૨૦,૫૦૦ લોકોને ઉગારીને પાછી ફરી મેડિકલ આર્મી

કેરળના આફતગ્રસ્તોને તબીબી સારવાર આપવા સૌપ્રથમ પહોંચેલી મહારાષ્ટ્રના ડૉક્ટરો અને પૅરામેડિકલ સ્ટાફની ૧૧૦ જણની ટીમ ૬ દિવસે મુંબઈ પાછી ફરી

camp

મમતા પડિયા 

કેરળમાં ભારે વરસાદ અને લૅન્ડસ્લાઇડને કારણે ફસાયેલા અસરગ્રસ્તોને તબીબી સારવાર આપવા માટે સૌપ્રથમ પહોંચેલી મહારાષ્ટ્ર રાજ્યના ડૉક્ટરો અને પૅરામેડિકલ સ્ટાફ મળીને ૧૧૦ લોકોની ટીમ છ દિવસે ગઈ કાલે સાંજે મુંબઈ પાછી ફરી હતી. કેરળમાં રોગચાળો ફેલાય નહીં એની તકેદારી રાખીને જરૂરી એવી બધી મદદ લઈને મહારાષ્ટ્ર રાજ્યના આરોગ્યપ્રધાન ગિરીશ મહાજન પોતે ૧૧૦ ડૉક્ટરોની ટીમ સાથે કેરળ પહોંચ્યા હતા. પોતાનું ઘર અને સર્વસ્વ ગુમાવી બેસેલા કેરળના અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને પોતાપણાની હૂંફ અને સારવાર આપવા માટે ડૉક્ટરોને ત્રણ ટીમમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. કેરળનાં વિવિધ રાજ્યોના રિમોટ વિસ્તારોથી માંડીને કૅમ્પમાં છ દિવસમાં ૨૦,૫૦૦ લોકોની સારવાર કરવામાં આવી હતી. તેમણે સવારે આઠથી રાતે આઠ વાગ્યા સુધી ખડેપગે અસરગ્રસ્તોની સારવાર કરી હતી. ભાષાથી માંડીને રહેવા, ખાવા-પીવા અને ટૉઇલેટ-બાથરૂમ જવાના પડકારોને હસતા મોઢે ઝીલીને પીડિતોના દુ:ખ સામે આ અંતરાય કંઈ નથી એ જાણીને ડૉક્ટરોએ સેવા અને સારવારને સર્વોપરી ધર્મ માન્યો હતો. કેરળમાં સૌપ્રથમ મહારાષ્ટ્ર અને ત્યાર બાદ ચેન્નઈ અને જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પોસ્ટ-ગ્રૅજ્યુએટ મેડિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચમાંથી તબીબી મદદ પૂરી પાડવામાં આવી હતી. દરદીઓનો અંદાજ ન હોવાથી દવાઓની અછત ખૂબ જણાઈ હતી અને યોગ્ય અંદાજ મેળવ્યા બાદ મહારાષ્ટ્રમાંથી ચાર ટ્રક ભરીને દવાઓ મગાવવામાં આવી હતી. સર્જરીના ઇક્વિપમેન્ટ્સ, વિવિધ દવાઓ તેમ જ બાળરોગની દવા, સ્ત્રીરોગની દવા, ટિટનસની વૅક્સિન, લેપ્ટોસ્પાઇરોસિસની દવાઓ મળીને ચાર ટન દવાઓ મોકલવામાં આવી હતી.

મારી ડૉક્ટરની ટીમ પર મને ગર્વ છે

આરોગ્યપ્રધાન ગિરીશ મહાજને ગયા રવિવારે ડૉક્ટરોની ટીમને કેરળ મોકલવાનો નિર્ણય લીધો હતો. રાતોરાત આ નિર્ણયને અમલમાં મૂકીને JJ હૉસ્પિટલના કુલ પંચાવન મેડિકલ ઑફિસર, પુણેની સાસૂન હૉસ્પિટલના ૨૬ મેડિકલ ઑફિસર અને પુરુષ-નર્સ તેમ જ અન્ય મદદ માટે સ્ટાફ મળીને ૧૧૦ લોકોને ઇન્ડિયન ઍરફોર્સ સાથે કેરળ મોકવવામાં આવ્યા હતા. કેરળમાં ત્રણ હેડક્વૉર્ટર્સમાં અમારી ટીમનું વિભાજન કરવામાં આવ્યું હતું. JJના ડૉ. શ્રીનિવાસ ચવાણ, સાસૂન હૉસ્પિટલના ડૉ. ગજાનન ભારતી અને JJના ડૉ. સંતોષ ગિતેની લીડરશિપ હેઠળ વિવિધ કૅમ્પમાં ત્રણ જણની ડૉક્ટરની ટીમને મોકલવામાં આવી હતી. અનેક અવરોધોનો સામનો કરીને અમારા ડૉક્ટરોની ટીમે વધુમાં વધુ લોકોને તબીબી સેવા આપવાનો પ્રયત્ન કર્યો હતો અને મને મારી ટીમ પર ખૂબ ગર્વ છે.

- ડૉ. મુકુન્દ તાયડે, JJ હૉસ્પિટલના ડીન

ભાષા નહોતી સમજાતી, પણ ભાવનાઓથી જોડાયા


દરરોજ શૂન્યથી શરૂઆત કરવી પડતી હતી. અમે કેરળમાં મદદ કરવા માટે પહોંચી તો ગયા હતા, પણ ત્યાંની પરિસ્થિતિ જોઈને અમારી આંખ ભરાઈ આવી હતી. પહેલા દિવસે ટીમે ખૂબ ઉત્સાહથી કૅમ્પમાં જઈને અસરગ્રસ્તોને સારવાર આપવાની શરૂઆત કરી હતી, પરંતુ અમારી સામે સૌથી મોટો પડકાર તેમની ભાષા હતી. એ સિવાય રહેવા, ખાવા-પીવા અને બાથરૂમ-શૌચક્રિયા માટેની અગવડ વચ્ચે અમારી ટીમે ત્યાંના નાગરિકોને રોગચાળો ફેલાવાની શક્યતાથી બચાવવાના હતા. અમારી રહેવાની સુવિધા વિવિધ મેડિકલ હૉસ્ટેલ, હૉસ્પિટલ-ક્વૉર્ટર્સમાં કરવામાં આવી હતી. એક રૂમમાં ૧૦થી ૨૦ જણ રહેતા હતા. પહેલા દિવસથી અમારા બધા યંગ ડૉક્ટરો ઇમોશનલી અટૅચ થઈ ગયા હતા અને રાતે બધા થાકીને ઠપ થયા હતા. બીજા દિવસથી અમારી ત્રણ ડૉક્ટરની એક ટીમ સાથે એક ટ્રાન્સલેટર રાખવામાં આવ્યો હતો.

ત્યાંના લોકોની ભાષા ભલે અમને નહોતી સમજાતી, પણ અમારી ભાવના એકબીજા સુધી પહોંચી રહી હતી. તેઓ માટે ઉત્તમ રહેલો ખોરાક તેઓ આવી પરિસ્થિતિમાં અમને પીરસવાનો પ્રયત્ન કરતા હતા. ત્યાં કૅમ્પમાં રહેલા લોકો પોતાનું ઘર અને સર્વસ્વ ગુમાવી બેઠા હતા. તેમને ખુશ કરવા માટે અમારા ડૉક્ટરોની ટીમે ઓનમ પર્વની ઉજવણી તેમનો પરિધાન પહેરીને કરી હતી. અતિઉત્સાહી બાબત એ હતી કે દુખદ પરિસ્થિતિમાં તેઓ ક્યારેય નહીં ઊજવતા હોય

એવા રક્ષાબંધનની ઉજવણી અમારી ટીમના યંગ ડૉક્ટરોને રાખડી બાંધીને કરી હતી. ત્યાંની મહિલાઓએ આંખમાં આંસુ અને મોઢા પર સ્મિત રાખીને ખૂબ આર્શીવાદ આપીને અમારા ડૉક્ટરોનાં વધામણાં લીધાં હતાં.

- ડૉ. શ્રીનિવાસ ચવાણ, JJ હૉસ્પિટલ

દરરોજ ૭૦થી ૮૦ સર્પદંશના કેસ આવતા હતા

કેરળના મોટા ભાગના નાગરિકોને કંઈ ને કંઈ ઈજા થયેલી હતી એથી તેમને સારવાર આપવા પહેલાં જ ટિટનસનું ઇન્જેક્શન આપવામાં આવતું હતું. ત્યાર બાદ વરસાદજન્ય રોગ ન થાય એ માટે વિવિધ રસીઓ આપવામાં આવતી હતી. અમે છ દિવસ ત્યાં રહ્યા અને દરરોજ સર્પદંશના ૭૦થી ૮૦ કેસ અમને મળતા હતા. કેરળ એટલે કુદરતપ્રેમી જગ્યા અને અહીં સાપ દેખાવા તો સામાન્ય થયું હતું.

- ડૉ. પ્રીતમ લોઢ, JJ હૉસ્પિટલ

જ્યારે ડીન દોડ્યા ડૉક્ટરોને બિરદાવવા   


કેરળથી મહારાષ્ટ્રના ડૉક્ટરોની ટીમ માનવતાની દૃષ્ટિએ ઉત્તમ કામ કરીને પાછી ફરી ત્યારે આ સૈનિકોનું સ્વાગત કરવા માટે પાંચ કલાકથી વધુ JJ હૉસ્પિટલના ડીન ડૉ. મુકુન્દ તાયડે ખડેપગે ઍરપોર્ટ પર રાહ જોતા હતા. પોતાની ટીમને આવતી જોઈને જ હર્ષોલ્લાસ સાથે ડીન તેમને ભેટ્યા હતા અને તેમણે કરેલા કાબિલેદાદ કામ માટે ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કર્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK