૯૪ વર્ષના એમ. કરુણાનિધિનું લાંબી માંદગી બાદ અવસાન

સ્ક્રિપ્ટરાઇટરમાંથી બન્યા ચતુર રાજકારણી

karunanidhi\

પાંચ વખત તામિલનાડુના મુખ્ય પ્રધાન બનેલા અને ‘કલાઇનાર’ નામે મશહૂર DMKના પ્રમુખ મુથુવેલ કરુણાનિધિ ગઈ કાલે ચેન્નઈની કાવેરી હૉસ્પિટલમાં અવસાન પામ્યા હતા. તેઓ ૯૪ વર્ષના હતા. છ દાયકા સુધી રાજ્યના રાજકારણમાં એક ધ્રુવ બની રહેલા કરુણાનિધિ ૫૦ વર્ષ સુધી તેમના પક્ષ DMKના પ્રમુખ હતા.

બહુમુખી પ્રતિભા ધરાવતા એમ. કરુણાનિધિનું તામિલ ભાષા પર ઘણું પ્રભુત્વ હતું. તેમણે અનેક પુસ્તકો, નાટકો, નવલકથાઓ અને તામિલ ફિલ્મોના સંવાદો પણ લખ્યાં હતાં. તામિલ ફિલ્મોમાંથી રાજકારણમાં પદાર્પણ કરનારા કરુણાનિધિ તેમની છ દાયકાની કારર્કિદીમાં એક પણ ચૂંટણી હાર્યા નહોતા. કરુણાનિધિના ચાહકો તેમને ‘કલાઇનાર’ એટલે કે ‘કલાના વિદ્વાન’ કહે છે.

કરુણાનિધિ યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન તથા વૃદ્ધાવસ્થાની અનેક બીમારીઓથી પરેશાન હતા. કરુણાનિધિના બ્લડ-પ્રેશરમાં ઘટાડો થતાં ૧૧ દિવસ પહેલાં તેમને ચેન્નઈની કાવેરી હૉસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રારંભિક ઉપચાર બાદ તેમનું બ્લડ-પ્રેશર કન્ટ્રોલમાં લાવવામાં આવ્યું હતું. શનિવારે રાતે હૉસ્પિટલના બયાનમાં જણાવવામાં આવ્યું હતું કે ‘કરુણાનિધિના સ્વાસ્થ્યને અસ્થાયી આંચકો લાગ્યો છે. તેમનાં તમામ અંગોની સ્થિતિ સામાન્ય થઈ રહી છે.’

સોમવારે કરુણાનિધિની તબિયત વધારે બગડી હતી. ગઈ કાલે સાંજે હૉસ્પિટલના બયાનમાં જણાવવામાં આવ્યું હતું કે ‘છેલ્લા કેટલાક કલાકોમાં કરુણાનિધિની હાલત ખૂબ કથળી છે. તમામ પ્રકારના મેડિકલ સપોર્ટ છતાં તેમના શરીરનાં અંગોની કામ કરવાની ગતિ ઘટી રહી છે. તેમની હાલત નાજુક અને અસ્થિર છે.’

ગઈ કાલે મોડી સાંજે હૉસ્પિટલે કરુણાનિધિના અવસાનની જાહેરાત કરી હતી.

૯૪ વર્ષના દ્રવિડ નેતા વિશે ડૉક્ટરોએ જણાવ્યું હતું કે ‘કરુણાનિધિની સ્વસ્થ જીવનશૈલી હતી. તેઓ સવારે ઊઠીને યોગાસનો કરતા હતા અને પગપાળા ઘણું ચાલતા હતા. તેઓ સામાન્ય ભોજન કરતા હતા. ૨૦૧૬ પછી તેમને ઘણી વખત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીઠ અને પગમાં દુખાવાને કારણે ૨૦૦૯માં તેમની સર્જરી કરવામાં આવી હતી. ૨૦૧૬માં કરુણાનિધિને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમની શ્વાસનળીનું ઑપરેશન કરવામાં આવ્યું હતું.’

પોષક આહાર અને દવાઓ સીધી પેટમાં જાય એ માટે તેમના પેટમાં એક ટ્યુબ ઉતારવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી કરુણાનિધિ ઘરમાંથી ભાગ્યે જ બહાર નીકળતા હતા. પેટમાં ઉતારવામાં આવેલી ટ્યુબ બદલવા માટે ૧૯ જુલાઈએ તેમને કાવેરી હૉસ્પિટલમાં દાખલ કરીને એ જ સાંજે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

કરુણાનિધિને હૉસ્પિટલમાં દાખલ કર્યા પછી DMKના હજારો કાર્યકરો તેમના લોકપ્રિય નેતાની સ્વસ્થતા માટે ઈશ્વરને પ્રાર્થના કરવા માંડ્યા હતા. તેમને વિશ્વાસ હતો કે ‘કલાઇનાર’ કરુણાનિધિ મૃત્યુને હંફાવીને ફરી હરતા-ફરતા થઈ જશે. હજારો કાર્યકરો હાથોમાં કરુણાનિધિનો ફોટોગ્રાફ લઈને કલ્પાંત કરતા હતા. મહિલા પ્રશંસકોનો વિશાળ સમુદાય પણ હૉસ્પિટલની બહાર તેમના નેતાની સ્વસ્થતા માટે પ્રાર્થના કરતો હતો.

karunanidhi

પાંચ વખત તામિલનાડુના મુખ્ય પ્રધાન હતા

કરુણાનિધિ જો ફક્ત તામિલ ફિલ્મોના સ્ક્રિપ્ટરાઇટર રહ્યા હોત તો તેઓ રાજ્ય અને એ ભાષાની ફિલ્મોમાં વિશાળ ચાહક અને પ્રશંસક વર્ગ ધરાવતા લોકપ્રિય અભિનેતાઓ અને અભિનેત્રીઓની ચમત્કારી આભા પાછળ ખોવાઈ ગયા હોત. જોકે ધારદાર વાણી અને ચતુરાઈભરી વિનોદવૃત્તિ ધરાવતા કરુણાનિધિ ફિલ્મોમાં સહયોગી અને રાજકારણમાં કટ્ટર હરીફ એમ. જી. રામચંદ્રન અને જે. જયલલિતાની સાથે દ્રવિડ રાજ્યની નિયતિ લખનાર બન્યા હતા.

તામિલ જનતા નેતૃત્વના ગુણોને કારણે તેમને ‘થલાઇવર’ નામે અને ભાષાચાતુર્ય તથા ઉત્કૃષ્ટ લેખનને કારણે ‘કલાઇનાર’ (કલાકાર) તરીકે ઓળખતી હતી.

આધુનિક રાજકારણમાં સિદ્ધહસ્ત કરુણાનિધિનો તામિલનાડુમાં અને દિલ્હીના રાજકીય નેતાઓમાં જબરદસ્ત પ્રભાવ હતો.

રાજકીય કારકીર્દીમાં BJP અને કૉન્ગ્રેસ બન્ને પક્ષો સાથે DMKનાં જોડાણો કે ગઠબંધનો જુદા-જુદા પ્રસંગોએ વિવિધ તબક્કે કયાર઼્ હતાં. એથી હરીફોએ તેમને તકવાદી કહ્યા હતા.

પાંચ વખત તામિલનાડુના મુખ્ય પ્રધાન બન્યા હતા.

૧૩ વખત તામલનાડુ વિધાનસભામાં ચૂંટાયા હતા.

૧૯૩૮માં ૧૪ વર્ષની ઉંમરે વતન તિરુવરુરમાં રાજ્યના હિન્દીવિરોધી આંદોલનમાં જોડાઈને રાજકારણની દીક્ષા લીધી હતી.

સમાનતાવાદી અને રૅશનલિસ્ટ ઈ. વી. રામસ્વામી પેરિયાર તેમ જ DMKના સ્થાપક તથા રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન સી. એન. અન્નાદુરાઈના વિચારોથી પ્રભાવિત હતા.

૧૯૬૯ના ફેબ્રુઆરી મહિનામાં અન્નાદુરાઈના અવસાન પછી રાજકીય આંટીઘૂંટી વાપરીને તામિલનાડુના મુખ્ય પ્રધાનપદના દાવેદાર વી. આર. નેદુનચેળિયનને કોરાણે મૂકીને મુખ્ય પ્રધાન બન્યા હતા.

કરુણાનિધિ બ્રાહ્મણવાદના વિરોધી અને દલિતો, રહિતો, વંચિતોને સમાન અધિકારો માટે લડત માટેની દ્રવિડ ચળવળને અગ્રેસર કરનારા પ્રવર્તક નેતા બન્યા હતા.

અન્નાદુરાઈના પ્રધાનમંડળમાં બીજા ક્રમના પ્રધાન નેદુનચેળિયનને સાઇડ-ટ્રૅક કરીને મુખ્ય પ્રધાનપદ મેળવવામાં કરુણાનિધિને તેમના જુનિયર અને ચમત્કારી નેતૃત્વ ધરાવતા એમ. જી. રામચંદ્રને મદદ કરી હતી.

યોગાનુયોગ એમ. જી. રામચંદ્રનની હીરો તરીકેની પ્રથમ ફિલ્મ ‘રાજકુમારી’ની પટકથા અને સંવાદો કરુણાનિધિએ લખ્યાં હતાં.

અગ્રણી અભિનેતા શિવાજી ગણેશનની પ્રથમ ફિલ્મ ‘પરાસક્થિ’ના સંવાદો પણ કરુણાનિધિએ લખ્યા હતા. એ ફિલ્મમાં દ્રવિડ ચળવળના સમાજવાદી અને રૅશનલિસ્ટ આદર્શોનું ચિત્રણ કરવામાં આવ્યું હતું.

મરીના બીચ પર દફનાવાશે? : મામલો હાઈકોર્ટમાં

કરુણાનિધિને ક્યાં દફનાવવા એ વિશે વિવાદ શરૂ થયો છે. રાજ્ય સરકારે ચેન્નઈના પ્રસિદ્ધ મરીના બીચ પર એ માટે જગ્યા ફાળવવાનો ઇનકાર કરી દીધો છે. મરીના બીચ પર કરુણાનિધિના ગુરુ અન્નાદુરાઈનું પણ સ્મારક છે અને તેમના સ્મારકની બાજુમાં કરુણાનિધિને દફનાવવા માટે જગ્યા સરકાર પાસે માગવામાં આવેલી. સરકારે કહ્યું છે કે મદ્રાસ હાઈ કોર્ટમાં આ સંબંધના અનેક કેસ પેન્ડિંગ હોવાથી ત્યાં જગ્યા ફાળવવાનું મુશ્કેલ છે. જોકે સરકારે સરદાર પટેલ રોડ પર રાજાજી અને કામરાજના સ્મારક પાસે બે એકર જગ્યા ફાળવવાની તૈયારી બતાવી છે. સૂત્રોએ કહ્યું હતું કે કરુણાનિધિ સિટિંગ મુખ્ય પ્રધાન ન હોવાથી સરકાર મરીના બીચ ખાતે સ્મારક માટે જગ્યા ફાળવવા માગતી નથી. એમ. જી. રામચન્દ્રન અને જયલલિતાનાં સ્મારક મરીના બીચ પર છે અને આ બન્ને લીડર કરુણાનિધિના કટ્ટર વિરોધી હતા.

 સરકારના નિર્ણય સામે DMKએ મદ્રાસ હાઈ કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે‍ ગઈ કાલે મોડી રાત્રે સુનાવણી કરવા તૈયારી બતાવી હતી.

કાળાં ચશ્માં જર્મનીથી મગાવ્યાં

મૃત્યુના એક વર્ષ પહેલાં સુધી કરુણાનિધિ એક ખાસ પ્રકારનાં કાળાં ચશ્માં પહેરતા હતા. આ ચશ્માં સાથે તેમણે ૪૬ વર્ષ કાઢ્યાં. ૨૦૧૭માં તેમણે આ ચશ્માંને અલવિદા આપી અને જર્મનીથી ઇમ્પોર્ટ કરેલાં કાળાં ચશ્માં પહેરવાની શરૂઆત કરી.

નવાં ચશ્માં માટે ચેન્નઈની જાણીતી વિજય ઑપ્ટિકલ્સને વિનંતી કરવામાં આવી. કરુણાનિધિને ગમે એવાં કાળાં ચશ્માં માટે આખા દેશમાં તપાસ શરૂ થઈ. અનેક દિવસની શોધ બાદ પણ કરુણાનિધિને ગમે એવાં ચશ્માં મળ્યાં નહીં અને અંતે નવાં ચશ્માં જર્મનીથી ઇમ્પોર્ટ કરવામાં આવ્યાં. આમ ૪૦ દિવસની દોડધામ બાદ કરુણાનિધિને નવાં કાળાં ચશ્માં મળ્યાં. જોકે નવી ફ્રેમ સાથેનો તેમનો નાતો બહુ લાંબો ટક્યો નહીં.

કરુણાનિધિના પરિવારમાં બે પત્ની અને છ સંતાનો છે કરુણાનિધિની સ્વસ્થ જીવનશૈલી હતી. તેઓ સવારે ઊઠીને યોગાસનો કરતા હતા અને પગપાળા ઘણું ચાલતા હતા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK