મિડ ડે કપ : રસાકસી ને રોમાંચભર્યા બીજા દિવસે જોવા મળી ટાઇ અને પેનલ્ટી લાગતાં જીતમાંથી હારમાં પલટાયેલી મૅચ

ચૅમ્પિયન ચરોતર રૂખી સામે પરજિયા સોનીની લડાયક રમત : કચ્છ-વાગડ લેઉવા પટેલ સામે ટાઇ પછી સુપરઓવરમાં જીતી નવગામ વીસા નાગર વણિક: બે વખતની ચૅમ્પિયન વાગડ વીસા ઓસવાળ જૈન ટીમની આસાન જીત: ૪૫ મિનિટમાં ૧૦ ઓવર પૂરી ન કરતાં આહીર ટીમે જીતેલી બાજી ગુમાવી

ચરોતર રૂખીના પ્લેયર કિશોર ચૌહાણને શ્રદ્ધાંજલિ : ગઈ કાલે પ્રથમ મૅચની શરૂઆત પહેલાં બે મિનિટનું મૌન પાળીને ચરોતર રૂખીના સદ્ગત ખેલાડી કિશોર ચૌહાણને શ્રદ્ધાંજલિ આપતા આ ટીમના તેમ જ પરજિયા સોની ટીમના પ્લેયરો. કિશોર ચૌહાણ ગયા વર્ષ સુધી મિડ-ડે કપમાં રમ્યા હતા અને ચરોતર રૂખીની ટીમના આધારસ્તંભ હતા.મિડ-ડે કપની સાતમી સીઝનનો ગઈ કાલનો બીજો દિવસ રસાકસી અને રોમાંચભર્યો રહ્યો હતો. છેલ્લાં ત્રણ વર્ષથી કપ જીતતી આવેલી ચરોતર રૂખીની ટીમે આ વખતની પહેલી મૅચમાં પરજિયા સોની તરફથી મજબૂત સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો. નવગામ વીસા નાગર વણિક અને કચ્છ-વાગડ લેઉવા પટેલ વચ્ચેની દિવસની બીજી મૅચ ટાઇ થઈ ગઈ હતી અને પછી સુપરઓવરમાં નવગામ વીસા નાગર વણિકની ટીમે મૅચ જીતી લીધી હતી. દિવસની ચોથી અને અંતિમ મૅચ સૌથી દિલધડક રહી હતી. આ મૅચ આમ તો આહીરની ટીમે ૬ રનથી જીતી લીધી હતી, પણ પોતાની નિર્ધારિત ૧૦ ઓવર ૪૫ મિનિટમાં પૂરી ન કરી એટલે ૧૦ રનની પેનલ્ટી લાગતાં જીત હારમાં પલટાઈ ગઈ હતી અને અંતે તેઓ ઘોઘારી વીસા શ્રીમાળી જૈન સામે પરાજિત ઘોષિત થયા હતા.

મૅચ ૧

ચરોતર રૂખીએ પરજિયા સોની સામે ટૉસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનિંગમાં ઊતરેલા જિતેશ પુરબિયા (૭૭) અને મનોજ રાઠોડે (૨૨) રનનો વરસાદ કરીને પ્રથમ વિકેટ માટે ૧૦૯ રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી. જોકે ૭મી ઓવરમાં પોતાની પહેલી વિકેટ ગુમાવ્યા બાદ ચરોતર રૂખીના કૅપ્ટન ખીમજી મકવાણા (૪૮)એ ટીમના સ્કોરને આગળ ધપાવીને ફાઇનલ સ્કોર એક વિકેટે ૧૮૧ રન પર પહોંચાડ્યો હતો.

૧૮૨ રનનો જંગી સ્કોર ચેઝ કરવા માટે મેદાનમાં ઊતરેલી પરજિયા સોનીએ શરૂઆત સારી કરી હતી, પરંતુ ચોથી ઓવરમાં ૬૫ રનના સ્કોર પર ઉપરાઉપરી બે મહત્વની વિકેટ પડતાં ટીમ જીતની દિશાથી ભટકી ગઈ હતી. એમ છતાં પ્રેમલ મહાજન (૩૪) અને દેવાંશ હીરાણી (૩૩)એ શાનદાર ઇનિંગ્સ રમીને ટીમને ૬ વિકેટે ૧૫૫ રનના સન્માનજનક ફાઇનલ સ્કોર પર પહોંચાડીને ભૂતપૂર્વ ચૅમ્પિયન ટીમ ચરોતર રૂખી માટે એક તબક્કે ટેન્શન ઊભું કરી દીધું હતું.

ટૂંકો સ્કોર : ચરોતર રૂખી : ૧૦ ઓવરમાં ૧૮૧/૧ (જિતેશ પુરબિયા ૩૨ બૉલમાં ૧૧ ફોર અને ૪ સિક્સર સાથે ૭૭ રન, યશરાજ વાઘેલા ૨-૦-૮-૨)

પરજિયા સોની : ૧૦ ઓવરમાં ૧૫૫/૬ (પ્રેમલ મહાજન ૧૩ બૉલમાં ૨ ફોર અને ૩ સિક્સર સાથે ૩૪ રન, દેવાંશ હીરાણી ૨-૦-૨૬-૧)

મૅન ઑફ ધ મૅચ : જિતેશ પુરબિયા

મૅચ ૨

ગઈ કાલના દિવસની ઓછા સ્કોરિંગની આ મૅચ રહી હોવા છતાં મૅચ ટાઈ થતાં તેમ જ સુપરઓવર દ્વારા નિર્ણય આવતાં ભારે રોમાંચ જોવા મળ્યો હતો. નવગામ વીસા નાગર વણિકે સૌપ્રથમ બૅટિંગમાં ઊતરીને ધીમી અને ખરાબ શરૂઆત કરી હતી જેમાં તેમની ૧૨ રનના નજીવા સ્કોરમાં જ પ્રથમ ૨ ઓવરની અંદર ત્રણ વિકેટ પડી ગઈ હતી. એમ છતાં કૃશાંત શાહ (૨૨) અને કરણ શાહે (૧૯) પોતાની રમત રમીને ટીમને લો સ્કોર પરંતુ સન્માનજનક સ્થિતિમાં મૂકી હતી. ટીમનો ફાઇનલ સ્કોર ૫ વિકેટે ૮૯ રન પર રહ્યો હતો.

૯૦ રનના સામાન્ય ટાર્ગેટને પહોંચી વળવા માટે કચ્છ-વાગડ લેઉવા પટેલ ટીમની ફર્સ્ટ વિકેટ ફર્સ્ટ ઓવરમાં જ પડી ગઈ હતી. જોકે સુખદેવ ગામીએ (૪૮) બાજી સંભાળીને ટીમને જિતાડવા માટે જાન લગાવી દીધી હતી, પરંતુ આખરે સ્કોર ૪ વિકેટે ૮૯ રન થતાં મૅચ ટાઈ થઈ હતી અને જીતના નિર્ણય માટે સુપરઓવર રમાડવાનું નક્કી થયું હતું. સુપરઓવરમાં ભારે રોમાંચની વચ્ચે નવગામ વીસા નાગર વણિકનો વિજય થયો હતો.

સુપરઓવર : કચ્છ-વાગડ લેઉવા પટેલ તરફથી બૅટિંગમાં સુખદેવ ગામી: પહેલા બૉલમાં ૦, બીજા બૉલમાં ૬, ત્રીજા બૉલમાં ૦, ચોથા બૉલમાં ૦, પાંચમા બૉલમાં ૪, છઠ્ઠા બૉલમાં ૨ = ૧૨

નવગામ વીસા તરફથી બૅટિંગમાં કરણ શાહ : પહેલા બૉલમાં ૪, બીજા બૉલમાં ૦, ત્રીજા બૉલમાં ૪, ચોથા બૉલમાં ૨, પાંચમા બૉલમાં ૪

ટૂંકો સ્કોર : નવગામ વીસા નાગર વણિક : ૧૦ ઓવરમાં ૮૯/૫ (કૃશાંત શાહ ૨૧ બૉલમાં ૨ ફોર અને ૧ સિક્સર સાથે ૨૨ રન, વિનય શાહ ૨-૦-૨૧-૨)

કચ્છ-વાગડ લેઉવા પટેલ : ૧૦ ઓવરમાં ૮૯/૪ (સુખદેવ ગામી ૩૪ બૉલમાં ૪ ફોર અને ૩ સિક્સર સાથે ૪૮ રન, ભાવેશ રાવરિયા ૨-૦-૧૮-૨)

મૅન ઑફ ધ મૅચ : સુખદેવ ગામી (કચ્છ-વાગડ લેઉવા પટેલ)

મૅચ ૩

પહેલાં બૅટિંગમાં ઊતરેલી વાગડ વીસા ઓસવાળ જૈન ટીમના ઓપનર અને કૅપ્ટન ચિરાગ નિસરે (૫૧) શાનદાર શરૂઆત કરીને પ્રથમ ૨ ઓવરમાં જ ટીમના સ્કોરને ૩૧ રન પર પહોંચાડી દીધો હતો, પરંતુ ત્યાર બાદ થોડા રનની અંદર જ બે વિકેટો જલદીથી પડી ગઈ હતી. ચોથા ક્રમે બૅટિંગમાં ઊતરેલા ધવલ ગડાએ (૨૪) ચિરાગ નિસરને સાથ આપ્યો હતો. છેલ્લી ઓવરમાં ૨૫ રન ફટકારતાં ટીમનો ફાઇનલ સ્કોર ૫ વિકેટે ૧૪૮ પર રહ્યો હતો.

જીત મેળવવાના પૂરા આત્મવિશ્વાસ સાથે ઊતરેલી સઈ સુતાર વાંઝા નાઘેર ટીમે ધીમી શરૂઆત કરી હતી, જે અંત સુધી ઝડપી બની નહોતી. વળી ટીમ પાંચમી પાવર ઓવરમાં માંડ ૩૦ રને પહોંચી હતી ત્યારે એક-બે વિકેટ ગુમાવતાં મિડ-ડે કપના રોમાંચક નિયમો હેઠળ માઇનસ ૨૦ રનની પછડાટ ખાવી પડી હતી. ઉપરાંત વાગડ વીસાના તેજસ ગડા (૩ વિકેટ)ના બોલિંગ-પ્રહાર સામે ફક્ત જયેશ ગોહિલ (૨૨) અને કરણ જેઠવા (૧૯) જ સારો કહી શકાય એવો સ્કોર નોંધાવી શક્યા હતા. સઈ સુતારનો ફાઇનલ સ્કોર ૫ વિકેટે ૭૮ રહ્યો હતો.

ટૂંકો સ્કોર : વાગડ વીસા ઓસવાળ જૈન: ૧૦ ઓવરમાં ૧૪૮/૫ (ચિરાગ નિસર ૨૬ બૉલમાં ૯ ફોર અને ૧ સિક્સર સાથે ૫૧ રન, તેજસ ગડા ૨-૦-૧૨-૩)

સઈ સુતાર વાંઝા નાઘેર : ૧૦ ઓવરમાં ૭૮/૫ (જયેશ ગોહિલ ૧૧ બૉલમાં ૪ ફોર સાથે ૨૨ રન, શૈલેશ જેઠવા ૨-૦-૧૪-૧)

મૅન ઑફ ધ મૅચ : ચિરાગ નિસર (વાગડ વીસા ઓસવાળ જૈન)

મૅચ ૪

ટૉસ જીતીને આહીર ટીમ બૅટિંગ કરવાનું નક્કી કરીને મેદાનમાં ઊતરી હતી, પરંતુ તેમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પ્રથમ ૩ ઓવરની અંદર જ ત્રણ બૅટ્સમેનો ઝડપથી આઉટ થઈ જતાં એક તબક્કે ટીમનો સ્કોર ઊંચકાય એમ જણાતું નહોતું. ઉપરાંત પાંચમી પાવર ઓવરમાં ૧ વિકેટ પડતાં ૧૦ રન ઓછા થતાં ટીમની પરિસ્થિતિ વધુ ખરાબ બની હતી, પરંતુ ઓપનર હસમુખ આહીર (૪૪) અને પ્રહ્લાદ આહીર (૨૧)ની શાનદાર ઇનિંગ્સની મદદથી ભારે આશ્ચર્યની વચ્ચે આહીર ટીમે મિડ-ડે કપમાં સૌપ્રથમ વખત ૧૦૦ રનનો આંકડો પાર કર્યો હતો.

હરીફ ટીમ ઘોઘારી વીસા શ્રીમાળી જૈને ૨૩ વાઇડ બૉલ નાખીને આહીર ટીમનો ફાઇનલ સ્કોર ૫ વિકેટે ૧૩૯ રન બનાવવામાં મદદ કરી હતી.

જવાબમાં ૧૪૦ રનના મજબૂત એવા સ્કોરનો પીછો કરતાં ઘોઘારી વીસા શ્રીમાળી જૈને જોરદાર શરૂઆત કરી હતી, પરંતુ સમય જતાં આ શરૂઆત ધીમી પડતાં અંકિત દોશી (૪૭) સિવાય અન્ય કોઈ પ્લેયર મેદાન પર વધુ ટાઇમ ટકી શક્યો નહોતો. છેલ્લી ૩ ઓવરમાં ભારે રસાકસી દરમ્યાન એક તબક્કે ૧૮ બૉલમાં ૪૪ રન જોઈતા હતા ત્યારે ૮મી ઓવરમાં અંકિત દોશીએ ઉપરાઉપરી ૩ ચોગ્ગા ફટાકારતાં મિડ-ડે કપના રોમાંચક નિયમો હેઠળ ૩ બૉલમાં ૧૮ રન મળ્યા હતા, જેને પગલે ટીમમાં જીતની આશા બંધાઈ હતી; પરંતુ અંકિત દોશી આઉટ થતાં ટીમ છેલ્લે ૫ વિકેટે ૧૩૩ રન જ કરી શકી હતી.

પરંતુ મૅચના અંતે અમ્પાયરે આહીર ટીમને નિયત સમયમાં ૧૦ ઓવર પૂરી ન કરવા બદલ ૧૦ રનની પેનલ્ટી ફટકારી હતી અને મૅચમાં ટર્નિંગ આવતાં ઘોઘારી વીસા શ્રીમાળી જૈનનો પાંચ વિકેટે વિજય થયો હતો.

ટૂંકો સ્કોર : આહીર : ૧૦ ઓવરમાં ૧૩૯/૫ (હસમુખ આહીર ૨૫ બૉલમાં ૭ ફોર અને ૧ સિક્સર સાથે ૪૪ રન, હિતેશ આહીર ૨-૦-૧૬-૨)

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન : ૧૦ ઓવરમાં ૧૩૩/૫ (અંકિત દોશી ૨૭ બૉલમાં ૬ ફોર અને ૨ સિક્સર સાથે ૪૭ રન, દર્શન વોરા ૨-૦-૧૬-૧)

મૅન ઑફ ધ મૅચ : હસમુખ આહીર (આહીર)

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK