મિડ ડે કપનો 7મો દિવસ : ચારેય મૅચો વન-સાઇડેડ

સતત ત્રણ વર્ષથી ચૅમ્પિયન રહેલી ચરોતર રૂખીએ નવગામ વીસા નાગર વણિક સામે જીત મેળવીને વિજયકૂચ જારી રાખી : પરજિયા સોની સામે પછડાટ ખાતાં કચ્છ વાગડ લેઉવા પટેલની સતત બીજી હાર: વન-સાઇડેડ બનેલી મૅચમાં વાગડ વીસા ઓસવાળ જૈનનો આહીર સામે શાનદાર વિજય : લીગ મૅચના પ્રથમ રાઉન્ડમાં હારેલી બ્રહ્મક્ષત્રિયની ટીમે પ્રજાપતિ કુંભારની વિજયકૂચ અટકાવીને કર્યું કમબૅકમિડ-ડે કપની સાતમી સીઝનના બીજા લીગ રાઉન્ડની શરૂઆતમાં તેમ જ ગઈ કાલના સાતમા દિવસે ચૅમ્પિયન અને મજબૂત ટીમોએ પોતાનું ફૉર્મ જાળવી રાખતાં અપેક્ષા પ્રમાણે જ હાર-જીત જોવા મળી હતી. ગઈ કાલના દિવસે કુલ ૯ બૅટ્સમેનો ખાતું ખોલાવ્યા વિના આઉટ થતાં તેઓ પોતાની ટીમ માટે ભારરૂપ બૅટ્સમૅન સાબિત થયા હતા. જંગી સ્કોર ખડકીને અગાઉથી જ જીત નક્કી કરવામાં માહેર ચૅમ્પિયન ચરોતર રૂખીએ રાબેતા મુજબ પ્રદર્શન કરીને લીગ મૅચના પ્રથમ રાઉન્ડમાં સુપરઓવરથી વિજય મેળવનારી નવગામ વીસા નાગરિકને હાર આપી હતી. કચ્છ-વાગડ લેઉવા પટેલે છેલ્લી હારમાંથી શીખ લઈને પ્રદર્શનમાં કોઈ સુધારો ન કરતાં પરજિયા સોની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આહીરે ચાલુ વર્ષના મિડ-ડે કપનો સૌથી લોએસ્ટ સ્કોર નોંધાવીને ચૅમ્પિયન વાગડ વીસા ઓસવાળ જૈન સામે નામોશીભરી હાર જોવી પડી હતી. બ્રહ્મક્ષત્રિયની ટીમે આ વખતે પોતાના પર્ફોર્મન્સને પાવરફુલ બનાવીને પ્રજાપતિ કુંભાર સામે શાનદાર વિજય મેળવ્યો હતો.

મૅચ-૧

છેલ્લાં ત્રણ વર્ષથી ચૅમ્પિયન રહેલી અને જંગી સ્કોર કરવા તત્પર ચરોતર રૂખીએ ટૉસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. નવી ઓપનિંગ જોડી ચેતન સોલંકી (૭૭) અને મનોજ રાઠોડે (૨૩) હરીફ ટીમના બોલરોનો રકાસ કરવામાં જરાય કચાસ નહોતી રાખી. જોકે સાતમી ઓવર સુધીમાં ચરોતર રૂખીની ૮૧ રને ચોથી વિકેટ પડી જતાં એક સમયે ચૅમ્પિયન ટીમ પાસેથી જંગી સ્કોરની આશા છૂટી ગઈ હતી, પરંતુ ઓપનિંગમાં આવેલો ચેતન સોલંકી પિચ પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી રહ્યો હતો ત્યારે તેને ફક્ત જરૂર હતી સામે છેડે સાથ આપનાર બૅટ્સમૅનની. છઠ્ઠા અને સાતમા ક્રમના બૅટ્સમેનોએ સાથ આપવાનું કામ કર્યું અને ત્યાર બાદ છેલ્લી ત્રણ ઓવરમાં કુલ ૬૬ રન ફટકારીને વન-મૅન આર્મી બનીને ચેતન સોલંકીએ ૧૦ ઓવરના અંતે પાંચ વિકેટે ૧૫૦ રનનો જંગી જુમલો ખડકી દીધો હતો.

૧૫૧ રનના અઘરા ટાર્ગેટને સર કરવા બૅટિંગમાં ઊતરેલી નવગામ વીસા નાગર વણિક શરૂઆતથી જ લડખડાવા માંડી હતી. એવામાં ૬ઠ્ઠી ઓવર સુધીમાં જ ૪૩ રનના સ્કોરે પાંચ વિકેટ પાડીને ચરોતર રૂખીના બોલરોએ બૅટિંગ-ટીમને સાક્ષાત્ હાર સામે ઊભી હોય એવી પરિસ્થિતિનાં દર્શન કરાવ્યાં હતાં, પરંતુ નવગામ વીસા નાગર વણિકના ત્રીજા ક્રમે અને સાતમા ક્રમે આવેલા અનુક્રમે કરણ શાહ (૩૭) અને હાર્દિક શાહે (૧૮) પિચ પર ટકીને ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૯૭ રનના સન્માનજનક સ્કોરે પહોંચાડીને ટીમને શરમજનક હારથી બચાવી હતી. આ મૅચમાં ચરોતર રૂખીનો ૫૩ રને વિજય થયો હતો.

ટૂંકો સ્કોર : ચરોતર રૂખી : ૧૦ ઓવરમાં ૧૫૦/૫ (ચેતન સોલંકી ૩૧ બૉલમાં ૧૦ ફોર અને ૫ સિક્સર સાથે ૭૭ રન, પ્રણવ શાહ ૨-૦-૨૬-૨)

નવગામ વીસા નાગર વણિક : ૧૦ ઓવરમાં ૯૭/૫ (કરણ શાહ ૧૯ બૉલમાં ૪ ફોર અને ૨ સિક્સર સાથે ૩૭ રન, રાજેશ વાઘેલા ૨-૦-૨૦-૨)

મૅન ઑફ ધ મૅચ : ચેતન સોલંકી (ચરોતર રૂખી)

મૅચ-૨

ટૉસ હાર્યા બાદ મળેલી પ્રથમ બૅટિંગમાં કચ્છ વાગડ લેઉવા પટેલની ટીમે મક્કમ અને મજબૂત શરૂઆત કરી હતી. ઓપનિંગમાં આવેલા ટીમના કૅપ્ટન વિનોદ ચૌધરી (૨૦) અને ત્રીજા ક્રમે આવેલા વિજય ફાટક (૪૦) વચ્ચે થયેલી ૬૯ રનની પાર્ટનરશિપની મદદથી ટીમનો સ્કોર ઓછા નુકસાને સારો બન્યો હતો, પરંતુ પરજિયા સોનીની ઓછી ખર્ચાળ બોલિંગ સામે બૅટિંગ-ટીમ ૧૦ ઓવરના અંતે બે વિકેટ પડી હોવા છતાં ૯૮ રનનો ચેઝ કરી શકાય એટલો જ સ્કોર નોંધાવી

શકી હતી.

જવાબમાં બૅટિંગમાં ઊતરેલી પરજિયા સોનીએ જીત માટેનો ૯૯નો આંકડો મેળવવા ધીમી અને મક્કમ શરૂઆત કરી હતી. બીજા અને ત્રીજા ક્રમે બૅટિંગમાં આવેલા અનુક્રમે પ્રેમલ મહાજન (૩૮) અને રાહુલ સોની (૩૪)ની મજબૂત ઇનિંગ્સ વડે ટીમ જીતના સ્કોર સુધી પહોંચી ગઈ હતી. ૬.૩ ઓવરમાં ૫૫ રને બીજી વિકેટમાં પ્રેમલ મહાજન આઉટ થતાં ટીમને જીત માટે ૨૧ બૉલમાં ૪૪ રન જોઈતા હતા ત્યારે ટેન્શનનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ પિચ પર હાજર રાહુલ સોનીએ એક છેડે ધુઆંધાર બૅટિંગ કરીને ૯મી ઓવરની શરૂઆતમાં જ્યારે સ્કોર ૬૬ હતો ત્યારે એ જ ઓવરમાં ઉપરાઉપરી ૩ સિક્સર વડે મિડ-ડેના હટકે રૂલ્સનો લાભ લઈને પાંચ બૉલમાં ૩૧ રન ફટકારીને ૮.૫ ઓવરમાં બે વિકેટે ૯૯ રન બનાવી લઈ શાનદાર વિજય મેળવ્યો હતો.

ટૂંકો સ્કોર : કચ્છ વાગડ લેઉવા પટેલ : ૧૦ ઓવરમાં ૯૮/૨ (વિજય ફાટક ૨૮ બૉલમાં ૪ ફોર સાથે ૪૦ રન, જિગર સોની ૨-૦-૧૨-૧)

પરજિયા સોની : ૮.૫ ઓવરમાં ૯૯/૨ (પ્રેમલ મહાજન ૧૯ બૉલમાં ૪ ફોર અને ૩ સિક્સર સાથે ૩૮ રન, કલ્પેશ નોર ૨-૧-૬-૧)

મૅન ઑફ ધ મૅચ : રાહુલ સોની (પરજિયા સોની)

મૅચ-૩

મિડ-ડે કપ ૨૦૦૮ અને ૨૦૦૯ની ચૅમ્પિયન ટીમ વાગડ વીસા ઓસવાળ જૈનની ટીમે ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી. ઓપનિંગમાં આવેલા ધર્મેશ છેડા (૯૯)એ હરીફ ટીમની દિશાહીન બોલિંગનો સંપૂર્ણ લાભ ઉઠાવ્યો હતો. શરૂઆતથી એક છેડો પકડીને એકલાહાથે બૅટિંગ કરીને ધર્મેશ છેડાએ અંત સુધી પિચ પર રહીને ટીમનો સ્કોર આગળ ધપાવ્યો હતો. છેલ્લી ઓવરમાં ૯૬ રન બનાવીને ધર્મેશ છેડા રમી રહ્યો હતો ત્યારે સદી પૂરી કરવા માટેના ૪ રન ન બનાવી શકતાં ૯૯ રન બનાવીને નૉટ-આઉટ રહ્યો હતો અને મિડ-ડે કપમાં ત્રીજા સદીવીર બનવાથી ચૂકી ગયો હતો. વાગડ વીસા ઓસવાળ જૈનનો સ્કોર ૧૦ ઓવરના અંતે બે વિકેટે ૧૨૭ રહ્યો હતો.

બૅટિંગમાં આવેલી આહીર ટીમ માટે જીતનો ૧૨૮ રનનો આંકડો મેળવવો મુશ્કેલ હતો ત્યારે પહેલી ઓવરમાં એક રને જ વિકેટ પડતાં બળતામાં ઘી હોમાયા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. વાગડ વીસા ઓસવાળ જૈનની ઝડપી અને અનુભવી બોલિંગ સામે આહીરના બૅટ્સમેનો પોતાના પગ પિચ પર બે આંકડાનો સ્કોર નોંધાવી શકે એટલો સમય પણ ટકાવી નહોતા શક્યા. ૮.૪ ઓવરમાં ૩૪ રને પૅવિલિયનભેગી થયેલી ટીમના ૪ બૅટ્સમેનો  ઝીરોમાં આઉટ થયા હતા ત્યારે ૬ બૅટ્સમેનોનો વ્યક્તિગત સ્કોર ૧૦ રનથી ઓછો હતો. ચાલુ વર્ષના મિડ-ડે કપમાં સૌથી ઓછા ટીમ-સ્કોર સાથે આહીરની ૯૩ રને નામોશીભરી હાર થઈ હતી.

ટૂંકો સ્કોર : વાગડ વીસા ઓસવાળ જૈન : ૧૦ ઓવરમાં ૧૨૭/૨ (ધર્મેશ છેડા ૩૯ બૉલમાં ૧૭ ફોર અને ૩ સિક્સર સાથે ૯૯ રન, નારણ આહીર ૨-૦-૧૭-૧)

આહીર : ૧૦ ઓવરમાં ૩૪ રને ઑલઆઉટ (નારણ આહીર ૭ બૉલમાં ૨ ફોર સાથે ૯ રન, ઋષભ કારિયા ૨-૦-૮-૨)

મૅન ઑફ ધ મૅચ : ધર્મેશ છેડા (વાગડ વીસા ઓસવાળ જૈન)

મૅચ-૪

પહેલાં બૅટિંગમાં ઊતરેલી પ્રજાપતિ કુંભારની શરૂઆત સામાન્ય રહી હતી ત્યારે પહેલી ઓવરમાં જ કૅપ્ટન વિકી ચૌહાણની વિકેટ પડતાં ટીમના મનોબળ પર અસર પડી હતી, પરંતુ દીપક શિંગાડિયા (૧૫) અને મિતુલ ચૌહાણ (૨૯) વચ્ચેની બીજી વિકેટ માટેની ૫૦ રનની પાર્ટનરશિપથી ટીમે બૅટિંગમાં કમબૅક કર્યું હતું. ત્યાર બાદ બ્રહ્મક્ષત્રિયની ચુસ્ત બોલિંગ સામે બૅટિંગ-ટીમ ૧૦ ઓવરના અંતે પાંચ વિકેટે ૮૫ રન બનાવવા માટે સંઘર્ષ કરતી દેખાઈ હતી.

લીગ મૅચના પ્રથમ રાઉન્ડમાં ખરાબ રીતે હારેલી બ્રહ્મક્ષત્રિય ટીમ જવાબમાં બૅટિંગ કરવા ઊતરી ત્યારે ઝીરોમાં પ્રથમ વિકેટ પડતાં જીત મેળવવી લોઢાના ચણા ચાવવા જેવી લાગવા માંડી હતી, પરંતુ ઓપનિંગમાં આવેલા જતીન પડિયા (૪૧)એ જવાબદારીપૂવર્‍ક ઇનિંગ્સ દરમ્યાન મૌકા મિલતે ચૌકા મારીને બાજી સંભાળી લીધી હતી. ટીમને જોઈતા ૮૬ રનના અડધા જેટલા રન બનાવીને જતીન પડિયાએ નૉટ-આઉટ રહીને ટીમના સ્કોરને ૭.૩ ઓવરમાં બે વિકેટે ૮૮ રન બનાવીને શાનદાર જીત અપાવી હતી.

ટૂંકો સ્કોર : પ્રજાપતિ કુંભાર : ૧૦ ઓવરમાં ૧૮૫/૫ (મિતુલ ચૌહાણ ૨૦ બૉલમાં ૫ ફોર સાથે ૨૯ રન, ઉર્વીશ બોસમિયા ૨-૦-૮-૧)

બ્રહ્મક્ષત્રિય : ૭.૩ ઓવરમાં ૮૮/૨ (જતીન પડિયા ૧૯ બૉલમાં ૪ ફોર અને ૩ સિક્સર સાથે ૪૧ રન, હરેશ શિંગાડિયા ૨-૦-૧૭-૨)

મૅન ઑફ ધ મૅચ : જતીન પડિયા (બ્રહ્મક્ષત્રિય)


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK