જેની સાથે પ્રેમલગ્ન કરેલાં તેણે મને ત્યજી દીધી, આ વાતને ચાર વર્ષ થઈ ગયાં છતાં હું તેને કેમેય માફ નથી કરી શકતી

હું ૨૯ વર્ષની છું. એક દીકરાની મમ્મી છું અને સૌથી અગત્યનું તો એ કે હું ત્યક્તા છું.


સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ :
હું ૨૯ વર્ષની છું. એક દીકરાની મમ્મી છું અને સૌથી અગત્યનું તો એ કે હું ત્યક્તા છું. આ ત્યક્તા શબ્દ મને બહુ ખૂંચે છે, કેમ કે જે વ્યક્તિને હું મારા જીવથીયે વધુ પ્રેમ કરતી હતી તેણે મને ત્યજી દીધી છે. કદાચ મારો તેના પરનો ભરોસો વધુપડતો હતો. હું ભણેલી-ગણેલી છું એટલે મારી આજીવિકા ચલાવી શકું એટલું કમાઈ લઉં છું. ભારતનો કાયદો મને પતિ પાસેથી ભરણપોષણ પણ અપાવે છે, પરંતુ જ્યારે પોતાનું કહેવાય એવું કોઈ ન હોય ત્યારે પૈસાની સલામતીથી જીવનનો ખાલીપો કેમનો ભરાય? મારા છૂટાછેડાને ચાર વર્ષ થશે છતાં હું તેને ભૂલી નથી શકી. હવે તેની યાદ સાથે મનમાં માત્ર ખરાબ યાદો જ ઊભરે છે. તેણે તો બીજાં લગ્ન કરી લીધાં છે અને બહુ સુખી લાગે છે. ઍટ લીસ્ટ ફેસબુક પર તો તેના સુખને વેરતો રહે છે. મારી મમ્મી મને બહુ સમજાવે છે કે જિંદગીમાં આગળ વધ; પણ હું તેને માફ નથી કરી શકતી, કેમ કે આ મારાં પ્રેમલગ્ન હતાં. એમ અચાનક તેને મારા પરથી પ્રેમ ઊઠી જાય એટલો કાચો હતો અમારો નાતો? એ કચાશ હું કેમ કદી જોઈ ન શકી? જેમ પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે એમ તૂટેલા સંબંધોનું શ્રાદ્ધ ન થઈ શકે? શું મારામાં બદલાની ભાવના છે? શું કરું તો હું આ અકળ પીડામાંથી બહાર નીકળી શકું?

જવાબ : જેને જીવથીયે વધુ પ્રેમ કર્યો હોય તે જ્યારે દગો દે ત્યારે એ પછીનું જીવન પ્રાણ વિનાના શરીર જેવું થઈ જાય છે. તમારી પીડાને કોઈ શબ્દો વર્ણવી શકે એમ નથી. તમારી મમ્મી સાચું જ કહે છે કે જૂના સંબંધને માફી આપી દેવી એ જ માત્ર ઉકેલ છે.

તમે તેને માફ કરશો કે નહીં કરો એનાથી તેને કોઈ ફરક નથી પડવાનો, પણ તમને જરૂર ફરક પડશે. જેણે તમને ત્યજી દીધા છે તે વ્યક્તિ હજીયે તમારા મન અને દિલમાં વગર ભાડાની જગ્યા રોકી રહી છે. શા માટે? ખોટા સંબંધને સમય આપીને જે ભૂલ કરી એ જ ભૂલ તમે હજીયે એ સંબંધને મનમાં સંઘરી રાખીને આગળ વધારી રહ્યા છો.

તે વ્યક્તિ જ બીજાને માફ કરી શકે છે જે બીજાને તેમ જ પોતાની જાતને પ્રેમ કરતી હોય. બીજાને માફ ન કરીને તમે તમારી જાત સાથે અન્યાય કરી રહ્યા છો, તમારા દીકરાને અન્યાય કરી રહ્યા છો. તમને એવું કરવાનો કોઈ હક નથી. જ્યારે પણ બીજાની ભૂલને માફ કરવાનું અઘરું લાગતું હોય ત્યારે વિચારવું કે જે કંઈ થાય છે એ સારા માટે હોય છે. કદાચ જીવનનો એ તબક્કો તમને કોઈ પદાર્થપાઠ શીખવવા માગતો હશે. તમે એમાંથી શીખવા જેવું શીખીને આગળ વધવાને બદલે બીજાની ભૂલનો ભાર માથે લઈને ન ફરો.

માફ કરવું એટલે શું? એક્સ-હસબન્ડને ભૂલી જવું? ના, એમ કંઈ કોઈને ભૂલી જવાનું આસાન નથી. હા, તમે ભૂતકાળને પકડી રાખવાની કોશિશ કરો છો એ ઠીક નથી. ભૂતકાળની યાદોની પકડ થોડીક ઢીલી કરો. ભૂતકાળને ભૂલવાની તમે જેટલી પળોજણ કરશો એટલું વધુ એમાં ખૂંપતા જશો. એને બદલે તમે ભવિષ્ય તરફ નજર માંડો. જેવો તમે ભવિષ્યની હકારાત્મક કલ્પનાઓને મનમાં આકાર લેવાનો અવકાશ આપશો કે આપમેળે ધીમે-ધીમે ભૂતકાળની યાદો રિપ્લેસ થતી રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy