બન્ને મૅચમાં ચેઝ કરનારી ટીમ આસાનીથી જીતી

મિડ-ડે કપ ૨૦૧૦ની રનર-અપ રહેલી કચ્છી વીસા ઓસવાળ જૈનની ટીમે લુહાર સુતાર સામે આસાન વિજય મેળવીને વિજયકૂચ જાળવી રાખી : ઘોઘારી વીસા શ્રીમાળી જૈન સામે સઈ સુતાર વાંઝા નાઘેર હારતાં હારનો સિલસિલો યથાવત્


મિડ-ડે કપની સાતમી સીઝનના સાતમા દિવસે બન્ને મૅચોમાં બીજી ઇનિંગ્સમાં બૅટિંગ કરનારી ટીમે જીત મેળવવા માટે વધુ મહેનત નહોતી કરવી પડી. ગઈ કાલના દિવસે બન્ને મૅચોમાં ટૉસ જીતનારી ટીમની પ્રથમ ફીલ્ડિંગ લઈને બૅટિંગ કરનારી ટીમના ટોટલ સ્કોરને ૧૦૦ની ઉપર જવા ન દઈને પહેલેથી જ જીત પાકી કરવાની સ્ટ્રૅટેજી સફળ નીવડી હતી. પ્રથમ મૅચમાં લુહાર સુતારની ફિક્કી બૅટિંગને પરિણામે થયેલા ઓછા સ્કોરને લીધે મળેલા સહેલા ટાર્ગેટને કચ્છી વીસા ઓસવાળ જૈનની ટીમે ઝડપથી ચેઝ કરીને વિજય મેળવ્યો હતો. જ્યારે બીજી મૅચમાં સઈ સુતાર વાંઝા નાઘેરના ભાગે પ્રથમ બૅટિંગ આવતાં નબળા પર્ફોર્મન્સને લીધે માંડ-માંડ સ્કોર સન્માનજનક પરિસ્થિતિએ પહોંચ્યો હતો. જીત માટેના સ્કોરને પાર કરવામાં ઘોઘારી વીસા શ્રીમાળી જૈનને વધુ તકલીફ ન પડતાં ગઈ કાલના દિવસની વધુ એક સહેલી જીત જોવા મળી હતી.

મૅચ-૧

ટૉસ હારતાં બૅટિંગ માટે ઊતરેલી લુહાર સુતારની ટીમની શરૂઆત ધીમી અને ખરાબ રહી હતી. માત્ર ૨૭ રનના સ્કોર પર એકસાથે ત્રણ વિકેટ પડી જતાં લુહાર સુતારના બૅટ્સમેનોને કચ્છી વીસા ઓસવાળ જૈનની ધારદાર બોલિંગનો પરચો મળ્યોહતો, પરંતુ પાંચમા ક્રમે બૅટિંગમાં આવેલા ભરત રાઠોડે (૨૬) ધીમી પરંતુ મક્કમ રીતે પિચ પર ટકી રહીને ટીમના સ્કોરને ૧૦ ઓવરના અંતે ૬ વિકેટે ૭૩ રન પર પહોંચાડીને લોએસ્ટ સ્કોર થતો અટકાવ્યો હતો.

જવાબમાં મિડ-ડે કપ ૨૦૧૦માં રનર-અપ રહેલી કચ્છી વીસા ઓસવાળ જૈનની ટીમ માટે ૭૪નો ટાર્ગેટ સર કરવો અઘરું નહોતું ત્યારે વિરલ ગંગર (૧૨) અને ધીરેન દેઢિયા (૧૯)ની ઓપનિંગ જોડીએ સારી શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ ૨૩ રને પડ્યા બાદ રમવા આવેલા કૅપ્ટન નીરવ ભેદાએ ૮ બૉલમાં ૩ ફોર અને ૧ સિક્સર સાથે બાકીના જોઈતા રન પિચ પર નૉટ-આઉટ રહીને પૂરા કર્યા હતા. માત્ર ૬.૩ ઓવરમાં બે વિકેટે ૭૬ રન કરીને કચ્છી વીસા ઓસવાળ જૈને ૮ વિકેટે આસાન વિજય મેળવી પોતાની વિજયકૂચ જાળવી રાખી હતી.

ટૂંકો સ્કોર : લુહાર સુતાર : ૧૦ ઓવરમાં ૭૩/૬ (ભરત રાઠોડ ૨૩ બૉલમાં ૫ ફોર સાથે ૨૬ રન, હિમાંશુ શાહ ૨-૦-૭-૨)

કચ્છી વીસા ઓસવાળ જૈન : ૧૦ ઓવરમાં ૭૬/૨ (નીરવ ભેદા ૮ બૉલમાં ૩ ફોર અને ૧ સિક્સર સાથે ૧૯ રન, પારસ ચિત્રોડા ૧-૦-૧૧-૨)

મૅન ઑફ ધ મૅચ : વિરલ ગંગર (કચ્છી વીસા ઓસવાળ જૈન)

મૅચ-૨

સઈ સુતાર વાંઝા નાઘેર લીગના પ્રથમ રાઉન્ડમાં હાર મેળવ્યા બાદ આ વખતે જીતના ઇરાદાથી પ્રથમ બૅટિંગ માટે મેદાનમાં ઊતરી હતી. તેમનો ઇરાદો મજબૂત હતો, પરંતુ બૅટ્સમેનોના બૅટમાંથી શૉટ નબળા નીકળતા હતા ત્યારે બીજી ઓવરના ચોથા બૉલમાં સ્કોર માત્ર ૪ રન હતો ત્યારે પ્રથમ વિકેટ પડતાં ટીમ ટેન્શનમાં આવી ગઈ હતી. ઘોઘારી વીસા શ્રીમાળી જૈનની ચુસ્ત બોલિંગ સામે ૪ ઓવરના અંતે બે વિકેટના ભોગે માત્ર ૧૭ રન થતાં ટીમનું ટોટલ વધુ થાય એમ લાગતું નહોતું, પરંતુ ચોથા અને પાંચમા ક્રમે આવેલા અનુક્રમે ધવલ પઢિયાર (૨૯) અને હિરેન વાઘેલા (૧૫)એ સારાએવા સ્ટ્રોક મારીને ટીમના સ્કોરને ૧૦ ઓવરના અંતે પાંચ વિકેટે ૮૩ પર પહોંચાડ્યો હતો.

૮૪નો ટાર્ગેટ ચેઝ કરવા બૅટિંગમાં ઊતરેલી ઘોઘારી વીસા શ્રીમાળી જૈનની બીજી ઓવરમાં ૧૭ રનના સ્કોરે વિકેટ પડતાં સ્કોર ધીમો થઈ ગયો હતો અને ચોથી ઓવરમાં બીજી વિકેટ પડતાં સઈ સુતાર વાંઝા નાઘેરના ખેલાડીઓ વધુ આક્રમક બન્યા હતા, પરંતુ ત્રીજા અને ચોથા ક્રમે આવેલા અંકિત દોશી (૧૮) અને વિપુલ સંઘવી (૨૫)ની પાર્ટનરશિપ પાંચમી પાવરઓવરમાં કુલ ૨૧ રન લઈને બૅટિંગ-ટીમ માટે સંઘર્ષપૂર્ણ સમય ખતમ કરીને જીતના આંકડાની નજીક લઈ ગઈ હતી. બન્ને બૅટ્સમેનોએ નૉટ-આઉટ રહીને ૮.૫ ઓવરમાં બે વિકેટે ૮૫ રનનો સ્કોર કરી ૮ વિકેટે વિજય મેળવ્યો હતો.

ટૂંકો સ્કોર : સઈ સુતાર વાંઝા નાઘેર: ૧૦ ઓવરમાં ૮૩/૫ (ધવલ પઢિયાર ૧૮ બૉલમાં ૫ ફોર સાથે ૨૯ રન, ઋષભ વોરા ૨-૦-૧૧-૨)

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન : ૮.૫ ઓવરમાં ૮૫/૨ (વિપુલ સંઘવી ૧૯ બૉલમાં ૪ ફોર સાથે ૨૫ રન, ધવલ પઢિયાર ૨-૦-૧૨-૧)

મૅન ઑફ ધ મૅચ : વિપુલ સંઘવી (ઘોઘારી વીસા શ્રીમાળી જૈન)

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK