ક્વૉર્ટર ફાઇનલના જંગનો તખ્તો તૈયાર

ફાઇનલથી બે કદમ દૂરની ટક્કરમાં આવતી કાલે છેલ્લાં ત્રણ વરસની ચૅમ્પિયન ટીમ ચરોતર રૂખી સામે ટકરાશે ૨૦૧૦ની ચૅમ્પિયન કપોળ : ૨૦૦૮ ને ૨૦૦૯ની ડબલ ચૅમ્પિયન વાગડ વીસા ઓસવાળ જૈન સામે યંગ ટીમ ખડાયતા ટક્કર ઝીલશે: મેઘવાળનો સામનો ૨૦૧૧ અને ૨૦૧૨માં રનર-અપ રહેલી હાલાઈ લોહાણા સામે : ૨૦૧૦ની રનર-અપ કચ્છી વીસા ઓસવાળ જૈન સામે બાથ ભીડશે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ


મિડ-ડે કપની સાતમી સીઝનના ગઈ કાલના પ્રી-ક્વૉર્ટરના બીજા દિવસની ચાર મૅચોમાંથી બે વન-સાઇડેડ અને બે રસપ્રદ બનેલી મૅચનાં પરિણામોથી આવતી કાલે રમાનારી ક્વૉર્ટર ફાઇનલના જંગનો તખ્તો તૈયાર થઈ ગયો છે. આવતી કાલે રમાનારી ક્વૉર્ટર ફાઇનલના ‘કરો યા મરો’ના જંગમાં પ્રથમ મૅચમાં ચૅમ્પિયન ટીમનો સામનો કપોળે કરવો પડશે. બીજી મૅચમાં યંગ ટીમ ખડાયતાએ અનુભવી અને મજબૂત ટીમ વાગડ વીસા ઓસવાળ જૈન સામે ટક્કર ઝીલવી પડશે. ત્રીજી મૅચ બન્ને મજબૂત ટીમો મેઘવાળ અને હાલાઈ લોહાણા વચ્ચે થશે. જ્યારે મજબૂત કચ્છી વીસા ઓસવાળ જૈન સામે ભારેખમ સૌરાષ્ટ્ર લેઉવા પટેલનો મુકાબલો થશે. આમ આવતી કાલે રમાનારી ચાર મૅચો દ્વારા સેમી-ફાઇનલના જંગની લાઇન-અપ નક્કી થશે.

ગઈ કાલના દિવસે ચારેય મૅચોમાં પ્રથમ બે મૅચો વન-સાઇડેડ રહી હતી ત્યારે છેલ્લી બે મૅચોમાં રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો. પ્રથમ મૅચમાં મજબૂત ટીમ મેઘવાળે નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ સામે જંગી જુમલો ખડકીને આસાન વિજય મેળવ્યો હતો. લો-સ્કોરિંગ મૅચમાં કચ્છી વીસા ઓસવાળ જૈન સામે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી)નો ૮ વિકેટે શરમજનક પરાજય થયો હતો. ઓછો ટાર્ગેટ મળ્યો હોવા છતાં હાલાઈ લોહાણા જેવી મજબૂત ટીમે ગુર્જર સુતારની જોરદાર ફાઇટથી રસપ્રદ બનેલી મૅચમાં વિજય મેળવ્યો હતો. છેલ્લી રસાકસીભરી મૅચમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલે ગયા વર્ષની રનર-અપ સ્ટ્રૉન્ગ ટીમ કચ્છી લોહાણાને ૬ વિકેટે હાર આપીને બિગ-અપસેટ સરજ્યો હતો.

મૅચ-૧

દિવસની પ્રથમ મૅચમાં નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગમાં મેઘવાળને આમંત્રણ આપ્યું હતું ત્યારે શાનદાર શરૂઆત કરીને મેઝવાળે એનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. લીગ રાઉન્ડમાં શાંત રહેલા મેઘવાળના સ્ટાર બૅટ્સમૅન યોગેશ પડાયા (૪૮)એ આ વખતે શાનદાર શરૂઆત કરી હતી. ઓપનર નરેશ મારુ (૧૩)નો સાથ મેળવીને ફોર અને સિક્સર દ્વારા પાંચ ઓવરના અંતે ટીમના સ્કોરને ૬૮ પર પહોંચાડી દીધો હતો, પરંતુ છઠ્ઠી ઓવરના પહેલા બૉલે જ નરેશ મારુ કૅચઆઉટ થતાં પાર્ટનરશિપ તૂટી હતી. ત્યાર બાદ સાતમી ઓવરમાં યોગેશ પડાયા પણ ટીમના ૮૧ના સ્કોર પર કૅચઆઉટ થઈ પૅવિલિયનભેગો થતાં સ્કોર ૧૦૦ની પાર જશે, પરંતુ વધુ નહીં થાય એમ લાગતું હતું એવામાં ત્રીજા અને ચોથા ક્રમે બૅટિંગમાં ઊતરેલા ચેતન પરમાર (૧૪) અને અંકિત મારુ (૨૨)એ ઉપરાઉપરી સિક્સર ફટકારવાનું શરૂ કરતાં સ્કોરની ગતિ વધતી રહી હતી. એક સમયે ૬ ઓવરના અંતે સ્કોર ૮૦ હતો ત્યારે મેઘવાળે છેલ્લી ૪ ઓવરમાં ૫૯ રન ફટકારીને ૧૦ ઓવરના અંતે ૧૫૯ રનનો મસમોટો ટાર્ગેટ નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ માટે સેટ કર્યો હતો.

જંગી જુમલાને પહોંચી વળવા જવાબી બૅટિંગમાં ઊતરેલી નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણની પ્રથમ ઓવરમાં ધીમી શરૂઆત રહી હતી. એવામાં મેઘવાળ ટીમ માટે બૅટિંગમાં કમાલ કરનારો યોગેશ પડાયા હવે બોલિંગમાં પણ કમાલ દેખાડવા ત્રીજી ઓવર લઈને આવ્યો હતો ત્યારે એ જ ઓવરમાં બે વિકેટો ખખડાવીને નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણની ઓપનિંગ જોડીને સસ્તામાં પૅવિલિયનભેગી કરી દીધી હતી. ચોથી ઓવર સુધી હજી સ્કોર માંડ વધ્યો હતો ત્યારે ૨૧ રનના સ્કોર પર ત્રીજી વિકેટ પડતાં નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ માટે જીત ધૂંધળી દેખાતી હતી. ચોથા અને પાંચમા ક્રમે આવેલા અનુક્રમે વિવેક જોશી (૨૪) અને અંકિત પાઠકે (૧૯) મેઘવાળની બોલિંગ સામે લાંબો સમય પિચ પર ટકવાનું સાહસ દેખાડતાં ૪૩ રનની પાર્ટરનશિપ નોંધાવીને ટીમને શરમજનક સ્કોરથી બચાવી લીધી હતી. જોકે એમ છતાં નાથળિયા ઉનેવાળ ૧૦ ઓવરના અંતે પાંચ વિકેટે ટાર્ગેટના અડધા કહી શકાય એટલા (૮૩ રન) જ રન કરી શકતાં મેઘવાળનો ૭૬ રનથી વિજય થયો હતો.

ટૂંકો સ્કોર : મેઘવાળ : ૧૦ ઓવરમાં ૧૫૯/૭ (યોગેશ પડાયા ૨૩ બૉલમાં ૬ ફોર અને ૩ સિક્સર સાથે ૪૮ રન, ઉર્વેશ ઓઝા ૨-૦-૨૬-૩)

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ : ૧૦ ઓવરમાં ૮૩/૫ (વિવેક જોશી ૧૯ બૉલમાં બે ફોર અને ૧ સિક્સર સાથે ૨૪ રન, યોગેશ પડાયા ૨-૦-૧૧-૨)

મૅન ઑફ ધ મૅચ  : યોગેશ પડાયા (મેઘવાળ)

મૅચ-૨

વન-સાઇડેડ બની ગયેલી આ મૅચમાં ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી)એ ટૉસ જીતીને પ્રથમ બૅટિંગનો નિર્ણય કરી ધીમી શરૂઆત કરી હતી. શરૂઆતની ચાર ઓવર સુધી સ્કોર ધીમો વધી રહ્યો હતો, પરંતુ વિકેટનું કોઈ નુકસાન ન જતાં સ્કોર પછીથી વધશે એમ લાગી રહ્યું હતું. એવામાં પાંચમી ઓવરમાં ૩૭નો સ્કોર થયો હતો ત્યાં જ ઓપનર વિશાલ ત્રિવેદીને કચ્છી વીસા ઓસવાળ જૈનના વિક્રાન્ત રાંભિયાએ ક્લીનબોલ્ડ કરતાં ૧૦ રન માઇનસ થઈને સ્કોર ૨૭ પર જતો રહ્યો હતો. ત્યાર બાદ કચ્છી વીસા ઓસવાળે ધરખમ બોલિંગ-પ્રદર્શન ચાલુ રાખતાં ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી)ના રન ઓછા બની રહ્યા હતા અને વિકેટો વધુ પડી રહી હતી. એકમાત્ર ઓપનર મુકેશ ઠક્કર (૨૭) સિવાય અન્ય કોઈ બૅટ્સમૅન બે આંકડામાં પોતાનો સ્કોર નહોતો બનાવી શક્યો. ૧૦ ઓવરના અંતે ૬ વિકેટે ૫૯ રન બનાવીને ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) હાંફી ગઈ હતી.

મિડ-ડે કપ ૨૦૧૦ની રનર-અપ કચ્છી વીસા ઓસવાળ જૈન માટે ૬૦ રનનો નાનો ટાર્ગેટ આસાન હતો ત્યારે તેમની જવાબી બૅટિંગમાં શરૂઆત ધીમી અને સેફ રહી હતી. ચોથી ઓવરમાં બીજા બૉલમાં ટીમના ૨૨ના સ્કોર પર ઓપનર અને ભરોસેમંદ બૅટ્સમૅન વિરલ ગંગર મનીષ ભટ્ટના બૉલમાં સસ્તામાં કૅચઆઉટ થતાં કચ્છી વીસા ઓસવાળ જૈનને પ્રથમ ફટકો પડ્યો હતો, પરંતુ ઓપનિંગમાં આવેલા ધીરેન દેઢિયા (૪૧)એ એકલાહાથે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી)ની બોલિંગમાં ફોર અને સિક્સર ફટકારી હતી. કચ્છી વીસા ઓસવાળે ૬.૨ ઓવરમાં ૩ વિકેટે ૬૪ રન કરીને આસાન વિજય મેળવી ક્વૉર્ટર ફાઇનલમાં પ્રેવશ મેળવી લીધો હતો.

ટૂંકો સ્કોર : ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) : ૧૦ ઓવરમાં ૫૯/૬ (મુકેશ ઠક્કર ૨૮ બૉલમાં ૪ ફોર સાથે ૨૭ રન, નીરવ ભેદા ૨-૦-૧૩-૨)

કચ્છી વીસા ઓસવાળ જૈન : ૬.૨ ઓવરમાં ૬૪/૩ (ધીરેન દેઢિયા ૨૧ બૉલમાં ૩ ફોર અને ૩ સિક્સર સાથે ૪૧ રન, ઉર્વીશ ઉપાધ્યાય ૧-૦-૧૩-૧)

મૅન ઑફ ધ મૅચ  : ધીરેન દેઢિયા (કચ્છી વીસા ઓસવાળ જૈન)

મૅચ-૩

રસાકસીભરી બનેલી આ મૅચમાં મિડ-ડે કપના ઇતિહાસમાં હાઇએસ્ટ સ્કોર કરનારી ટીમ ગુર્જર સુતારે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગનો નિર્ણય લીધો હતો, પરંતુ મિડ-ડે કપમાં સૌથી વધુ વ્યક્તિગત ૧૬૧ રન ફટકારનાર ગુર્જર સુતારના કૅપ્ટન ધર્મેશ અનુવાડિયા પહેલી ઓવરના પહેલા જ બૉલમાં ક્લીન બોલ્ડ થતાં હાલાઈ લોહાણાએ જબરદસ્ત આંચકો આપ્યો હતો. ત્યાર બાદ વન-ડાઉન આવેલા હરેન અનુવાડિયાની વિકેટ પણ જલદી પડી ગઈ હતી અને પાંચમી ઓવરમાં બેજવાબદારીપૂર્વક વિકેટ ફેંકી દેતાં ૧૦ રન માઇનસ થતાં દુકાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિ ગુર્જર સુતારની થઈ હતી. એક પછી એક વિકેટોના પતન વચ્ચે ઓપનર નૈનેશ પંચાસરા (૩૦)એ સૌથી વધુ લાંબો સમય ટકીને ગુર્જર સુતારના સ્કોરને સન્માનજનક સ્થિતિએ પહોંચાડ્યો હતો. હાલાઈ લોહાણા તરફથી જય ચંદારાણા અને પૃથ્વી ઠક્કરે બે-બે વિકેટો ઝડપીને બૅટ્સમેનોને હંફાવી દેતાં ગુર્જર સુતારના ૧૦ ઓવરના અંતે ૮ વિકેટે માત્ર ૭૨ રન જ થયા હતા.

હાલાઈ લોહાણા માટે ૭૩નો ટાર્ગેટ અઘરો નહોતો ત્યારે સ્ટાર બૅટ્સમૅન મેહુલ ગોકાણી અને પવન લાખાણીએ ઓપનિંગમાં આવીને ફટકાબાજી કરી મજબૂત શરૂઆત કરી હતી. પાંચમી ઓવરની શરૂઆતમાં સ્કોર ૪૮ પર પહોંચી ગયો હતો ત્યારે ગુર્જર સુતારના કૅપ્ટન ધર્મેશ અનુવાડિયાએ ધમાકેદાર બૅટિંગ કરી રહેલા હાલાઈ લોહાણાના પવન લખાણીને એલબીડબ્લ્યુ આઉટ કરીને માઇનસ ૧૦ રન કરાવી સ્કોર ૩૮ પર મૂકી દઈને ગુર્જર સુતારની જીત માટે આશા બંધાવી હતી. ત્યાર બાદ હાલાઈ લોહાણાએ ગુર્જર સુતારની ચુસ્ત બોલિંગ સામે અન્ય બે વિકેટો ગુમાવીને ૮ ઓવરમાં સ્કોર ૬૦ પર પહોંચાડ્યો હતો ત્યારે છેલ્લા ૧૨ બૉલમાં ૧૩ રન કરવાની નોબત આવતાં મૅચ રસપ્રદ બની હતી, પરંતુ પાંચમા ક્રમે આવીને સ્કોરને આગળ વધારી રહેલા તેજસ કાનાણી (૨૦)એ નવમી ઓવરના છેલ્લા બૉલમાં સિક્સર ફટકારતાં હાલાઈ લોહાણાની જીત આસાન કરી આપી હતી. ૯.૪ ઓવરમાં ૩ વિકેટે ૭૫ રન બનાવીને હાલાઈ લોહાણાએ ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી મારી હતી.

ટૂંકો સ્કોર : ગુર્જર સુતાર : ૧૦ ઓવરમાં ૭૨/૮ (નૈનેશ પંચાસરા ૨૬ બૉલમાં બે ફોર સાથે ૩૦ રન, જય ચંદારાણા ૨-૦-૧૨-૨)

હાલાઈ લોહાણા : ૧૦ ઓવરમાં ૭૫/૩ (પવન લાખાણી ૧૪ બૉલમાં ૪ ફોર અને ૧ સિક્સર સાથે ૨૫ રન, ધર્મેશ અનુવાડિયા ૨-૦-૧૩-૧)

મૅન ઑફ ધ મૅચ  : તેજસ કાનાણી (હાલાઈ લોહાણા)

મૅચ-૪

દિવસની છેલ્લી અને અપસેટ સર્જનારી આ મૅચમાં ગયા વર્ષની રનર-અપ ટીમ કચ્છી લોહાણાએ ટૉસ જીતીને પ્રથમ બૅટિંગનો નિર્ણય લીધો હતો. કચ્છી લોહાણાની સ્ટાર ઓપનિંગ જોડી અવધેશ ઠક્કર (૧૫) અને કપિલ સોતા (૨૨)એ શરૂઆતની ઓવરમાં જ ફટકાબાજી કરીને બે ઓવરમાં ૨૭ રન કરી દીધા હતા, પરંતુ ત્રીજી ઓવરમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલના અનુભવી બોલર જનક સુતરિયાએ કૉટ ઍન્ડ બોલ્ડમાં અવધેશ ઠક્કરની વિકેટ લઈ લીધી હતી. કચ્છી લોહાણાની સારી શરૂઆત સામે સૌરાષ્ટ્ર લેઉવા પટેલે જોરદાર કમબૅક કરીને ચુસ્ત બોલિંગ-પ્રદર્શન કરીને બૅટ્સમેનોને વધુ રન કરવાનો મોકો નહોતો આપ્યો. સૌરાષ્ટ્ર લેઉવા પટેલના બોલર પંકજ ધામેલિયાએ છઠ્ઠી અને આઠમી ઓવરમાં ઓછા રન આપીને અનુક્રમે મહત્વની એક-એક વિકેટ લેતાં સ્કોરની ગતિ ધીમી પડી ગઈ હતી. પાછલી ઓવરોમાં કચ્છી લોહાણાના બૅટ્સમેનો રન બનાવવાના ચક્કરમાં વિકેટો ફેંકતા રહ્યા હતા ત્યારે ૧૦ ઓવરના અંતે તેમના ૮ વિકેટે ૮૪ રન બન્યા હતા.

જવાબી બૅટિંગમાં ઊતરેલી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ માટે ૮૫નો ટાર્ગેટ મોટો નહોતો, પરંતુ કચ્છી લોહાણાની ધરખમ બોલિંગ સામે આ ટાર્ગેટ સર કરવો અઘરો હતો. બૅટ્સમેનોના પગ હલાવી દેતા કચ્છી લોહાણાના જય સચદેએ પહેલી ઓવરના પહેલા અને ત્રીજા બૉલમાં અનુક્રમે ઓપનર જનક સુતરિયા અને વન-ડાઉન આવેલા રવિ ધામેલિયાના દાંડિયા ડૂલ કરી દઈ સૌરાષ્ટ્ર લેઉવા પટેલની ટીમમાં સન્નાટો ફેલાવી દીધો હતો. ઝીરો રનમાં બે વિકેટોના પતનથી કોમામાં સરી પડેલી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ ટીમને ઉગારવા મજબૂત પાર્ટરનશિપની જરૂર હતી ત્યારે સ્ટાર બૅટ્સમૅન હિતેશ ભાયાણી (૨૪) અને ધર્મેશ પટેલ (૧૭)ની જોડીએ એ કામ કરી બતાવ્યું હતું, પરંતુ પાંચમી ઓવરમાં ૩૯ના સ્કોર પર સૌરાષ્ટ્ર લેઉવા પટેલના સ્ટાર ઑલરાઉન્ડર હિતેશ ભાયાણીની વિકેટ ગુમાવવા ઉપરાંત ૧૯ રન માઇનસનો બેવડો ફટકો પડ્યો હતો. ૭ ઓવરના અંતે ૬૭નો સ્કોર હતો ત્યારે જીત માટે ૧૮ બૉલમાં ૧૮ રનની જરૂર હતી ત્યારે મૅચ રસપ્રદ બની ગઈ હતી. જોકે ફટકાબાજી કરીને જીતની નજીક લઈ જનારી શૈલેશ માણિયા (૧૮) અને પંકજ ધામેલિયા (૨૦)ની જોડી પિચ પર મોજૂદ હતી અને ૮મી ઓવરના અંત સુધીમાં આ જોડીએ કુલ ૨૦ રન ફટકારીને સૌરાષ્ટ્ર લેઉવા પટેલને શાનદાર જીત અપાવીને ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી અપાવી દીધી હતી. કચ્છી લોહાણા ટીમના મિડલ-ઑર્ડરની નિષ્ફળતા તથા પ્રથમ લીગ મૅચમાં જોરદાર પર્ફોમન્સ કરીને મૅન ઑફ મૅચ બનનાર જિજ્ઞેશ કતીરાએ ગઈ કાલે બે ઓવરમાં આપેલા ૪૦ રન તેમની હાર માટે જવાબદાર હતા.

ગયા વર્ષની રનર-અપ અને આ વર્ષે કપ જીતવા માટે ફેવરિટ કચ્છી લોહાણા જેવી ટીમને ટુર્નામેન્ટમાંથી આઉટ કરીને સૌરાષ્ટ્ર લેઉવા પટેલે આ વર્ષનો સૌથી મોટો અપસેટ સરજ્યો હતો.

ટૂંકો સ્કોર : કચ્છી લોહાણા : ૧૦ ઓવરમાં ૮૪/૮ (કપિલ સોતા ૧૬ બૉલમાં ૫ ફોર સાથે ૨૨ રન, હિતેશ ભાયાણી ૨-૦-૧૬-૩)

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ : ૮ ઓવરમાં ૮૭/૪ (હિતેશ ભાયાણી ૧૩ બૉલમાં પાંચ ફોર સાથે ૨૪ રન, રૂપેશ ઠક્કર ૨-૦-૧૬-૧)

મૅન ઑફ ધ મૅચ  : પંકજ ધામેલિયા (સૌરાષ્ટ્ર લેઉવા પટેલ)

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK