મને જે ચીજ આત્મસન્માન માટે જરૂરી લાગે છે એને ગર્લફ્રેન્ડ મારો અહંકાર છે એવું માને છે

આજકાલના યુવકો હવે પહેલાં જેવો ઇગો નથી રાખતા, પરંતુ તેમનું આત્મસન્માન ઘવાતું હોય ત્યારે પણ ચૂપ રહેવું એ ઠીક તો નથી જને?

man

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ :
આજકાલના યુવકો હવે પહેલાં જેવો ઇગો નથી રાખતા, પરંતુ તેમનું આત્મસન્માન ઘવાતું હોય ત્યારે પણ ચૂપ રહેવું એ ઠીક તો નથી જને? મારાં હજી લગ્ન થવાનાં બાકી છે. હું ૨૮ વર્ષનો થયો છું અને મીરા રોડમાં ભાડેથી રહું છું. મને જેની સાથે પ્રેમ છે તે છોકરી ગુજરાતની છે. તે અમારા કરતાં ખાધેપીધે સુખી પરિવાર ધરાવે છે. તેને મીરા રોડના નાનકડા ઘરમાં કેવી રીતે ફાવશે એ વાત મનેય સતાવે છે. જોકે ઘર સિવાય બીજી કોઈ વાતે મેં તેને કદી ઓછું નથી આવવા દીધું. ન પરવડે એમ હોય તોય સહેજ ખેંચાઈનેય તેને ખુશ રાખવાની કોશિશ કરું છું. એમ છતાં તેને એમ જ લાગે છે કે હું તેની કાળજી નથી રાખતો. તેને બીજા કોઈએ આપેલી મોંઘી ગિફ્ટ્સ વધુ નજરે આવી જાય. મારી પહેલી પ્રાયોરિટી બોરીવલી બાજુ ઘર લેવાની છે, જ્યારે તેનું કહેવું છે કે તેના પપ્પાનો અહીં મુંબઈમાં એક ફ્લૅટ છે એમાં જ આપણે રહીએ તો બધી તકલીફો ઘટી જશે. જો ઘર માટે અત્યારથી બચત નહીં કરીએ તો લાંબા ગાળે આપણા માટે જ મુશ્કેલી ઊભી થશે. જોકે તેને બધું ટૂંકા ગાળાનું જ દેખાય છે. તેનો પરિવાર મારા કરતાં અનેકગણો સંપન્ન છે, પણ જો અત્યારથી હેલ્પ લેવાની શરૂ કરું તો મારું માથું હંમેશાં નીચું જ રહે. અમારી વચ્ચે ઝઘડો એ વાતનો થાય છે કે તેના પપ્પાના ઘરમાં રહેવાની ના પાડવાને તે મારો અહંકાર ગણે છે, જ્યારે મને એ આત્મસન્માન લાગે છે. તેને લાગે છે કે ભાડું બચી જશે તો લાઇફ-સ્ટાઇલ સારી રહેશે. શું આ દલીલ સાચી છે?

જવાબ : અહંકાર અને આત્મસન્માન વચ્ચે આમ જુઓ તો ખૂબ પાતળી ભેદરેખા છે અને આમ જુઓ તો આસમાન-જમીનનો તફાવત છે. જોકે ભાવિ સસરાના ઘરમાં રહેવું કે ન રહેવું એ અત્યારે આત્મસન્માન કે અહંકારનો મુદ્દો છે જ નહીં. સવાલ અહીં સહજીવનની શરૂઆત કઈ રીતે કરવી છે એની છે, સહજીવનમાં એકમેકની પરિસ્થિતિને અનુકૂળ થવાની કેટલી તૈયારી છે એની છે.

ગર્લફ્રેન્ડ સુખી પરિવારની હોવાથી તેને બધું છૂટથી જોઈતું હોય તો એ સ્વાભાવિક છે, પરંતુ પ્રૅક્ટિકલ નથી. તમે થોડીક ખેંચ અનુભવીને પણ ઘર વસાવવાની વાત કરો છો એ ખૂબ વ્યવહારુ છે, પરંતુ તમારી જીવનસંગિનીને અનુકૂળ નથી. સસરાના ઘરમાં ન રહેવાય એ મુદ્દે તમે લડો છો, પરંતુ હકીકતમાં તમારે બન્નેને માફક આવે એવી જીવનશૈલી માટે મથવાની જરૂર છે. ગર્લફ્રેન્ડને કદાચ હજી ઘરના બે છેડા ભેગા કરવા માટે મધ્યમ વર્ગના પરિવારને અનુભવાતી કશમકશ એટલે શું એ નથી સમજાતું. એમાં તેનો વાંક નથી, પરંતુ આ બાબત તમને સંબંધો આગળ વધારવામાં અડચણરૂપ જરૂર બનશે. તમારી આર્થિક સ્થિતિ અને તેની જીવનશૈલી વચ્ચે સંતુલન લાવવું જરૂરી છે. તમને શું અને કેવું પોસાઈ શકે એમ છે એની સમજણ તેને હોવી જોઈએ અને તેને કેવી જીવનશૈલી પ્રમાણે જીવવાનું નહીં ફાવે એની સમજણ તમને હોવી જોઈએ. બન્નેએ એ સમજણને આધારે એક-એક કદમ ચાલીને વચલો રસ્તો શોધવો એ જ એક ઉકેલ છે. જો બેમાંથી કોઈ એકને પણ એમ લાગે કે પોતાને વધુપડતું સમાધાન કરવું પડી રહ્યું છે તો એ સંબંધમાં નાહકની તાણ ઊભી કરશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK