જે છોકરીને પસંદ કરતો હતો તેની મમ્મીએ મારા પર જાદુટોણાં કરીને અમને દૂર કર્યાં અને હવે જીવનમાં કશું જ રસપ્રદ રહ્યું નથી

ભણવાનું ગુજરાતમાં પૂરું કરીને નોકરી માટે મુંબઈ આવ્યો છું. ગામમાં મારી સાથે થયેલાં જાદુટોણાંને કારણે મારી આખી જિંદગી ડિસ્ટર્બ થઈ ગઈ છે.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : ભણવાનું ગુજરાતમાં પૂરું કરીને નોકરી માટે મુંબઈ આવ્યો છું. મારા કાકાને ત્યાં રહીને નોકરી કરું છું. ગામમાં મારી સાથે થયેલાં જાદુટોણાંને કારણે મારી આખી જિંદગી ડિસ્ટર્બ થઈ ગઈ છે. ગામમાં હું એક છોકરીના પ્રેમમાં હતો. બે વર્ષ અમારું છૂપું અફેર ચાલ્યું, પણ જેવી તેના ઘરનાઓને ખબર પડી કે અમારા સંબંધો પર ગાજ વરસી. શરૂઆતમાં તેના ભાઈઓએ મારા હાથપગ તોડી નાખવાની ધમકી આપી એટલે મારી ગર્લફ્રેન્ડ ડરી ગઈ. એમ છતાં અમે ગુપચુપ મળતાં. એક વાર તેની મમ્મી અમને જોઈ ગઈ અને તેમણે ધમકી આપી કે તેઓ મારા પર એવા દાણા ફેરવશે કે આ છોકરી તો શું કોઈ છોકરી મને નહીં મળે. હું લડવા તૈયાર હતો, પણ મારી ગર્લફ્રેન્ડ તેની મમ્મીની સાઇડ થઈ ગઈ. હકીકતમાં તેમણે મારા પર એવાં જાદુટોણાં કર્યાં છે કે હવે મારે કોઈનીયે સાથે બનતું જ નથી. મારી ગર્લફ્રેન્ડ પણ મારી મમ્મી અને ભાભીને ગમેએમ સંભળાવી ગઈ એટલે હવે મારી મમ્મી પણ મને નથી બોલાવતી. મને હવે કશામાં મન નથી લાગતું. મારા જીવનમાં ખુશ થવાય એવું કશું રહ્યું જ નથી. મુંબઈમાં જરાક સારું લાગે છે, પરંતુ અહીં પણ ઑફિસના લોકો ખડૂસ છે. પહેલાં હું મારી ગર્લફ્રેન્ડ માટે જીવતો હતો, પણ તેણે જ મને દગો દીધો. તેની મમ્મીએ દોરાધાગા કરીને મારી જિંદગી બગાડી દીધી. હુંય ઇચ્છું છું કે તે પણ મારી જેમ પીડાય અને તેનેય કદી જીવનમાં સુખ ન મળે. હવે હું તેને ભુલાવીને નવું જીવન જીવવાની કોશિશ કરું છું, પણ કાળા જાદુની અસર ઘટતી જ નથી.

જવાબ : મને જાદુટોણાંની ભાષા સમજાતી નથી, કેમ કે હું એમાં માનતી નથી. ધારો કે જાદુટોણાં જેવું કંઈક હોય તોય એવા લોકોને જ અસર કરે છે જેઓ મનથી નબળા હોય. તમે સ્ટ્રૉન્ગ બનશો અને આવી માન્યતાને જેટલી વહેલી પડતી મૂકશો એટલો તમને ફાયદો થશે. ઘણી વાર આપણે આપણી નબળાઈઓથી ઉપર ઊઠી ન શકતા હોઈએ ત્યારે દોષનો ટોપલો બીજા પર ઢોળવા માટે આપણું મન જ આવાં બહાનાં શોધી કાઢે છે. આવાં બહાનાંને બદલે પ્રૅક્ટિકલ થવું જરૂરી છે.

કોઈ તમારા વિશે બૂરું ઇચ્છે અને એના કારણે તમારે કોઈનીયે સાથે દોસ્તી ન થાય એવું ખરેખર શક્ય નથી હોતું. નિષ્ફળતાને બીજાના માથે થોપવાને બદલે તમે લોકો સાથેની મિત્રતા કેમ જાળવી નથી શકતા એ વિચારો એ જરૂરી છે.

ખૂબ સારી વાત એ છે કે તમે જૂની વાતો ભૂલીને નવી જિંદગી જીવવા માગો છો; પરંતુ મનમાં હજી કોઈક ખૂણે કડવાશ રહી ગઈ છે, ખરુંને? કદાચ તમારી સાથે જે કંઈ થયું એ માટે તમે માત્ર સામેવાળી વ્યક્તિને જ દોષી માનો છો, પરંતુ તાળી હંમેશાં બે હાથે પડે છે એ સમજવું જરૂરી છે. ચાલો માની લઈએ કે માત્ર તે છોકરીનો જ વાંક હતો. તો પણ જ્યાં સુધી તમે તેને દિલથી માફ નહીં કરો ત્યાં સુધી આખી ઘટનાનો પડછાયો તમારા પડખે જ રહેવાનો છે. એટલે તે સુખી નહીં થાય એવી હાય લગાડવા કરતાં તેણે જે કંઈ કર્યું એ માટે પ્રભુ તેને માફ કરે એવું દિલથી ઇચ્છો. ચોક્કસ તમારી અંદર પૉઝિટિવ એનર્જી અનુભવાશે. આ જ હકારાત્મક સ્પંદનોથી તમારા એક નહીં અનેક મિત્રો બનશે. હકારાત્મક વિચારોની ઊર્જા જાદુટોણાંના ભયને પણ ભગાડી દેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy