચ પર ટકીને રન બનાવવાનું કામ કર્યું હતું, પરંતુ એ દોર વધુ ન ચાલતાં નીતિન સોલંકીની ચોથી ઓવરમાં ૩૧ના સ્કોર પર આ જોડી સહિત ત્રણ વિકેટો પડી ગઈ હતી. ત્યારે પાંચમી પાવરઓવરમાં વધુ બે વિકેટો પડતાં સ્કોર સીધો ૩૧માંથી ૧૧ થઈ જતાં ઘોઘારી વીસા શ્રીમાળી માટે ફરી એકડે એકથી ઘૂંટવાનો વારો આવ્યો હતો, પરંતુ ચરોતર રૂખીના ધરખમ બોલરો સામે માંડ-માંડ ઊભા રહી શકતા ઘોઘારી વીસા શ્રીમાળીના બૅટ્સમેનોએ ૧૦ ઓવરના અંતે ૯ વિકેટે ૫૮ રન બનાવતાં ૮૪ રને ચરોતર રૂખીનો વિજય થયો હતો.

ટૂંકો સ્કોર : ચરોતર રૂખી : ૧૦ ઓવરમાં ૧૪૨/૧ (જિતેશ પુરબિયા ૩૩ બૉલમાં ૬ ફોર અને ૪ સિક્સર સાથે ૫૮ રન, વિપુલ સંઘવી ૧-૦-૯-૧)

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન : ૧૦ ઓવરમાં ૫૮/૯ (હાર્દિક શાહ ૧૦ બૉલમાં ૧ ફોર અને ૧ સિક્સર સાથે ૧૪ રન, યશરાજ વાઘેલા ૨-૦-૧૪-૨)

મૅન ઑફ ધ મૅચ : જિતેશ પુરબિયા (ચરોતર રૂખી)

મૅચ-૨

ટૉસ જીતીને નવગામ વીસા નાગર વણિકે પ્રથમ બૅટિંગ લઈને ધીમી શરૂઆત કરી હતી, પરંતુ વાગડ વીસા ઓસવાળ જૈનના બોલર ઋષભ કારિયાએ ચોથી ઓવરમાં ઓપનર નીરવ શાહ અને વન-ડાઉન આવેલા કૅપ્ટન પલક શાહને ૧-૧ રનના સ્કોર પર જ પૅવિલિયનમાં પાછા મોકલી દીધા હતા. ખરાબ શરૂઆત રહી હતી ત્યારે નવગામ વીસા નાગર વણિકનો સ્કોર પાંચમી ઓવરમાં ૩૨ રન હતો ત્યારે સારું પ્રદર્શન કરી રહેલો કૃશાંત શાહ રનઆઉટ થઈ જતાં માઇનસ ૧૦ રનનો પણ ઝટકો લાગ્યો હતો, પરંતુ ત્યાર બાદ બૅટિંગમાં આવેલા કરણ શાહ (૩૦) અને વિનય શાહ (૨૭)ની મજબૂત પાર્ટનરશિપ દ્વારા નવગામ વીસા નાગર વણિકનો સ્કોર ૧૦ ઓવરના અંતે ૪ વિકેટે ૯૨ રહ્યો હતો.

વાગડ વીસા ઓસવાળ જૈન માટે ૧૦૦ની નીચેનો ટાર્ગેટ આસાન હોય છે ત્યારે હાર્દિક શાહની પહેલી ઓવરમાં જ બૅટિંગ-ટીમના સ્ટાર બૅટ્સમૅન ધર્મેશ છેડા (૫૬…)એ છેલ્લા ૪ બૉલમાં ૪ ફોર ફટકારીને થોડો ચમકારો બતાવ્યો હતો, પરંતુ બીજી ઓવરમાં ૨૫ રનના સ્કોર પર ઓપનર રોનક ગાલા આઉટ થતાં ટીમને આંચકો લાગ્યો હતો, પરંતુ નૉટઆઉટ રહીને ટીમને જીત અપાવવા માટે જાણીતા ધર્મેશ છેડાએ ત્રીજા ક્રમે બૅટિંગમાં આવેલા કૅપ્ટન ચિરાગ નિસર (૧૯)ના સાથ વડે ફટકાબાજી કરીને ટીમના સ્કોરને માત્ર ૬.૩ ઓવરમાં ૯૭ રને પહોંચાડીને ૯ વિકેટે વિજય અપાવ્યો હતો.

ટૂંકો સ્કોર : નવગામ વીસા નાગર વણિક : ૧૦ ઓવરમાં ૯૨/૪ (કરણ શાહ ૧૬ બૉલમાં બે ફોર અને ૩ સિક્સર સાથે ૩૦ રન, ઋષભ કારિયા ૨-૦-૧૨-૨)

વાગડ વીસા ઓસવાળ જૈન : ૧૦ ઓવરમાં ૯૭/૧ (ધર્મેશ છેડા ૨૪ બૉલમાં ૧૦ ફોર અને બે સિક્સર સાથે ૫૬ રન, વિનય શાહ ૨-૦-૯-૧)

મૅન ઑફ ધ મૅચ : ધર્મેશ છેડા (વાગડ વીસા ઓસવાળ જૈન)

મૅચ-૩

દિવસની સૌથી વન-સાઇડેડ રહેવાની અપેક્ષાવાળી આ મૅચમાં એક મોટો અપસેટ સર્જાતો રહી ગયો હતો. રોમાંચભરી આ મૅચમાં બ્રહ્મક્ષત્રિયે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગનો નિર્ણય કર્યો હતો, પરંતુ પ્રથમ ઓવરમાં જ ઓપનર ચિરાગ પડિયા કપોળના ભાર્ગવ મેહતાના બૉલમાં બોલ્ડ થતાં ખરાબ શરૂઆત થઈ હતી. ત્યાર બાદ બ્રહ્મક્ષત્રિયના હિરેન નર્મિલ (૨૧) અને જતીન પડિયા (૧૦)એ થોડો સમય જવાબદારીપૂવર્‍ક પિચ પર ટકી રહીને સ્કોરમાં વધારો કર્યો હતો, પરંતુ એ જોડી આઉટ થયા બાદ મોટા ભાગના બૅટ્સમેનો રન લેવાની ઉતાવળમાં રનઆઉટ થયા હતા. કપોળ ટીમની ચુસ્ત બોલિંગ સામે પછીની પાંચ ઓવરમાં બ્રહ્મક્ષત્રિયની ટીમે ૭ વિકેટો ગુમાવી હતી, જેમાં ચાર ખેલાડીઓ રનઆઉટ થયા હતા અને એમાં માત્ર ૨૭ રન બન્યા હતા. બ્રહ્મક્ષત્રિયે કપોળ જેવી મજબૂત ટીમને ૧૦ ઓવરના અંતે ૯ વિકેટે ૮૧ રન કરીને આસાન ટાર્ગેટ આપ્યો હતો.

કપોળ જેવી ધરખમ ટીમ માટે ૮૨ રનનો ટાર્ગેટ આસાન કહેવાય છે ત્યારે બ્રહ્મક્ષત્રિયે જબરદસ્ત બોલિંગ-પ્રદર્શન કર્યું હતું. અમર પડિયાએ ત્રીજી ઓવરમાં જ કપોળના ધુઆંધાર બૅટ્સમેન જય મહેતા અને મૌલિક મહેતાને સસ્તામાં આઉટ કરતાં બ્રહ્મક્ષત્રિયની ટીમ માટે જીતની આશા બંધાઈ હતી. કપોળને રન કરવા અઘરા પડી રહ્યા હતા ત્યારે બ્રહ્મક્ષત્રિયના કૅપ્ટન ઉર્વેશ બોસમિયાની પાંચમી પાવરઓવરમાં ૩૯ના સ્કોર વધુ એક વિકેટ પડતાં સ્કોર ૧૦ રન માઇનસ થતાં કપોળ ટીમમાં ટેન્શનનો માહોલ સર્જાયો હતો. એવામાં બ્રહ્મક્ષત્રિયની ચુસ્ત બોલિંગ સામે કપોળની વિકેટો પડતી રહી હતી ત્યારે ઓપનિંગમાં આવેલા પાર્થ માથુરિયા (૩૭) નૉટઆઉટ રહીને કપોળનો વિજયરથ આગળ ધકેલવામાં ખરા અર્થમાં પાર્થ સાબિત થયો હતો. કપોળના રન ઓછા અને વિકેટો વધુ પડવાના દોર સાથે મૅચ રસાકસીભરી બની હતી ત્યારે ૭૬નો સ્કોર થયો હતો અને છેલ્લા ૬ બૉલમાં ૬ રન કરવાની નોબત આવી હતી, પરંતુ ફીલ્ડિંગ સાઇડ ટીમ બ્રહ્મક્ષત્રિયે ખેલના નિયત સમય કરતાં વધુ સમય લેતાં અમ્પાયરે લેટ-ટાઇમને કારણે ૧૦ રનની પેનલ્ટી લગાડતાં કપોળને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

ટૂંકો સ્કોર : બ્રહ્મક્ષત્રિય : ૧૦ ઓવરમાં ૮૧/૯ (હિરેન નર્મિલ ૧૭ બૉલમાં બે ફોર અને ૧ સિક્સર સાથે ૨૧ રન, દર્શન મોદી ૨-૦-૧૧-૨)

કપોળ : ૯ ઓવરમાં ૮૬/૬ (૭૬ +૧૦ રન ઓવર પેનલ્ટીના) (પાર્થ મથુરિયા ૨૦ બૉલમાં ૭ ફોર સાથે ૩૭ રન, જનક મેર ૨-૦-૧૬-૨)

મૅન ઑફ ધ મૅચ : પાર્થ મથુરિયા (કપોળ)

મૅચ-૪    

દિવસની છેલ્લી મૅચમાં ખડાયતાએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરતાં પ્રથમ બૅટિંગ માટે કચ્છી કડવા પાટીદાર મેદાનમાં ઊતરી હતી, પરંતુ બોલરો માટે ડેન્જરમૅન ગણાતો ભાવિક ભગત પહેલી ઓવરમાં માત્ર ૧ રન બનાવીને ભાવિન શાહના બૉલમાં કૅચઆઉટ

થતાં ખડાયતાની યુવા ટીમના આત્મવિશ્વાસમાં ગજબનો વધારો જોવા મળ્યો હતો. મોટો સ્કોર બનાવવા માટે જાણીતી કચ્છી કડવા પાટીદારના બૅટ્સમેનોનાં બૅટ ખડાયતાની બોલિંગ સામે ચાલતાં નહોતાં ત્યારે ૬ઠ્ઠી ઓવરમાં ૪૪ના સ્કોર પર વધુ બે વિકેટો પડતાં જંગી સ્કોરની આશા મરીપરવારી હતી. કચ્છી કડવા પાટીદારનો કોઈ પણ બૅટ્સમૅન રન કરવામાં સફળ ન થતાં એકમાત્ર ઓપનર પરેશ ધોલુ (૪૪)એ શાનદાર ઇનિંગ્સ વડે ટીમના સ્કોરને ૧૦ ઓવરના અંતે ૬ વિકેટે ૮૬ રન પર માંડ-માંડ પહોંચાડ્યો હતો.

૮૭ રનનો ટાર્ગેટ મેળવવા ખડાયતા બૅટિંગમાં ઊતરી હતી અને એણે ધીમી શરૂઆત કરી હતી. કચ્છી કડવા પાટીદારની મજબૂત બોલિંગના પ્રદર્શન સામે ત્રીજી ઓવરમાં જ કૅપ્ટન વિરલ શાહ અને વિશાલ મેરવાણા જેવા મજબૂત બૅટ્સમેનોની વિકેટો પડી ગઈ હતી. કચ્છી કડવા પાટીદારે પણ જબરદસ્ત બોલિંગ વડે ખડાયતા માટે રન બનાવવાનું અઘરું કરી નાખ્યું હતું ત્યારે ઓપનર અને સ્ટાર બૅટ્સમૅન નિશાદ ગાભાવાલા (૨૪) અને ચોથા ક્રમે આવેલા ભાવેશ શાહ (૧૯) વચ્ચે સૂઝબૂઝભરી ઇનિંગ્સ રમાઈ હતી. એવામાં ભાવેશ શાહે છઠ્ઠી ઓવરમાં ત્રણ ફોર ફટકારીને ટાર્ગેટ અને બૉલ વચ્ચેના મોટા ગૅપને દૂર કરીને દરેક બૉલે રન કરીને ટીમ માટે જીત આસાન કરી દીધી હતી, પરંતુ ત્યાર બાદ ૮મી ઓવર લઈને આવેલા કચ્છી કડવા પાટીદારના કૅપ્ટન ભાવિક ભગતે ત્રણ વિકેટો ખખડાવીને પોતાની ટીમ માટે જીતની આશા બાંધી હતી. છેલ્લી દિલધડક ઓવરમાં ૯ રન કરવાના હતા ત્યારે પહેલા બૉલે ખડાયતાના રોનક શાહે ફોર ફટકારી દીધી હતી. ત્યાર બાદ છેલ્લા બૉલમાં ૨ રન જરૂરી હતા ત્યારે હીરક શાહે સિક્સરનો વિનિંગ-શૉટ ફટકારીને ખડાયતાને શાનદાર જીત અપાવી હતી.

ટૂંકો સ્કોર : કચ્છી કડવા પાટીદાર : ૧૦ ઓવરમાં ૮૬/૬ (પરેશ ધોલુ ૨૬ બૉલમાં ૩ ફોર અને ૪ સિક્સર સાથે ૪૪ રન, હીરક શાહ ૨-૦-૧૫-૨)

ખડાયતા : ૧૦ ઓવરમાં ૯૧/૬ (નિશાદ ગાભાવાલા ૧૭ બૉલમાં ૩ ફોર સાથે ૨૪ રન, ભાવિક ભગત ૨-૦-૮-૩)

મૅન ઑફ ધ મૅચ : ભાવેશ શાહ (ખડાયતા)

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK