ભારતીય ટીમ કરશે નવા પ્રયોગો

શાસ્ત્રીએ વિરાટની ટીમની કરેલી પ્રશંસા આંકડાની દૃષ્ટિએ ખોટી સાબિત થઈ; ગાંગુલી, દ્રવિડ અને ધોનીના નેતૃત્વમાં વિદેશમાં થયું હતું સારું પ્રદર્શન

kohli

ફરી એક વાર સિરીઝ ગુમાવવાને કારણે હતાશ થયેલી ભારતીય ક્રિકેટ-ટીમ આજથી શરૂ થનારી પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન ઍલસ્ટર કુકની વિદાય ટેસ્ટમાં જીત મેળવવાના હેતુથી મેદાનમાં ઊતરશે. ઇંગ્લૅન્ડે પાંચ મૅચની સિરીઝમાં ૩-૧થી અજેય લીડ મેળવી લીધી છે, જેને કારણે ઓવલમાં થનારી મૅચ માત્ર ઔપચારિકતા બની ગઈ છે, પરંતુ વિરાટ કોહલીની ટીમ સિરીઝનો સકારાત્મક અંત લાવવા માગે છે. ભારત માટે ૨-૩નું પરિણામ ૧-૪ કરતાં ઘણું સારું હશે.

કોચ રવિ શાસ્ત્રીએ એવું કહીને ટીમનું મનોબળ વધારવાનો પ્રયત્ન કર્યો હતો કે આ ટીમ છેલ્લાં ૧૫થી ૨૦ વર્ષમાં વિદેશના પ્રવાસની સર્વશ્રેષ્ઠ ટીમ છે, પરંતુ આકડાઓ જોઈએ તો સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં ભારતીય ટીમે ઇંગ્લૅન્ડમાં (૨૦૦૨) અને ઑસ્ટ્રેલિયામાં (૨૦૦૩-’૦૪) સિરીઝ ડ્રૉ કરાવી હતી અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ સામે ટેસ્ટ-મૅચ અને પાકિસ્તાનમાં સિરીઝ જીતવામાં સફળ રહી હતી.

વિદેશમાં શ્રેષ્ઠ એ વાત ખોટી

રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝમાં ૨૦૦૬ અને ઇંગ્લૅન્ડમાં ૨૦૦૭માં સિરીઝ જીતી હતી એટલું જ નહીં, સાઉથ આફ્રિકામાં પણ ટીમ એક ટેસ્ટ જીતવામાં સફળ થઈ હતી. અનિલ કુંબલેના નેતૃત્વમાં ભારતે પર્થમાં બાઉન્સી પિચ પર પહેલી વખત ટેસ્ટ જીતી હતી તો મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારત ન્યુ ઝીલૅન્ડમાં સિરીઝ જીત્યું અને પહેલી વખત સાઉથ આફ્રિકામાં સિરીઝ ડ્રૉ કરાવવામાં સફળ રહ્યું હતું. સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડમાં સતત બે સિરીઝ ગુમાવ્યા બાદ કોહલીની ટીમ વિદેશના પ્રવાસમાં સારું પ્રદર્શન કરનારી ટીમ છે એ વાત ખોટી સાબિત થઈ છે.

ભારતીય ઓપનરોની સમસ્યા

કોહલીની ટીમ ૨૦૧૮માં બન્ને વિદેશની સિરીઝ ગુમાવ્યા છતાં અત્યાર સુધી ટોચની ટીમ તરીકેનું ટેસ્ટ-રૅન્કિંગ બચાવવામાં સફળ થઈ છે. ટીમના સંયોજનને લઈને જરૂર સવાલો ઊઠ્યા છે. ભારતીય ટીમ શ્રેષ્ઠ ૧૧ ખેલાડીઓને લઈને મેદાનમાં ઊતરશે, પરંતુ પ્રયોગની શક્યતાઓ છે. ટેસ્ટ-ટીમમાં પૃથ્વી શૉનો સમાવેશ કરવાથી એ વાત સાબિત થાય છે કે ભારતીય સિલેક્ટરોની નજર ઓપનિંગ બૅટ્સમેનોનો વિકલ્પ શોધી રહી છે. મુરલી વિજયને ટીમમાંથી બહાર કાઢ્યા બાદ સિલેક્ટરોએ પોતાની યોજના પર ત્વરિત અમલ કરવો જોઈએ, કારણ કે ટીમ ડિસેમ્બરમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. કેટલાક લોકોનું માનવું છે કે પૃથ્વી શૉની આંતરરાષ્ટ્રીય ક્રિકેટના શ્રેષ્ઠ બોલરો સામે ચકાસણી થવી જોઈએ. જો તે એકમાત્ર ટેસ્ટમાં નિષ્ફળ પણ રહ્યો તો તેની પાસે આગળ વધવા માટેની પૂરતી તક હશે, પરંતુ જો તે સફળ રહ્યો તો ઑસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ઓપનરોની સમસ્યાનો ઉકેલ મળી શકે છે.

હાર્દિકને બદલે હનુમા વિહારી

ભારત પોતાના લોઅર ઑર્ડરમાં અને બોલિંગ સંયોજનમાં પણ ફેરબદલ કરી શકે છે. હાર્દિક પંડ્યા બૅટ્સમૅન તરીકે ફરી એક વાર નિષ્ફળ રહ્યો છે. એેથી ટીમ-મૅનેજમેન્ટ હનુમા વિહારીને તક આપી શકે છે જે મિડલ ઑર્ડરમાં બૅટિંગ કરવા ઉપરાંત શાનદાર સ્પિન બોલિંગ પણ કરી શકે છે. રવીન્દ્ર જાડેજાને પણ પહેલી વખત ટેસ્ટ રમવાની તક મળી શકે છે. રવિચન્દ્રન અશ્વિને બુધવારે નેટમાં બોલિંગ પણ કરી નહોતી. અશ્વિનના જાંઘના સ્નાયુમાં ભારે દુખાવો છે. એથી તે છેલ્લી ટેસ્ટમાં કદાચ નહીં રમે. એશિયા કપને જોતાં જસપ્રીત બુમરાહને પણ આરામ આપવામાં આવશે.

કુકના વિકલ્પની શોધ

ઇંગ્લૅન્ડ માટે આ ટેસ્ટ ભાવનાત્મક રીતે મહત્વની હશે. એના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ પૈકી એક ઍલસ્ટર કુક છેલ્લી વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નજરે પડશે. તેની સાથે જ શ્રીલંકાના પ્રવાસ માટેની ઓપનરોની જોડીની શોધ શરૂ થઈ જશે. કુકની નિવૃત્તિની ઘોષણા બાદ સિલેક્ટરોએ ટીમમાં કોઈ ફેરબદલ નથી કર્યો, જે બતાવે છે કે તેમણે કીટન જેનિંગ્સ પર ભરોસો યથાવત રાખ્યો છે. કામના દબાણને જોતાં જેમ્સ ઍન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રૉડ પૈકી કોઈ એકને આરામ આપવામાં આવશે. સિરીઝની અન્ય પિચોની જેમ આ પિચ પર પણ ઘણું ઘાસ છે.

રાહુલ દ્રવિડનો રેકૉર્ડ તોડવા કૅપ્ટન કોહલીને ફક્ત ૫૯ રનની જરૂર

આજથી લંડનના ઓવલમાં શરૂ થતી પટૌડી ટ્રોફીની પાચમી ટેસ્ટમાં સિરીઝ હારી ચૂકેલી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની નજર રેકૉર્ડ્સ પર હોય તો નવાઈ નહીં. ખાસ કરીને સિરીઝમાં બે સેન્ચુરી સહિત ૫૪૪ ફટકારનાર કૅપ્ટન વિરાટ કોહલીની નજર રાહુલ દ્રવિડના એક ગોલ્ડન રેકૉર્ડ પર હશે. રાહુલ દ્રવિડે ૨૦૦૨માં ઇંગ્લૅન્ડની ધરતી પર એક સિરીઝમાં ભારતીય ખેલાડીના હાઇએસ્ટ રનનો રેકૉર્ડ બનાવ્યો હતો. દ્રવિડે ૩ સેન્ચુરીની મદદથી ૬૦૨ રન ફટકાર્યા હતા અને ૨૦૦૭માં કૅપ્ટન તરીકે ૩ મૅચની ટેસ્ટ-સિરીઝ ૧-૦થી જિતાડી હતી.

ભારત અત્યાર સુધી ફક્ત બે વખત ઇંગ્લૅન્ડની ધરતી પર ટેસ્ટ-સિરીઝ જીતવામાં સફળ થયું છે. ૧૯૩૬થી ભારત ઓવલમાં ફક્ત એક ટેસ્ટ જીતી શક્યું છે. લૉર્ડ્સ, હેડિંગ્લી અને ટ્રેન્ટ બ્રિજમાં ભારત ૨-૨ ટેસ્ટ-જીત મેળવી ચૂક્યું છે જ્યારે એજબૅસ્ટન, ઓલ્ડ ટ્રેફર્ડ અને રોઝ બાઉલમાં ટેસ્ટમાં જીત મેળવવાની બાકી છે. આ સિરીઝમાં ભારતના ઓપનરો એક પણ ઇનિંગ્સમાં ૭૦થી વધુની ભાગીદારી કરી શક્યા નથી જ્યારે ભારતના બોલરોએ શ્રેષ્ઠ પર્ફોર્મ કરતાં બધી ૮૦ વિકેટ ઝડપી લીધી હતી. આ સિરીઝમાં વાઇસ-કૅપ્ટન અજિંક્ય રહાણે પણ રૂટની જેમ ફિફ્ટીને સેન્ચુરીમાં કન્વર્ટ કરવામાં નિષ્ફળ રહ્યો છે.

છેલ્લી મૅચમાં બૅરસ્ટો સંભાળશે વિકેટકીપિંગ

આજથી શરૂ થનારી પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં જૉની બૅરસ્ટો વિકેટકીપરની જવાબદારી સંભાળશે. ટ્રેન્ટ બ્રિજમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમ્યાન તેની આંગળીમાં ફ્રૅક્ચર થતાં જૉસ બટલરે વિકેટકીપર તરીકેની જવાબદારી સંભાળી હતી. ચોથી ટેસ્ટમાં પણ બટલર જ વિકેટકીપર રહ્યો હતો, પરંતુ બૅરસ્ટોને બૅટ્સમૅન તરીકે ટીમમાં સ્થાન મળ્યું હતું. તેણે ચોથી ટેસ્ટમાં ૬૦ રન પણ કર્યા હતા. ઇંગ્લૅન્ડે સિરીઝ ૩-૧થી જીતી લેતાં બેરસ્ટૉ પાંચમી ટેસ્ટમાં ફરીથી વિકેટકીપર તરીકેની જવાબદારી સંભાળશે. ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે તેની આંગળીમાં થયેલી ઈજા હવે સંપૂર્ણપણે ઠીક થઈ ગઈ છે.

ભારતે વિદેશમાં ભૂતકાળમાં મેળવેલા વિજયો શાસ્ત્રીને ગણાવ્યા ગાવસકરે

વિરાટ કોહલીની ટીમે છેલ્લાં ૧૫-૨૦ વર્ષમાં વિદેશોમાં સૌથી વધુ વિજય મેળવ્યા હોવાના કોચ રવિ શાસ્ત્રીએ કરેલા દાવાનો જવાબ આપતાં સુનીલ ગાવસકરે તેને ભારતે વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લૅન્ડમાં મેળવેલા સિરીઝ-વિજયની યાદ અપાવી હતી. તેમણે કહ્યું હતું કે ‘૧૯૮૦માં ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝમાં જીતી હતી. ૨૦૦૫માં રાહુલ દ્રવિડના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડીઝમાં અને ૨૦૦૭માં ઇંગ્લૅન્ડમાં સિરીઝ જીતી હતી. દ્રવિડને તેના નેતૃત્વ અને ટીમના વિજય માટે બહુ જ ઓછું શ્રેય મળ્યું છે.’

મોઇન અલી સામે શરણાગતિ સ્વીકારનાર ભારતીય બૅટ્સમેનોની ટીકા કરતાં ભૂતપૂર્વ કૅપ્ટને કહ્યું હતું કે ‘ભારતીય બૅટ્સમેનોને ખરાબ ફુટવર્કને કારણે સહન કરવું પડ્યું છે. આ બધુ વધારે પડતા વન-ડે ક્રિકેટને કારણે થયું છે, જેમાં ફાસ્ટ બોલરો માટે ચાર સ્લિપ નથી હોતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK