આઠમા દિવસે ચાર મૅચોમાં પાંચ બૅટ્સમેનોએ મારી હાફ સેન્ચુરી

ખડાયતાની ડૂ ઑર ડાઇની ફાઇટ સામે કપોળનો સંઘર્ષપૂર્ણ વિજય : ઓછા સ્કોરને કારણે ગોસ્વામી સામે કચ્છી રાજગોરનો ઘોર પરાજય : વૈંશ સુતાર સામે શાનદાર પ્રદર્શન કરી નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણે મેળવ્યો વિજય: ખંભાતી વીસા ઓસવાળ જૈન સામે કચ્છી કડવા પાટીદાર ટીમની સરળ જીતમિડ-ડે કપની સાતમી સીઝનના ગઈ કાલના આઠમા દિવસે ચારેય મૅચોમાં મોટા ભાગે સ્ટાર બૅટ્સમેનોએ પોતાની જવાબદારી નિભાવીને પોતપોતાની ટીમને જીત અપાવી હતી. દિવસની ચાર મૅચોમાંથી ત્રણમાં કુલ પાંચ બૅટ્સમેનોએ હાફ સેન્ચુરી નોંધાવી હતી. પહેલી મૅચમાં ૨૦૧૦ની ચૅમ્પિયન ટીમ કપોળ સામે ખડાયતાએ મરણતોલ ફાઇટ-બૅક આપી હતી, પરંતુ મૅચને જીતમાં તબદિલ કરવામાં એ નિષ્ફળ રહી હતી. કચ્છી રાજગોરના ખરાબ પર્ફોર્મન્સને કારણે લો-સ્કોરની મૅચમાં ગોસ્વામીએ આસાનીથી જીત મેળવી લીધી હતી. લીગના પ્રથમ રાઉન્ડમાં કચ્છી વીસા ઓસવાળ જૈન સામેની રોમાંચક મૅચમાં છેલ્લા બે બૉલમાં બે સિક્સર વાગતાં નિરાશાજનક હાર મેળવનાર નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણે ગઈ કાલે વૈંશ સુતાર સામે શાનદાર વિજય મેળવ્યો હતો, જ્યારે છેલ્લી મૅચમાં સ્ટ્રૉન્ગ ટીમ ગણાતી કચ્છી કડવા પાટીદારે ખંભાતી વીસા શ્રીમાળી જૈન સામે આસાન જીત મેળવી હતી.

મૅચ-૧

ટૉસ જીતીને ખડાયતાની ટીમને ચૅમ્પિયન અને રનનો ઢગલો ખડકવા જાણીતી ટીમ કપોળને પ્રથમ બૅટિંગમાં મોકલવાના નિર્ણયને શરૂઆતમાં ભૂલ લાગી રહી હતી, પરંતુ પ્રથમ બૅટિંગમાં ઊતરેલી કપોળની ધુરંધર ઓપનિંગ જોડી પાર્થ મથુરિયા અને જય મહેતાને બોલર હિરક શાહે બીજી ઓવરમાં માત્ર ૧૮ રનના સ્કોર પર પૅવિલિયનભેગા કરી દેતાં અપસેટ સર્જાવાની સંભાવના લાગી રહી હતી. જોકે ત્યાર બાદ ત્રીજા અને ચોથા ક્રમે આવેલા મૌલિક મહેતા (૩૪) અને કૅપ્ટન પરાશર ચિતલિયા (૭૪)ની જોડી ૧૪૨ રનની મહાભાગીદારી વડે ટીમને ચૅલેન્જિંગ સ્કોર તરફ લઈ ગઈ હતી.  પરાશર ચિતલિયાએ ૩૧ બૉલમાં ૯ ફોર અને પાંચ સિક્સરની ધડબડાટી બોલાવીને ટીમના સ્કોરને ૧૦ ઓવરના અંતે ૪ વિકેટે ૧૬૭ રન પર પહોંચાડીને ફરી એક વખત હરીફ ટીમ માટે મસમોટો ટાર્ગેટ સેટ કરી આપ્યો હતો.

કપોળની ટફ બોલિંગ સામે બિગ ટાર્ગેટને અચીવ કરવા બૅટિંગમાં ઊતરેલી ખડાયતા આત્મવિશ્વાસથી ભરપૂર જણાઈ હતી. ઓપનિંગમાં આવેલા કૅપ્ટન વિરલ શાહ (૮૭)ના માથે મોટી જવાબદારી હતી ત્યારે તેણે એકલાહાથે બૅટિંગ કરીને ચાન્સ મળે ત્યારે ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા હતા. ૬ ઓવરમાં એક વિકેટના ભોગે ૮૭ રન ફટકારી દેતાં પિચ પર મોજૂદ વિરલ શાહના મરણતોલ પ્રયાસને કારણે જીતની આશા બૅટિંગ-ટીમ માટે જીવિત રહી હતી, પરંતુ પ્રથમ વિકેટ બાદ કપોળના બોલરોએ વધુ આક્રમકતા બતાવી હતી અને પિચ પર આવનાર એકેય બૅટ્સમૅનને વધુ સમય ઊભો રહેવા નહોતો દીધો. વિરલ શાહની ડુ ઑર ડાઇ જેવી બૅટિંગ દ્વારા જોરદાર ફાઇટ આપ્યા બાદ પણ આખરે ખડાયતાએ ૧૦ ઓવરના અંતે ૪ વિકેટે ૧૪૦ રન બનાવીને ૨૭ રને પરાજય જોવો પડ્યો હતો.

ટૂંકો સ્કોર : કપોળ : ૧૦ ઓવર ૧૬૭/૪ (પરાશર ચિતલિયા ૩૧ બૉલમાં ૯ ફોર અને પાંચ સિક્સર સાથે ૭૪ રન, હિરક શાહ ૨-૦-૨૪-૩)

ખડાયતા : ૧૦ ઓવર ૧૪૦/૪ (વિરલ શાહ ૩૬ બૉલમાં ૧૩ ફોર અને ૪ સિક્સર સાથે ૮૭ રન, દર્શન મોદી ૨-૦-૧૪-૩)

મૅન ઑફ ધ મૅચ : પરાશર ચિતલિયા (કપોળ)

મૅચ-૨

ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ પસંદ કરનાર કચ્છી રાજગોરની શરૂઆત નબળી રહી હતી. પહેલી ઓવરમાં પહેલા બૉલે જ વિકેટ પડતાં કચ્છી રાજગોરનો સ્કોર વધુ થાય એમ લાગતું નહોતું. ગોસ્વામીના બોલિંગપ્રહાર સામે કચ્છી રાજગોરના કોઈ બૅટ્સમૅને ટકી રહેવા કે સારા શૉટ્સ મારવાની તૈયારી બતાવી નહોતી, પરંતુ ઓપનિંગમાં આવેલા કશ્યપ રાજગોર (૧૬)ના ટીમ વતી સૌથી વધુ વ્યક્તિગત રનને કારણે સ્કોર સન્માનજનક પરિસ્થિતિએ પહોંચ્યો હતો. કચ્છી રાજગોરે ૧૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને માત્ર ૬૬ રન કર્યા હતા, જેમાં બોલિંગ-ટીમ તરફથી મળેલા ૨૧ એક્સ્ટ્રા રનનો સૌથી વધુ મહત્વનો ફાળો હતો.

૬૭ રનના આસાન લક્ષ્યાંકને પાર કરવા બૅટિંગમાં ઊતરેલી ગોસ્વામીની ટીમ શરૂઆતમાં લડખડાવા લાગી હતી. પ્રથમ બે ઓવરમાં ૮ રનના સ્કોરે ૩ વિકેટનું પતન થઈ જતાં ગોસ્વામી-કૅમ્પમાં સન્નાટો છવાઈ ગયો હતો. જોકે ત્યાર બાદ કચ્છી રાજગોરના બોલરોએ દિશાહીન બોલિંગ વડે ગોસ્વામી ટીમ પરનું પ્રેશર હળવું કરી નાખ્યું હતું, પણ ચોથી ઓવરમાં ૨૧ રનના સ્કોરે વધુ એક વિકેટ પાડીને કચ્છી રાજગોરે ગેમમાં કમબૅક કર્યું હતું અને જીત લગભગ નિશ્ચિત લાગતી હતી, પરંતુ ત્યાર બાદ રોનક ગોસ્વામી (૨૯) અને કમલેશ ગોસ્વામી (૧૯)ની મિડલ ઑર્ડરની જોડી પિચ પર મક્કમતાથી ટકી રહી હતી અને બોલરોને ફાવવા નહોતા દીધા. આ જોડીએ શાનદાર ઇનિંગ્સ વડે એક તબક્કે અઘરી લાગતી જીતને ૮.૫ ઓવરમાં ૪ વિકેટે ૭૦ રન કરીને આસાન જીતમાં તબદિલ કરી નાખી હતી.

ટૂંકો સ્કોર : કચ્છી રાજગોર : ૧૦ ઓવરમાં ૬૬/૫ (કશ્યપ રાજગોર ૧૬ બૉલમાં ૧ ફોર સાથે ૧૬ રન, રોનક ગોસ્વામી ૨-૦-૧૦-૨)

ગોસ્વામી : ૮.૫ ઓવરમાં ૭૦/૪ (રોનક ગોસ્વામી ૨૫ બૉલમાં પાંચ ફોર સાથે ૨૯ રન, ભાવેશ રાજગોર ૨-૦-૯-૩)

મૅન ઑફ ધ મૅચ : રોનક ગોસ્વામી (ગોસ્વામી)

મૅચ-૩

ટૉસ જીતીને વૈંશ સુતારે પ્રથમ બૅટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. ગયા વર્ષે મિડ-ડે કપના ઇતિહાસની સૌપ્રથમ સેન્ચુરી ફટકારનાર દિવ્યેશ કાટેલિયા (૭૬)એ ઓપનિંગમાં ઊતરીને સારી શરૂઆત કરી હતી. ચોથી ઓવરમાં ૨૮ રને બૅટિંગ-ટીમની પહેલી વિકેટ પડી હતી ત્યારે નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણના બોલરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ આ ઉત્સાહને દિવ્યેશ કાટેલિયા અને કેતન ગોઢાણિયાની શાનદાર ૭૮ રનની પાર્ટનરશિપે વધુ ટાઇમ ટકવા દીધો નહોતો. ૮મી અને ૯મી ઓવરમાં અનુક્રમે ૨૦ અને ૨૫ રન ફટાકારીને આ જોડીએ ટીમના સ્કોરને ૧૦ ઓવરના અંતે ૪ વિકેટે ૧૧૧ રનનો અઘરો કહી શકાય એવો ટાર્ગેટ હરીફ ટીમ માટે સેટ કર્યો હતો.

જવાબમાં બૅટિંગમાં ઊતરેલી નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણની ટીમે આત્મવિશ્વાસથી બૅટિંગની મજબૂત શરૂઆત કરી હતી. કૅપ્ટન હેમલ ઓઝા (૫૯) અને ઉર્વેશ ઓઝા (૧૮)ની ઓપનિંગ જોડીએ જીતના સોગંદ ખાઈને ઊતરી હોય એમ પિચ પર ટકીને શાનદાર બૅટિંગ-પ્રદર્શન કર્યું હતું. વૈંશ સુતારના બોલરોએ કોઈ કમાલ ન દેખાડતાં આ જોડી વચ્ચે પ્રથમ વિકેટ માટે ૭.૨ ઓવરમાં ૯૪ રનની ભાગીદારી થતાં બૅટિંગ-ટીમની જીત લગભગ નિશ્ચિત થઈ ગઈ હતી. ત્યાર બાદ હેમલ ઓઝા હજી પણ પિચ પર રમી રહ્યો હતો ત્યારે અપેક્ષા પ્રમાણે પર્ફોર્મન્સ ચાલુ રહેતાં ૯ ઓવરમાં ૧ વિકેટે ૧૧૫ રન કરીને નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણે ૯ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો.

ટૂંકો સ્કોર : વૈંશ સુતાર : ૧૦ ઓવરમાં ૧૧૧/૪ (દિવ્યેશ કાટેલિયા ૪૨ બૉલમાં ૮ ફોર અને ૪ સિક્સર સાથે ૭૧ રન, વિવેક જોશી ૧-૦-૧૧-૧)

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ : ૯ ઓવરમાં ૧૧૫/૧ (હેમલ ઓઝા ૨૮ બૉલમાં ૧૦ ફોર અને બે સિક્સર સાથે ૫૯ રન, અલ્કેશ કાટેલિયા ૨-૦-૧૫-૧)

મૅન ઑફ ધ મૅચ : હેમલ ઓઝા (નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ)

મૅચ-૪

ટૉસ જીતીને બૅટિંગમાં આવેલી ખંભાતી વીસા શ્રીમાળી જૈન શરૂઆતમાં મજબૂત જણાઈ હતી. ઓપનિંગમા આવેલા પાર્થ પરીખ (૪૦) અને ધર્મેશ ચોકસી (૭)ના સુંદર તાલમેલ વડે બાવન રનની મજબૂત પાર્ટનરશિપ કરીને મોટા સ્કોરની આશા બંધાઈ હતી, પરંતુ છઠ્ઠી ઓવરમાં પ્રથમ વિકેટ પડતાં કચ્છી કડવા પાટીદારને હાશકારો થયો હતો. હજી પ્રથમ વિકેટનો શોક ખતમ થયો નહોતો ત્યાં સાતમી ઓવર લઈને આવેલા રમેશ જબુઆણીએ ૫૪ના સ્કોરે ઉપરાઉપરી બે બૅટ્સમેનોના દાંડિયા ડૂલ કરીને પૅવિલિયનનો રસ્તો દેખાડતાં ખંભાતી વીસા શ્રીમાળી જૈનના કૅમ્પમાં શાંતિ પ્રસરી ગઈ હતી. ધડાધડ પડેલી ત્રણ વિકેટને કારણે આઘાતમાં સરી પડેલી બૅટિંગ-ટીમ બહાર આવી ન શકતાં ટીમ ૧૦ ઓવરના અંતે ૪ વિકેટે ૮૩ રન કરી શકી હતી.

બીજી બૅટિંગમાં ૮૪નો ટાર્ગેટ સર કરવા ઊતરેલી કચ્છી કડવા પાટીદાર માટે વિજય અઘરો નહોતો. ટીમે શરૂઆત સારી કરી હતી, પરંતુ ત્રીજી ઓવરમાં ૩૭ના સ્કોર પર રનમશીન ગણાતા ટીમના કૅપ્ટન ભાવિક ભગતની વિકેટ પડી જતાં બોલિંગ-ટીમમાં ખુશીની લહેર ઊઠી હતી, પરંતુ બોલિંગ-ટીમની ખુશીની લહેરને ઓપનિંગમાં આવેલા દેવાંગ પોકારે (૫૩) પોતાના શાનદાર શૉટ્સ દ્વારા ઠારી દીધી હતી. દેવાંગ પોકારની સૂઝબૂઝભરી બૅટિંગના પ્રતાપે ટીમનો સ્કોર વધતો રહ્યો અને જીતના આંકડાને મેળવવામાં કોઈ વધુ તકલીફ નહોતી જણાઈ. ૮ ઓવરમાં બે વિકેટે ૮૮ રન કરીને કચ્છી કડવા પાટીદારે ૮ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો.

ટૂંકો સ્કોર : ખંભાતી વીસા શ્રીમાળી જૈન: ૧૦ ઓવરમાં ૮૩/૪ (પાર્થ પરીખ ૨૦ બૉલમાં ૪ ફોર અને ૩ સિક્સર સાથે ૪૦ રન, રમેશ જબુઆણી ૨-૦-૮-૨)

કચ્છી કડવા પાટીદાર : ૮ ઓવરમાં ૮૮/૨ (દેવાંગ પોકાર ૨૮ બૉલમાં ૮ ફોર અને બે સિક્સર સાથે ૫૩ રન, રોનક શાહ ૨-૦-૧૭-૧)

મૅન ઑફ ધ મૅચ : દેવાંગ પોકાર (કચ્છી કડવા પાટીદાર)

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK