વિર્યદાતાઓના વિશ્વમાં : કોઈ ૬૦૦ બાળકનો પિતા તો કોઈ ૪૦૦નો

શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘વિકી ડોનર’માં વીર્યદાનના વિષયને સ્પર્શવામાં આવ્યો છે ત્યારે સ્પર્મ-ડોનરોની દુનિયામાં એક ડોકિયું

spurm-donetસેજલ પટેલ
હાઈ સ્કૂલનો પહેલો દિવસ છે. નવી સ્કૂલમાં પહેલી વાર મળી રહેલા બે કિશોરો વચ્ચે દોસ્તીની વાતચીત શરૂ થાય છે:
વૉટ્સ યૉર ગુડ નેમ?
જેસી.
વૉટ યૉર્સ?
જૉન.
યૉર ફાધર્સ નેમ?
ટી-ફાઇવ.
ઍન્ડ યૉર્સ?
ટી-ફાઇવ.
બન્નેના પપ્પાનાં નામ સાંભળીને કાન ઊંચા થઈ ગયા? આ તેમના પપ્પાઓનાં નામ નથી, કોડ છે. આ બન્ને ટીનેજર્સના ફાધર સ્પર્મ-ડોનર છે. બાળકનો જન્મ જ્યારે સ્પર્મ-ડોનરથી થાય છે ત્યારે ડોનરનું નામ અને આઇડેન્ટિટી સીક્રેટ રખાતાં હોવાથી આ બાળકો પોતાના પિતાને ડોનરના કોડથી જ ઓળખે છે.
હાય-હાય! આ છોકરાંવને ખબર છે કે તેમનો જન્મ તેમના રિયલ પપ્પા સિવાયના કોઈ બીજા જ પુરુષથી થયો છે? હા, ભારતમાં ભલે સંતાનો મેળવવામાં ત્રીજી વ્યક્તિની લેવાતી મદદ છુપાવવા જેવી અને શરમજનક ગણાતી હોય, વિદેશોમાં આ બાબતે કોઈ છોછ નથી. પેરન્ટ્સ તેમના સમજણા બાળકને કહેતાં જરાય અચકાતા નથી કે તારો જન્મ સ્પર્મ-ડોનરથી થયો છે અને સંતાનો પણ બાઅદબ પોતાના પપ્પાના નામને બદલે એનો કોડ જાહેરમાં કહેતાં અચકાતાં નથી. બલકે આ સંતાનો તો આ કોડ થકી પોતાના હાફ બ્રધર્સ કે સિસ્ટર્સને શોધી કાઢવા માટે પણ તત્પર હોય છે ને એટલે જ આ કોડ સરખો આવતાં જેસી અને જૉનના પણ કાન ઊંચા થઈ ગયા છે.
ભારતમાં સ્પર્મ-ડોનેશન, એગ-ડોનેશન કે સરોગેટ મધરની જાહેરમાં ચર્ચા થતી નથી. ધારો કે કોઈ યુગલને ડોનરની મદદ લેવી પડે તો જાણે કેટલુંય ખોટું કર્યું હોય એમ છુપાવવું પડે છે. જેમ આમિર ખાનને સરોગેટ મધરથી દીકરો જન્મ્યાના સમાચારથી સરોગસી ચર્ચામાં આવી અને કેટલાય સંતાનવાંછુ કપલોને એક નવો માર્ગ મળ્યો એમ આ અઠવાડિયે જ રિલીઝ થયેલી ‘વિકી ડોનર’ ફિલ્મે પણ શાંત તળાવમાં કાંકરી નાખવાનું કામ કર્યું છે. એણે વીર્યદાન જેવા ગંભીર અને સામાજિક દૃષ્ટિએ અસ્પૃશ્ય ગણાતા મુદ્દાને હળવાશથી રજૂ કરીને અવેરનેસનું કામ કર્યું છે. આ ફિલ્મની રિલીઝને પગલે સ્પર્મ-ડોનેશનના કેટલાક દેશી-વિદેશી કિસ્સાઓ પણ ચર્ચામાં આવ્યા છે.
૬૦૦ બાળકોનો પિતા
એક તરફ સ્પર્મ-ડોનેશન કરવામાં અને લેવામાં હિચકિચાહટ અનુભવાય છે, જ્યારે પશ્ચિમના દેશોમાં તો ઘણા દાયકાઓથી આ પ્રક્રિયા જોરમાં છે. વીર્ય જ્યારે ગર્ભધારણ માટે જરૂરી પરિમાણ ન ધરાવતું હોય ત્યારે આવા સ્પર્મ-ડોનરની જરૂર પડે છે. લેસ્બિયન સંબંધોમાં પણ પોતાનું સંતાન મેળવવા માટે આવા ડોનરનું વીર્ય વપરાય છે. ૧૯૪૦ના દાયકામાં બ્રિટનના બર્થહોલ્ડ વિસનેર નામના જીવશાસ્ત્રીએ પત્ની મૅરી બાટોર્નની સાથે મળીને ઇન્ફર્ટિલિટી ક્લિનિક ખોલેલું. તેમણે નિ:સંતાન દંપતીને કોઈ પણ રીતે બાળક અપાવવાની ખેવનાથી વીર્યની સારી ગુણવત્તા ધરાવતા પુરુષોના સ્પર્મનો ઉપયોગ કરવાનું શરૂ કરેલું. એ વખતે પશ્ચિમના દેશોમાં પણ આ રીતે કૃત્રિમ ગર્ભધારણ કરવાની પદ્ધતિ વિવાદાસ્પદ ગણાતી હતી એટલે અનેક વાર કૃત્રિમ ગર્ભધારણની પ્રક્રિયા પર પ્રતિબંધ આવ્યો અને ઊઠ્યો, પરંતુ સાયન્ટિસ્ટ બર્થહોલ્ડ અને મૅરી બાટોર્ને તેમનું ક્લિનિક તમામ ઝંઝાવાતો વચ્ચે પણ ચાલુ રાખ્યું. શરૂઆતની અડચણોને પાર કર્યા પછી તો તેમનું આ ક્લિનિક હાઈ આઇક્યુ (ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ) ધરાવતાં બાળકો મેળવવા માટે ખાસ સાયન્ટિસ્ટોનું વીર્ય વાપરીને ગર્ભધારણ કરાવી આપવા માટે ફેમસ થઈ ગયું.  
આ ક્લિનિકમાં લગભગ ૨૫૦૦ નિ:સંતાન મહિલાઓને બાળક મળ્યાં. જોકે ૧૯૯૦ના દાયકામાં સ્પર્મ-ડોનેશન સ્વીકાર્ય બન્યું અને એ માટેના નિયમો તથા કાયદાઓ બનવા લાગ્યા ત્યારે એક અચરજભરી માહિતી બહાર આવી. બર્થહોલ્ડના અવસાનના લગભગ એક દાયકા પછી તેમના ક્લિનિકનો સ્પર્મ-ડોનરનો ડેટાબેઝ તપાસતાં ખબર પડી કે તેમના ક્લિનિકમાં જન્મેલાં ૫૦ ટકાથી વધુ બાળકો ખુદ બર્થહોલ્ડનાં જ હતાં. આ ડેટાબેઝ પરથી બર્થહોલ્ડે ૬૦૦થી વધુ બાળકો પેદા કયાર઼્ હોવાનું કહેવાય છે. આ વાતથી બર્થહોલ્ડનાં પત્ની મૅરી પણ અજાણ હતાં. આ ક્લિનિકમાં જસ્ટ વીસેક જેટલા જ સાયન્ટિસ્ટો હતા જેમણે અવારનવાર વીર્યદાન કર્યું હતું. લંડનના ન્યુરોકેમિસ્ટ ડેરેક રિક્ટરે પણ ૧૦૦થી વધુ બાળકો આ ક્લિનિક થકી પેદા કયાર઼્ હતાં.
લંડનના એક બૅરિસ્ટર ડેવિડ ગોલેન્સ અને કૅનેડિયન ફિલ્મ-નિર્માતા બૅરી સ્ટીવન્સ આ જીવશાસ્ત્રીનાં જ સંતાનો છે એવું તેમને ડોનર-કોડ અને ડોનરની માહિતી પરથી ખબર પડી છે ને એ પછી તો તેમણે રીતસર પોતાના હાફ બ્રધર્સ શોધવાનું અભિયાન હાથ ધર્યું છે. આ બે મહાનુભાવોનો દાવો છે કે બર્થહોલ્ડનાં ૬૦૦ નહીં પણ ૧૦૦૦થી વધુ સંતાનો હશે. આ બન્નેએ તેમનાં હાફ બ્રધર્સ-સિસ્ટર્સનો મેળાવડો પણ યોજ્યો હતો.
૪૦૦ બાળકોનો પિતા
૧૯૮૦થી ૧૯૯૪ સુધીમાં અમેરિકાના મિશિગન શહેરના ડૉ. કર્ક મૅક્સી નામના ડૉક્ટરે પણ ૪૦૦થી વધુ બાળકો પેદા કયાર઼્ હશે એવું મનાય છે. કર્ક જ્યારે મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારથી તેમણે વીર્યદાન કરવાનું શરૂ કરેલું. દર પંદર દિવસે એક વાર તેઓ વીર્યદાન કરતા હતા ને એ રીતે તેમણે લગભગ ૧૦૦૦થી વધુ વાર વીર્યદાન કર્યું હતું. એ જમાનામાં કર્ક એક વારના ડોનેશનના ૨૦ ડૉલર (આશરે ૮૦૦ રૂપિયા) લેતા હતા. તેમનો ફિઝિકલ ફિટનેસનો રેકૉર્ડ, સ્વભાવ અને બાહ્ય દેખાવ જોતાં તેમના સ્પર્મની સારીએવી ડિમાન્ડ રહેતી હતી. ક્યારેક તો તેમને ઢળતી સાંજે ફોન આવતો ને નર્સ કહેતી કે ‘એક સ્ત્રીનો આજે જ ઓવ્યુલેશન પિરિયડ શરૂ થયો છે, તમે અર્જન્ટ્લી સ્પર્મ-ડોનેશન માટે આવી શકશો?’
ડૉ. કર્કનું કહેવું છે કે વીર્યદાન એ કંઈ ખાવાના ખેલ નથી ને એટલે આવા સંજોગોમાં તાત્કાલિક ઑન ધ સ્પૉટ  ડોનેશન માટે હું ડબલથી વધુ ડૉલર લેતો. હવેની ડોનર-કોડની સિસ્ટમથી ઑનલાઇન સર્ચ કરીને કેટલાંક બાળકોએ પોતાના પિતાનો કોડ શોધી લીધો છે. એમાંની કેટલીક છોકરીઓએ તો ડોનર ફાધરને જ શોધી લીધા છે. આ છોકરીઓએ પોતાનાં બીજાં ભાઈ-બહેનોને તેમની માહિતી ન આપવાની શરતે ડૉ. કર્કને મળવાનું પણ મૅનેજ કરી લીધું છે.
સ્પર્મ નહીં, ડાયરેક્ટ ડોનેશન
સામાજિક, કાયદાકીય અને નૈતિક ગૂંચવણો ઊભી ન થાય એ માટે સ્પર્મ-ડોનર્સ મોટા ભાગે પડદા પાછળ જ રહેતા હોય છે. જોકે હૉલૅન્ડના ૪૨ વરસના એડ હોબેને નિ:સંતાન સ્ત્રીઓને સંતાન અપાવવાનો પોતાનો વ્યવસાય જ ખોલ્યો છે. એડ હોબેન ૩૪ વર્ષનો હતો ત્યાં સુધી તેણે કદી સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યો નહોતો. એક વાર તાત્કાલિક પૈસાની જરૂર પડતાં તેણે નજીકના ફર્ટિલિટી ક્લિનિકમાં વીર્યદાન કર્યું. એ પહેલાં કેટલીક હેલ્થ-ચેક ટેસ્ટ કરાવવી પડે ને એમાં આશ્ચર્યજનક પરિણામો આવ્યાં. સામાન્ય હેલ્ધી પુરુષોનો ૪૦થી ૬૦ મિલ્યન સ્પર્મ-કાઉન્ટ હોય છે, પણ એડ હોબેનની ત્રણ વાર ટેસ્ટ કરી ને એમાં દરેક વખતે ૮૦થી ૧૦૦ મિલ્યન જેટલા સ્પર્મ-કાઉન્ટ આવ્યા. ફર્ટિલિટી એક્સપર્ટને હોબેનમાં લૉન્ગ ટર્મ વીર્યદાતાનાં લક્ષણો દેખાયાં ને એટલે તેને વારંવાર વીર્યદાન માટે બોલાવવા લાગ્યા. જોકે થોડા જ વખતમાં એડ હોબેનને ખબર પડી કે કૃત્રિમ ગર્ભાધાન કરતાં કુદરતી ગર્ભધારણ સ્ત્રીઓ માટે સહેલું અને ઝડપી પરિણામ આપનારું હોય છે. એટલે તેણે શારીરિક સંબંધ રાખીને વીર્યદાન કરવાનું શરૂ કર્યું એટલું જ નહીં, બાકાયદા આ કાર્યને પ્રોફેશન બનાવ્યું. છેલ્લાં નવ વર્ષમાં તેણે ૮૨ બાળકો પેદા કયાર઼્ છે. એમાંથી ૪૫ છોકરીઓ અને ૩૫ છોકરાઓ છે ને બે સ્ત્રીઓએ તેમના બાળકની કોઈ જ માહિતી હોબેનને આપવાની ના પાડી છે.
૪૨ વરસનો આ માણસ દર મહિને પંદર નિ:સંતાન સ્ત્રીઓ સાથે સૂએ છે. એવું કહેવાય છે કે હોબેનનો સક્સેસ-રેટ ૮૦ ટકાથી વધુ છે. સાંભળવામાં જેટલું સહેલું લાગે છે એટલું સહેલું આ કામ હકીકતમાં નથી. એડ હોબેને આ માટે મેડિકલ અને લીગલ એક્સપર્ટ્સની ટીમ હાયર કરવી પડી છે. સ્ત્રીઓને કોઈ ચેપી રોગો કે જનીનગત ખામી નથી એની પ્રી-ટેસ્ટ તેમ જ સ્ત્રીઓના શરીરમાં ઓવ્યુલેશન થયું હોય એની યોગ્ય પરખ માટે ડૉક્ટરોની જરૂર પડે છે ને આવનારાં બાળકો સાથેના સંબંધ બાબતે સ્પષ્ટતા કરતા કાયદાકીય કાગળો પણ તૈયાર રાખવા પડે છે. તે પરસ્પર સંમતિથી સંબંધ બાંધી રહ્યો હોવાના દસ્તાવેજો ઉપરાંત બાળકો કે જે-તે સ્ત્રીઓના ભરણપોષણની જવાબદારી કે મિલકતના હકો બધું પહેલેથી જ સ્પષ્ટ કરી લેવું પડે છે.
મોટા ભાગે તો હોબેન સ્ત્રીઓને પોતાના ઘરે જ બોલાવે છે, પણ ક્યારેક વધુ પૈસા મળતા હોય અને આવવા-જવાનો ખર્ચ મળે તો તે સ્ત્રીઓના ઘરે પણ જાય છે. બર્લિન, હૉલૅન્ડ, ઇટલી, સ્પેન, બેલ્જિયમ, ફ્રાન્સ અને ન્યુ ઝીલૅન્ડમાં તેનાં સંતાનો રહે છે. સૌથી મોટું સંતાન નવ વરસનું છે ને સૌથી નાનું બે મહિનાનું છે. હજી બીજાં દસ સંતાનો જન્મવાની તૈયારીમાં છે અને હા, હજી તે આ પ્રોફેશનમાંથી રિટાયર નથી થયો.
નવાઈની વાત એ છે કે હોબેનની ગર્લફ્રેન્ડને તેના આ કામથી કોઈ જ વાંધો નથી. ઊલટાનું પોતાના બૉયફ્રેન્ડની આટલી ડિમાન્ડ છે એ વાતનો ગર્વ છે. હોબેનનું કહેવું છે કે આ પ્રોફેશનમાંથી રિટાયર થયા પછી જ લગ્ન કરીશ. લગ્ન પછી તે માત્ર પોતાની પત્નીને જ છેલ્લા બાળકની ભેટ ધરશે.
૧૫૦ ભાઈબહેનોનો પરિવાર
સ્પર્મ-ડોનેશન વિશે જેમ-જેમ જાગૃતિ ફેલાતી જાય છે એમ-એમ હવે લોકો પોતાને જન્મ આપવામાં કારણભૂત બનેલા સ્પર્મદાતાને શોધી કાઢવાની ઝુંબેશમાં લાગી પડ્યા છે. ભલે ડોનરની આઇડેન્ટિટી ગુપ્ત રહેવી જોઈએ એવો કાયદો હોય, પણ એક ડોનરનાં સંતાનોને તો સાથે મળવાનો હક હોવો જોઈએને?
સ્પર્મ-ડોનર થકી દીકરો મેળવનાર વેન્ડી ક્રૅમર નામની મહિલા અને તેના વીસ વરસના દીકરા રૅન ક્રૅમરે કૅલિફૉર્નિયામાં ડોનર સિબ્લિંગ રજિસ્ટ્રી ખોલી છે. એમાં ડોનર દ્વારા પેદા થયેલાં સ્ત્રી-પુરુષો પોતાનું નામ તેમ જ ડોનરનો કોડ અને તેની પ્રાપ્ય માહિતી આપીને મેમ્બર બની શકે છે. કોડ તેમ જ માહિતીનું મૅચિંગ થાય એ લોકો હાફ બ્રધર્સ કે હાફ સિસ્ટર્સ બની જાય છે.
વેન્ડીએ તો પોતાના સંતાનના પિતાનાં અન્ય સંતાનોને પણ ભેગાં કયાર઼્ છે. અત્યાર સુધીમાં તેના દીકરા રૅનનાં ૧૫૦ ભાઈ-બહેનો મળી આવ્યાં છે. વેન્ડી આ વન ફૅમિલી માટે અવારનવાર ગેટ-ટુગેધર પણ યોજે છે.

ધરમ કરતાં ધાડ પડે
સ્પર્મ-ડોનેશનમાં સરળતાથી પૈસા મળી જાય છે, પરંતુ એમાં જબરું જોખમ પણ રહેલું છે. સામાજિક રીતે છુપાવવા કરતાંય મોટું રિસ્ક લીગલ ગૂંચવણોનું છે. ક્યારેક નિ:સંતાન દંપતીને ખુશી આપવા જતાં જાતે તકલીફમાં મુકાવું પડે છે. જો લેખિતમાં બધું સ્પષ્ટ કરવામાં ન આવ્યું હોય તો આવાં ડોનર સંતાનો ક્યારેક ડીએનએ ટેસ્ટના નામે મિલકતમાં ભાગ પડાવવા આવી જાય તો ક્યારેક સંતાનોના ભરણપોષણનો ખોટો કેસ પણ થઈ શકે.
અમેરિકામાં ટેક્સસના રોની કોલમૅન નામના ભૂતપૂર્વ પોલીસ-ઑફિસરને થોડા મહિના પહેલાં આવો જ કડવો અનુભવ થયેલો. તેણે ૨૦૦૬માં કૅલિફૉર્નિયાની સ્પર્મ-બૅન્ક થકી પોતાની ૧૪ વર્ષ જૂની એક ફ્રેન્ડને વીર્યદાન કરેલું. ઓળખીતી ફ્રેન્ડ હોવાથી લેખિત સ્પષ્ટતાઓ નહોતી થયેલી, પરંતુ બાળકોના જન્મ પછી પેલી ફ્રેન્ડે રોની પર ભરણપોષણનો દાવો માંડ્યો. ફાઇનલ ચુકાદો ન આવે ત્યાં સુધીમાં રોનીએ ૪,૦૦,૦૦૦ ડૉલર આપવા પડ્યા હતા. આ ઉપરાંત કેસ લડવા માટેની લીગલ ફી અલગ. તેને એક જ સધિયારો હતો કે તેણે એક સ્પર્મ-બૅન્ક થ્રૂ આ ડોનેશન કર્યું હતું એટલે એપ્રિલના પહેલા વીકમાં જ તેની તરફેણમાં ચુકાદો આવ્યો છે.

સ્વાસ્થ્યનું સંકટ
સમાજના કેટલાક ભાગમાં સ્પર્મ-ડોનેશન માટે વિચિત્ર સૂગ વર્તાય છે તો બીજી તરફ કેટલાક ગણ્યાગાંઠ્યાં લોકો ડોનેશન કરીને બાળકો પેદા કર્યે જ જાય છે. આ બાબત મેડિકલ સાયન્સ માટે ખતરાની ઘંટી સમાન છે. વિદેશોમાં ફર્ટિલિટી એક્સપર્ટ્સમાં હવે આ બાબતે જાગૃતિ લાવવાની કોશિશ થઈ રહી છે. જ્યારે કોઈ પુરુષ ૧૦૦, ૨૦૦, ૬૦૦ બાળકો પેદા કરે તો એને કારણે અજાણતાં જ કોઈ હાફ બ્રધર્સ અને હાફ સિસ્ટર્સનાં લગ્ન થઈ જાય એવી શક્યતાઓ વધે છે. પહેલી પેઢીમાં નહીં તો બીજી, ત્રીજી પેઢીમાં પણ આ બાબત આગળ વધી શકે છે. નજીકનાં સગાંમાં લગ્ન થાય ત્યારે કેટલીક જનીનગત ખામીઓ બેવડાય છે અને એને કારણે જન્મજાત ત્રુટિ ધરાવતાં બાળકોના જન્મનું જોખમ વધે છે.
આ જ કારણોસર દરેક દેશે સ્પર્મ-ડોનેશન કેટલી વાર થઈ શકે એના કાયદાઓ બનાવ્યા છે. જોકે અમેરિકા અને બ્રિટનમાં આ કાયદાઓમાં ઘણી નબળી કડીઓ હોવાથી સમસ્યા વધી રહી છે.

વિકી ડોનરમાં શું છે?
જૉન એબ્રાહમના પ્રોડક્શનની આ પહેલી ફિલ્મમાં વિકી અરોરા નામના યુવાનની સ્ટોરી છે. બ્યુટીપાર્લરનું નાનું-મોટું કામ કરીને ઘર ચલાવતી મમ્મીને ફાઇનૅન્શિયલ હેલ્પ કરવાની વિકીની ઇચ્છા હોય છે, પણ કોઈ સારો રસ્તો નથી મળતો. આકસ્મિક રીતે વિકી ફર્ટિલિટી એક્સપર્ટ ડૉ. બલદેવ ચડ્ડાને મળે છે. તેમણે પોતાની સ્પર્મ-બૅન્ક શરૂ કરી છે અને એ માટે તેઓ હેલ્ધી ડોનરની શોધમાં હોય છે. વિકીમાં તેમને એક સક્સેસફુલ સ્પર્મ ડોનર દેખાય છે એટલે તેઓ તેને આ કામ માટે મનાવે છે. ખૂબ પ્રયત્નો પછી વિકી માંડ માને છે અને સ્પર્મ-ડોનેટ કરે છે. જોકે તેને ખબર નથી કે તેના આ સારા કાર્યને કારણે ભવિષ્યમાં તેના જીવનમાં કેવી મોટી ગૂંચ સર્જાવાની છે. ગંભીર વાતને કૉમેડીના મિશ્રણ સાથે હળવી રીતે આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.

મુંબઈની ઇન્ટરનૅશનલ સ્પર્મ-બૅન્ક

મુંબઈમાં મોટાં ફર્ટિલિટી ક્લિનિકોમાં નાના પાયે સ્પર્મ-ડોનરની યાદી પ્રાપ્ય હોય છે. કેટલાક ફર્ટિલિટી એક્સપર્ટ્સને ત્યાં પણ જરૂર પડ્યે સ્પર્મ-ડોનર્સ પાસેથી તમને જોઈએ એવા ગુણો ધરાવતા પુરુષનું વીર્ય મળી જાય એવી વ્યવસ્થા હોય છે. જોકે અહીં ઑપ્શન્સ ખૂબ ઓછા હોય છે. આંતરરાષ્ટ્રીય સ્તરની મૂળ ડેન્માર્કની ક્રાયો ઇન્ટરનૅશનલ સ્પર્મ-બૅન્ક હજી દોઢેક વરસ પહેલાં જ મુંબઈમાં ખૂલી છે. મુલુંડ (વેસ્ટ)માં એની મેઇન ઑફિસ છે.
અહીં મોટા પાયે સ્પર્મ-ડોનર્સનાં સૅમ્પલ્સ સચવાયેલાં હોય છે. માત્ર ડોનેશનના હેતુથી જ નહીં, ભવિષ્યમાં પોતાને જ જરૂર પડે તો વાપરી શકાય એવા હેતુથી યંગસ્ટર્સ પોતાનું વીર્ય અહીં પ્રિઝર્વ કરી શકે એવી વ્યવસ્થા છે. અહીં ઑફિશ્યલી એક વાર વીર્યદાન કરવાના આશરે ૧૦૦૦ રૂપિયા મળે છે.

સ્પર્મ-ડોનેશનની આંકડાબાજી

દર વર્ષે બે લાખથી વધુ બાળકો સ્પર્મ-ડોનેશનથી જન્મે છે. એકલા અમેરિકામાં જ ૬૦,૦૦૦ બાળકો જન્મે છે. ભારત જેવા મોટા ભાગના દેશોમાં સ્પર્મ-ડોનેશનથી પેદા થતાં બાળકોની સંખ્યા ખૂબ ઓછી છે અને મોટા ભાગે એનો કોઈ રેકૉર્ડ નથી થતો.
ફ્રાન્સ અને યુરોપિયન દેશોમાં એક પુરુષ વધુમાં વધુ દસ ફૅમિલીને જ વીર્યનું દાન કરી શકે એવો નિયમ છે. જોકે કોઈ ફૅમિલીને બીજું, ત્રીજું બાળક જોઈતું હોય તો તેઓ એક જ ડોનરના સ્પર્મ વાપરી શકે છે.
અમેરિકામાં દર ૮,૦૦,૦૦૦ની વસ્તીએ એક પુરુષ વધુમાં વધુ ૨૫ બાળકો પેદા કરી શકે એવો કાયદો છે. જોકે આ કાયદો સાવ પાંગળો છે, કેમ કે એનો મતલબ એ થાય છે કે એક પુરુષ અમેરિકાનાં વિવિધ શહેરોમાં ૨૫-૨૫ એમ ગણતરી કરીને અગણિત બાળકો પેદા કરી શકે છે જે અનલિમિટેડ જ કહેવાય.
સ્પર્મ-બૅન્કમાં ડોનેટ કરવા રાજી થતા માત્ર ૪૦ ટકા પુરુષો જ હેલ્ધી સ્પર્મ-કાઉન્ટ ધરાવતા હોય છે. અન્ય રોગો, આદતો, જિનેટિકલ રોગોની શક્યતાઓ વગેરેનું સ્ક્રીનિંગ કર્યા પછી માંડ પાંચ ટકા પુરુષો જ સ્પર્મ ડોનેટ કરવા યોગ્ય ઠરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK