સચિન ક્યારેય શોએબની બોલિંગથી નહોતો ડર્યો. માત્ર મારી બોલિંગનો ખૂબ ભય લાગતો હતો

 

આઇસીસી (ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા બૉલ સાથે ચેડાં કરવા બદલ બે વખત સસ્પેન્ડ થઈ ચૂકેલા પાકિસ્તાનના વિવાદાસ્પદ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ‘કન્ટ્રોવર્સિયલી યૉર્સ’ ટાઇટલવાળી આત્મકથામાં સચિન તેન્ડુલકર અને રાહુલ દ્રવિડ મૅચ-વિનર્સ નથી એવું કહેવા ઉપરાંત ખાસ કરીને પોતાના ફાસ્ટ બૉલથી સચિન બહુ ડરતો હતો એવું કહીને હરભજન સિંહ અને વિનોદ કાંબળી સહિતના કેટલાક ભારતીય ક્રિકેટરોનો ગુસ્સો વહોરી લીધો છે. ભજી અને કાંબળીએ શોએબને વખોડી કાઢ્યો હતો.- પોતાના લાડલા બૅટ્સમૅનની ખરાબ શબ્દોમાં ટીકા થઈ એટલે કાંબળીએ મજાક કરીને તેનો આક્ષેપ સાવ મામૂલી બનાવી દીધો.
- શોએબ અખ્તરે આત્મકથામાં પોતાની બોલિંગ સામે સચિનને બીકણ ગણાવવા ઉપરાંત અનેક સનસનાટીભરી વાતો કરી.

 

નવી દિલ્હી,

 

શોએબે આત્મકથામાં એવું પણ લખ્યું છે કે ‘ફૈસલાબાદની સ્લો પિચ પરની એક મૅચમાં સચિન મારા ફાસ્ટ બૉલને અડ્યો પણ નહોતો છતાં કૅચની અપીલ થતાં તે નીકળીને જતો જ રહ્યો હતો. સચિન અને દ્રવિડ મૅચ-વિનર્સ તો નથી જ, મૅચ કેવી રીતે ફિનિશ કરવી એની કળા પણ તેમને નથી આવડતી.’

સચિનના નજીકના મિત્ર અને ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબળીએ ગઈ કાલે પ્રત્યાઘાતમાં હળવી મજાક કરીને શોએબના આક્ષેપને સાવ ખોટો પાડતાં કહ્યું હતું કે ‘સચિન ક્યારેય શોએબથી નહોતો ગભરાતો. હું તો એવું માનું છું કે સચિનને વિશ્વભરના પ્લેયરોમાં માત્ર મારી બોલિંગનો જ ડર હતો.’

શોએબે કલકત્તા નાઇટ રાઇડર્સના ફ્રૅન્ચાઇઝીના કો-ઓનર શાહરુખ ખાન અને ભૂતપૂર્વ આઇપીએલ-કમિશનર લલિત મોદીને વખોડતાં લખ્યું છે કે ‘આઇપીએલમાં મને જે પૈસા મળતા હતા એ વિશે હું ખુશ નહોતો, પરંતુ શાહરુખ અને મોદીએ મને ત્યારે મનાવીને શાંત પાડી દીધો હતો. મારે તેમનું માનવું જ નહોતું જોઈતું.’

શોએબે ફેરવી તોળ્યું

શોએબ અખ્તરે ગઈ કાલે દિલ્હીમાં આત્મકથાના લૉન્ચિંગ વખતે સચિનની ખૂબ પ્રશંસા કરવાની સાથે કહ્યું હતું કે ‘સચિન હંમેશાં મારી બોલિંગથી ડરતો હતો એવું મેં કહ્યું જ નથી. ટેનિસ-એલ્બૉની ઈજા વખતે તે હુક અને પુલ શૉટ નહોતો મારી શકતો અને ત્યારે મારી બોલિંગથી ખૂબ ચેતીને રમતો હતો એટલે એ ઘટના પરથી મેં તેના વિશે આવું કહ્યું છે.’

પાકિસ્તાનમાં મિશ્ર પ્રત્યાઘાતો

શોએબના બૉલ-ટૅમ્પરિંગના આક્ષેપો વિશે ભૂતપૂર્વ પ્લેયરો આમિર સોહેલ, આસિફ ઇકબાલ અને રાશિદ લતીફે કહ્યું હતું કે ‘દરેક આત્મકથામાં વિવાદાસ્પદ વાતો ન હોય તો એ પુસ્તક વેચાય જ નહીં એટલે શોએબે પણ બુક વેચીને પૈસા બનાવવા એમાં વિવાદાસ્પદ વાતો કરી છે.’

જોકે લતીફે એવું પણ કહ્યું હતું કે ’શોએબના આક્ષેપોમાં કોઈ નવી વાત નથી. તેની મોટા ભાગની વાતો સાચી છે.’

શોએબે આત્મકથામાં લખ્યું છે કે ‘મેં ઘણી વખત બૉલ-ટૅમ્પરિંગ કર્યું હતું. બધા પાકિસ્તાની બોલરો પણ એવું કરી ચૂક્યા છે.’

હું જેમની સાથે રમ્યો છું તે બધા પાકિસ્તાની ફાસ્ટ બોલરો વધુ સારા સ્વિંગ કરી શકાય એ માટે બૉલ સાથે ચેડાં કરતા હતા. આ વાતની કબૂલાત કરનાર કદાચ હું પ્રથમ છું, પરંતુ હું જરાય ખોટું નથી કહેતો. દરેક પાકિસ્તાની ફાસ્ટ બોલરો બૉલ ટૅમ્પર કરી ચૂક્યા છે.

ખરેખર તો વિશ્વની દરેક ક્રિકેટ-ટીમના બોલરો બૉલ સાથે ચેડાં કરતા હોય છે. આની શરૂઆત કદાચ અમે કરી હશે. જોકે હું ચોખ્ખા શબ્દોમાં કહું છું કે ‘કોઈ ટીમ દૂધ કી ધૂલી નહીં હૈ.’

બૉલ સાથે ચેડાં કરવાં એ બહુ ખોટું કામ કહેવાય, પરંતુ ક્રિકેટજગતનો લગભગ દરેક ફાસ્ટ બોલર એવું કરતો જ હોય છે. ઘણી વાર પિચ એટલી બધી સ્લો હોય છે કે ફાસ્ટ બોલરે બૉલ ટૅમ્પર કરવાનો માર્ગ અપનાવવો જ પડે.

આઇસીસીએ બાઉન્સર ફેંકવાની વષોર્ સુધી મનાઈ કર્યા પછી ૨૦૦૧માં ઓવરદીઠ માત્ર એક બાઉન્સરની જ છૂટ આપી હતી. પિચો નર્જિીવ અને સ્લો હોય છે અને બૅટ્સમેનોને જ વધુ ફાયદો કરાવનારી હોય છે. એ સ્થિતિમાં ફાસ્ટ બોલરોની તો દોડી-દોડીને હાલત જ કફોડી થઈ જતી હોય છે. બૅટ્સમેનો અમારા બૉલને મેદાનની ચારેય બાજુએ મોકલીને મોજ કરે છે અને અમે જાણે તેમને મૅચ-પ્રૅક્ટિસ કરાવતા હોઈએ એવી હાલતમાં મુકાઈ જતા હોઈએ છીએ.

૨૦૦૩ના વલ્ર્ડ કપ પછી શ્રીલંકામાં અમે ટ્રાયેન્ગ્યુલર રમવા ગયા હતા ત્યારે દામ્બુલામાં ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચ દરમ્યાન અસહ્ય ગરમી અને ભેજવાળા વાતાવરણમાં સ્લો વિકેટ પર બોલિંગ કરવાની હતી. મેં તો રિઝલ્ટ અમારી ફેવરમાં લાવવા બૉલ સાથે ચેડાં કરવાની શરૂઆત કરી દીધી હતી. મને ત્યારે એક મૅચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને મારી ૭૫ ટકા મૅચ-ફી પણ કપાઈ ગઈ હતી. જોકે એ બનાવ પછી મને બૉલ ટૅમ્પર કરવાની આદત પડી ગઈ હતી. ઘણી વાર અમ્પાયર મને ચેતવણી આપતા હતા, પરંતુ હું કોઈની પરવા જ નહોતો કરતો.

હું નામ નહીં આપું, પણ એક પાકિસ્તાની બોલરે વધુ રિવર્સ-સ્વિંગ કરવા એક અમ્પાયરના ખિસ્સામાંથી બૉલ ચોરી લઈને એની જગ્યાએ બીજો બૉલ મૂકી દીધો હતો. અમ્પાયરો સામાન્ય રીતે કોટના ખિસ્સામાં બૉલ રાખતા હોય છે અને લંચ વખતે એ કોટ ખીંટીએ ટિંગાડી દેતા હોય છે. એક મૅચમાં લંચ દરમ્યાન મારા સાથીપ્લેયરે અમ્પાયરના પૉકેટમાં બૉલ મૂકીને બદલાવી લીધો હતો. એ બનાવ પછી અમ્પાયરો હવે રૂમમાં કોટ ટિંગાડી દઈને એ રૂમ લૉક કરાવી દે છે.

બૉલ માત્ર નખથી જ ટૅમ્પર ન કરાય. હું તો મારા બૂટની કિનારીથી અને મારા પાછળના પૉકેટની ઝિપથી પણ બૉલ ખોતરતો હતો. ઘણા બોલરો વૅસલિન અને ગમ લગાડતા હોય છે.

આઇસીસીને મારી વિનંતી છે કે બોલરોને આવું કરતા રોકવા હોય તો તેમને મદદરૂપ થાય એવી પિચો પણ બનાવડાવો.
બોલર બૉલને હાથમાં લેતાં પહેલાં પોતાના વાળને હાથ નથી લગાડી શકતો. આવા ઘણા નિયમો બોલરો માટે છે.

હું તો કહું છું કે બૉલ-ટૅમ્પરિંગ અટકાવી નહીં શકાય એટલે એને આઇસીસીએ કાયદેસર જ બનાવી નાખવું જોઈએ. ખાસ કરીને નખથી બૉલ ખોતરવાની છૂટ મળવી જોઈએ. બૉલ સાથે ચેડાં કરવાં એ પણ એક કળા છે. દરેક બોલર સારી રીતે ચેડાં નથી કરી શકતો.

 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK