બ્રેકઅપ થઈ ગયું છે છતાં તેને ભૂલી નથી શકતો, તેને પાછી મેળવવા શું કરું?

છેલ્લાં દસ વર્ષથી હું એક છોકરી સાથે રિલેશનશિપમાં છું. મારો પ્રૉબ્લેમ એ છે કે અમારી વચ્ચે બહુ ઝઘડા થાય છે.

depress

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : હું વસઈમાં રહું છું. છેલ્લાં દસ વર્ષથી હું એક છોકરી સાથે રિલેશનશિપમાં છું. મારો પ્રૉબ્લેમ એ છે કે અમારી વચ્ચે બહુ ઝઘડા થાય છે. છેલ્લા કેટલાક દિવસથી અમે બહુ જ ઝઘડીએ છીએ અને તેનું કહેવું એમ છે કે હું વધારે કમાતો નથી, આગળ આપણી લાઇફ નથી, ફ્યુચર નથી. એટલે આપણે બ્રેક-અપ કરી નાખીએ. અમે ૨૦૧૭ની ૩૧ ડિસેમ્બરે બ્રેક-અપ કર્યું, પણ તેના વગર નથી રહી શકતો. અમારા ઘરે ફૅમિલીની મીટિંગ કરી ત્યારે તેના પપ્પાએ કીધું કે દીકરીનાં લગ્ન કાસ્ટમાં જ કરીશું. એ લોકો ઉત્તર પ્રદેશવાળા છે અને હું ગુજરાતી છું. મને ખબર છે કે તેનું લફરું કોઈક બીજા સાથે ચાલે છે, પણ તે મને કહેવા નથી માગતી. હું શું કરું? બહુ જ ફ્રસ્ટેટેડ છું, કંઈક રસ્તો બતાવો. મને આ છોકરી મારી લાઇફમાં પાછી જોઈએ છે. પ્લીઝ, કંઈક સૉલ્યુશન આપો.

જવાબ :
યંગ એજમાં કોઈકની સાથે મન મળી જાય અને સાથે જીવન જીવવાનાં ગુલાબી સ્વપ્નો જોયાં હોય એ પછીથી અચાનક એ વ્યક્તિનો સાથ ન રહે ત્યારે જબરો ખાલીપો અનુભવાય. એવું લાગે કે જાણે તેના વિના રહેવાશે નહીં, જિવાશે નહીં. જીવેલું મન વગરનું હશે. આવી ફીલિંગ બહુ જ નૅચરલ છે, પણ જિંદગી માત્ર લાગણીઓના સહારે જિવાતી નથી હોતી. જીવનમાં પ્રૅક્ટિકલ થવું જ પડે છે.

તમે ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી લીધું છે. તેના પપ્પાએ સ્પષ્ટ કરી દીધું છે કે પોતે દીકરીનાં લગ્ન પોતાની જ જ્ઞાતિમાં કરાવવાનાં છે. તમે પોતે પણ મનમાં શંકા ધરાવો છો કે તમારી ગર્લફ્રેન્ડનું બીજા કોઈક સાથે અફેર છે. મતલબ કે તે બીજા કોઈકને ચાહે છે. તમે જે આર્થિક સ્થિતિ ધરાવો છો એમાં તે ઍડ્જસ્ટ થવા પણ તૈયાર નથી. આવા સંજોગોમાં ધારો કે તે તમારા જીવનમાં પાછી આવી પણ ગઈ તોય ભવિષ્ય કેવું હશે એની તમે કલ્પના કરી શકો છો? શું તમારી ટૂંકી આવકમાં તમે તેને ખુશ રાખી શકવાના છો? અત્યારે તમને ભરોસો નથી તો શું લગ્ન કરી લેવા માત્રથી તમે એમ જ વિશ્વસનીય સંબંધો સ્થાપી શકશો?

આપણે માત્ર આપણા તરફથી સામેવાળી વ્યક્તિને પૂરો પ્રેમ કરવાનું કમિટમેન્ટ આપી શકીએ, પણ જો સામેવાળી વ્યક્તિને એવી જ પ્રેમની લાગણી ન હોય તો પરાણે કમિટમેન્ટ કેવી રીતે લેવાય? પ્રેમમાં કોઈને પરાણે બાંધી રાખી નથી શકાતા. બેઉ પક્ષે પૂરતો અને ભારોભાર પ્રેમ હોય ત્યારે જ પ્રેમલગ્નો સફળ થાય છે.

અત્યારે તમે એકપક્ષી પ્રેમની લાગણીમાં તડપી રહ્યા છો. આવા સંજોગોમાં તમે જેટલું વધારે આ સંબંધને પકડી રાખવાની કોશિશ કરશો એટલો તમે તમારા જ જીવનનો મહામૂલો સમય વેડફશો.

‘મારે આ છોકરી મારા જીવનમાં પાછી જોઈએ જ છે’ એ તમારી બાળહઠ છે. એ છોકરી કોઈ વસ્તુ નથી કે તમે તેને યેનકેન પ્રકારેણ પાછી મેળવી શકો. તમે જો તેને પ્રેમ કરતા હો તો તેની મરજીને પણ તમારે સ્વીકારવી જોઈએ. જો તેને તમારી સાથે જીવનમાં સુખ નથી એવું લાગતું હોય તો તેને સ્વતંત્રતા આપવી એ પણ પ્રેમનો જ એક ભાગ છે.

હું સમજું છું કે જે વ્યક્તિને દિલથી ચાહી હોય તેને દિલ અને મનમાંથી ભૂંસવાનું બહુ જ કઠિન છે, પણ જ્યાં સુધી એ હકીકતનો સ્વીકાર નહીં કરો ત્યાં સુધી આવી એકપક્ષી પ્રેમની લાગણીમાં જીવ્યા કરવાનું એનાથીયે કઠિન થઈ પડશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy