મારો બૉયફ્રેન્ડ લગ્ન પછી પણ બાળક નહીં જ કરીએ એવી જીદ કરે છે, પણ મને બાળક જોઈએ છે

અમારી ભૂલ-ભૂલમાં એક વાર મને પ્રેગ્નન્સી રહી ગઈ અને ત્યાંથી અમારી વચ્ચે મતભેદો શરૂ થયા

depressed women

પ્રતીકાત્મક તસવીર


સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : હું ૨૮ વર્ષની છું, પ્રોફેશનલી સેટલ્ડ છું અને છેલ્લાં બે વર્ષથી એક રિલેશનશિપમાં છું. બધી જ રીતે અમે જાણે મેડ ફૉર ઈચઅધર જેવાં હતાં. બન્નેની વિચારવાની રીત પણ ઘણા અંશે મળતી આવતી હતી. હતી એટલા માટે કે એક મુદ્દે અમારી વચ્ચે સાવ જ વિભિન્ન મત છે અને એમાં અમે એકમેકને સમજાવી નથી શક્યાં. અમારી ભૂલ-ભૂલમાં એક વાર મને પ્રેગ્નન્સી રહી ગઈ અને ત્યાંથી અમારી વચ્ચે મતભેદો શરૂ થયા. મને હતું કે અમે અબૉર્શન કરાવવાને બદલે લગ્ન કરી લઈએ, પણ તે કેમેય ન માન્યો. તેનો એક જ મુદ્દો હતો કે તેને બાળકો જોઈતાં જ નથી. તેની શરત હતી કે લગ્ન કરી લઈએ તો પણ તારે અબૉર્શન કરાવી લેવાનું. મને કંઈ જ સમજાતું નહોતું. હું ડિપ્રેશનમાં સરી પડી હતી અને આખરે કમને મેં અબૉર્શન કરાવી લીધું. મને હતું કે કદાચ હાલમાં બાળક નહીં જોઈતું હોય એટલે તે આવું કહેતો હશે. જોકે વાત માત્ર હાલની નથી. તે મને સ્પષ્ટ કહે છે કે લગ્ન પછી પણ તેને બાળકો નથી જ જોઈતાં, જ્યારે મેં તો લગ્ન પછી બાળકો ઉછેરવાનાં સપનાં જોયેલાં છે. સ્વાભાવિક છે કે કોઈ પણ છોકરી લગ્ન પછી બાળકો તો ઝંખે જ. હું તેને કઈ રીતે સમજાવું? એવું નથી કે તેને બાળકો નથી ગમતાં. તેની બહેનોનાં સંતાનોને તે બહુ જ સરસ રીતે રાખે છે. માત્ર તેને પોતાનાં બાળકો નથી જોઈતાં. મને સમજાતું નથી કે તે શા માટે આવું કરે છે? તેને સમજાવવા માટે શું થઈ શકે? બાળકો વિનાના પરિવારની કલ્પના કરવાનું મને સહેજેય જચતું નથી. તે એટલો જિદ્દી છે કે કહે છે કે કાં તો બાળક કાં મને બેમાંથી એકની પસંદગી કરી લે. શું કરવું?

જવાબ : લગ્ન પછી કેવું જીવન જીવવું છે એ બાબતે દરેક વ્યક્તિનાં પોતાનાં આગવાં સપનાં હોય છે. રોમૅન્ટિક જિંદગીની સાથે કોઈકને હર્યુંભર્યું ઘર હોય એવી ઇચ્છા હોય તો કોઈકને એવું હોય કે મારા જીવનમાં માત્ર હુતોહુતી જ હોવાં જોઈએ. કોઈકને દેરાણી-જેઠાણીથી ભરેલું ઘર હોય તો જ મજા આવે તો કોઈકને એકમાત્ર વહુ હોય તો જ એકચક્રી શાસન કરવાની મજા આવે. બધાનાં સપનાં એકસરખાં હોવાં જરૂરી નથી. એટલે જ તમે જેવું ઇચ્છો છો એવું જ તમારો બૉયફ્રેન્ડ પણ ઇચ્છે એવી અપેક્ષા રાખવી વધુપડતી છે.

જ્યારે બે સ્વતંત્ર વ્યક્તિઓ સહજીવન માટે તૈયાર થાય છે ત્યારે તેમણે પોતાના ઘણા ગમાઅણગમા બાજુએ મૂકવા પડે છે, ઘણી આદતો બદલવી પડે છે. રોજ સવારે ઊઠીને કડક ચા પીવાની આદત હોય અને જો પત્નીને કૉફી ભાવતી હોય તો ક્યારેક ચા છોડીને કૉફીના કપથી ચિયર્સ કરી જ શકાય. એમાં કશું ખોટું નથી. જોકે બાળકો હોવાં કે ન હોવાં એ આટલો નાનો મુદ્દો નથી. એક બાળક પેદા કરવું એટલે એ પચીસ વર્ષનો પ્રોજેક્ટ છે. બાળક પેદા કર્યા પછી યુગલનું આખું જીવન તેની જ આસપાસ આકાર લેવા માંડે છે. એવામાં જો તમારો બૉયફ્રેન્ડ બાળકની જવાબદારી માટે તૈયાર જ ન હોય તો તેને બાળક માટે ‘સમજાવવો’ એ ઠીક નથી. ધારો કે બહુ દબાણ કરવાથી અત્યારે તે માની પણ ગયો તો તે સંતાનના ઉછેર પાછળ કેટલું ડેડિકેશન આપશે એ પણ કહેવું મુશ્કેલ છે. તમે ૨૮ વર્ષનાં છો અને તમારો બૉયફ્રેન્ડ પણ એની આસપાસનો જ હશે. આ કંઈ બાલિશ ઉંમર નથી. આ ઉંમરે વ્યક્તિના વિચારો દૃઢ થવા લાગતા હોય છે. આવા સંજોગોમાં એકબીજાના વિચારોને કન્વર્ટ કરવાને બદલે એકમેકના વિચારોને સન્માન આપીને આગળ વધવું બન્ને માટે હિતાવહ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK