છેલ્લા બે બૉલમાં ૧૫ રન જોઈતા હતા ત્યારે લાગી ઉપરાઉપરી બે સિક્સ

અને મિડ-ડે કપના હટકે રૂલ્સને લીધે મળી ગયા ૨૧ રન : કચ્છી વીસા ઓસવાળ જૈનનો નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ સામે દિલધડક વિજય : ખડાયતાના બોલરો સામે ગોસ્વામીનો લો-સ્કોરને લીધે કારમો પરાજય : સૌરાષ્ટ્ર લેઉવા પટેલની ટીમે ઇસ્માઈલી ખોજાને આપી આસાનીથી હાર : લુહાર સુતારની સામે વૈંશ સુતારે છેલ્લી ઓવરોમાં ભારે રસાકસી બાદ જીત મેળવી


મિડ-ડે કપની સાતમી સીઝનના ગઈ કાલના ચોથા દિવસે પ્રથમ અને છેલ્લી મેચમાં દિલધડક રોમાંચ જોવા મળ્યો હતો. આજના દિવસમાં દરેક મૅચમાં બૅટ્સમેનોની પાર્ટનરશિપ પોતાની ટીમને જિતાડવા માટે નિર્ણાયક રહી હતી ત્યારે ચારમાંથી ત્રણ મૅચમાં રન ચેઝ કરનારી ટીમોએ શાનદાર વિજય મેળવ્યા હતા. નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ સામે કચ્છી વીસા ઓસવાળ જૈનની ટીમે છેલ્લા બે બૉલમાં બે સિક્સર ફટકારીને અવિશ્વસનીય જીત મેળવી હતી, જ્યારે ખડાયતાના બોલરો સામે ગોસ્વામીના બૅટ્સમેનો પાંગળા જણાતાં તેમણે હારનો અનુભવ કરવો પડ્યો હતો. ઇસ્માઇલી ખોજાએ આપેલા જીત માટેના લક્ષ્યાંકને સૌરાષ્ટ્ર લેઉવા પટેલે વિકેટ ગુમાવ્યા વિના આસાનીથી પાર કરીને જીત મેળવી હતી. જ્યારે વૈંશ સુતારે જબરદસ્ત બોલિંગ અને ફીલ્ડિંગના આધારે હારેલી મૅચને જીતમાં પલટી દીધી હતી.

મૅચ-૧

હરીફ ટીમની સામે ટૉસ હાર્યા બાદ પહેલાં બૅટિંગમાં ઊતરેલી નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણની ટીમે જાણે જીત પોતાની નક્કી કરી હોય એમ બૅટિંગની શરૂઆત કરી હતી. ટીમના કૅપ્ટન અને ઓપનિંગ બૅટ્સમૅન હેમલ ઓઝા (૮૬)એ સાથીપ્લેયર ઉર્વેશ ઓઝા (૨૯) સાથે પ્રથમ વિકેટ માટે ૧૧૧ રનની પાર્ટનરશિપ દ્વારા ધુઆંધાર બૅટિંગનો પરચો આપ્યો હતો. ઓપનિંગ બૅટ્સમનોએ જ ટીમના મોટા ભાગના રન બનાવીને ૧૦ ઓવરને અંતે બે વિકેટે હરીફ ટીમ સામે ૧૫૨ રનનો અઘરો એવો ટાર્ગેટ સેટ કર્યો હતો.

ટફ ટાર્ગેટને પાર કરવા માટે મજબૂત મનોબળ સાથે બૅટિંગમાં ઊતરેલી કચ્છી વીસા ઓસવાળ જૈનની ટીમે શરૂઆત તો સારી કરી હતી, પરંતુ બીજી ઓવરમાં જ વિકેટ ગુમાવતાં ટીમમાં ટેન્શન ઊભું થયું હતું. જોકે ત્રીજા ક્રમે બૅટિંગમાં ઊતરેલા કૅપ્ટન નીરવ ભેદાએ (૪૫) પોતાની ઇનિંગ્સ દરમ્યાન પાંચ સિક્સરો મારીને સ્કોરને જીતની વધુ નજીક કરી દીધો હતો, પરંતુ છેલ્લી બે ઓવરમાં ટીમના ૧૩૩ રનના સ્કોર પર નીરવ ભેદા સહિત ત્રણ વિકેટો પડી જતાં કચ્છી વીસા ઓસવાળ જૈનની ટીમ માટે જીત મેળવવી મુશ્કેલ બની ગઈ હતી. દિલની ધડકન અટકાવી દે એવી રસાકસી દરમ્યાન જ્યારે છેલ્લા બે બૉલમાં ૧૫ રનની જરૂર હતી ત્યારે સંકેત શાહે અક્ષય વોરાની ઓવરમાં બે સિક્સરો ફટકારીને ‘મિડ-ડે’ના રોમાંચક નિયમો અંતર્ગત ૨૧ રન મેળવીને લગભગ જીતવી અશક્ય લાગતી મૅચને હારમાંથી જીતમાં પલટી દીધી હતી.

ટૂંકો સ્કોર : નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ: ૧૦ ઓવરમાં ૧૫૧/૨ (હેમલ ઓઝા ૩૯ બૉલમાં ૧૨ ફોર અને ૪ સિક્સર સાથે ૮૬ રન, વિરલ ગંગર ૨-૦-૨૭-૧)

કચ્છી વીસા ઓસવાળ જૈન : ૧૦ ઓવરમાં ૧૫૮/૬ (નીરવ ભેદા ૨૫ બૉલમાં ૧ ફોર અને પાંચ સિક્સર સાથે ૪૫ રન, હિરેન ઓઝા ૨-૦-૧૮-૨)

મૅન ઑફ ધ મૅચ : નીરવ ભેદા (કચ્છી વીસા ઓસવાળ જૈન)

મૅચ-૨

પોતાની પ્રથમ લીગ મૅચમાં કપોળ સામે ખરાબ પર્ફોમન્સ કરનારી ગોસ્વામી ટીમ આ વખતે ટૉસ જીતીને સારા પર્ફોમન્સ માટે બૅટિંગ કરવા ઊતરી હતી, પરંતુ કોઈ સુધારો જણાયો નહોતો. પ્રથમ ઓવરમાં જ વિકેટ ગુમાવનારી ગોસ્વામી ટીમના અન્ય પ્લેયર્સ પણ ખડાયતાની ચુસ્ત બોલિંગ સામે વધારે રન કરી શક્યા નહોતા. બીજી વિકેટ માટેની કમલેશ ગોસ્વામી (૨૭) અને સમીર ગોસ્વામી (૧૪)ની ૩૮ રનની પાર્ટનરશિપે ટીમની લાજ બચાવીને ૧૦ ઓવરના અંતે ત્રણ વિકેટે ૭૦ રનનો સ્કોર કર્યો હતો.

૭૧ રનના આસાન લક્ષ્યાંકને સર કરીને જીત મેળવવા બૅટિંગમાં આવેલી ખડાયતાની ટીમની શરૂઆતની બે ઓવરોમાં જ મહત્વની બે વિકેટો પડી જતાં રન બનાવવા મુશ્કેલ લાગતા હતા, પરંતુ ત્રીજા ક્રમે બૅટિંગમાં આવેલા નિશાદ ગાભાવાલાએ ૧૪ બૉલમાં ૭ ચોક્કાની મદદથી ૩૩ રનની ઝંઝાવાતી બૅટિંગ કરીને ટીમને જીત માટે જોઈતા ૭૧ રનને બે વિકેટે ૫.૩ ઓવરમાં જ પૂરા કરી દીધા હતા. ખડાયતાનો ૮ વિકેટે સરળ અને ભવ્ય વિજય થયો હતો.

ટૂંકો સ્કોર : ગોસ્વામી : ૧૦ ઓવરમાં ૭૦/૩ (કમલેશ ગોસ્વામી ૪૦ બૉલમાં ૪ ફોર સાથે ૨૭ રન, મોહિત શાહ ૨-૦-૬-૧)

ખડાયતા : ૫.૩ ઓવરમાં ૭૩/૨ (નિશાદ ગાભાવાલા ૧૪ બૉલમાં ૭ ફોર સાથે ૩૩ રન, સમીર ગોસ્વામી ૨-૦-૧૭-૧)

મૅન ઑફ ધ મૅચ : નિશાદ ગાભાવાલા (ખડાયતા)

મૅચ-૩

મિડ-ડે કપમાં પ્રથમ વાર રમી રહેલી ઇસ્માઈલી ખોજાએ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સામે ટૉસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે તેમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી જે અંત સુધી સુધરી નહોતી. સૌરાષ્ટ્ર લેઉવા પટેલના અનુભવી બોલરો સામે ઇસ્માઈલી ખોજાના બૅટ્સમેનોની પરિસ્થિતિ તૂ જા મેં આતા હૂં જેવી થઈ હતી. ટીમના ફક્ત બે બૅટ્સમેનો જ બે આંકડામાં સ્કોર કરી શક્યા હતા ત્યારે ૧૦ ઓવરને અંતે ફાઇનલ સ્કોર ૮ વિકેટે ૭૨ રહ્યો હતો.

સૌરાષ્ટ્ર લેઉવા પટેલની ટીમે આસાન એવા ૭૩ રનના ટાર્ગેટ માટે ઓપનિંગ બૅટ્સમેનો જનક સુતરિયા (૩૩) અને હિતેશ ભાયાણી (૨૩)એ વિસ્ફોટક બૅટિંગ કરીને ઇસ્માઈલી ખોજાના બોલરોની ધૂળ કાઢી નાખી હતી. સૌરાષ્ટ્ર લેઉવા પટેલની ટીમે ચોક્કા અને છગ્ગાની રમઝટ વચ્ચે વિના વિકેટે ફક્ત ૪.૫ ઓવરમાં જ ૮૪ રન બનાવીને ૧૦ વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો.

ટૂંકો સ્કોર : ઇસ્માઈલી ખોજા : ૧૦ ઓવરમાં ૭૨/૮ (નૈફીશ મકનોજિયા ૧૭ બૉલમાં ૩ ફોર સાથે ૨૧ રન, અનિલ કાત્રોડિયા ૨-૦-૧૦-૨)

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ : ૪.૫ ઓવરમાં ૮૪/૦ (જનક સુતરિયા ૧૯ બૉલમાં ૩ ફોર અને ૩ સિક્સર સાથે ૩૩ રન, અમીત નૂરાની ૧.૫-૦-૧૮-૦)

મૅન ઑફ ધ મૅચ : હિતેશ ભાયાણી (સૌરાષ્ટ્ર લેઉવા પટેલ)

મૅચ-૪

ટૉસ જીતીને વૈંશ સુતારની ટીમે બૅટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. મિડ-ડે કપમાં અત્યાર સુધીમાં એકમાત્ર સદી ફટકારનાર દિવ્યેશ કાટલિયાએ ઓપનિંગમાં આવીને પહેલા જ બૉલે સિક્સર ફટકારીને ફરી એક વાર હરીફ ટીમને ચીમકી આપી હતી, પરંતુ લુહાર સુતારના ચેતન ગોહિલે શાનદાર બોલિંગનું પ્રદર્શન કરીને બીજી જ ઓવરમાં દિવ્યેશ કાટલિયાને એલબીડબ્લ્યુ દ્વારા પૅવિલિયનભેગો કરતાં ટીમનો સ્કોર ધીમો પડ્યો હતો જે છેક સુધી ઝડપી બન્યો નહોતો, પરંતુ ૧૦મી ઓવરમાં કેપ્ટન કૃણાલ ગોઢાણિયાએ (૨૧) ફટકાબાજી કરીને ઓવરને અંતે સ્કોર ૪ વિકેટે ૮૮ રન પર પહોંચાડ્યો હતો.

૮૯ રનના ઍવરેજ ટાર્ગેટને પહોંચી વળવા લુહાર સુતારે તેમના બે અનુભવી બૅટ્સમેનોને ઓપનિંગમાં ઉતાર્યા હતા અને પહેલી વિકેટ માટે પહેલી ત્રણ ઓવરમાં ૩૫ રનની ભાગીદારી નોંધાવીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી. ત્યાર બાદ બીજી વિકેટ માટે પણ શાનદાર ૨૮ રનની ભાગીદારી જોતાં લુહાર સુતારની ટીમ માટે જીત વધુ નિશ્ચિત લાગતી હતી, પરંતુ વૈંશ સુતારના રવિ ગોઢાણિયાએ કર્ણ કારેલિયા (૨૩) અને રૂપેશ પીઠવા (૧૧)ની બે મહત્વની વિકેટો સાથે કુલ ૩ વિકેટો ખેરવીને ગેમ ચેન્જ કરી નાખી હતી. એક તબક્કે લુહાર સુતારનો સ્કોર ૬.૩ ઓવરમાં ૩ વિકેટે ૬૪ રન હતો ત્યારે ૧૦ ઓવરને અંતે ફક્ત ૨૧ રનમાં જ પાંચ વિકેટો એક પછી એક પડી જતાં ૮૫ રન થતાં રોમાંચક મૅચમાં વૈંશ સુતારનો માત્ર ત્રણ રને વિજય થયો હતો.

ટૂંકો સ્કોર : વૈંશ સુતાર : ૧૦ ઓવરમાં ૮૮/૪ (કૃણાલ ગોઢાણિયા ૭ બૉલમાં ૧ ફોર અને બે સિક્સર સાથે ૨૧ રન, ચેતન ગોહિલ ૨-૦-૯-૨)

લુહાર સુતાર : ૧૦ ઓવરમાં ૮૫/૮ (કર્ણ કારેલિયા ૧૮ બૉલમાં ૪ ફોર અને ૧ સિક્સર સાથે ૨૩ રન, રવિ ગોઢાણિયા ૨-૦-૧૪-૩)

મૅન ઑફ ધ મૅચ : રવિ ગોઢાણિયા (વૈંશ સુતાર)

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK