ક્વૉર્ટર ફાઇનલની બધી મૅચ વન-સાઇડેડ રહી

કપોળ, ખડાયતા, મેઘવાળ અને સૌરાષ્ટ્ર લેઉવા પટેલની એક્ઝિટમિડ-ડે કપની સાતમી સીઝનમાં ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલના જંગનાં પરિણામોએ સેમી-ફાઇનલની મૅચો લાઇન-અપ કરી દીધી હતી. એમાં મજબૂત ટીમોએ પોતાનો પર્ફોર્મન્સ યથાવત્ જાળવી રાખી દર્શકોને મિજાજ દેખાડી દીધો હતો. સેમી-ફાઇનલના જંગમાં આજની પ્રથમ મૅચમાં છેલ્લાં ત્રણ વરસની ચૅમ્પિયન ચરોતર રૂખી અને ૨૦૦૮ અને ૨૦૦૯ની ચૅમ્પિયન વાગડ વીસા ઓસવાળ જૈન ટકરાશે ત્યારે આ મુકાબલો અભૂતપૂવર્‍ બની રહેશે. જ્યારે બીજી મૅચમાં ૨૦૧૧ અને ૨૦૧૨માં રનર-અપ રહેલી મજબૂત ટીમ હાલાઈ લોહાણા અને ૨૦૧૦માં રનર-અપ રહેલી કચ્છી વીસા ઓસવાળ જૈન વચ્ચે ફાઇનલમાં જગ્યા મેળવવા માટે યુદ્ધ થશે.

ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં ૮ મજબૂત મહારથીઓ વચ્ચે ટક્કર થઈ હતી. ક્વૉર્ટર ફાઇનલનો જંગ રસાકસીભર્યો બનશે એવી અપેક્ષા હતી ત્યારે જીત મેળવવા માટે ગજબનું ટેમ્પરામેન્ટ બતાવીને પાવરપેક્ડ પર્ફોર્મન્સથી વિજેતા ટીમોએ ચારેય મૅચોમાં જીતને આસાનીમાં તબદિલ કરી નાખી હતી. ક્વૉર્ટર ફાઇનલની પ્રથમ મૅચમાં ચરોતર રૂખીએ ૨૦૧૦ની ચૅમ્પિયન ટીમ કપોળની બૅટિંગની કરોડરજ્જુ ભાંગી નાખતાં આસાન જીત મેળવીને વધુ એક વખત ચૅમ્પિયન બનવાનો રૂખ જણાવી દીધો હતો. ગયા વર્ષે ક્વૉર્ટર ફાઇનલમાં આઉટ થઈ ગયેલી ભૂતપૂવર્‍ ચૅમ્પિયન વાગડ વીસા ઓસવાળ જૈને આ વખતે ખડાયતા સામે જંગી જુમલો ખડકી દઈને પહેલેથી જ જીત નક્કી કરીને સેમી-ફાઇનલમાં આસાન પ્રવેશ મેળવી લીધો હતો, જ્યારે મેઘવાળે ગઈ કાલની મૅચમાં મજબૂત ટીમ હાલાઈ લોહાણા સામે હારીને ફરી એક વખત ક્વૉર્ટર ફાઇનલથી આગળ ન વધવાની પરંપરા જાળવી રાખી હતી. ગયા વર્ષની રનર-અપ કચ્છી લોહાણાને હાર આપીને બિગ અપસેટ સર્જીને ક્વૉર્ટર ફાઇનલમાં સૌપ્રથમ વખત આવેલી સૌરાષ્ટ્ર લેઉવા પટેલનું કચ્છી વીસા ઓસવાળ જૈન સામે પરાજય થતાં આગળ વધવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. ગયા વર્ષે ક્વૉર્ટરમાંથી આઉટ થઈ ગયેલી કચ્છી વીસા ઓસવાળ જૈન આ વખતે સેમીમાં જગ્યા બનાવવામાં સફળ થઈ હતી.

ક્વૉર્ટર ફાઇનલ-૧

ચૅમ્પિયન રુs ચૅમ્પિયન વચ્ચેની ક્વૉર્ટર ફાઇનલની આ મૅચમાં પ્રથમ બૅટિંગ કરીને જંગી જુમલો ખડકવા માટે જાણીતી ચરોતર રૂખીએ આ વખતે ટૉસ જીતીને ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું હતું. પ્રથમ બૅટિંગમાં આવેલી ૨૦૧૦ની ચૅમ્પિયન ટીમ કપોળને ધીમી શરૂઆત કર્યા બાદ બીજી ઓવરમાં જ પાંચ રનના સ્કોરે પ્રી-ક્વૉર્ટરમાં મૅન ઑફ ધ મૅચ રહેલા પાર્થ માથુરિયાની આત્મઘાતી વિકેટથી આઘાત લાગ્યો હતો. ચરોતર રૂખીના ધરખમ બોલરો સામે કપોળના બૅટ્સમેનોનાં બૅટ ચાલતાં નહોતાં. પાંચમી ઓવરમાં ૩૧નો સ્કોર માંડ થયો હતો ત્યારે કૅપ્ટન પરાશર ચિતલિયા રનઆઉટ થતાં સ્કોર ૨૧ પર જતો રહ્યો હતો. ત્યાર બાદ છઠ્ઠી ઓવર લઈને આવેલા ચરોતર રૂખીના કૅપ્ટન અને ઑલરાઉન્ડર ખીમજી મકવાણાએ એ જ ઓવરમાં કપોળના ઓપનર જય મહેતા (૧૫) સહિત ત્રણ મજબૂત વિકેટો ખેરવી નાખતાં કપોળની બૅટિંગલાઇન પડી ભાંગી હતી. નબળી ટીમને પણ શરમાવે એમ એક પછી એક વિકેટ પડવાનો ક્રમ ચાલુ રહેતાં ચૅમ્પિયન કપોળની બૅટિંગમાં છઠ્ઠા ક્રમે આવેલા એકમાત્ર દુષ્યંત દોશીએ સૌથી વધુ ૨૪ રન કર્યા હતા. કપોળની અડધી ટીમ કૅચ-આઉટ થઈ હતી ત્યારે ૧૦ ઓવરના અંતે ૯ વિકેટે ૬૯ રન કરીને ચરોતર રૂખીને આસાન લક્ષ્યાંક આપ્યો હતો.

૧૦૦ની પારનો લક્ષ્યાંક ચરોતર રૂખી માટે આસાન હોય છે ત્યારે ૭૦ના મામૂલી ટાર્ગેટ માટે જવાબી બૅટિંગમાં ચરોતર રૂખીએ ધમાકેદાર શરૂઆત કરી હતી. સ્ટાર ઓપનિંગ જોડી જિતેશ પુરબિયા (૨૧) અને ચેતન સોલંકી (૧૮)એ ઝંઝાવાતી બૅટિંગ વડે ૩ ઓવરમાં ૩૦ રન ઝીંકી દીધા હતા. ચોથી ઓવરમાં જિતેશ પુરબિયા એલબીડબ્લ્યુ થયો હતો. તેની જગ્યાએ આવેલા નીતિન સોલંકી (૧૮)એ જિતેશ પુરબિયાની કમી પૂરી કરીને ચેતન સોલંકીને સાથ આપીને ટીમને આસાન જીત અપાવી હતી. માત્ર ૬ ઓવરમાં ૧ વિકેટે ૭૦ રન કરીને ચરોતર રૂખીએ પોતાનો ચૅમ્પિયન રૂખ જાળવી રાખ્યો હતો.

ટૂંકો સ્કોર : કપોળ : ૧૦ ઓવરમાં ૬૯/૯ (દુષ્યંત દોશી ૧૩ બૉલમાં પાંચ ફોર સાથે ૨૪ રન, ખીમજી મકવાણા ૨-૦-૧૪-૪) ચરોતર રૂખી : ૬ ઓવરમાં ૬૯/૧ (જિતેશ પુરબિયા ૧૩ બૉલમાં ૩ ફોર સાથે ૨૧ રન, નયન મહેતા ૨-૦-૨૨-૧)

મૅન ઑફ ધ મૅચ : ખીમજી મકવાણા (ચરોતર રૂખી)

ક્વૉર્ટર ફાઇનલ-૨

ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ લઈ વાગડ વીસા ઓસવાળ જૈને ઝંઝાવાતી શરૂઆત કરી હતી. તેમના સ્ટાર બૅટ્સમૅન ધર્મેશ છેડા (૭૬ નૉટઆઉટ) અને ભાવેશ ગાલા (૪૨)ની ઓપનિંગ જોડીએ વિસ્ફોટક બૅટિંગ કરીને માત્ર પાંચ ઓવરમાં ૧૨૨ રન કરીને ખડાયતાના બોલરોને રડાવી નાખ્યા હતા. છઠ્ઠી ઓવરમાં ભાવેશ ગાલાની વિકેટ પડી ત્યારે કૅપ્ટન ચિરાગ નિસરે બૅટિંગમાં આવીને ધર્મેશ છેડાને સાથ આપ્યો હતો અને રનનો ઢગલો કરવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. ધર્મેશ શાહે સતત ત્રીજી વખત શરૂઆતથી અંત સુધી પિચ પર ટકી નૉટઆઉટ રહીને ખડાયતાના દરેક બોલરને ધોઈ નાખ્યા હતા. વાગડ વીસા ઓસવાળ જૈનનો કૂદકે ને ભૂસકે વધતો સ્કોર ૧૦ ઓવરના અંતે ૩ વિકેટે ૧૯૯ રન થઈ ગયો હતો.

૨૦૦ રનના મહાટાર્ગેટને પહોંચી વળવા બૅટિંગમાં ઊતરેલી ખડાયતા ટીમની શરૂઆત ધીમી અને નબળી રહી હતી. બોલર ઋષભ કારિયાની ઓવરમાં ચોથી ઓવરમાં ૨૪ના સ્કોર પર ખડાયતા પોતાના સ્ટાર બૅટ્સમૅન નિશાદ ગાભાવાલાની વિકેટ ગુમાવી બેસતાં જીતની રાહ વધુ અઘરી બની હતી. વાગડ વીસા ઓસવાળ જૈનની અનુભવી બોલિંગ સામે ખડાયતાનો એકેય બૅટ્સમૅન ઊભો રહેવા તૈયાર નહોતો ત્યારે કૅપ્ટન વિરલ શાહે (૫૬ નૉટઆઉટ) જવાબદારીપૂવર્‍ક પિચ પર સારા શૉટ્સ મારીને ટીમને જિતાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિકેટો પડવાના દોર સાથે ધીમી ગતિએ થયેલો સ્કોર ૧૦ ઓવરના અંતે ૬ વિકેટે ૧૦૭ રન રહેતાં ખડાયતાનો ૯૨ રને પરાજય થયો હતો.

ટૂંકો સ્કોર : વાગડ વીસા ઓસવાળ જૈન: ૧૦ ઓવરમાં ૧૯૯/૩ (ધર્મેશ છેડા ૨૮ બૉલમાં ૧૦ ફોર અને ૪ સિક્સર સાથે ૭૬ રન, હિરક શાહ ૨-૦-૧૧-૧)

ખડાયતા : ૧૦ ઓવરમાં ૧૦૭/૬ (વિરલ શાહ ૩૦ બૉલમાં ૮ ફોર અને બે સિક્સર સાથે ૫૬ રન, ઋષભ કારિયા ૨-૦-૧૭-૩)

મૅન ઑફ ધ મૅચ : ધર્મેશ છેડા (વાગડ વીસા ઓસવાળ જૈન)

ક્વૉર્ટર ફાઇનલ-૩

મજબૂત ટીમો મેઘવાળ અને હાલાઈ લોહાણા વચ્ચેની આ ટક્કરમાં મેઘવાળે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગનો નિર્ણય કરીને યોગેશ પડાયા (૩૭) અને નરેશ મારુ (૨૫)ની સ્ટાર ઓપનિંગ જોડીએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. હાલાઈ લોહાણાના ધુરંધર બોલરોની ઓપનિંગ સ્પેલની ચાર ઓવરોમાં જ ઓપનિંગ જોડીએ ૬૬ રનનો ઢગલો કરી દીધો હતો, પરંતુ પ્રશાંત કારિયાની ચોથી ઓવરના છેલ્લા બૉલે યોગેશ પડાયા ક્લીનબોલ્ડ થતાં મેઘવાળને પ્રથમ ઝટકો લાગ્યો હતો. ત્યાર બાદ નરેશ મારુ થોડી ફટકાબાજી કરીને છઠ્ઠી ઓવરમાં ૮૧ના સ્કોરે આઉટ થતાં મેઘવાળના સ્કોરની ઝડપ ધીમી પડી ગઈ હતી. ત્યાર બાદ હાલાઈ લોહાણા ટીમ ગજબનું કમબૅક કરીને એક સમયે ૧૫૦ની પાર જતા મેઘવાળના સ્કોરને ૧૦ ઓવરના અંતે ૬ વિકેટે ૧૨૨ રન પર અટકાવવામાં સફળ થઈ હતી.

જીતના આત્મવિશ્વાસ સાથે જવાબી બૅટિંગમાં ઊતરેલી હાલાઈ લોહાણાએ પણ ઝંઝાવાતી બૅટિંગનાં દર્શન કરાવ્યાં હતાં. બોલરો માટે ડેન્જરમૅન ગણાતા મેહુલ ગોકાણી (૫૧ નૉટઆઉટ)એ પવન લાખાણી (૪૨)નો સાથ મેળવીને ગ્રાઉન્ડ પર ચોગ્ગા અને છગ્ગાનો ભરબપોરે વરસાદ કરી નાખ્યો હતો. ચોથી ઓવરના અંતે સ્કોર ૫૫ રન હતો ત્યારે આ વિસ્ફોટક જોડીએ બોલર હિતેશ વાઘની પાંચમી પાવરઓવરમાં ૪૮ રન ફટકારીને જીતને વધુ નજીક કરી લીધી હતી. એક સમયે ૧૨૩નો સ્કોર પાર કરવામાં મૅચ રસપ્રદ બનશે એમ લાગી રહ્યું હતું ત્યારે આ ઓપનિંગ જોડીએ માત્ર પાંચ ઓવરમાં ટીમના ટોટલને ૧૦૩ રન કરી દેતાં મૅચ વન-સાઇડેડ બનાવી દીધી હતી. છઠ્ઠી ઓવરમાં પવન લાખાણી રનઆઉટ થયો હતો, પરંતુ મેહુલ ગોકાણીએ બાકીનું કામ પૂરું કરીને માત્ર ૬.૫ ઓવરમાં ૧ વિકેટે ૧૨૬નો સ્કોર કરીને હાલાઈ લોહાણાને જીત અપાવીને સેમી-ફાઇનલમાં પહોંચાડી દીધી હતી.

ટૂંકો સ્કોર : મેઘવાળ : ૧૦ ઓવરમાં ૧૨૨/૬ (યોગેશ પડાયા ૧૮ બૉલમાં ૬ ફોર અને બે સિક્સર સાથે ૩૭ રન, પ્રશાંત કારિયા ૨-૦-૧૦-૨)

હાલાઈ લોહાણા : ૬.૫ ઓવરમાં ૧૨૬/૧ (મેહુલ ગોકાણી ૨૨ બૉલમાં ૬ ફોર અને ૩ સિક્સર સાથે ૫૧ રન, પ્રકાશ પડાયા ૨-૦-૨૪-૦)

મૅન ઑફ ધ મૅચ : મેહુલ ગોકાણી અને પવન લાખાણી (હાલાઈ લોહાણા)

ક્વૉર્ટર ફાઇનલ-૪

દિવસની છેલ્લી મૅચમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલે ટૉસ જીતીને કચ્છી વીસા ઓસવાળ જૈનને પ્રથમ બૅટિંગ આપી હતી. કચ્છી વીસા ઓસવાળ જૈનની ધીમી શરૂઆત થઈ હતી ત્યારે ત્રીજી ઓવર સુધીમાં ૩૯ રનના સ્કોરે બે મજબૂત બૅટ્સમેનોની વિકેટ પડી ચૂકી હતી, પરંતુ ત્યાર બાદ કચ્છી વીસા ઓસવાળ જૈનનો કૅપ્ટન નીરવ ભેદા (૭૮ નૉટઆઉટ) બૅટિંગમાં ઊતયોર્ હતો અને તેણે ગજબનું પર્ફોર્મ બતાવ્યું હતું. ચોથા ક્રમે આવેલો નીરવ પછીની ઓવરોમાં એકલાહાથે ધુઆંધાર બૅટિંગ કરીને કૅપ્ટન-ઇનિંગ્સ રમ્યો હતો. કચ્છી વીસા ઓસવાળ જૈનની વિકેટો પડતી રહી હતી, પરંતુ નીરવે બીજા છેડે ફટકાબાજી ચાલુ રાખીને ૧૦ ઓવરના અંતે ૬ વિકેટે ૧૬૭ રનનો જુમલો ખડકી દીધો હતો.

૧૬૮ના જંગી ટાર્ગેટને ટચ કરવા પાવરફુલ પર્ફોર્મન્સની જરૂર હતી ત્યારે સૌરાષ્ટ્ર લેઉવા પટેલની શરૂઆત ધીમી અને ખરાબ રહી હતી. કચ્છી વીસા ઓસવાળ જૈનના હિમાંશુ શાહની પહેલી ઓવર મેઇડન જતાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલનો સ્કોર માઇનસ ૬માં ચાલ્યો ગયો હતો. બીજી ઓવરમાં સ્કોર માંડ ૪ પ્લસ થયો હતો ત્યાં સ્ટાર ઓપનર જનક સુતરિયા ક્લીનબોલ્ડ થતાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ માટે જીત દૂર થતી જણાઈ હતી. ત્યાર બાદ ત્રીજી ઓવરમાં વધુ એક સ્ટાર બૅટ્સમૅન હિતેશ ભાયાણી કૅચ-આઉટ થતાં જીત લગભગ અશક્ય બની ગઈ હતી. ત્રીજા અને ચોથા ક્રમે આવેલા શૈલેશ માણિયા (૬૮ નૉટઆઉટ) અને ધર્મેશ પટેલ (૧૬ નૉટઆઉટ) અંત સુધી વિકેટ ટકાવવામાં સફળ રહ્યા હતા. કચ્છી વીસા ઓસવાળ જૈનની મજબૂત બોલિંગ સામે ૮ ઓવરના અંતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલનો સ્કોર ૫૪ થયો હતો ત્યારે શરમજનક હાર સામે જ ઊભી હતી, પરંતુ છેલ્લી બે ઓવરમાં શૈલેશ માણિયાએ ધુઆંધાર બૅટિંગ કરીને ૬૨ રન ખડકી દઈ ૧૦ ઓવરના અંતે બે વિકેટે ૧૧૬ રન કરીને ટીમને શરમજનક હારથી બચાવી હતી. આખરે કચ્છી વીસા ઓસવાળ જૈને ૫૧ રનથી આ મૅચ જીતીને સેમી-ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.

ટૂંકો સ્કોર : કચ્છી વીસા ઓસવાળ જૈન: ૧૦ ઓવરમાં ૧૬૭/૬ (નીરવ ભેદા ૨૫ બૉલમાં ૮ ફોર અને ૬ સિક્સર સાથે ૭૮ રન, અનિલ કત્રોડિયા ૨-૦-૧૫-૨)

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ : ૧૦ ઓવરમાં ૧૧૬/૨ (શૈલેશ માણિયા ૨૮ બૉલમાં ૭ ફોર અને ૬ સિક્સર સાથે ૬૮ રન, હિમાંશુ શાહ ૨-૧-૫-૧)

મૅન ઑફ ધ મૅચ : નીરવ ભેદા (કચ્છી વીસા ઓસવાળ જૈન)


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK