ભારત પાસે સિરીઝ-વિજયની સિક્સર ફટકારવાની તક

૨૦૧૭થી શરૂ કરીને વિરાટ કોહલીની ટીમે સતત પાંચ દ્વિપક્ષી શ્રેણીમાં મેળવ્યો છે વિજય: ટીમમાં કોઈ કાંડાનો સ્પિનર ન હોવાથી અંગ્રેજ બૅટ્સમેનોએ બોલિંગ-મશીનથી કરી પ્રૅક્ટિસ

match

પહેલી મૅચમાં શાનદાર જીત મેળવનારી ભારતીય ટીમ આજે કાર્ડિફમાં રમાનારી બીજી T૨૦ મૅચમાં સ્પિનરોથી ડરેલા ઇંગ્લૅન્ડને હરાવીને સિરીઝ જીતવા માગશે. પહેલી મૅચમાં ચાઇનામૅન બોલર કુલદીપ યાદવે ૨૪ રન આપીને પાંચ વિકેટ લીધી હતી તો લોકેશ રાહુલે નૉટઆઉટ સેન્ચુરી ફટકારી હતી. ભારતે ઑલરાઉન્ડ રમતનું પ્રદર્શન કરતાં યજમાન ઇંગ્લૅન્ડને ૮ વિકેટથી હરાવી સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી હતી. હવે બીજી T૨૦ જીતીને વિરાટ કોહલી સિરીઝ જીતવા માગશે.

રૅન્કિંગ પર અસર

ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ T૨૦માં સતત છઠ્ઠી સિરીઝ જીતે એવી શક્યતા છે. આ ક્રમની શરૂઆત નવેમ્બર ૨૦૧૭માં ન્યુ ઝીલૅન્ડ સામે ડોમેસ્ટિક સિરીઝમાં મળેલી જીત સાથે થઈ હતી. ત્યાર બાદ ભારત એક પણ દ્વિપક્ષીય T૨૦ સિરીઝ હાર્યું નથી. ભારત આ સિરીઝ ૨-૦થી જીતી જાય તો ICC રૅન્કિંગમાં બીજા સ્થાને રહેલા ઑસ્ટ્રેલિયા સાથેનું અંતર ઓછું થઈ જશે અને ૩-૦થી જીતી જાય તો પાકિસ્તાન બાદ બીજા ક્રમાંક પર આવી જશે. બીજી તરફ ભારતને આ સિદ્ધિ મેળવતા રોકવા માટે ઑસ્ટ્રેલિયાએ ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલી ટ્રાયેન્ગ્યુલર સિરીઝની આગામી બે મૅચમાં વિજય મેળવવો પડશે. બીજી તરફ ઇંગ્લૅન્ડ જો હારે તો ન્યુ ઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ બાદ સાતમા ક્રમાંક પર આવી જશે.

કુલદીપ પાસે આશા

ઇંગ્લૅન્ડ છેલ્લી ૧૦ T૨૦ મૅચો પૈકી માત્ર પાંચ જ જીત્યું છે. ઇંગ્લૅન્ડના બૅટ્સમેનો માટે સૌથી મોટી ચિંતા ચાઇનામૅન કુલદીપ યાદવની બોલિંગ હશે. પહેલી મૅચમાં હાર બાદ ઓઇન મૉર્ગન અને અનુભવી બૅટ્સમૅન જૉસ બટલરે પોતાના ખેલાડીઓને ક્રિઝ પર સંયમ રાખવા અને બૉલને સારી રીતે જોવા અપીલ કરી છે. ઇંગ્લૅન્ડની ટીમ પ્રૅક્ટિસ માટે સ્પિન બોલિંગ-મશીન ‘મર્લિન’નો ઉપયોગ કરશે, કારણ કે તેમની પાસે પ્રૅક્ટિસ માટે કોઈ કાંડાના સ્પિનર નથી. આ પહેલાં ૨૦૦૫માં ઍશિઝ પહેલાં ઇંગ્લૅન્ડે આ મશીનનો ઉપયોગ કર્યો હતો, જ્યારે ઑસ્ટ્રેલિયા પાસે શેન વૉર્ન જેવો સ્પિનર હતો.

ભારતીય ફાસ્ટ બોલરોની ચિંતા

ઇંગ્લૅન્ડના ટૉપ ઑર્ડરે ભારતીય ફાસ્ટ બોલરોના આક્રમણનો સરળતાથી સામનો કર્યો હતો જે ભારત માટે ચિંતાનો વિષય છે. ઉમેશ યાદવ અને ભુવનેશ્વર કુમાર બન્ને ઓલ્ડ ટ્રેફર્ડમાં નિષ્ફળ રહ્યા હતા. એક મૅચ બાદ ટીમ-મૅનેજમેન્ટ એમાં ફેરબદલ કરવાના મૂડમાં નહીં હોય. યુઝવેન્દ્ર ચહલ મોંઘો સાબિત થયો હોવા છતાં તેને ટીમમાં યથાવત રખાશે. વળી આજે રમાનારી મૅચમાં વરસાદ વિઘ્ન નાખે એવી શક્યતા છે. અહીં ઝરમર વરસાદ પડી રહ્યો છે. સ્નાયુઓ ખેંચાઈ જવાને કારણે ફાસ્ટ બોલર ટૉમ કરૅન ટીમમાંથી બહાર થઈ ગયો છે.

એને બદલે તેના ભાઈ સૅમ કરૅનને સ્થાન મળ્યું છે.

ટીમનું પ્રતિનિધિત્વ સૌથી રોમાંચક ક્ષણ : કોહલી

ભારતીય ટીમ હાલમાં ઇંગ્લૅન્ડના પ્રવાસે છે. મંગળવારે રમાયેલી મૅચમાં ભારતે ઇંગ્લૅન્ડને આઠ વિકેટથી હરાવ્યું હતું. આજે બીજી મૅચ રમાશે. એ પહેલાં કૅપ્ટન વિરાટ કોહલીએ એક ટ્વીટ કરીને ટીમનો ઉત્સાહ વધાર્યો છે. કોહલીએ કહ્યું હતું કે ‘ટીમના સાથી ખેલાડીઓ સાથે દેશનું પ્રતિનિધિત્વ કરવા મેદાન પર ઊતરવું સૌથી રોમાંચક ક્ષણ હોય છે. પ્રશંસકોનો ઉત્સાહ એક એવી શક્તિ આપે છે જેને શબ્દોમાં વર્ણન કરી શકાય નહીં.’

વિરાટે આ ટ્વીટ સાથે શૅર કરેલા ફોટોમાં કોહલી સાથે રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની અને લોકેશ રાહુલ મેદાન પર જવા માટે તૈયાર છે.

કુલદીપની સામે સારું રમવાની મૉર્ગનની ખેલાડીઓને સલાહ

ઇંગ્લૅન્ડના કૅપ્ટન ઓઇન મૉર્ગને સ્વીકાર્યું હતું કે ભારત સામેની સિરીઝને જો જીવંત રાખવી હશે તો અમારી ટીમે સ્પિનર કુલદીપ યાદવ સામે સારું પ્રદર્શન કરવું પડશે. ઇંગ્લૅન્ડ હાલમાં ત્રણ મૅચોની T૨૦ સિરીઝમાં ૦-૧થી પાછળ છે. કુલદીપે પહેલી મૅચમાં ૨૪ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. મૉર્ગને કહ્યું હતું કે ‘તેણે અમને ચકમો આપ્યો હતો. અમને ખબર છે કે અમે તેની સામે સારું રમી શકીએ છીએ. અમારે અમારી યોજનાની સમીક્ષા કરવી પડશે’

મૉર્ગને પોતાના ખેલાડીઓને મેદાનમાં વધુ સમય પસાર કરવાની પણ સલાહ આપી હતી જેથી સ્પિનર સામે સારું રમી શકાય.

ભારતીય ટીમમાં સામેલ બે નવા ખેલાડીઓનું રૅગિંગ


ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લૅન્ડના પ્રવાસે છે. આ સિરીઝ માટે ભારતીય ટીમમાં કેટલાક નવા ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. ટીમમાં સામેલ થયેલા નવા ખેલાડીઓને અનુભવી ખેલાડીઓ સામે ઊભા કરવામાં આવ્યા હતા. જૂના ખેલાડીઓએ નવા ક્રિકેટરોને સવાલ પૂછ્યા હતા. નવા ખેલાડીઓએ પણ મસ્તીભર્યા અંદાજમાં જવાબ આપ્યા હતા. શિખર ધવને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ડમાં વિડિયો શૅર કર્યો છે જેમાં કોચ રવિ શાસ્ત્રી દેખાય છે. વિડિયોમાં પહેલાં દીપક ચાહર તો ત્યાર બાદ કૃણાલ પંડ્યાને ખુરશી પર ઊભા રાખી જવાબ આપવાનું કહેવાયું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK