૧૫ વર્ષના અનીશ ભાનવાલાનું ગોલ્ડન નિશાન

પ્રૅક્ટિસ માટે પપ્પાએ ખરીદી હતી ઉધારમાં પૈસા લઈને બંદૂક : પરિવારમાં કોઈને  શૂટિંગનો શોખ નથી, પણ પુત્રની કરીઅર માટે સોનીપતથી દિલ્હી આવ્યો પરિવાર

anis

કૉમનવેલ્થ ગેમ્સમાં ગઈ કાલે નવમા દિવસે ભારતના ૧૫ વર્ષના અનીશ ભાનવાલાએ પચીસ મીટર રૅપિડ ફાયર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને નવો ઇતિહાસ રચી દીધો હતો. પહેલી વાર આ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા હરિયાણાના આ સ્ટુડન્ટે ફાઇનલમાં છ સ્પર્ધકો સામે લોખંડી મનોબળ બતાવીને રેકૉર્ડ કહી શકાય એવો ૩૦નો સ્કોર મેળવ્યો હતો. આ વર્ષે મહિલા શૂટર મનુ ભાકરે ૧૬ વર્ષની ઉંમરે ૧૦ મીટર ઍર રાઇફલમાં ગોલ્ડ મેડલ મેળવીને સૌથી યંગેસ્ટ ભારતીય મેડલિસ્ટ બનવાનો રેકૉર્ડ બનાવ્યો હતો, પણ ૧૫ વર્ષના અનીશે એ તોડી નાખ્યો હતો. ૧૯૯૮માં રમાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં અભિનવ બિન્દ્રાએ પણ ૧૫ વર્ષની ઉંમરે શૂટિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

આ સ્પર્ધામાં ૨૮ના સ્કોર સાથે ઑસ્ટ્રેલિયાના સર્જેઈ ઇવગ્લેવસ્કીએ સિલ્વર મેડલ અને ઇંગ્લૅન્ડના સૅમ ગોવિને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

પિતાએ ઉધારમાં ખરીદી બંદૂક


૨૦૦૨માં ૨૬ સપ્ટેમ્બરે હરિયાણાના સોનીપતમાં ગોહના તહસીલમાં એક નાનકડા ગામમાં જન્મેલા અનીશને નાનપણથી જ રમતોમાં રુચિ હતી અને તે સાત વર્ષની ઉંમરથી જ શૂટિંગની પ્રૅક્ટિસ કરવા લાગ્યો હતો. આથી તેના પપ્પાએ ઉધાર રૂપિયા લઈને પુત્ર માટે બંદૂક ખરીદી હતી. એનાથી તે કર્નાલની સ્કૂલમાં પ્રૅક્ટિસ કરતો હતો.

પરિવારમાં કોઈને રમતનો શોખ નથી


ભાનવાલા પરિવારમાં કોઈને શૂટિંગ કે બીજી કોઈ રમતનો શોખ નથી અને તેથી આવા પરિવારમાંથી આવતો છોકરો જ્યારે કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવે એ ખૂબ મોટી વાત છે. પુત્રને શૂટિંગમાં શોખ હોવાથી તેને પ્રોત્સાહન આપવા માટે ૨૦૧૪માં પરિવાર વતનથી દિલ્હી આવી ગયો હતો. ચાર વર્ષની સખત મહેનતે રંગ રાખ્યો છે. તે બાર વર્ષનો હતો ત્યારે અન્ડર-૧૨માં તેણે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

સ્કૂલનો પણ સપોર્ટ

અનીશ હાલમાં દસમા ધોરણનો સ્ટુડન્ટ છે અને તેની CBSEની પરીક્ષા છે, પણ તેને પેપર આપવામાં છૂટ મળી છે અને તેથી તે ઑસ્ટ્રેલિયા ગયો ત્યારે બુક્સ સાથે લઈને ગયો છે. માર્ચમાં તેણે મેક્સિકોમાં વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો અને પછી સિડનીમાં જુનિયર વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. એ સ્પર્ધા પૂરી થયા બાદ તે ગોલ્ડ કોસ્ટ પહોંચ્યો હતો. હવે તે ભારત આવશે ત્યારે તેનાં રહી ગયેલાં પેપર આપશે.

કોની પાસે લે છે ટ્રેઇનિંગ?

કૉમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગમાં ગોલ્ડ મેડલ મેળવનારા હરપ્રીત સિંહ અને ઑલિમ્પિક્સ મેડલિસ્ટ વિજય કુમારને તે પોતાના આદર્શ માને છે અને તેમની પાસે જ આ રમતની બારીકી શીખે છે. અભિનવ બિન્દ્રાની જેમ તેને પણ ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેળવવો છે.

જીત બાદ શું કહ્યું?

ગોલ્ડ કોસ્ટ કૉમનવેલ્થ ગેમ્સમાં ભારત વતી સૌથી યંગેસ્ટ ગોલ્ડ મેડલ વિનર બનેલા અનીશ ભાનવાલાએ જીત બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘હું યંગેસ્ટ કૉમનવેલ્થ ચૅમ્પિયન બન્યો એથી ખૂબ જ એક્સાઇટેડ છું અને એની મને ખુશી છે. હવે મારું આગામી લક્ષ્ય સાઉથ કોરિયામાં થનારી વર્લ્ડ ચૅમ્પિયનશિપ અને ઇન્ડોનેશિયામાં થનારી એશિયન ગેમ્સ પર છે.’

પ્રોફેશનલ શૂટર વર્સસ ટૅલન્ટેડ અનીશ

અનીશ ભાનવાલાએ જેને હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો એ ઑસ્ટ્રેલિયાના શૂટર સર્જઈ ઇવગ્લેવસ્કીની મમ્મી લલિતા યૌલેઉસ્કાયા પ્રોફેશનલ શૂટર છે અને કૉમનવેલ્થ ગેમ્સમાં દસ વાર મેડલ જીતી ચૂકી છે. ૧૯૬૩માં ૩૧ ડિસેમ્બરે બેલારુસમાં જન્મેલી લલિતાએ ૧૯૯૬માં ઍટલાન્ટા ઑલિમ્પિક ગેમ્સમાં બેલારુસ વતી ભાગ લીધો હતો. ત્યાર બાદ તે પતિ સાથે ઑસ્ટ્રેલિયા આવી ગઈ હતી, પણ બેલારુસનું જ પ્રતિનિધિત્વ કરતી હતી. જોકે તેણે પછી ઑસ્ટ્રેલિયન સિટિઝનશિપ લઈ લીધી હતી. તેનો પુત્ર સર્જઈ ૧૯૯૭માં બેલારુસમાં જ જન્મ્યો હતો. તે ઑસ્ટ્રેલિયામાં વિક્ટોરિયા સ્ટેટ વતી રમે છે અને અનેક ગેમ્સમાં મેડલ મેળવી ચૂક્યો છે. જોકે પ્રતિસ્પર્ધીની મમ્મી ખુદ શૂટર હોય એની જાણ હોવા છતાં અનીશે કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વિના તેનો સામનો કર્યો હતો અને ગોલ્ડ મેડલ માટે નિશાન તાક્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy