ભારતીય ક્રિકેટ ટીમે નાક વાઢ્યું

ફાઇનલમાં ભારત પાણીમાં બેસી ગયું : ન ચાલ્યા બૅટ્સમેનો, ન ચાલ્યા બોલરો, પહેલાં બૅટિંગ કરી પાકિસ્તાને ૪ વિકેટે બનાવેલા ૩૩૮ રન સામે ભારતીય ટીમ ૧૫૮ રનમાં ઑલઆઉટ : ફખર ઝમાન મૅન ઑફ ધ મૅચ, હસન અલી મૅન ઑફ ધ મૅચ અને બેસ્ટ બોલર, શિખર ધવન બૅટ્સમૅન ઑફ ધ સિરીઝ

હમ ચૅમ્પિયન: ગઈ કાલે લંડનના ધ ઓવલમાં ભારતને હરાવ્યા બાદ ચૅમ્પિયન્સ ટ્રોફી સાથે પાકિસ્તાનની ટીમ.મૅચનો હીરો : સદી પૂરી કર્યા બાદ ફખર ઝમાન. તેણે ૧૦૬ બૉલમાં આક્રમક ૧૧૪ રન ફટકાર્યા હતા.


ફખર ઝમાનની શાનદાર સદી અને ત્યાર બાદ મોહમ્મદ આમિરની વેધક બોલિંગને પરિણામે ગઈ કાલે પાકિસ્તાને લંડનના ધ ઓવલ મેદાનમાં રમાયેલી ફાઇનલમાં ભારતને ૧૮૦ રનથી હરાવીને પ્રથમ વખત ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી. ૨૦૦૯ બાદ પ્રથમ વખત ટાઇટલ જીતનાર પાકિસ્તાને ICC ટુર્નામેન્ટમાં ભારત સામે સારો દેખાવ નથી કરતું એવા કલંકને પણ ધોઈ નાખ્યું હતું. ઘરઆંગણે સુરક્ષાના કારણસર એક પણ આંતરરાષ્ટ્રીય મૅચ ન રમવા છતાં પાકિસ્તાનની ટીમની જીતનું મહત્વ ઘણું વધી જાય છે. ત્રણ રને મળેલા જીવતદાન બાદ ફખર ઝમાને કરેલા ૧૧૪ રનને કારણે પાકિસ્તાને ૪ વિકેટે ૩૩૮ રન કર્યા હતા. આમિરે લીધેલી ત્રણ વિકેટને કારણે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ૩૦.૩ ઓવરમાં ૧૫૮ રનમાં જ ઑલઆઉટ થઈ ગયું હતું.

અશ્વિન-જાડેજા નિષ્ફળ

ભારતીય ટીમ માટે ગઈ કાલે ભૂલો કરવાનો દિવસ હતો. કોહલીએ ટૉસ જીત્યા બાદ ફ્લૅટ પિચ પર પહેલાં ફીલ્ડિંગ લીધી હતી. મૅચની શરૂઆતમાં બુમરાહે લીધેલી વિકેટ નો-બૉલ સાબિત થયો ત્યાર બાદ ઝમાને સદી ફટકારી હતી. બે સ્પિનરો રવિચન્દ્રન અશ્વિન (૧૦ ઓવરમાં વિના વિકેટે ૭૦ રન) અને રવીન્દ્ર જાડેજા (૮ ઓવરમાં વિનાવિકેટે ૬૭ રન) એક પણ વિકેટ નહોતા લઈ શક્યા. પિચ દ્વારા કોઈ પણ મદદ ન મળતાં બોલરોની નિષ્ફળતા છતી થઈ હતી.

એકમાત્ર હાર્દિક ઝઝૂમ્યો

અત્યાર સુધી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ટીમના ટોચના ત્રણેય બૅટ્સમેનો નિષ્ફળ ગયા હતા. રોહિત શર્મા (ઝીરો), શિખર ધવન (૨૧) અને વિરાટ કોહલીની વિકેટો મોહમ્મદ આમિરે લીધી ત્યારે જ મૅચનું ભાવિ નક્કી થઈ ગયું હતું. જોકે હાર્દિક પંડ્યાએ એકલાએ ઝઝૂમીને ૬ સિક્સર અને ૪ ચોગ્ગાની મદદથી ૪૩ બૉલમાં ૭૬ રન કર્યા હતા. પરિણામે દર્શકો માટે થોડું મનોરંજન થયું હતું. જાડેજા અને હાર્દિક વચ્ચે થયેલી અસમંજસને લીધે તે રનઆઉટ થયો હતો. તેણે હારને થોડી લંબાવી દીધી હતી.

પાકિસ્તાનનો સૌથી મોટો સ્કોર

ટૉસ હારીને ગઈ કાલે પહેલાં બૅટિંગ કરનાર પાકિસ્તાને નિર્ધારિત ૫૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૩૩૮ રન બનાવ્યા હતા. આ પાકિસ્તાનનો ભારત સામે પહેલાં બૅટિંગ કરતાં બનાવેલો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે એટલું જ નહીં, ICCની પૂર્ણ સભ્યતાવાળા દેશ સામે બનાવેલો સર્વોચ્ચ સ્કોર પણ છે. એ પહેલાં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુ ઝીલૅન્ડે સપ્ટેમ્બર ૨૦૦૪માં અમેરિકા સામે ૩૪૭ રન બનાવ્યા હતા.


બબાલ : ઓવલ મેદાનમાં કોઈક મામલે ઝઘડતા પાકિસ્તાનના અને ભારતના સમર્થકો.


પાકિસ્તાન સામે હાર્યા બાદ ગુસ્સામાં ટીવી તોડતા અમદાવાદના ક્રિકેટસમર્થકો.


ધોનીના બંગલા પર કડક બંદોબસ્ત - ભારત-પાકિસ્તાન વચ્ચે ગઈ કાલે રમાયેલી ફાઇનલ મૅચ દરમ્યાન ઝારખંડના રાંચીમાં આવેલા ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના બંગલાની બહાર સુરક્ષા માટે પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અગાઉ ભારત હાર્યું હતું ત્યારે નારાજ થયેલા પ્રશંસકોએ ધોનીના ઘર પર પથ્થરમારો કર્યો હતો.


ટૉસ જીતીને ફીલ્ડિંગનો ખોટો નિર્ણય

ઓવલમાં રેકૉર્ડના હિસાબે ભારત સામે અત્યાર સુધીનો સૌથી મોટો લક્ષ્યાંક છે. એ પહેલાં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં આઠ જૂને ભારતે શ્રીલંકા સામે ૩૨૨ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો જેને તેણે ત્રણ વિકેટ ગુમાવીને મેળવ્યો હતો. વિરાટ કોહલીએ ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગનો નિર્ણય લીધો હતો જે ખોટો સાબિત થયો. ભારતીય બોલરોની પાકિસ્તાનની ઓપનિંગ જોડી ફખર ઝમાન અને અઝહર અલી (૫૯)એ ભારે ધુલાઈ કરી હતી. બન્નેએ પહેલી વિકેટ માટે ૧૨૮ રન કર્યા હતા. ફખર એક છેડે ઝડપથી રન બનાવી રહ્યો હતો તો અઝહર ધીમું રમ્યો હતો.

ફખર અને અઝહરની પાર્ટનરશિપ

આ બન્નેએ ICC ટુર્નામેન્ટમાં ભારત સામે પહેલી વિકેટ માટે અત્યાર સુધી સૌથી મોટી પાર્ટનરશિપ કરી હતી. એ પહેલાં ૧૯૯૬ના વર્લ્ડ કપમાં આમિર સોહેલ અને સઈદ અનવરે પહેલી વિકેટ માટે ૮૪ રન કર્યા હતા. કોઈ પણ ભારતીય બોલર આ જોડીને પરેશાન કરી શક્યો નહોતો. આ જોડી પોતાની ભૂલને કારણે તૂટી હતી. ૨૩મી ઓવરના છેલ્લા બૉલમાં રન લેવામાં થયેલી ભૂલને કારણે બન્ને એક છેડે ભેગા થઈ ગયા હતા.

ફખરની પ્રથમ સદી

અઝહર આઉટ થવા છતાં ફખર પર એની કોઈ અસર નહોતી પડી. તેણે આક્રમક રમત રમવાનું ચાલુ રાખ્યું હતું. અશ્વિને નાખેલી ૩૧મી ઓવરના પહેલા બૉલમાં ચોગ્ગો ફટકારીને ફખરે પોતાની પહેલી સદી પૂરી કરી હતી અને એ માટે તેણે ૯૧ બૉલનો સામનો કર્યો હતો. શરૂઆતમાં તેને બુમરાહના બૉલમાં જીવતદાન પણ મળ્યું હતું, કારણ કે બુમરાહના જે બૉલમાં તે આઉટ થયો હતો એ નો-બૉલ હતો. ફખરે ૧૦૬ બૉલમાં ૩ સિક્સર અને ૧૨ ચોગ્ગાની મદદથી ૧૧૪ રન કર્યા હતા. ખફર હાર્દિક પંડ્યાના બૉલમાં મોટો શૉટ ફટકારવાના પ્રયાસમાં કૅચઆઉટ થયો હતો.

હફીઝની નૉટઆઉટ હાફ સેન્ચુરી

જોકે ત્યાર બાદ બાબર આઝમ (૪૬) અને શોએબ મલિક (૧૨)એ ટીમના સ્કોરબોર્ડને સતત આગળ વધાર્યો હતો. આઝમને કેદાર જાધવે યુવરાજ સિંહના હાથમાં ઝિલાવ્યો હતો. મલિક ભુવનેશ્વર કુમારની ઓવરમાં જાધવના હાથમાં કૅચઆઉટ થયો હતો. અંતે મોહમ્મદ હફીઝે ૩૭ બૉલમાં ત્રણ સિક્સર અને ૪ ચોગ્ગાની મદદથી નૉટઆઉટ ૫૭ રનની ઇનિંગ્સ રમીને પાકિસ્તાનને મોટા સ્કોર સુધી પહોંચાડ્યું હતું. હફીઝને ઇમાદ વસીમે પણ સારો સાથ આપ્યો હતો. તેણે ૨૧ બૉલમાં ૨૫ રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા અને કેદાર જાધવે એક-એક વિકેટ લીધી હતી.કિનારે આવીને ડૂબ્યા : ફાઇનલમાં હાર્યા બાદ નિરાશ ચહેરે પ્રેઝન્ટેશન સેરેમની જોઈ રહેલી ભારતીય ટીમ.


ચમકારા

ચૅમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધી પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓએ સદી ફટકારી છે. ફખર ઝમાનનો એમાં ઉમેરો થયો છે. એ પહેલાં સઈદ અનવર અને શોએબ મલિક આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

પાકિસ્તાનના ઓપનરોએ સતત બે મૅચમાં સદીની પાર્ટનરશિપ કરી હોય એવું ૨૦૦૩ બાદ બીજી વખત બન્યું છે.

ફખરે જીવતદાન બાદ ફટકારી સદી


ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ફખર ઝમાને ૧૧૪ રન ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધું હતું. એ માટે તેણે પોતાના નસીબનો પણ આભાર માનવો જોઈએ, કારણ કે તેને શરૂઆતમાં જ જીવતદાન મળ્યું હતું. જસપ્રીત બુમરાહની ચોથી ઓવરમાં તે કૅચઆઉટ થયો હતો. ભારતીય ટીમ ખુશ થઈ ગઈ હતી, પરંતુ અમ્પાયર ઝમાને તેને સ્ટેડિયમમાં જતાં રોક્યો હતો. રિપ્લેમાં ખબર પડી હતી કે બુમરાહે નો-બૉલ નાખ્યો હતો. પાકિસ્તાન માટે એ વિકેટ સંજીવની સાબિત થઈ હતી. ત્યાર બાદ ફખરે પહેલી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy