ગુરુની સમાધિ પાસે શિષ્યને મળ્યું સ્થાન

મદ્રાસ હાઈ કોર્ટના આદેશ બાદ DMKના ચીફ કરુણાનિધિને ચેન્નઈના મરીના બીચ પર અન્નાદુરાઈના સ્મારક પાસે દફનાવવામાં આવ્યા, અંતિમયાત્રામાં જનસાગર ઊમટ્યો

guru


મંગળવારે ૯૪ વર્ષની વયે અવસાન પામેલા દ્રવિડ રાજકારણના ધુરંધર અને DMKના સર્વોચ્ચ નેતા મુથુવેલ કરુણાનિધિને લાખો ચાહકો, પ્રશંસકો અને અનુયાયીઓના મહેરામણે ગઈ કાલે આખરી વિદાય આપી હતી. લોકોના ધસારાને કારણે ભીડ વિખેરવા માટે પોલીસે કરેલા લાઠીમારને કારણે નાસભાગ મચી હતી. એ ધાંધલમાં બે જણ મૃત્યુ પામ્યા હતા અને ત્રીસ કરતાં વધારે ઈજા પામ્યા હતા. જોકે બે જણનાં મૃત્યુ અને ૩૦ કરતાં વધારે લોકોને ઈજાના સમાચારને સત્તાવાર સમર્થન પ્રાપ્ત થયું નથી. અગાઉ સદ્ગતનો દેહ ચેન્નઈના રાજાજી હૉલમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. રાજાજી હૉલમાં લાખો લોકોએ કરુણાનિધિને શ્રદ્ધાંજલિ આપી હતી. અનેક મહાનુભાવોએ તામિલનાડુના રાજકારણમાં એક યુગ અસ્ત થયો હોવાની લાગણી વ્યક્ત કરી હતી.

હાઈ કોર્ટે પરવાનગી આપ્યા પછી કરુણાનિધિને ચેન્નઈના મરીના બીચ પર તેમના રાજકીય ગુરુ સમાન ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સી. એન. અન્નાદુરાઈની સમાધિની બાજુમાં દફનાવવામાં આવ્યા હતા. એ બીચ પર કરુણાનિધિનું સ્મારક રચવાની પણ પરવાનગી આપતાં હાઈ કોર્ટે જણાવ્યું હતું કે ‘એ જગ્યા કરુણાનિધિની દફનવિધિ અને સમાધિ માટે ન ફાળવવાનું કોઈ કાયદેસર કારણ નથી. અગાઉ તમામ દ્રવિડ નેતાઓ માટે મરીના બીચ પર જગ્યા ફાળવી જ છે. એ સંજોગોમાં હાલની અરજી બાબતે જુદું વલણ અખત્યાર કરવાનું કોઈ કારણ નથી.’

૧૧ દિવસ ચેન્નઈની કાવેરી હૉસ્પિટલમાં રહ્યા પછી મંગળવારે કરુણાનિધિએ છેલ્લા શ્વાસ લીધા હતા. કરુણાનિધિને આખરી વિદાય વેળા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવે ગૌડા અને દક્ષિણનાં રાજ્યોના મુખ્ય પ્રધાનો સહિત રાજકારણ તથા અન્ય ક્ષેત્રોના અનેક મહાનુભાવો હાજર હતા. તામિલ સાહિત્ય અને ફિલ્મોમાં કલમના કીમિયાગર ‘કલાગનાર’ અને દ્રવિડ રાજકારણના સિદ્ધહસ્ત નેતા ‘થલાઇવર’ તરીકે નવાજવામાં આવેલા કરુણાનિધિને સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે આખરી વિદાય આપવામાં આવી હતી. તેમને બ્યુગલ્સના ગુંજારવ વચ્ચે ગનની સૅલ્યુટ દ્વારા સલામી આપવામાં આવી હતી.

કરુણાનિધિના દીકરા અને તેમના વારસદાર એમ. કે. સ્ટૅલિને રાષ્ટ્રધ્વજમાં વીંટાળેલી પિતાની બૉડી રિસીવ કરી હતી. ત્યાર પછી કરુણાનિધિનાં પત્ની રજતી અમ્મલ, અન્ય પુત્ર-પુત્રીઓ તથા બીજા ફૅમિલી-મેમ્બર્સે સદ્ગતનાં ચરણોમાં પુષ્પો અર્પણ કર્યાં હતાં. ઠેર-ઠેર લાગણીભર્યાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. દફનવિધિ માટે કૉફિન નીચે ઉતારવામાં આવ્યું ત્યારે પિતાનાં ચરણોમાં આખરી પ્રણામ કરતી વેળા પુત્ર સ્ટૅલિન ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. એ વખતે નાની બહેન અને રાજ્યસભાની સભ્ય કનિમોઝીએ સ્ટૅલિનને આશ્વાસન આપ્યું હતું.

સ્કૂલનું ભણતર અધૂરું મૂકનારા અને ૧૯૩૮માં ૧૪ વર્ષની ઉંમરે હિન્દી ભાષાવિરોધી આંદોલન દ્વારા રાજકારણમાં પગરણ માંડનારા એમ. કરુણાનિધિ તામિલનાડુના જાહેર જીવનમાં પોતાની વિશેષતાની અમીટ છાપ મૂકી ગયા છે. તેઓ પાંચ વખત તામિલનાડુના મુખ્ય પ્રધાન અને ૧૩ વખત રાજ્યના વિધાનસભ્ય બન્યા હતા.

DMKનું સુકાન અલાગિરિને કે સ્ટૅલિનને?

હવે શરૂ થઈ શકે છે પારિવારિક જંગ : પાર્ટીના લીડરોનું કહેવું છે કે ભાઈઓ વચ્ચે હવે કોઈ મતભેદ નથી, પણ વિશેષજ્ઞો કહે છે કે લડાઈ હવે ફરી શરૂ થશે

DMKના કાર્યકર્તાઓની સાથે જ હવે સામાન્ય માનવીઓના મનમાં પણ પાર્ટીના ઉત્તરાધિકાર માટે લડાઈ શરૂ થશે કે પછી સ્ટૅલિન પક્ષમાં પોતાનું પ્રભુત્વ કાયમ રાખશે એવો પ્રશ્ન ઊઠી રહ્યો છે. પાંચ દસકા સુધી DMKના પ્રમુખ રહેલા એમ. કરુણાનિધિએ તેમની હયાતીમાં જ સ્ટૅલિનને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા હતાં.

કરુણાનિધિના બે પુત્ર એમ. કે. અલાગિરિ અને એમ. કે. સ્ટૅલિન વચ્ચે લાંબા સમયથી સત્તા માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. અલાગિરિ અગાઉ મનમોહન સિંહની સરકારમાં પ્રધાન હતા અને ૨૦૧૪માં તેમને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

ઉત્તરાધિકાર માટેનો વિવાદ ચાલી રહ્યો હતો એ વખતે એક વખત અલાગિરિએ પ્રશ્ન પણ કર્યો હતો કે ‘શું DMK કોઈ મઠ છે જેનો મહંત પોતાનો ઉત્તરાધિકારી પસંદ કરે?’

આ વાતમાં તેમનો ગર્ભિત ઇશારો પોતાના પિતા કરુણાનિધિ તરફ હતો.

અલાગિરિને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા બાદ તેઓ રાજકારણથી દૂર મદુરાઈમાં રહેવા ચાલ્યા ગયા હતા. જોકે કરુણાનિધિ હૉસ્પિટલમાં હતા ત્યારે અલાગિરિ સમગ્ર પરિવાર સાથે હાજર હતા. નામ ન જણાવવાની શરતે DMKના એક નેતાના જણાવ્યા મુજબ પક્ષમાં ફરી ઉત્તરાધિકારીના મુદ્દે સંઘર્ષ થવાની કોઈ શક્યતા નથી અને તમામ મુદ્દા ઉકેલાઈ ગયા છે.

DMKના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે ‘DMK પરિવાર કરુણાનિધિ હૉસ્પિટલમાં ભરતી હોવાથી લઈને ૭ ઑગસ્ટે તેમના મૃત્યુ સુધી એક પરિવારની જેમ જ સાથે રહ્યો હતો. વિવાદ ઉકેલાઈ ગયો છે. આ સમયગાળામાં પરિવારના સભ્યોએ પણ એકબીજા સાથે નિયમિત વાતચીત કરી હતી.’

જોકે રાજકીય વિશેષજ્ઞો DMKના નેતાની વાત સાથે સહમત નથી. તેમનું માનવું છે કે ‘ઉત્તરાધિકારની લડાઈ તરત જ શરૂ થશે. ભાઈઓ વચ્ચેની લડાઈ ક્યારેય ખતમ થતી નથી. સ્ટૅલિને બધાને સાથે લઈને ચાલવાનું રાજકારણ કરવું જોઈએ. ઉત્તરાધિકારને લઈને લડાઈ થશે. સત્તારૂઢ BJPનો એજન્ડા ક્ષેત્રીય દળોને નબળા પાડવાનો છે. હવે કરુણાનિધિ રહ્યા ન હોવાથી તે Dપ્ધ્ને નબળો પાડવાની કોશિશ કરશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK