મિડ ડે કપ : ત્રીજા દિવસે ચાર મૅચોમાંથી બેમાં અપસેટ ને બે મૅચ વન-સાઇડેડ

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી)એ મેઘવાળને આંચકો આપ્યો: મિડ-ડે કપમાં ફસ્ર્ટ ટાઇમ એન્ટ્રી કરનાર હાલાઈ ભાટિયાએ સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સામે મેળવી સરળ જીત : પ્રજાપતિ કુંભારનો ખંભાતી વીસા શ્રીમાળી જૈનને હરાવીને વધુ એક અપસેટ : કચ્છી કડવા પાટીદારે બ્રહ્મક્ષત્રિયને આપી જંગી હારમિડ-ડે કપની સાતમી સીઝનના ગઈ કાલના ત્રીજા દિવસે બે મૅચમાં અપસેટ સર્જા‍યા હતા, જેથી ટુર્નામેન્ટ વધુ રસપ્રદ બની છે. ઉપરાંત આજના દિવસમાં ચારેય મૅચના બોલરોએ મળીને વાઇડ બૉલના કુલ ૮૯ રન આપ્યા હતા. ટુર્નામેન્ટમાં અગાઉ જંગી રનથી જીત મેળવનાર ટીમ મેઘવાળને આજે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. હાલાઈ ભાટિયાના બોલરોના આક્રમણ સામે સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનની ટીમે ઘૂંટણિયાં ટેકવી દીધાં હતાં. દિવસની ત્રીજી મૅચમાં જીતવા માટે ફેવરિટ ગણાતી ખંભાતી વીસા શ્રીમાળી જૈનને ગેમ ટર્નિંગ થતાં પ્રજાપતિ કુંભારના બૅટ્સમેનો દ્વારા હાર મળી હતી. અંતિમ અને ચોથી મૅચ કચ્છી કડવા પાટીદારની ટીમે બ્રહ્મક્ષત્રિય સામે જંગી સ્કોર ખડકી દેતાં પહેલેથી જ પોતાની જીત નક્કી કરી લીધી હતી.

મૅચ-૧

ટૉસ જીતી મક્કમ મનોબળથી મેદાનમાં ઊતરેલા ત્રિવેદી મેવાડા બ્રાહ્મણના બૅટ્સમેનોએ શાનદાર શરૂઆત કરી હતી. ઓપનિંગમાં આવેલા વિશાલ ત્રિવેદી (૬૨)એ ઝંઝાવાતી બૅટિંગ દ્વારા શરૂઆતથી અંત સુધી પિચ પર ટકીને ટીમના ફાઇનલ સ્કોરને બે વિકેટે ૧૧૫ રન સુધી પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

જવાબમાં અગાઉની મૅચમાં જંગી રનથી જીત મેળવનારી મેઘવાળ ટીમ આ વખતે પણ આત્મવિશ્વાસ સાથે બૅટિંગમાં ઊતરી હતી. ૧૧૬ રનના જીતના લક્ષ્યાંકનો પીછો કરવા માટે ધીમી પરંતુ મક્કમ શરૂઆત સાથે મેઘવાળ ૪ ઓવરના અંતે એક વિકેટે ૨૯ રન બનાવી ચૂકી હતી, પરંતુ પાંચમી અને મહત્વની પાવર-ઓવરમાં જ યાજ્ઞિક પંડ્યાએ મેઘવાળની ત્રણ મહત્વની વિકેટો ખેરવીને તરખાટ મચાવી દેતાં સ્કોર ૩૦ રન માઇનસ થઈને ઓવરના અંતે ૭ રન થઈ ગયો હતો. જોકે એમ છતાં મેઘવાળના પાછળના પ્લેયરોએ પરિસ્થિતિને સંભાળીને ૬ વિકેટે ૧૦૧ રનના સન્માનજનક સ્કોર પર પહોંચાડ્યો હતો. પાંચમી ઓવર ટર્નિંગ-પૉઇન્ટ સાબિત થતાં ત્રિવેદી મેવાડા બ્રાહ્મણે મેઘવાળને ૧૪ રનથી પરાજય આપીને અપસેટ સરજ્યો હતો.

ટૂંકો સ્કોર : ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ: ૧૦ ઓવરમાં ૧૧૫/૨ (વિશાલ ત્રિવેદી ૩૩ બૉલમાં ૯ ફોર અને ૨ સિક્સર સાથે ૬૨ રન, યાજ્ઞિક પંડ્યા ૨-૦-૨૬-૩)

મેઘવાળ : ૧૦ ઓવરમાં ૧૦૧/૬ (અંકિત મારુ ૧૭ બૉલમાં ૨ ફોર અને ૪ સિક્સર સાથે ૩૭ રન, યોગેશ પડાયા ૨-૦-૨૭-૧)

મૅન ઑફ ધ મૅચ : યાજ્ઞિક પંડ્યા (ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ)

મૅચ-૨

સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન ટીમ ટૉસ જીતીને બૅટિંગ કરવા મેદાનમાં ઊતરી હતી, પરંતુ કોઈ પણ પ્લેયર પિચ પર વધુ સમય ટકી નહોતો શક્યો. ટીમના હર્ષ શાહ (૨૮) સિવાય અન્ય કોઈ બૅટ્સેમૅન પોતાનો સ્કોર બે આંકડામાં નહોતો કરી શક્યો. પહેલી ઓવરથી જ વિકેટનો પ્રારંભ થતાં હાલાઈ ભાટિયાના કુણાલ શ્રોફ (૩ વિકેટ) અને અન્ય બોલરો સામે સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનની બધી વિકેટો પત્તાંના મહેલની જેમ એક-એક કરીને ખરી પડી હતી. ૮.૫ ઓવરમાં જ બૅટિંગ કરીને ૬૭ રન બનાવી આખી ટીમ પૅવિલિયનભેગી થઈ ગઈ હતી.

મિડ-ડે કપમાં સૌપ્રથમ વખત એન્ટ્રી મારનાર અને ૬૮ રનના લક્ષ્યાંકને સર કરવા બૅટિંગમાં ઊતરેલી હાલાઈ ભાટિયાએ બોલિંગમાં કમાલ દેખાડ્યા બાદ બૅટિંગમાં પણ સારી શરૂઆત કરી હતી. જોકે તેમની પણ ૬ ઓવર સુધીમાં ત્રણ વિકેટો પડી ચૂકી હતી અને છેલ્લે દરેક બૉલદીઠ રનની જરૂર જેવી પરિસ્થિતિ આવી પડી હતી, પરંતુ કુણાલ શ્રોફે (૧૯) બૅટિંગમાં આવીને પોતાનો ઑલરાઉન્ડર પર્ફોર્મન્સ બતાવી ટીમને ૭.૩ ઓવરમાં ૭૩ રનની જીત સુધી પહોંચાડી દીધી હતી.

ટૂંકો સ્કોર : સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન : ૮.૫ ઓવરમાં ૬૭ રનમાં ઑલઆઉટ (હર્ષ શાહ ૧૫ બૉલમાં ૨ ફોર અને ૨ સિક્સર સાથે ૨૮ રન, પારસ રોળિયા ૨-૦-૧૧-૧)

હાલાઈ ભાટિયા : ૭.૩ ઓવરમાં ૭૩/૩ (કુણાલ શ્રોફ ૧૦ બૉલમાં ૨ ફોર અને ૧ સિક્સર સાથે ૧૯ રન, કુણાલ શ્રોફ ૨-૦-૧૩-૩)

મૅન ઑફ ધ મૅચ : કુણાલ શ્રોફ (હાલાઈ ભાટિયા)

મૅચ-૩

ટૉસ જીતીને બૅટિંગમાં આવેલી ખંભાતી વીસા શ્રીમાળી જૈન ટીમની પ્રથમ ઓવરમાં જ એક વિકેટ પડી ગઈ હતી, પરંતુ બોલિંગ-ટીમ તરફથી બીજી અને ચોથી ઓવર લઈને આવેલા ભરત ચિત્રોડાની વાઇડ બૉલની ભરમાર સહિત ખરાબ બોલિંગનો સાજિલ શાહ અને ધર્મેશ ચોક્સીએ ભરપૂર લાભ લઈને બીજી વિકેટ માટે ૩૩ રનની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ આગળ જતાં ચુસ્ત બોલિંગને

પરિણામે ઝડપથી વધતો સ્કોર અટકીને અંતે ૧૦ ઓવરમાં ૪ વિકેટે ૭૪ રનનો રહ્યો હતો.

૭૫ રન જેટલા સામાન્ય લક્ષ્યાંકને પાર કરવા ફક્ત પિતરાઈભાઈઓથી બનેલી પ્રજાપતિ કુંભારની ટીમના ઋષભ દંતારાએ પહેલી ઓવરમાં જ ક્લીન બોલ્ડ કરીને બે વિકેટો ખેરવી દેતાં બૅટિંગ-ટીમ ટેન્શનમાં આવી ગઈ હતી, પરંતુ ત્યાર બાદ બૅટિંગમાં ઊતરેલા દીપક સંગાડિયા (૨૯) અને પ્રફુલ વાઢેલ (૧૭)ની સૂઝબૂઝભરી શાનદાર ૬૧ રનની પાર્ટનરશિપ અને ખંભાતી વીસા શ્રીમાળી જૈનની છઠ્ઠી (૧૫) અને સાતમી (૧૬) ઓવર ગેમ-ચેન્જર બની હતી. પ્રજાપતિ કુંભાર ટીમે ફક્ત ૭.૩ ઓવરમાં ૩ વિકેટે ૭૮ રન બનાવીને વિજય હાંસલ કરી દિવસનો વધુ એક અપસેટ સરજ્યો હતો.

ટૂંકો સ્કોર : ખંભાતી વીસા શ્રીમાળી જૈન : ૧૦ ઓવરમાં ૭૪/૩ (સાજિલ શાહ ૨૨ બૉલમાં ૨ ફોર સાથે ૧૯ રન, ઋષભ દંતારા ૧-૦-૧૩-૨)

પ્રજાપતિ કુંભાર : ૧૦ ઓવરમાં ૭૮/૩ (દીપક સંગાડિયા ૨૨ બૉલમાં ૨ ફોર અને ૨ સિક્સર સાથે ૨૯ રન, ભરત સંગાડિયા ૧-૦-૧-૧)

મૅન ઑફ ધ મૅચ : દીપક સંગાડિયા (પ્રજાપતિ કુંભાર)

મૅચ-૪

ગયા વર્ષે સેમી ફાઇનલમાં પહોંચેલી કચ્છી કડવા પાટીદારની ટીમે આજે પહેલાં બૅટિંગમાં ઊતરીને ચૅમ્પિયનને છાજે એવી શરૂઆત કરી હતી. બોલરો માટે ડેન્જર મૅન ગણાતા ભાવિક ભગતે(૮૨) પહેલી ઓવરમાં જ દરેક બૉલને બાઉન્ડરીની બહાર મોકલીને કુલ ૩૩ રન ફટકાર્યા હતા અને જોતજોતાંમાં ચોથી ઓવરમાં જ પોતાની હાફ-સેન્ચરી પૂરી કરીને ટીમના સ્કોરને એક વિકેટે ૬૩ રન પર પહોંચાડી દીધો હતો. ત્યાર બાદ ત્રીજા ક્રમે આવેલા પરેશ ધોલુએ પણ શાનદાર બૅટિંગનો પરચો બતાવતાં બોલર ધવલ મેરની પાંચમી પાવર-ઓવરમાં મિડ-ડેના નિયમો અંતર્ગત બૅટિંગ-ટીમને કુલ ૪૧ રનનું બોનસ મળ્યું હતું. આ ઓવર ચાલુ વર્ષના મિડ-ડે કપમાં અત્યાર સુધીની સૌથી મોંઘી ઓવર સાબિત થઈ હતી. કચ્છી કડવા પાટીદારની ટીમનો ફાઇનલ સ્કોર ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૪ રહ્યો હતો.

૧૮૫ રનના જંગી ટાર્ગેટને પહોંચી વળવા મેદાનમાં ઊતરેલી બ્રહ્મક્ષત્રિયની ટીમ અગાઉથી જ હાર માની ચૂકી હોય એવા પર્ફોર્મન્સ સાથે દેખાઈ હતી. ધીમી શરૂઆત અને જલદીથી વિકેટો પડી જતાં ચોથી ઓવર સુધીમાં ટીમનો સ્કોર માંડ ૩૧ થયો હતો ત્યાં જ પાંચમી ઓવરમાં સેતુ દીવાણીએ એક વિકેટ લેતાં સ્કોર માઇનસ થઈને ૨૧ રન થયો હતો. કચ્છી કડવા પાટીદારના અનુભવી બોલરો સામે બ્રહ્મક્ષત્રિય ૧૦મી ઓવરના અંતે ૬ વિકેટે ફક્ત ૬૩ રન જ નોંધાવી શકી હતી.

ટૂંકો સ્કોર : કચ્છી કડવા પાટીદાર: ૧૦ ઓવરમાં ૧૮૪/૫ (ભાવિક ભગત ૨૭ બૉલમાં ૧૪ ફોર અને ૪ સિક્સર સાથે ૮૨ રન, જિજ્ઞેશ નાકરાણી ૨-૦-૧૦-૨)

બ્રહ્મક્ષત્રિયય : ૧૦ ઓવરમાં ૬૩/૩ (ચિરાગ પડિયા ૨ ફોર અને ૧ સિક્સર સાથે ૧૭ રન, ધવલ મેર ૨-૦-૨૭-૩)

મૅન ઑફ ધ મૅચ : ભાવિક ભગત (કચ્છી કડવા પાટીદાર)


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK