મારી ઉંમર ૨૪ વર્ષ છે. ફેબ્રુઆરી મહિનામાં મારાં અરેન્જ્ડ મૅરેજ થવાનાં છે.
સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી
સવાલ : મારી ઉંમર ૨૪ વર્ષ છે. ફેબ્રુઆરી મહિનામાં મારાં અરેન્જ્ડ મૅરેજ થવાનાં છે. મારી ફિયાન્સે સાથે મેં હજી સુધી કોઈ નજદીકી કેળવી નથી, પરંતુ મારી એક્સ-ગર્લફ્રેન્ડ્સ સાથે ફિઝિકલ સંબંધો હું માણી ચૂક્યો છું. કહેવાય છે કે વર્જિન છોકરી સાથે સમાગમ કરવાથી જે આનંદ મળે એ ખૂબ જ જુદો હોય. ઇન ફૅક્ટ, હું આ અનુભવી પણ ચૂક્યો છું. મારી સૌથી પહેલી ગર્લફ્રેન્ડ વર્જિન હતી. તેની સાથેના મારા ફસ્ર્ટ ટાઇમના ફિઝિકલ સંબંધો ખૂબ જ રોમાંચક હતા. તેની સાથે ગાળેલી પ્રત્યેક પળ મને આજેય રોમાંચિત કરી જાય છે. જોકે તેની સાથે બ્રેકઅપ થયા પછી બીજી બે ગર્લફ્રેન્ડ્સ સાથે એટલું એક્સાઇટમેન્ટ નહોતું. મારી એ ગર્લફ્રેન્ડ્સ વર્જિન નહોતી. તો શું એ વાત સાચી છે કે સ્ત્રીની વર્જિનિટી તૂટે ત્યારે પાર્ટનરને પણ અગમ્ય આનંદ થાય. મને વિચાર આવે છે કે શું મારી પત્ની વર્જિન હશે? તેની સાથે એટલો આનંદ આવશે?
જવાબ : જીવનમાં પહેલી વારના સંભોગમાં જે એક્સાઇટમેન્ટ અનુભવાયું એને અને છોકરીની વર્જિનિટીને કોઈ જ લેવાદેવા નથી. સેક્સનો પહેલવહેલી વારનો અનુભવ જો પ્રિય પાત્ર સાથે થાય તો એ રોમાંચક જ રહેવાનો. તમારી એ પાર્ટનર વર્જિન ન હોત તો પણ એવું જ થાત. વર્ષો સુધી કોઈએ ખાવાનું ન ખાધું હોય ને સામે ગરમાગરમ રોટલીવાળું તૈયાર ભાણું મૂકવામાં આવે તો પહેલી રોટલી તમને વધુ મીઠી લાગે ને એનાથી સંતુષ્ટિ પણ વધુ થાય. એ પછીથી રોજેરોજ ખાવામાં તમારી ભૂખ જરૂર સંતોષાય, પણ પહેલી વારની રોટલીમાં જે મીઠાશ અને તૃપ્તિ મળેલી એટલી કદાચ ન પણ મળે. એવું જ કંઈક પહેલી વારના સેક્સનું કહી શકાય.
પહેલી ગર્લફ્રેન્ડ સાથે વધુ એક્સાઇટમેન્ટ ફીલ થયું એનું ખરું કારણ પાર્ટનરની વર્જિનિટી નહોતી, બલ્કે તમારો ખુદનો એ પહેલો અનુભવ હતો એટલે તમને મજા આવી. ટૂંકમાં કહું તો તમે વર્જિન હતા એટલે તમને એ મજા આવી. જીવનમાં કશુંક પહેલી વાર કરવાનો જે રોમાંચ છે એ બીજી વારમાં નથી આવતો. હવે તમારી પત્ની વર્જિન હોય કે ન હોય એવો અનુભવ તમને નથી મળવાનો. એટલે પત્નીની વર્જિનિટી તપાસવાની જહેમત ઉઠાવવાની જરૂર નથી.
