શ્રીલંકા સામેની શરૂઆતની બે ટેસ્ટમાં ન રમવાને કારણે ઊભી થયેલી વિવિઘ અટકળો વિશે ઑલરાઉન્ડર ખેલાડીએ કર્યો ખુલાસો
શ્રીલંકા સામેની સિરીઝની પહેલી બે ટેસ્ટમાં ગેરહાજરીને લઈને શરૂ થયેલી વિવિધ આશંકાઓને દૂર કરતાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે ૧૦૦ ટકા ફિટ ન હોવાને કારણે મેં જ ટીમ-મૅનેજમેન્ટને મને આરામ આપવાની વિનંતી કરી હતી. હાર્દિકને આરામ આપવામાં આવ્યો એ પહેલાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. વળી ભારતીય ક્રિકેટ ર્બોડની મીડિયા રિલીઝમાં પણ તે ઈજાગ્રસ્ત છે કે નહીં એ વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં નહોતી આવી. હાર્દિકે કહ્યું હતું કે ‘સાચું કહું મારું શરીર થાકી ગયું હોવાથી મેં જ આ માગણી કરી હતી. સતત રમવાને કારણે થાકી ગયો હતો. જ્યારે હું મારું ૧૦૦ ટકા યોગદાન આપી શકું ત્યારે જ હું ક્રિકેટ રમવા માગું છું. હું નસીબદાર છું કે મને આ બ્રેક મળ્યો છે જેમાં હું મારી ફિટનેસ સુધારવાનો પ્રયત્ન કરીશ.’
હાર્દિક પંડ્યા થોડા દિવસો બાદ બૅન્ગલોરમાં આવેલી નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં પોતાની ક્ષમતા વધારવા માટે જશે. તેને એવી આશા છે કે પોતાની ઑલરાઉન્ડ ક્ષમતાને કારણ તે સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં સારી ભૂમિકા ભજવી શકશે. તેણે કહ્યું હતું કે ‘હું બહુ જ ઉત્સાહિત છું. લોકો એની વાતો કરી રહ્યા છે. મને જીવનમાં પડકાર ગમે છે. મને આશા છે કે અમે ત્યાં સારું પ્રદર્શન કરીશું.’
